વર્તમાન સમય આવનારા સમયનો જે સંકેત આપી રહ્યો છે એ દૃષ્ટિએ હાલ મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાઓમાં રોકાણ કરવાનાં આ કારણો સમજી રાખવામાં સાર

પ્રતીકાત્મક તસવીર
મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાઓનાં આમ તો વિવિધ લક્ષ્યો હોય છે. મ્યુચ્યુઅલ ફન્ડની ખાસિયત જ એ છે કે એનો વૈવિધ્યસભર ઉપયોગ થઈ શકે છે, એમાં સલામતી બહેતર છે, પ્રવાહિતા વધુ બહેતર છે. ફિઝિકલ અને ઑનલાઇન ધોરણે રોકાણ કરી શકવાના વિકલ્પ સરળ છે. ટૅક્સ રિલીફ પણ વાજબી છે. મ્યુચ્યુઅલ ફન્ડની અસલી મજા એ છે કે એમાં રોકાણ કરવાનું એવું સરળ રહે છે, જેને લીધે રોકાણકાર પોતે વ્યક્તિગત સ્ટૉક શોધવાની ઝંઝટમાંથી મુક્ત રહી શકે છે.
વ્યક્તિગત સ્ટૉક્સની મૂંઝવણો
વર્તમાન બજારને જુઓ કે ભાવિ યા ભૂતકાળના બજારને જુઓ, જો તમે સાચો સ્ટૉક પસંદ કર્યો હશે અને તમે એને લાંબો સમય જાળવી રાખ્યો હશે તો જ કમાણી કરી હશે યા કરી શકશો, કારણ કે શૅરબજારની વધ-ઘટમાં તમારા સ્ટૉક્સની પણ વધ-ઘટ થઈ હશે, જેને જોઈ તમે મોટે ભાગે એક તબક્કે નફો લઈને યા જે મળે છે એ લઈને નીકળી ગયા હશો. ચંચળ યા વૉલેટાઇલ માર્કેટમાં રોકાણકારની સાઇકોલૉજી આ કામ કરે જ છે, જ્યારે મ્યુચ્યુઅલ ફન્ડમાં આવું થવાની શક્યતા રહેતી નથી, કેમ કે તમારે વ્યક્તિગત સ્ટૉક્સને જોવાના નથી, તેમની વધ-ઘટ જોવાની નથી, પરિણામે મન ચલિત કે ચંચળ થતું નથી. તમને ખબર છે કે તમારા ફન્ડની યોજનામાં ઘણા વિભિન્ન સ્ટૉક્સ છે, જેનું મૅનેજમેન્ટ ફન્ડ મૅનેજર કરે છે. તમારે એની ચિંતા કરવાની નથી. ફન્ડ મૅનેજર પ્રોફેશનલ છે, તેની પાસે બજારનું જ્ઞાન છે, તેની એક્સપર્ટ ટીમ દિવસ-રાત માર્કેટ, ઇકૉનૉમી અને વ્યક્તિગત કંપનીઓનો અભ્યાસ કરતી રહે છે. કયા સ્ટૉક્સ ક્યારે ખરીદવા, ક્યારે વેચવા, કયા ભાવે સોદા કરવા વગેરેની જાણકારી ધરાવે છે, જેથી રોકાણકારોનું જોખમ અંકુશમાં રહે છે.
આ બાબત હાલ સમજવી જરૂરી
આ બધું બેઝિક હોવા છતાં અમે તમને આ બાબત અત્યારે કેમ સમજાવી રહ્યા છીએ? એનાં કારણો આ રહ્યાં. ભારતનું અર્થતંત્ર અને કૅપિટલ માર્કેટ અત્યારે એવા મુકામ પર છે, જ્યાંથી એનો ગ્રોથ ઝડપથી વધવાની સંભાવના ઊંચી છે. જો તમારે એનો લાભ લેવો હશે તો લાંબા ગાળાનું વિઝન અને લક્ષ્ય રાખવું જોઈશે. આગામી વરસના મધ્યમાં જનરલ ઇલેક્શન આવી રહ્યું છે, જેને પગલે બજારમાં વૉલેટિલિટી વધવાની શક્યતા પણ વધશે. આ વખતે બજેટની જાહેરાત નહીં હોય, પણ રાજકીય ખેલમાં ઘણી ચડ-ઊતર હોઈ શકે. ઓવરઑલ રાજકીય માહોલ જોતાં આ વખતે ખેલમાં વધુ રસાકસી હશે, જે માર્કેટને અસર કર્યા વિના રહી શકશે નહીં. આવા સમયમાં વ્યક્તિગત રોકાણકાર તરીકે તમને માર્કેટ મૂંઝવણમાં મૂકી શકે, પૅનિકમાં નાખી શકે, લાલચમાં પણ મૂકી શકે, પરંતુ જો તમે મ્યુચ્યુઅલ ફન્ડ સાથે હશો તો તમે આ મૂંઝવણથી મુક્ત રહી શકશો.
નાના બચતકારો માટે ખાસ
મ્યુચ્યુઅલ ફન્ડમાં રહેવું એટલે શું? એને પણ સરળ શબ્દોમાં સમજીએ. જો તમે નાની-નાની બચત સાથે આગળ વધી રહ્યા છો તો તમારી માટે એસઆઇપી (સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) ઉત્તમ રહેશે. તમે અત્યારથી આ પ્લાનમાં રોકાણ શરૂ કરો અથવા વધારતા રહો, કારણ કે આ પ્લાન જ તમને તેજી અને મંદી-બન્નેમાં ઉપયોગી થશે. આ વાત હવે જાહેર છે, છતાં સમજી લો કે તેજી એટલે કે વધારો-સુધારો હશે તો તમારા પ્લાનમાં મૂલ્યવૃદ્ધિ થશે અને મંદી એટલે માર્કેટમાં ઘટાડો થતો હશે તો તમારા યુનિટ્સમાં વૃદ્ધિ થશે. પણ હા, તમારે રોકાણને લાંબા ગાળાનું રાખવાનું છે એ યાદ રહે. મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરતી વખતે ચાર પાયાની બાબતનો લાભ મળે છે. એક, તમારો ફન્ડ મૅનેજર રિસ્કનું સંચાલન કરતો રહે છે, તમારા રોકાણનું નિરીક્ષણ કરતો રહે છે, તમારા ધ્યેય મુજબ રોકાણનું આયોજન અને જોખમનું મૅનેજમેન્ટ કરવા માટે રોકાણનું વૈવિધ્યકરણ રાખે છે.
સવાલ તમારા…
આ સમય રોકાણ માટે કેટલો યોગ્ય ગણાય?
પહેલી વાત તો લાંબા ગાળાના રોકાણ માટે ક્યારેય સમયને જોવો નહી, માર્કેટમાં સમયની વ્યાખ્યા અને પરિમાણ બદલાતાં રહે છે. સમયની દૃષ્ટિએ માર્કેટને સમજી શકાય નહીં યા એનું જજમેન્ટ લઈ શકાય નહીં. વાસ્તે, નિયમિત અને શિસ્તબદ્ધ રોકાણ ચાલુ કરો અને એને ચાલુ રાખો.