Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રોકાણકારોના ૭.૩૬ લાખ કરોડ રૂપિયા ડૂલ નિફ્ટી ૧૧૫૦ પૉઇન્ટ ઘટવાની આશંકા

રોકાણકારોના ૭.૩૬ લાખ કરોડ રૂપિયા ડૂલ નિફ્ટી ૧૧૫૦ પૉઇન્ટ ઘટવાની આશંકા

10 May, 2024 06:48 AM IST | Mumbai
Anil Patel

સેન્સેક્સ ૧૦૬૨ પૉઇન્ટ ગગડ્યો

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


પાકિસ્તાની શૅરબજાર સેન્સેક્સ કરતાં આગળ નીકળી ગયું : બન્ને બજારનાં તમામ સેક્ટોરલ ખરડાયાં, ઑટો ઇન્ડેક્સ વિપરીત ચાલમાં ઑલટાઇમ હાઈ ઃ માર્કેટ બ્રેડ્થમાં બૂરાઈ, એનએસઈમાં એક શૅર વધ્યો સામે છ જાતો ઘટીઃ અદાણી-અંબાણીના તમામ શૅર માઇનસમાં, અદાણી પાવર અપવાદ રહ્યો : સ્ટેટ બૅન્કનાં અફલાતૂન પરિણામ, શૅર વિક્રમી સપાટી બતાવી સુધારામાં બંધ : પરિણામની પૂર્વસંધ્યાએ તાતા મોટર્સમાં સુધારો આગળ વધ્યો : હિન્દુસ્તાન પેટ્રોલિયમનું બે શૅરદીઠ એક બોનસ આવ્યું, શૅર ગગડ્યો : અનલિસ્ટેડ સબસિડિયરી સાથે મર્જરની યોજનામાં પિરામલ એન્ટરપ્રાઇઝ ખરડાયો : લોનના મામલે રિઝર્વ બૅન્કના નવા ફરમાનથી ફાઇનૅન્સ શૅરોમાં વેચવાલી

અબ કી બાર ૪૦૦ પારના યુફોરિયાનું ઍન્ટિ-ક્લાઇમેક્સ કામે લાગ્યું હોય એમ બજાર બગડવા માંડ્યું છે. સેન્સેક્સ આગલા બંધથી ૩૩ પૉઇન્ટ પ્લસમાં, ૭૩,૪૯૯ ખૂલી છેવટે ૧૦૬૨ પૉઇન્ટ લથડીને ૭૨,૪૦૪ તો નિફ્ટી ૩૩૫ પૉઇન્ટના ધોવાણમાં ૨૧,૯૬૭ બંધ થયો છે. ગુરુવારની ખરાબી રોકાણકારોને ૭.૩૬ લાખ કરોડમાં પડી છે. માર્કેટકૅપ આટલું ઘટી હવે ૩૯૩.૩૫ લાખ કરોડની અંદર આવી ગયું છે. નિફ્ટીમાં ૨૨,૯૭૦નું લેવલ તૂટી જતાં હવે નીચામાં ૨૦,૮૨૫ થવાની આશંકા વધી ગઈ છે. ચાર્ટવાળાના મતે ૧૯ એપ્રિલે નિફ્ટી ૨૧,૯૭૦નું લેવલ, જે ૧૦૦ દિવસની સિમ્પલ મૂવિંગ ડેઇલી ઍવરેજ છે એને ચકાસી બાઉન્સબૅક થયો હતો. આ લેવલ અકબંધ રહેતાં નિફ્ટીમાં નીચલા મથાળેથી ૪.૭ ટકાના વધારામાં ૨૨,૭૯૫ની ઑલટાઇમ હાઈ બની હતી, પરંતુ ત્યાર પછી માર્કેટ વધઘટે ઘટાડાતરફી ચાલમાં રહ્યું છે અને ગઈ કાલે ૨૧,૯૭૦નો સ્ટ્રૉન્ગ સપોર્ટ તૂટી ગયો છે એટલે હવે ૨૦,૮૨૫ સુધી જવાનું ફાટક ખૂલી ગયું છે, જે ૨૦૦ દિવસની મૂવિંગ ઍવરેજ છે. મતલબ કે બજાર હાલના લેવલથી વધુ ૧૧૫૦ પૉઇન્ટ કે સેન્સેક્સની રીતે આશરે ૪૦૦૦ પૉઇન્ટ જેવું ગગડી શકે છે. 

આ તો થઈ ચાર્ટવાળાની વાત. એક બીજી મહત્ત્વની વાત એ છે કે ગઈ કાલે પાકિસ્તાની શૅરબજાર ૯૬ પૉઇન્ટ વધીને ૭૨,૬૯૭ બંધ રહ્યું છે અર્થાત પાકિસ્તાની બજાર સેન્સેક્સ કરતાં આગળ નીકળી ગયું છે. આપણા ચૅનલોવાળા બબૂચકો અને મતલબી મીડિયા પાકિસ્તાન ખાડે ગયું છે એવો શોરબકોર કરતું રહ્યું છે અને ત્યાંનું શૅરબજાર વર્ષમાં ૭૬ ટકા વધી ગયું છે. ગુરુવારની ઑલરાઉન્ડ ખુવારીમાં બન્ને બજારના તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં ગયા છે. બે-ચાર હેવી વેઇટ્સની હૂંફમાં એકમાત્ર ઑટો ઇન્ડેક્સ અપવાદમાં ઑલટાઇમ હાઈ થઈ અડધો ટકો સુધર્યો છે. માર્કેટ બ્રેડ્થમાં ભારે ખરાબી જોવાઈ છે. એનએસઈ ખાતે વધેલા ૩૧૯ શૅરની સામે છ ગણા, ૧૯૧૬ શૅર બગડ્યા છે. એફઆઇઆઇ સતત વેચવાલ છે. ગઈ કાલે ૬૯૯૫ કરોડનું નેટ સેલિંગ કર્યું છે. આ સાથે ચાલુ મહિને કામકાજના છ દિવસમાં જ એફઆઇઆઇની રોકડી ૨૨,૮૫૮ કરોડ નોંધાઈ છે. ગયા મહિને ધોળિયાઓએ ૩૫,૬૯૨ કરોડનું નેટ સેલિંગ કર્યું હતું. બજારમાં હાલ મંદીવાળાનો હાથ ઉપર છે. હાઇનેટવર્થવાળા કે ડીપ પૉકેટવાળા રોકાણના મૂડમાં નથી. ચૂંટણીના પરિણામનું ચિત્ર ક્લિયરના થાય ત્યાં સુધી જોખમ લેવા તેઓ તૈયાર નથી. 

ધારણા મુજબનાં પરિણામ વચ્ચે લાર્સનમાં ૧૯૪ રૂપિયાનો કડાકો
સ્ટેટ બૅન્ક દ્વારા ધારણા કરતાં ઘણા સારા દેખાવમાં ૨૪ ટકાના વધારામાં ૨૦,૬૯૮ કરોડનો ત્રિમાસિક નફો મેળવી ૧૩૭૦ ટકાનું ડિવિડન્ડ જાહેર કરાયું છે. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ૩ ટકા વધી ૪૧,૬૫૬ કરોડ નોંધાઈ છે. બજારની એકંદર ધારણા ૦.૭ ટકાના વધારામાં ૪૦,૬૯૩ કરોડ નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ સાથે ૨૦ ટકાના ગાબડામાં ૧૩,૪૦૦ કરોડ જેવા ચોખ્ખા નફાની હતી. વેજ રિવિઝન કે વેતનવૃદ્ધિની વન ટાઇમ અસરને ધ્યાનમાં રાખી આ વેળા નફો ઘટવાની ગણતરી રખાઈ હતી. બહેતરીન પરિણામના પગલે શૅર સવાયા વૉલ્યુમે ૮૩૯ની વિક્રમી સપાટી બનાવી ૧.૧ ટકા વધી ૮૨૦ બંધ રહેતાં બજારને ૩૪ પૉઇન્ટનો ફાયદો થયો છે. હીરો મોટોકૉર્પ પણ સારા પરિણામનો કરન્ટ જાળવી રાખી ઉપરમાં ૪૯૨૨ બતાવી ૩.૩ ટકા કે ૧૫૧ રૂપિયાની આગેકૂચમાં ૪૭૬૫ બંધ આપી નિફ્ટીમાં મોખરે રહ્યો છે. ગ્રોસ માર્જિન એકાદ ટકો ઘટી ૧૦.૮ ટકા નોંધાયું છે. કોટક વાળાએ ટાર્ગેટ પ્રાઇસ ૧૦૦ રૂપિયા ઘટાડી ૩૦૦૦ કરવાની સાથે વેચવાની ભલામણ દોહરાવી છે. શૅર વૉલ્યુમ સાથે નીચામાં ૩૨૬૭ થઈ ૫.૬ ટકા કે ૧૯૪ રૂપિયા તૂટી ૩૨૯૧ બંધ રહી બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. બજારને ૨૦૦ પૉઇન્ટ નડ્યો છે. 


મહિન્દ્રના પરિણામ ૧૬મેએ છે. શૅર ૨૨૫૭ની વિક્રમી સપાટી બતાવી દોઢ ટકો વધી ૨૨૧૪ બંધ હતો. તાતા મોટર્સ ચાર ગણા કામકાજે પરિણામની પૂર્વસંધ્યાએ ઉપરમાં ૧૦૪૩ થઈ ૧.૯ ટકા વધી ૧૦૩૧ રહ્યો છે. એનો ડીવીઆર દોઢ ટકો વધીને ૬૯૨ હતો. એશિયન પેઇન્ટ્સે સવા ટકાના વધારામાં ૧૨૭૫ કરોડ નફો કર્યો છે, આવક અડધો ટકો ઘટી ૮૭૮૭ કરોડ થઈ છે. બજારની ધારણા ૯૦૧૨ કરોડની આવક અને ૧૩૧૩ કરોડના ત્રિમાસિક નફાની હતી. પરિણામના પગલે શૅર ખરડાઈ નીચામાં ૨૭૦૫ની વર્ષની બૉટમ બનાવી ૪.૫ ટકા કે ૧૨૮ રૂપિયા બગડી ૨૭૧૬ બંધ આવ્યો છે. આઇટીસીના પરિણામ ૨૩ મેએ આવવાના છે. શૅર દોઢા કામકાજમાં ૩.૩ ટકા લથડી ૪૨૬ બંધ થયો છે.

બીએસઈનાં બેહતરીન પરિણામ બેકાર ગયાં 
બીએસઈ લિમિટેડ દ્વારા ખરેખર બહેતર પરિણામ જારી થયાં છે, પણ સમય ખરાબ હોવાથી શૅર ગઈ કાલે પોણાચાર ટકા કે ૧૦૯ રૂપિયા બગડી ૨૭૧૦ બંધ રહ્યો છે. કંપનીએ ત્રિમાસિક ગાળામાં ૧૧૦ ટકાના વધારામાં ૫૪૫ કરોડની આવક પર ૨૦.૬ ટકાના વૃદ્ધિદરથી ૧૦૭ કરોડનો કન્સોલિડેટેડ નેટ પ્રૉફિટ દર્શાવી શૅરદીઠ ૧૫નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. સેબી તરફથી એફઍન્ડઓના મામલે ફીની ગણતરી નૉશનલ ઓવરના આધારે કરી એની વસૂલાત માટે જે આદેશ ફરમાવાયો છે એના કારણે બીએસઈને આ ત્રિમાસિક ગાળામાં ૧૭૦ કરોડની જોગવાઈ કરવી પડી છે. સેબીની વસૂલી ખાવી ન હોત તો ત્રિમાસિક નફો પોણાત્રણસો કરોડનો નોંધાયો હોત. ટીવીએસ મોટર્સ સારા પરિણામમાં ૮ ગણા કામકાજે ઉપરમાં ૨૧૨૧ વટાવી પોણાત્રણ ટકા વધીને ૨૦૬૧ થયો છે.  

બજાજ કન્ઝ્યુમર ફ્લૅટ રિઝલ્ટમાં સાડાસાત ટકા તૂટીને ૨૪૧ બંધ હતો. સુલા વાઇન યાર્ડ્સનો ત્રિમાસિક નફો ચાર ટકા ઘટીને આવતાં શૅર સવાઆઠ ટકાની ખરાબીમાં ૪૯૭ નીચે ગયો છે. 
પિરામલ એન્ટરપ્રાઇઝિસ ૧૯૬ કરોડની ખોટમાંથી ૧૩૭ કરોડના નફામાં આવી છે, પણ કંપની તરફથી અનલિસ્ટેડ સબસિડિયરી પિરામલ કૅપિટલ ઍન્ડ હાઉસિંગમાં મર્જ થવાનું નક્કી થયું છે. આ મર્જરથી નવી કંપની પિરામલ ફાઇનૅન્સ અસ્તિત્વમાં આવશે. પિરામલ એન્ટરના શૅરધારકોને મજર બદલ પ્રત્યેક શૅરદીઠ નવી કંપનીનો એક શૅર બદલામાં મળશે. પિરામલ એન્ટર.નો શૅર ગઈ કાલે પોણાનવ ટકા તૂટી ૮૧૬ બંધ હતો. 

બૅન્કિંગના ૪૧માંથી ૩૬ શૅર ડાઉન, ફાઇનૅન્સ સેક્ટર ડહોળાયું
રિઝર્વ બૅન્ક તરફથી નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓને વ્યક્તિગત ધિરાણના મામલે લોન પેટે ૨૦,૦૦૦ રૂપિયાથી વધુ રકમ રોકડમાં નહીં આપવા ફરમાન કર્યું છે. એના પગલે મુથૂટ માઇક્રોફીન પોણાછ ટકા, મનપ્પુરમ ફાઇનૅન્સ આઠ ટકા, મુથૂટ ફાઇનૅન્સ સાડાત્રણ ટકા, મુથૂટ કૅપિટલ સવાસાત ટકા ડૂલ થઈ હતી. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૯માંથી ૧૩૩ શૅરની નબળાઈમાં પોણાબે ટકા બગડ્યો છે. પેટીએમ ૩૧૦ની નવી ઑલટાઇમ બૉટમ બનાવી પાંચ ટકાની ઉપલી સર્કિટે ૩૩૩ થઈ છે. એલઆઇસી ત્રણ ટકાની નરમાઈમાં ૯૦૨ હતી. તાતા ઇન્વેસ્ટમેન્ટ ૫ ટકાની વધુ એક તેજીની સર્કિટમાં ૬૮૩૪ વટાવી ગઈ છે. બૅન્ક નિફ્ટી એક ટકાથી વધુ કે ૫૩૩ પૉઇન્ટ ખરડાયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી એક જ શૅર પ્લસ હોવા છતાં માત્ર પોણો ટકો નરમ હતો. બૅન્કિંગના ૪૧માંથી ૩૬ શૅર ઘટ્યા છે. પીએનબી નફામાં ૧૬૦  ટકાના વધારામાંય સવાબે ટકા ઘટી ૧૨૨ રહી છે. એચડીએફસી બૅન્ક સવાબે ટકા બગડી ૧૪૪૮ના બંધમાં બજારને ૨૨૫ પૉઇન્ટ નડી છે. ઇન્ડસઇન્ડ ૨.૯ ટકા, બજાર ફાઇ. પોણાત્રણ ટકા, ઍક્સિસ બૅન્ક સવા ટકો નરમ હતી. બંધન બૅન્ક દોઢ ટકો સુધરી છે. 

વડા પ્રધાનના વાણીવિલાસમાં અદાણી-અંબાણીના શૅર ખરડાયા
મોદીજીએ તેમના બેલગામ ચુનાવી પ્રચારમાં અદાણી-અંબાણીને ઘસડી લાવી વિવાદનાં વમળ પેદાં કર્યાં છે. વિપક્ષની અદાણી-અંબાણી સાથે છૂપી સાઠગાંઠ હોવાની અને ટેમ્પો ભરી-ભરીને નોટોના થોડકા મળતા હોવાનો આક્ષેપ કરી સૌને ચોંકાવી દીધા છે. આવાં નિવેદન કરી મોદીજીએ માસ્ટર સ્ટ્રોક માર્યો છે કે પછી તેમનો વિક્ષેપ છતો કર્યો છે એની અમને ખબર નથી, પરંતુ ચૂંટણી પ્રચારમાં આ પ્રકારની કે આવા દરજ્જાની વાતો કદાચ નરેન્દ્ર મોદીને શોભતી હશે, દેશના વડા પ્રધાન મોદીને હરગિજ નહીં શોભે. કૉર્પોરેટ વર્તુળો પણ અંદરખાને માની રહ્યા છે કે મગજ પર ખોટી ગરમી ચડી ગઈ હશે, હીટવેવ ચાલે છેને. ઍની વે, હવે પછી પરિણામ આવે નહીં ત્યાં સુધી અદાણી-અંબાણીના શૅરોને લઈ બજારમાં માનસ સાવચેતીનું રહે તો નવાઈ નહીં. 


રિલાયન્સ ગઈ કાલે સરેરાશથી અડધા વૉલ્યુમે નીચામાં ૨૭૮૦ થઈ પોણાબે ટકાથી વધુની ખરાબીમાં ૨૭૮૫ની અંદર રહી બજારને નડ્યો છે. રિલાયન્સના અન્ય શૅરમાં જિયો ફાઇનૅન્શિયલ અઢી ટકા, રિલાયન્સ ઇન્ડ. ઇન્ફ્રા સવાચાર ટકા, નેટવર્ક-૧૮ ચાર ટકા, ટીવી-૧૮ પાંચ ટકા, જસ્ટ ડાયલ સાડાચાર ટકા, હૅથવે કેબલ્સ ત્રણ ટકાથી વધુ, લોટસ ચૉકલેટ અને આલોક ઇન્ડસ્ટ્રીઝ દોઢેક ટકા, સ્ટર્લિંગ વિલ્સન પાંચ ટકાની નીચલી સર્કિટમાં જઈ ગગડ્યા છે. અદાણી ગ્રુપની ફ્લૅગશિપ અદાણી એન્ટર. સવાત્રણ ટકા તૂટીને ૨૭૬૮ રહી છે. અદાણી પોર્ટ્સ અઢી ટકા, અદાણી એનર્જી સવાત્રણ ટકા, અદાણી ગ્રીન ૩.૪ ટકા, અદાણી ટોટલ સવાબે ટકા, અદાણી વિલ્મર દોઢ ટકા, અંબુજા સિમેન્ટ્સ સાડાત્રણ ટકા નજીક, એસીસી એક ટકાથી વધુ, સાંધી ઇન્ડસ્ટ્રીઝ અઢી ટકા, એનડીટીવી એક ટકો કટ થઈ છે. અદાણી ગ્રુપના ૧૧ શૅરમાંથી એક માત્ર અદાણી પાવર પોણાછ ટકાના જમ્પમાં ૬૧૩ બંધ આપીને અપવાદ રહ્યો છે. અદાણી સાથે સંબંધિત ક્વિન્ટ ડિજિટલ પોણાસાત ટકાની ખરાબીમાં ૯૬ તો મોનાર્ક નેટવર્થ અડધો ટકો સુધરી ૫૪૩ બંધ આવી છે. મુકેશ અંબાણીના પરમ સખા આનંદ જૈનની જયકૉર્પ પાંચ ટકા લથડી ૨૮૯ થઈ છે. બાય ધ વે, પતંજલિ ફૂડ્સ સાડાત્રણ ટકાની વધુ નરમાઈમાં ૧૩૫૫ હતી. સુભાષ ગોએલની ૬ ટકા જેવા ધોવાણમાં ૧૫.૬૭ રહી છે. 

પાવર, ઑઇલ-ગૅસ, યુટિલિટીઝ, એનર્જી સેક્ટરમાં સાગમટે અંધારપટ 
હિન્દુસ્તાન પેટ્રોલિયમે બે શૅરદીઠ એક બોનસ જાહેર કર્યું છે. રેકૉર્ડ ડેટ ૨૧ જૂન ઠરાવી છે. આ ઉપરાંત શૅરદીઠ સાડાસોળ રૂપિયાનું ડિવિડન્ડ પણ ડીક્લેર્ડ થયું છે, પંરતુ શૅર ૫૨૮ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૪૯૭ થઈ ચાર ટકા લપસી ૫૦૨ બંધ આવ્યો છે. ભારત પેટ્રોમાં પણ પરિણામ અને બોનસ માટેની બોર્ડ મીટિંગ મળવાની હતી. શૅર એના આઉટકમ પૂર્વે દોઢા કામકાજે ૬૩૨ની ઇન્ટ્રા-ડે ટૉપથી નીચામાં ૫૯૦ થઈ ૪.૪ ટકા બગડી ૫૯૩ બંધ રહ્યો છે. ગઈ કાલે એનર્જી ઇન્ડેક્સ ૩.૩ ટકા, ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક ૩.૪ ટકા, પાવર યુટિલિટી બેન્ચમાર્ક અઢી ટકા ડૂલ થયા હતા. ઓએનજીસી ચાર ટકા ગગડી ૨૬૬ હતો, એના પરિણામ ૨૦મીએ છે. ઇન્ડિયન ઑઇલ ચાર ટકા, પેટ્રોનેટ ૩.૮ ટકા, ઇન્દ્રપ્રસ્થ ગૅસ અઢી ટકા, ગેઇલ ૩.૪ ટકા, હિન્દુ. ઑઇલ એક્સ્પ્લોરેશન ૪.૮ ટકા, કોલ ઇન્ડિયા ૪.૨ ટકા, ગલ્ફ ઑઇલ પાંચ ટકા, એમઆરપીએલ ત્રણ ટકા, કેસ્ટ્રોલ ચાર ટકા, ઑઇલ ઇન્ડિયા ચાર ટકા, મહાનગર ગૅસ અઢી ટકા, જિંદલ ડ્રિલિંગ ૪.૬ ટકા, ચેન્નઈ પેટ્રો ૪.૬ ટકા ડૂલ થઈ હતી. તાતા પાવર દ્વારા ૧૧.૪ ટકાના વૃદ્ધિદરમાં ૧૦૪૬ કરોડ જેવો ત્રિમાસિક નફો દર્શાવાયો છે.

કોટક તરફથી ૨૬૫ અને સીએલએસએ દ્વારા ૨૯૭ની ટાર્ગેટ પ્રાઇસથી સેલનું રેટિંગ જાળવી રખાયું છે. શૅર ગઈ કાલે સવાત્રણ ગણા વૉલ્યુમે ૫ ટકાના અંધારપટમાં ૪૧૪ બંધ આવ્યો છે વારિ રીન્યુએબલ, કેપીઆઇ ગ્રીન, ગુજરાત ઇન્ડ. પાવર, એનએચપીસી, પીટીસી, ઈએમએસ લિમિટેડ ૫થી ૬ ટકા કટ થઈ હતી. રિલાયન્સ ઇન્ફ્રા, જેપી પાવર, સતલજ જલ વિદ્યુત, આઇનોક્સ ગ્રીન, જેએસડબ્લ્યુ એનર્જી, એનએલસી ઇન્ડિયા, રિલાયન્સ પાવર, સિમેન્સ, એબીબી ઇન્ડિયા, ભેલ જેવી જાતો ત્રણથી પોણાપાંચ ટકા લથડી છે. એનર્જી તથા ઑઇલ-ગૅસ ઇન્ડેક્સના તમામ શૅર ઘટ્યા છે. પાવર યુટિલિટીઝમાં અદાણી પાવર એક માત્ર અપવાદ બન્યો છે. 

Whatsapp-channel Whatsapp-channel

10 May, 2024 06:48 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK