Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > યુરોપ ટેક્નિકલી મંદીમાં, અમેરિકા અને ચીનમાં સ્લોડાઉન, ઑલ રોડ્સ લીડ ટુ ઇન્ડિયા

યુરોપ ટેક્નિકલી મંદીમાં, અમેરિકા અને ચીનમાં સ્લોડાઉન, ઑલ રોડ્સ લીડ ટુ ઇન્ડિયા

Published : 12 June, 2023 02:40 PM | IST | Mumbai
Jitendra Sanghvi

રિઝર્વ બૅન્ક લાંબા ગાળાના વિકાસ માટે ભાવવધારા સામેનાં જોખમો બાબતે સતર્ક

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

આર્થિક પ્રવાહ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ગયા અઠવાડિયે વિશ્વ બૅન્કે ૨૦૨૩માં વિશ્વનું અર્થતત્ર ધીમું પડી રહ્યું હોવાની ફરી એક વાર ચેવતણી આપી છે. ૨૦૨૩માં વિશ્વના આર્થિક વિકાસનો દર ઘટીને ૨.૧ ટકા થશે (૨૦૨૨માં ૩.૧ ટકા). બૅન્કે ૨૦૨૪ માટેના એના અગાઉના અંદાજમાં પણ ઘટાડો કર્યો છે. કારણ? ભાવવધારાને રોકવા માટે કરાતા વ્યાજદરના વધારાને લીધે વપરાશખર્ચમાં થઈ રહેલો ઘટાડો. જર્મની, ગ્રીસ અને આયરલૅન્ડ મંદીમાં સપડાયા બાદ હવે માર્ચ ક્વૉર્ટરમાં સતત બીજા ક્વૉર્ટર માટે આર્થિક વિકાસના નજીવા પણ ઘટાડા (૦.૧ ટકા) સાથે યુરો ઝોન પણ ટેક્નિકલી મંદીમાં પ્રવેશ્યું છે.
સરકારી દેવાનો પ્રશ્ન હાલ પૂરતો હલ થઈ ગયો છે, પણ લે-ઑફને કારણે અમેરિકામાં ગયા અઠવાડિયે બેરોજગારીમાં થયેલો વધારો ઑક્ટોબર ૨૦૨૧ પછીનો સૌથી ઊંચો છે. આમ વિશ્વના ધીમા પડી રહેલા અર્થતંત્રની પરવા કર્યા વિના યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક વ્યાજદરનો વધારો ચાલુ રાખશે એવા સંકેત મળે છે, તો ફેડના અધિકારીઓનાં નિવેદન પરથી ફેડરલ રિઝર્વ ચાલુ અઠવાડિયે (જૂન ૧૪) જાહેર થનારી પૉલિસીમાં ૧૫ મહિના પછી વ્યાજદરના વધારા પર બ્રેક મારશે એવું તારણ કાઢી શકાય. વિશ્વના આર્થિક વિકાસનું એન્જિન ગણાતા ચીનની આર્થિક હાલત કફોડી બનતી જાય છે, એટલું જ નહીં, અમેરિકા અને ભારત સહિતના અનેક દેશો સાથેના એના રાજકીય સંબંધો પણ વણસતા જાય છે.

આ ઘટનાક્રમ વચ્ચે ભારત આર્થિક વિકાસના માર્ગે મક્કમ રીતે આગળ વધી રહ્યું છે. વિશ્વ બૅન્ક, આઇએમએફ કે ઓઈસીડીએ ભારતના આર્થિક વિકાસના દરનો તેમનો અગાઉનો અંદાજ ૨૫--૫૦ બેસિસ પૉઇન્ટ જેટલો ઘટાડ્યો હોય તો પણ એ વિશ્વનું સૌથી વધુ ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર છે એ વાત સર્વસ્વીકાર્ય કે બિનવિવાદાસ્પદ છે. રિઝર્વ બૅન્કની મૉનેટરી પૉલિસી કમિટીએ સર્વાનુમતિએ ફરી એક વાર વ્યાજદર યથાવત્ જાળવી રાખ્યા છે. ચાલુ સાઇકલમાં વ્યાજદર એની ટોચ પર પહોંચ્યા હોવાની વાત સ્વીકાર્ય બનતી જાય છે. ભાવવધારો ધીમો પડ્યો હોવા છતાં વૈશ્વિક પડકાર અને જોખમોને કારણે અને આપણું ચાલુ ચોમાસુ નબળું રહી શકે એ સંદર્ભમાં રિઝર્વ બૅન્કે ભાવવધારા બાબતે ઢીલાશ મૂકી શકાય એમ નથી એવું નિવેદન કર્યું છે. રિઝર્વ બૅન્કના ગવર્નર ડૉ. દાસના મતે આપણે હજી આપણા ભાવવધારાના ચાર ટકાના લક્ષ્યાંકથી દૂર છીએ એ વાત સતત ધ્યાનમાં રહેવી જોઈએ. ‘અલ નીનો’ની અસરને કારણે આપણા ખરીફ પાકમાં ઘટાડો થઈ શકે, એટલું જ નહીં, રવી (શિયાળુ) પાક ઓછો ઊતરવાની સંભાવના પણ નકારી શકાય એમ નથી. આવા સંજોગોમાં કૃષિ પેદાશોના અને અન્ય ખાદ્ય ચીજોના ભાવો વધે તો સામાન્ય ભાવવધારાનું ચિત્ર ખરાબ થઈ શકે. આ ભાવવધારાની આપણા ખાનગી વપરાશખર્ચ (જે વધી નથી રહ્યો) પરની વિપરીત અસરને કારણે આપણો આર્થિક વિકાસ ધીમો પડી શકે.



સરકારે સમયસર કૃષિ પેદાશોના લઘુતમ ટેકાના ભાવો સારા એવા વધારવાની જાહેરાત કરી છે, જેને કારણે જે-તે પાકનું વાવેતર વધી શકે પણ એ પાકના બજારના ભાવો વધે તો એની અસર પણ ભાવવધારા પર પડે. આપણા સેવાના ક્ષેત્રનો પીએમઆઇ મે મહિને (નજીવા ઘટાડા છતાં) છેલ્લા ૩૧ મહિનાનો સૌથી બીજા નંબરનો ઊંચો છે, જે આ ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યું હોવાનો પુરાવો છે. કંપનીઓના માર્ચ ક્વૉર્ટરનાં પરિણામો પણ આશાસ્પદ છે. આપણું સ્ટૉક માર્કેટ નવી ઊંચાઈ સર કરવા માટે સજ્જ થતું જાય છે. વિશ્વના અર્થતંત્ર પર સૌથી મોટી અનિશ્ચિતતા રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સર્જાયેલા જિયો-પૉલિટિકલ તણાવની છે. રશિયા વધુ ને વધુ આક્રમક બનીને યુક્રેનમાં જનજીવન અવરોધાય કે ખોરંભે ચડે એવી રીતે યુક્રેનની માળખાકીય સવલતો (ડૅમ પર રશિયાનો ઘા)ને તોડી પાડવામાં સતત વ્યસ્ત છે. યુક્રેન પણ અમેરિકા અને અન્ય દેશો તરફથી એને મળી રહેલા આર્થિક અને સંરક્ષણ વિશેની સહાયને કારણે રશિયાને હંફાવવાના બધા પ્રયાસ કરી રહ્યું છે.


યુરો ઝોનની મંદી પછી અર્થતંત્રના સુધારાની ધીમી શરૂઆત

યુરો ઝોનનું અર્થતંત્ર ટેક્નિકલી મંદીમાં પ્રવેશ્યું હોવાની વાતથી પૉલિસી મેકર્સને આંચકો લાગે એ સ્વાભાવિક છે, કારણ કે વારંવાર લોકો સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતી કે ભાવવધારો ભલે યુરો અમલમાં આવ્યા પછીનો સૌથી ઊંચો હોય, પણ અર્થતંત્ર મંદીમાં નહીં સરકે, પણ આ જ પૉલિસી મેકર્સ હવે એ વાતનો સંતોષ માનતા હોઈ શકે કે પ્રજાની મદદરૂપે અપાયેલા બિલ્યન્સ ઑફ યુરો એળે નથી ગયા. જો એ મદદ ન અપાઈ હોત તો આ ઝોનમાં ભયંકર મંદી આવી હોત અને અર્થતંત્ર સાવ ખાડે ગયું હોત. ચાલુ ક્વૉર્ટરમાં યુરો ઝોનના અર્થતંત્રમાં થોડા સુધારાનાં ચિહ્‍નો નજરે પડે છે. આર્થિક વિકાસનો દર આ વર્ષે ૧.૧ ટકા અને ૨૦૨૪માં ૧.૬ ટકા રહેશે, તો પણ ઈસીબી હાલ પૂરતું વ્યાજદર વધારવાની એની ઘણા સમયથી અમલમાં મૂકેલી નીતિમાં ફેરફાર નહીં કરે. ભાવવધારાને મહાત કરવો એ ટકાઉ આર્થિક વિકાસ માટેની પૂર્વશરત છે એમ ઈસીબી માને છે. ટૂંકમાં ભાવવધારો બે ટકાના લક્ષ્યાંકથી હજી પણ ત્રણ ગણો છે, એટલે મોંઘવારી અપેક્ષા કરતાં વધુ ઝડપે ઓછી થઈ રહી હોવા છતાં આ અઠવાડિયે ઈસીબી વ્યાજદરનો વધારો ચાલુ રાખે તો નવાઈ નહીં.


ભારત લાંબા ગાળાની અકબંધ આર્થિક સ્ટોરી સાથે હૉટ ફેવરિટ બનતું જાય છે

ચીનની માઠી દશા બેઠી હોય એમ ત્રણ દાયકાના સતત ઝડપી આર્થિક વિકાસ બાદ હવે અર્થતંત્ર માર ખાઈ રહ્યું હોય એવાં સ્પષ્ટ ચિહ્નો નજરે પડે છે. વૈશ્વિક ભાવવધારો, યુરો ઝોનની મંદીનો ફફડાટ અને અમેરિકા સાથેના સંબંધોમાં આવી રહેલી ઓટને કારણે ચીનની ચીજવસ્તુઓની માગ ઘટતી ચાલી છે. પરિણામે મે મહિનામાં ચીનની નિકાસમાં માત્ર બે ટકાના અપેક્ષિત ઘટાડા સામે આઠ ટકાનો ઘટાડો નોંધાયો છે (એપ્રિલમાં એની નિકાસ ૯ ટકા જેટલી વધી હતી). માર્ચ અને એપ્રિલના અપવાદ સિવાય આ નિકાસ છેલ્લા આઠ મહિનામાં સતત ઘટતી રહી છે. કદાચ એની ઝીરો કોવિડ પૉલિસી અને સખત લૉકડાઉન આજે ચીનને ભારે પડી રહ્યાં છે. પહેલેથી જ મોંઘવારીનો ભાર ખમી રહેલા અને આર્થિક વિકાસદરના ઘટાડાનો સામનો કરી રહેલા ચીન માટે મહામારી ઊંટની પીઠ પર લદાયેલા છેલ્લા તણખલા (લાસ્ટ સ્ટ્રૉ ઑન કૅમલ્સ બૅક) જેવી સાબિત થઈ છે. અમેરિકાની જેમ કલાઇમેટ ચેન્જનાં માઠાં પરિણામ ચીન પણ ભોગવી રહ્યું છે. કુદરત રૂઠી હોય એમ ભયંકર ગરમી અને કમોસમી વરસાદના પ્રકોપથી પણ ચીનની ખાનાખરાબી વધી છે. પશુઓનાં મોતનો તો કોઈ હિસાબ નથી; તો પાકને થયેલા નુકસાનનો પણ કોઈ અંદાજ આવે એમ નથી. આંકડાઓની ગોપનીયતાના અંચળા હેઠળ કદાચ આ સંદર્ભની સાચી માહિતી માત્ર ચીન સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થા સિવાય કોઈ પાસે નથી.

અમેરિકન અર્થતંત્ર પણ તકલીફમાં

ગયા અઠવાડિયે (જૂન ૩) અમેરિકામાં બેરોજગાર (જેમને સરકાર તરફથી નાણાકીય સહાય મળે છે)ની સંખ્યા ૨.૬ લાખ જેટલી વધી છે, જે છેલ્લા ૧૯ મહિનાનો સૌથી મોટો વધારો હતો. આ સાથે એક અઠવાડિયાથી વધુ સમય માટે સરકાર તરફથી ‘અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ’ મેળવનારની સંખ્યા ૧૮ લાખ જેટલી થઈ હતી. બૅન્ક તકલીફમાં આવે એટલે અમેરિકન્સ પોતાની ડિપોઝિટનાં નાણાં પાછાં ખેંચી લેવા માટે ઝડપથી સક્રિય બને છે. આ ઉપરાંત કલાઇમેટ ચેન્જ (હવામા વધતા જતા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ)ના જોખમની કરાતી અવગણના અમેરિકાને ભારે પડી રહી છે. એનાં મોટાં બે શહેરો (ન્યુ યૉર્ક અને વૉશિંગ્ટન) વિશ્વનાં સૌથી વધુ પ્રદૂષિત ૧૦ શહેરોમાં બીજા અને ત્રીજા નંબરે છે. કૅનેડાનાં જંગલોના દાવાનળનું પ્રદૂષણ નૉર્થ અમેરિકાને પ્રદૂષિત કરી રહ્યું છે (હવે નૉર્વે પછી એની માઠી અસર યુરોપ પર પડવામાં છે), જેની ગંભીર અસર અમેરિકાના અર્થતંત્ર, કૃષિ ક્ષેત્ર અને સ્વાસ્થ્યના ક્ષેત્ર પર વધુ પડી શકે. એપ્રિલમાં અમેરિકાની નિકાસ ઘટી છે અને આયાતો વધી છે. આની અવળી અસર જૂન ક્વૉર્ટરના આર્થિક વિકાસ પર પડી શકે.

રિઝર્વ બૅન્કે વ્યાજદર વધારવા બાબતે પોરો ખાધ

ભારતમાં ભાવવધારો ૬ ટકાની ઉપરની મર્યાદાથી નીચો ગયો છે. એપ્રિલમાં એ પાંચ ટકાથી પણ નીચો (૪.૭ ટકા) હતો. અર્થશાસ્ત્રીઓના એક સર્વે પ્રમાણે મે મહિનામાં તે હજી ઘટશે (૪.૩૫ ટકા). આ આંકડા જૂનની ૧૨મીએ બહાર પડશે. રિઝર્વ બૅન્કે ફિસ્કલ ૨૩ના આર્થિક વિકાસદરનો અંદાજ (૬.૫ ટકા) જાળવી રાખ્યો છે. ફિસ્કલ ૨૪ માટે ભાવવધારાનો અગાઉનો અંદાજ નજીવો ઘટાડ્યો છે (૫.૨ ટકામાંથી ૫.૧ ટકા), એટલે રિઝર્વ બૅન્કે વ્યાજદર વધાર્યા નથી; તો આ દર ઘટાડ્યા પણ નથી. જિયો-પૉલિટિકલ તણાવ અને ચોમાસાના દેખાવ વિશેની ભારોભાર અનિશ્ચિતતા વિશે નિશ્ચિતપણે કાંઈ કહી શકાય એમ નથી. એટલે ભાવવધારાનો ચાર ટકાનો બૅન્કનો લક્ષ્યાંક સિદ્ધ ન થાય ત્યાં સુધી વ્યાજદર ઘટાડવાનો નિર્ણય ઉતાવળિયો સાબિત થઈ શકે. રિઝર્વ બૅન્કના મતે આર્થિક વિકાસનો દર લાંબા સમય સુધી જળવાઈ રહે એ માટે ભાવવધારો ચાર ટકાએ સીમિત કરવો અનિવાર્ય છે.

ઑલ રોડ્સ લીડ ટુ ઇન્ડિયા

ભારતનું અર્થતંત્ર મોટા ભાગના મેક્રો-ઇકૉનૉમિક પૅરામીટર્સ બાબતે ધડાકા કરી રહ્યું છે. વિશ્વ બૅન્ક હોય, આઇએમએફ હોય કે ઓઈસીડી હોય, ભારતનું અર્થતંત્ર કોરોનાની મહામારીમાંથી બેઠું થયા પછી ઝડપથી રિકવરીના માર્ગે દોડી રહ્યું છે એ વિશે બધાનો એકમત છે. ચોવીસ જેટલી ઇન્ટરનૅશનલ બ્રૅન્ડ ચાલુ વર્ષે ભારતમાં પોતાની શૉપ્સ ખોલી રહી છે. ભારતનું વિદેશી હૂંડિયામણ અઠવાડિક વધ-ઘટ સાથે ૫૯૫ બિલ્યન ડૉલરે પહોંચ્યું છે (જૂન ૨). માળખાકીય સવલતો, ખાસ કરીને ટ્રાન્સપોર્ટના ક્ષેત્રે, ભારતની હરણફાળ મોટી છે. મુંબઈમાં આકાર લઈ રહેલો કોસ્ટલ રોડ, નવી મુંબઈનું ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ અને ૨૫ જેટલી મેટ્રો લાઇનોમાંના કેટલાક પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે. આ સ્કેલનું મૅસિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુંબઈની સિકલ બદલી શકે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની આગામી મુલાકાત સંરક્ષણ અને વેપાર ઉદ્યોગના ક્ષેત્રે મોટું મૂડીરોકાણ ખેંચી લાવશે. એ માટેનું હોમવર્ક ચાલી રહ્યું છે. ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રે જબરદસ્ત ક્રાન્તિ થઈ રહી છે. હાલ પૂરતું તો ‘ઑલ રોડ્સ લીડ ટુ ઇન્ડિયા’ જરા પણ અતિશયોક્તિ વગર કહી શકાય એમ છે.

Whatsapp-channel Whatsapp-channel

12 June, 2023 02:40 PM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK