Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આરોગ્ય વીમો ખરીદતી વખતે કન્ઝ્યુમેબલ્સ બાબતે સ્પષ્ટતા કરી લેવી સારી

આરોગ્ય વીમો ખરીદતી વખતે કન્ઝ્યુમેબલ્સ બાબતે સ્પષ્ટતા કરી લેવી સારી

11 May, 2022 05:50 PM IST | Mumbai
Nisha Sanghvi

કન્ઝ્યુમેબલ્સ એટલે એ બધી વસ્તુઓ જે દરદીની સારવારમાં ઉપયોગમાં આવી હોય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આરોગ્ય વીમા હેઠળ જ્યારે પણ ક્લેમ કરવામાં આવે ત્યારે કંપનીઓ કન્ઝ્યુમેબલ્સની ગણતરી પણ ઘણું મહત્ત્વ ધરાવે છે. કન્ઝ્યુમેબલ્સ એટલે એ બધી વસ્તુઓ જે દરદીની સારવારમાં ઉપયોગમાં આવી હોય. એમાં એક વખત ઉપયોગ કરી લીધા બાદ ફેંકી દેવાયેલી વસ્તુઓ તથા બીજી અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે. જો આરોગ્ય વીમા હેઠળ કન્ઝ્યુમેબલ્સને સામેલ કરવામાં આવ્યાં ન હોય તો એનો બધો ખર્ચ દરદીએ સહન કરવો પડે છે. વર્ષ ૨૦૧૬માં ઇન્શ્યૉરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (ઇરડાઇ)એ વર્ષ ૨૦૧૨માં સૂચિત કરાયેલી ૧૯૯ વસ્તુઓની યાદીની સમીક્ષા કરી હતી. વીમા કંપનીઓ જેનો ખર્ચ ક્લેમમાં ચૂકવતી નથી એવી એ વસ્તુઓ હતી. આ યાદીમાંથી કઈ વસ્તુઓને ક્લેમમાં ગણવી અને કઈ વસ્તુઓને નહીં ગણવી એ નક્કી કરવાની વીમા કંપનીઓને છૂટ હોય છે. કેટલીક કંપનીઓએ કન્ઝ્યુમેબલ્સને પૉલિસીમાં પહેલેથી જ સ્થાન આપેલું હોય છે. બીજી કેટલીક કંપનીઓ એને વૈકલ્પિક રાખે છે, જેથી પૉલિસીધારકે પૉલિસી લેતી વખતે નક્કી કરવું કે એને સ્થાન આપવું કે નહીં. કેટલીક કંપનીઓ તો કન્ઝ્યુમેબલ્સને જરાય કવર કરતી નથી. 
રાઇડર ખર્ચ
કન્ઝ્યુમેબલ્સને રાઇડર ગણવામાં આવે તો કુલ પ્રીમિયમના લગભગ પાંચ ટકા જેટલી રકમ રાઇડર ખર્ચ તરીકે લેવાય છે. એનું કવરેજ વીમાની રકમ જેટલું હોય છે. 
હૉસ્પિટલના બિલમાં કન્ઝ્યુમેબલ્સના હિસ્સામાં વધારો
કોરોનાના સમયમાં હૉસ્પિટલના બિલમાં કન્ઝ્યુમેબલ્સનો હિસ્સો ઘણો વધી ગયો હતો. અગાઉ કુલ બિલમાં એનો હિસ્સો લગભગ ત્રણથી ચાર ટકા જેટલો રહેતો, પરંતુ કોરોના વખતે એનું પ્રમાણ ૨૫થી ૩૦ ટકા જેટલું થઈ ગયું. કોરોના વખતે પીપીઈ કિટ, માસ્ક, ગ્લવ્સ, ક્રીપ બેન્ડેજ વગેરે વસ્તુઓ વધારાની થઈ ગઈ હતી, જે ઉપયોગમાં લઈને તરત જ ફેંકી દેવાતી હતી. ભારતની હૉસ્પિટલોએ કોરોનાના સમયમાં પોતાના સ્ટાફ માટે રક્ષણાત્મક પોશાક અને વસ્તુઓ ફરજિયાત બનાવ્યાં હતાં. એમાં પીપીઈ કિટ, ગ્લવ્ઝ અને માસ્કનો સમાવેશ થતો હતો. હવે આરોગ્ય વીમા પૉલિસી લેતી વખતે કન્ઝ્યુમેબલ્સ બાબતે ધ્યાન આપવું અગત્યનું છે. 
કન્ઝ્યુમેબલ્સમાં કઈ-કઈ વસ્તુઓને ગણવામાં આવે છે?
નૉન મેડિકલ વસ્તુઓ : બૅબી ફૂડ, ઝેરોક્સ, કુરિયર ચાર્જિસ, નેબ્યુલાઇઝર કિટ, ડાયાબિટીક ફુટવેર, ની બ્રેસીસ, ઑક્સિજન માસ્ક, ઈસીજી ઇલેક્ટ્રોડ્સ વગેરે.
હાઉસકીપિંગ વસ્તુઓ : મિનરલ વૉટર, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, સ્લિપર, સૅનિટરી પૅડ્સ, ટિશ્યુ પેપર, દાંતિયો, શૅમ્પૂ, પાઉડર, હૅન્ડવૉશ, ડાયપર, ક્રેડલ, કૅરી બૅગ વગેરે.
સારવારનો ખર્ચ : રજિસ્ટ્રેશન ચાર્જિસ, યુરિન કન્ટેનર, બાઇપેપ મશીન, એચઆઇવી કિટ, આલ્કોહૉલ સ્વૉબ્સ, બલૂન સાઇન્યુપ્લાસ્ટી, ઓરલ કીમોથેરપી વગેરે.
રૂમ ચાર્જિસ : વિઝિટર પાસ, ટેલિફોન, ટીવી, ડીવીડી પ્લેયર, ઍર કન્ડિશનર, અટેન્ડન્ટ ચાર્જિસ, આઇવી ઇન્જેક્શન, લક્ઝરી ટૅક્, કાર્ડલ ચાર્જિસ વગેરે.
સર્જરીમાં વપરાતી વસ્તુઓ : કૉટન, રેઝર, નીડલ, સિરિન્જ, ગ્લવ્ઝ, માસ્ક, ગાઉન, સ્યુચર્સ, સર્જિકલ ટૅપ, ટોર્નિકેટ, થર્મોમીટર, સ્પ્લિન્ટ, સ્લિંગ, બ્રેસીસ, કોલર, હેર રિમૂવલ ક્રીમ, એપ્રન વગેરે.
કેટલીક મેડિકલ આઇટમ ૫૦થી લઈને ૫૦૦ રૂપિયા સુધીમાં આવે છે. એની ગુણવત્તા અને બ્રૅન્ડની પસંદગી ડૉક્ટર કે હૉસ્પિટલ પર આધાર રાખે છે. કેટલીક વાર અમુક વસ્તુઓ નકામી પણ જતી હોય છે. દા.ત. ૨૫૦ ગ્રામનો કૉટન રોલ તમારા માટે લીધો હોય અને એમાંથી ફક્ત ૫૦ ગ્રામ કૉટન વપરાયું હોય. બાકીનું ૨૦૦ ગ્રામ કૉટન ભલે આખું વપરાયું ન હોય તો પણ એનો સંપૂર્ણ ખર્ચ તમારા બિલમાં ઉમેરવામાં આવે છે.

સવાલ તમારા…



મારી આરોગ્ય વીમા પૉલિસી કન્ઝ્યુમેબલ્સ કવર કરતી નથી. હાલ ચાલી રહેલી પૉલિસીમાં એનો ઉમેરો કરાવી શકાય?
તમે વર્તમાન પૉલિસીમાં રિન્યુઅલ વખતે ઍડ ઑન રાઇડર કવર તરીકે એનો ઉમેરો કરાવી શકો છો. તમારી પાસે કન્ઝ્યુમેબલ્સ કવર કરતી હોય એવી કંપનીમાં તમારી પૉલિસી પોર્ટ કરાવવાનો વિકલ્પ પણ છે.


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2022 05:50 PM IST | Mumbai | Nisha Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK