કર્ણાટકની ચૂંટણીનાં પરિણામો પર શૅરબજારના રોકાણકારોની નજર : સેન્સેક્સમાં ૧૭૯ પૉઇન્ટ અને નિફ્ટીમાં ૪૯ પૉઇન્ટનો સુધારો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારતીય શૅરબજારમાં દિવસ દરમ્યાન વૉલેટાઇલ ચાલ વચ્ચે પણ પસંદગીના ઑઇલ, બૅન્કિંગ અને ઑટો શૅરોમાં ખરીદીના સથવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં મજબૂતાઈ જોવા મળી હતી. રોકાણકારો આગામી ચાલ માટે અમેરિકાના ફુગાવાના ડેટાઓ અને કર્ણાટકની ચૂંટણીનાં પરિણામો પર નજર રાખી રહ્યા છે. જોકે મોડી સાંજે અમેરિકાના ફુગાવાના આંકડાઓ જાહેર થયા હતા, જે બે વર્ષમાં પહેલી વાર પાંચ ટકાની અંદર આવ્યો હતો અને ગ્રાહક આધારિત ફુગાવો એપ્રિલનો ૪.૯ ટકા આવ્યો હતો. ફુગાવો ઘટ્યો છે, પરંતુ અમેરિકન ફેડરલ બૅન્કના બે ટકાના લક્ષ્યાંક કરતાં હજી બમણાથી પણ ઉપર છે, જે અમેરિકાના વ્યાજદર ઘટાડાની આશા પર પાણી ફેરવી શકે છે.
નિફ્ટીમાં સતત ત્રીજા દિવસે સુધારાની ચાલ
ADVERTISEMENT
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનો બેન્ચમાર્ક ઇન્ડેકસ સેન્સેક્સ ૧૭૮.૮૭ પૉઇન્ટ અથવા તો ૦.૨૯ ટકા વધીને ૬૧,૯૪૦.૨૦ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં સમાવિષ્ઠ ૩૦ શૅરોમાંથી બાવીસ શૅરોમાં સુધારો હતો, જ્યારે આઠ કંપનીના શૅરમાં ઘટાડો થયો હતો. નિફ્ટીમાં પણ સતત ત્રીજા દિવસે ૪૯.૧૫ પૉઇન્ટ અથવા તો ૦.૨૭ ટકાનો વધારો થઈને ૧૮,૩૧૫.૧૦ પર બંધ સપાટી જોવા મળી હતી.
સેન્સેક્સ કંપનીઓમાં ઇન્ડસઇન્ડ બૅન્ક સૌથી વધુ ૨.૮૪ ટકા વધ્યો હતો. પાવર ગ્રીડ, તાતા મોટર્સ, બજાજ ફાઇનૅન્સ, એનટીપીસી, એચડીએફસી બૅન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, નેસ્લે અને કોટક મહિન્દ્ર બૅન્ક મુખ્ય ઊછળ્યા હતા. ઇન્ફોસિસ સૌથી વધુ ૦.૫૯ ટકા ઘટ્યો હતો. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, તાતા સ્ટીલ, હિન્દુસ્તાન યુનિલીવર અને ટાઇટન પાછળ રહી ગયા હતા.
વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વિશે રોકાણકારો સાવચેત
જિયોજિત ફાઇનૅન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે અમેરિકન શૅરબજારની આસપાસની અનિશ્ચિતતાઓને કારણે રોકાણકારોએ મક્કમ દિશા અપનાવવાનું ટાળ્યું હોવાથી સ્થાનિક બજાર ફ્લેટલાઇનની નજીક ટ્રેડ જોવા મળ્યું હતું.
વૈશ્વિક સ્તરે મૂડીરોકાણકારોએ અમેરિકાના ફુગાવાના ડેટા અને નાણાકીય ચિંતાઓ વિશે ચર્ચા કરવા અમેરિકન રાજકીય નેતાઓ વચ્ચેની બેઠકની અપેક્ષામાં સાવચેતી રાખી હતી. નાયરે ઉમેર્યું હતું કે ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો થયો હતો, કારણ કે અમેરિકામાં ક્રૂડના સ્ટૉકમાં આશ્ચર્યજનક ઉછાળો જોવા મળ્યો હતો, જે માગમાં સંભવિત નબળાઈ સૂચવે છે.
રેલિગેર બ્રોકિંગ લિમિટેડના વીપી - ટેક્નિકલ રિસર્ચ, અજિત મિશ્રાએ જણાવ્યું હતું કે શૅરબજારમાં કૉન્સોલિડેશનની સ્થિતિ હતી અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળી નહોતી. તેમણે ઉમેર્યું હતું કે રિયલ્ટી, એનર્જી અને ઑટોમાં પસંદગીની ખરીદીએ ટ્રેડરોને વ્યસ્ત રાખ્યા હતા.
રિયલ્ટી, ઑટો, એનર્જી ઇન્ડેક્સમાં સુધારો, આઇટી-ટેક શૅરો ઘટ્યા
બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડ કૅપ ૦.૩૪ ટકા અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૩૩ ટકા વધ્યો હતો. સૂચકાંકોમાં રિયલ્ટી ૦.૯૬ ટકા, ઑઇલ ઍન્ડ ગૅસ ૦.૭૯ ટકા, ઑટો ૦.૭૩ ટકા, એનર્જી ૦.૭૧ ટકા અને યુટિલિટીઝ ૦.૫૧ ટકા વધ્યા હતા. કૉમોડિટીઝ, આઇટી, ટેલિકમ્યુનિકેશન, મેટલ અને ટેક શૅરો ઘટ્યા હતા.
નિફ્ટીમાં છેલ્લા કલાક દરમ્યાન ખરીદીને કારણે ઇન્ડેક્સને ગ્રીન ઝોનમાં બંધ થવામાં મદદ મળી હતી.
એશિયા-યુરોપનાં મોટા ભાગનાં શૅરબજારમાં નરમાઈ
અમેરિકાના ફુગાવાના આંકડાઓ પૂર્વે બુધવારે વૈશ્વિક શૅરબજારો સુસ્ત હતાં જે આ વર્ષના અંતમાં વ્યાજદરમાં કાપની આશાને અસર કરી શકે છે, જ્યારે રાષ્ટ્રપતિ જો બાઇડન દેવાની ટોચમર્યાદાને તોડવામાં પણ નિષ્ફળ જઈ શકે એની અસર પણ બજાર પર જોવા મળી હતી, એમ એચડીએફસી સિક્યૉરિટીઝના રીટેલ રિસર્ચ હેડ દીપક જસાણીએ જણાવ્યું હતું.
એશિયામાં, યુએસ બજારોમાં રાતોરાત નુકસાનને પગલે સિયોલ, ટોક્યો, શાંઘાઈ અને હૉન્ગકૉન્ગનાં બજારો નીચા બંધ થયાં હતાં. યુરોપિયન ઇક્વિટી માર્કેટ પણ ઘટીને બંધ થયાં હતાં.
મહેતા ઇક્વિટીઝ લિમિટેડના વરિષ્ઠ વીપી (સંશોધન) પ્રશાંત તાપસેએ જણાવ્યું હતું કે એપ્રિલ માટે અમેરિકાના ફુગાવાના ડેટા પર આતુરતાથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, કારણ કે આ રેટ મોરચે ફેડની આગામી કાર્યવાહી વિશે કેટલાક સંકેત આપશે.
કર્ણાટકના એક્ઝિટ પોલ બાદ હવે પરિણામો પર બજારની નજર
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બુધવારે પૂરી થઈ હતી અને એક્ઝિટ પોલનાં પરિણામો જાહેર થયાં હતાં. એક્ઝિટ પોલની અસર શૅરબજારમાં એક-બે દિવસ જોવા મળશે, પરંતુ બજારના ખેલાડીઓની નજર ૧૩ મેએ ચૂંટણીનાં પરિણામો જાહેર થાય એના પર રહેલી છે. લોકસભાની ૨૦૨૪માં ચૂંટણી આવે એ પહેલાં કર્ણાટકનાં પરિણામોં અગત્યનાં છે, જે મતદારોના મૂડનો સંકેત આપે છે.


