કોઈ પણ પ્રૉપર્ટીનું ટાઇટલ સૌથી વધુ મહત્ત્વની વસ્તુ હોય છે. આથી તમે જે પ્રૉપર્ટી ખરીદવા ઇચ્છો છો એનું ટાઇટલ ક્લિયર હોય એ અત્યંત જરૂરી છે
રેરા રેકનર
પ્રતીકાત્મક તસવીર
ઘરની ખરીદીને લગતાં વિવિધ પાસાં વિશે આપણે વાત કરી રહ્યા છીએ. પાછલા બે લેખોમાં આપણે પસંદગીનું સ્થાન, ફન્ડનું પ્લાનિંગ અને ફન્ડના પ્લાનિંગમાં હોમ લોનનો હિસ્સો એ બધા વિશે વાત કરી. આજે આ મુદ્દાને આગળ વધારીએ.
કોઈ પણ પ્રૉપર્ટીનું ટાઇટલ સૌથી વધુ મહત્ત્વની વસ્તુ હોય છે. આથી તમે જે પ્રૉપર્ટી ખરીદવા ઇચ્છો છો એનું ટાઇટલ ક્લિયર હોય એ અત્યંત જરૂરી છે. આ કાર્યમાં કાયદાના જાણકારોની મદદ લેવી અનિવાર્ય બની જાય છે. ટાઇટલ ક્લિયર છે એવું બ્રોકર કે વેચાણકર્તા કહી દે, પરંતુ તેમની વાતની પૂરેપૂરી ખાતરી કરી લેવી જોઈએ. કાયદાવિદ્ આપણને કેટલાક દસ્તાવેજોના આધારે કહી આપે છે કે ટાઇટલ ક્લિયર છે કે નહીં. કોઈ મિલકત ગિરવી રાખવામાં આવી હોય અથવા એના પર હોમ લોન હોય કે પછી પ્રૉપર્ટી કાર્ડમાં નામ છે કે નહીં એની ચકાસણી હોય, નિષ્ણાત આ બધી તપાસ કરીને આપે છે. ક્લિયર ટાઇટલ વગરની પ્રૉપર્ટી લઈને પછીથી પસ્તાવું એના કરતાં ઍડ્વોકેટની ફી ચૂકવીને ટાઇટલની તપાસ કરી લેવાનું વધુ સારું કહેવાય.
ADVERTISEMENT
ઍડ્વોકેટ પ્રૉપર્ટીની ખરીદી માટેનો દસ્તાવેજ ઘડવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોય છે. આથી યોગ્ય અને અનુભવી ઍડ્વોકેટની સેવાઓ લઈને ચિંતામુક્ત થવું જોઈએ.
વેચાણકર્તા સાથે મેમોરેન્ડમ ઑફ ઍગ્રીમેન્ટ બનાવવું, સંબંધિતો પાસે આવશ્યક એનઓસી (નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ) લેવું, પ્રૉપર્ટીના દસ્તાવેજોની નોંધણી કરાવવી, બૅન્ક-લોન માટે અરજી કરવી, મિલકતના ટ્રાન્સફરના દસ્તાવેજોની ચકાસણી કરવી વગેરે કામ કાનૂની સલાહકાર આસાનીથી કરી આપે છે. ‘જિસ કા કામ ઉસી કો સાજે’ એ ઉક્તિ અનુસાર કાયદાવિદ્ને કાયદાવિષયક કામકાજ કરવા આપવું જોઈએ. તેમને ચૂકવેલી ફી લેખે લાગતી હોય છે.
જે રીતે કાનૂની બાબતો માટે ઍડ્વોકેટ મદદરૂપ થાય છે એ રીતે યોગ્ય પ્રૉપર્ટી શોધી આપવામાં બ્રોકર ઉપયોગી થાય છે. એના માટે રેરા રજિસ્ટર્ડ પ્રૉપર્ટી કન્સલ્ટન્ટની મદદ લેવી જોઈએ. દરેક વ્યક્તિને પોતાના રોજિંદા જીવનમાંથી સમય મળતો નથી. આવામાં પ્રૉપર્ટીની શોધ માટે પૂરતો સમય કાઢવાનું મુશ્કેલ બની જાય છે. બ્રોકરની મદદ લીધી હોય તો આ કામ સહેલું બને છે. ખરીદીનાં તમામ વ્યવહારિક કાર્યો બ્રોકરની સહાયથી પાર પાડવાં જોઈએ.
પ્રૉપર્ટી કન્સલ્ટન્ટ પણ રેરા રજિસ્ટર્ડ હોવા જરૂરી છે, કારણ કે તેમના પર સહજ રીતે ભરોસો મૂકી શકાય છે. એ ઉપરાંત તેઓ શિક્ષિત હોય તો વધારે સારું. તેમની પાસે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી ઑફિસ પણ હોવી જોઈએ. કોઈ પણ કામ હોય ત્યારે સહેલાઈથી તેમનો સંપર્ક સાધી શકાય એ માટે ઑફિસ જરૂરી છે. બજારમાં શું ભાવ ચાલી રહ્યા છે અને તમને કઈ રીતે સારામાં સારા ભાવે જગ્યા અપાવી શકાશે એના વિશે કન્સલ્ટન્ટ સાથે ચોખવટ કરી લેવી જોઈએ. તેમની પાસે પ્રૉપર્ટીના ઘણા વિકલ્પો પણ હોવા જરૂરી છે. વેચાણકર્તા સાથેની કોઈ પણ વાટાઘાટ બ્રોકરની હાજરીમાં થાય અને એમાં ચર્ચાયેલા મુદ્દાઓની યોગ્ય લેખિત નોંધ થાય એ અગત્યનું છે.
પ્રૉપર્ટીનો કોઈ પણ સોદો ભાવતાલ વગર થતો નથી. એમાં પ્રૉપર્ટી કન્સલ્ટન્ટ તમને સારી રીતે મદદ કરે તથા દરેક જરૂરી દસ્તાવેજ સમયસર અપાવવામાં મદદ કરે એવા પ્રોફેશનલની શોધ કરીને જ ખરીદી કરવી હિતાવહ છે.
ફુલટાઇમ પ્રૉપર્ટી કન્સલ્ટન્ટ તરીકે કામ કરનારી વ્યક્તિ જ તમને યોગ્ય મદદ કરી શકે છે. ઓછી બ્રોકરેજની લાલચમાં સપડાવું નહીં.
પ્રૉપર્ટીનો કબજો મેળવ્યા પછી ઘણા લોકો સમારકામ અને ઇન્ટીરિયર કરાવતા હોય છે. એના માટે પણ પ્રોફેશનલ સિવિલ કૉન્ટ્રૅક્ટર અને ઇન્ટીરિયર ડેકોરેટરની મદદ લેવી જોઈએ. તેઓ વ્યાવસાયિક પાત્રતા ધરાવતા હોવા જોઈએ. ઘરમાં ઉપલબ્ધ કાર્પેટ એરિયાનો મહત્તમ અને સુંદર રીતે ઉપયોગ કરવામાં આ પ્રોફેશનલ ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
અહીં જણાવવું રહ્યું કે મુંબઈમાં હાલ રીડેવલપમેન્ટની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. વર્ષ ૨૦૨૩ના અંતથી ૨૦૨૬ સુધીમાં ભરપૂર પ્રમાણમાં રીડેવલપ્ડ બિલ્ડિંગ્સમાં ફ્લૅટ્સ ઉપલબ્ધ થશે. આને લીધે ખરીદદારોને પસંદગીના ઘણા વિકલ્પો ઉપલબ્ધ થશે અને ભાવ પર પણ દબાણ આવશે, જેનો ફાયદો ખરીદદારોને થશે.
આવા સંજોગોમાં સારા પ્રૉપર્ટી કન્સલ્ટન્ટની નિમણૂક કરીને વાજબી ભાવે ઉત્તમ જગ્યા શોધવાની શરૂઆત કરી શકાય છે.