ટૅરિફ લાગુ કરવા માટે ડિરેક્ટરેટ જનરલ ઑફ ટ્રેડ રેમેડીઝ (DGTR)એ સરકારને ભલામણ કરી હતી, જેને સુરક્ષા શુલ્ક કહેવામાં આવી રહ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
ભારત સરકાર ટૂંક સમયમાં સ્ટીલની આયાત પર ૧૨ ટકાની અસ્થાયી ટૅરિફ લગાવવા જઈ રહી છે. આ નિર્ણયનો હેતુ ચીન અને અન્ય દેશમાંથી થઈ રહેલા સસ્તા સ્ટીલની ઇમ્પોર્ટ પર રોક લગાવવાનો છે, જે છેલ્લાં ઘણાં વર્ષોથી દેશની ઘરેલુ સ્ટીલ-મિલો માટે એક પડકાર બની ગયો છે. આ ટૅરિફ લાગુ કરવા માટે ડિરેક્ટરેટ જનરલ ઑફ ટ્રેડ રેમેડીઝ (DGTR)એ સરકારને ભલામણ કરી હતી, જેને સુરક્ષા શુલ્ક કહેવામાં આવી રહ્યું છે.
ભારત દુનિયાનું બીજું સૌથી મોટું ક્રૂડ સ્ટીલ પ્રોડ્યુસર હોવા છતાં ૨૦૨૪-’૨૫માં સતત બીજા વર્ષે તૈયાર સ્ટીલનું નેટ ઇમ્પોર્ટર બની ગયું છે. સરકારી આંકડા અનુસાર ગયા વર્ષે ભારતમાં તૈયાર સ્ટીલની આયાત ૯.૫ મિલ્યન મેટ્રિક ટન પર પહોંચી ગઈ હતી જે ૯ વર્ષમાં સૌથી વધુ છે. ભારતની કુલ સ્ટીલ ઇમ્પોર્ટમાં ચીન, સાઉથ કોરિયા અને જપાનનું યોગદાન ૭૮ ટકા રહ્યું છે. આ વધતી આયાતને કારણે દેશની નાની સ્ટીલ કંપનીઓ ઉત્પાદન ઘટાડવા અને નોકરીમાં કાપ મૂકવા મજબૂર બની છે.


