Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ઇન્ડિયન માર્કેટ ઇઝ બૉસઃ પરિબળો એકધારા પૉઝિટિવ બનતાં જાય છે!

ઇન્ડિયન માર્કેટ ઇઝ બૉસઃ પરિબળો એકધારા પૉઝિટિવ બનતાં જાય છે!

Published : 29 May, 2023 02:34 PM | IST | Mumbai
Jayesh Chitalia

માર્કેટનું સે​ન્ટિમેન્ટ બુલિશ બન્યું છે. તેજીનો આશાવાદ વધી રહ્યો છે. લગડી સ્ટૉક્સ પકડી રાખવામાં શાણપણ છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


આપણે ગયા વખતે ગ્લોબલ અને સ્થાનિક ઘટનાઓની અસરો વિશે વાત કરવા ઉપરાંત એની અનિશ્ચિતતા વિશે ચિંતા પણ કરી હતી, એમ છતાં વીતેલા સપ્તાહમાં બજારે તેજીની ટ્રેનને જોરદાર દોડાવી હતી. માર્કેટનું સે​ન્ટિમેન્ટ બુલિશ બન્યું છે. તેજીનો આશાવાદ વધી રહ્યો છે. લગડી સ્ટૉક્સ પકડી રાખવામાં શાણપણ છે. એમ છતાં ક્યાંક ગણતરીપૂર્વક પ્રૉફિટ-બુકિંગ પણ થાય તો નવાઈ નહી

સેન્સેક્સ આગામી પાંચ વરસમાં એક લાખ (૧,૦૦,૦૦૦) પર પહોંચી જશે એવી ધારણા છે, આ ધારણા અમારી નથી, ગ્લોબલ ઇન્વેસ્ટર જેફરીઝના ચીફ ક્રિસ્ટ વુડે આ મત વ્યક્ત કર્યો છે અને આ સાથે ભારતીય અર્થતંત્ર માટે ઊંચો આશાવાદ પણ દર્શાવ્યો છે. બાય ધ વે, ગયા સપ્તાહમાં છેલ્લા દિવસે શુક્રવારે બજારે જે સંજોગોને લઈને મોટો ઉછાળો માર્યો એ આ મતને સમર્થન આપવા સક્ષમ હોય એવા ઇશારા કરતા હતા. શુક્રવારે સેન્સેક્સે ૬૩૦ પૉઇન્ટની છલાંગ લગાવી હતી અને નિફ્ટીએ ૧૭૮ પૉઇન્ટની છલાંગ સાથે પહેલી વાર ૧૮,૫૦૦ની સપાટી બનાવી હતી. ફૉરેન ફન્ડનો ભારતીય ઇ​ક્વિટીમાં આવી રહેલો પ્રવાહ, ઇકૉનૉમીના સુધારા, રૂપિયાની ઓછી થતી નબળાઈ, ઊંચા જીડીપી દર માટે વધી રહેલો વિશ્વાસ, ક્રૂડના ભાવમાં આવી રહેલી સ્થિરતા તેમ જ ઓવરઑલ ગ્લોબલ સંજોગોમાં ભારતનું સ્થાન જેવાં કારણો કામ કરી રહ્યાં હોવાનું દેખાય અને સમજાય છે. 



મોદીની વિદેશ-મુલાકાતના સંકેત


વીતેલા સપ્તાહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ-મુલાકાત અને એનાં ફોટો તથા નિવેદનો સૌએ જોયાં હશે, તમને થશે એમાં શું? આવું તો ઘણી વાર જોવામાં આવે છે, પરંતુ તમે ભારતના વડા પ્રધાનને વિદેશોમાં મળી રહેલા માન વિશે વિચાર્યુ છે? માત્ર રાજકીય દૃષ્ટિએ નહીં, આર્થિક દૃષ્ટિએ. ઇન્ડિયા બ્રૅન્ડ કેટલી મજબૂત થઈ રહી છે એના આ પુરાવાસમાન છે. આ જ કારણોસર ગ્લોબલ ઇન્વેસ્ટર્સ-બિઝનેસમેન ભારતમાં રોકાણ-બિઝનેસ માટે આવી રહ્યા છે, અહીં તેમનું વિસ્તરણ કરી રહ્યા છે, જે આપણી ઇકૉનૉમી પરનો વધતો વિશ્વાસ કહી શકાય. ગ્લોબલ ઇન્વેસ્ટર્સ ભારતના ભાવિમાં રોકાણ કરી રહ્યા અને વધારી રહ્યા છે તો ભારતીય રોકાણકારો કેમ અને ક્યાં ખચકાય છે એ આપણે વિચારવાનું રહે છે. ગ્લોબલ સ્તરે હાલ ભારતીય ઇકૉનૉમી બૉસ છે એવું પ્રતીત થઈ રહ્યું છે અથવા કરાઈ રહ્યું છે. ભારતીય ઇકૉનૉમીનું કદ પણ આગામી અમુક વરસમાં પાંચ ટ્રિલ્યન ડૉલરનું થવાનું છે. ભારતની ફાસ્ટેસ્ટ ઇકૉનૉમી વિશ્વની અગ્રેસર ઇકૉનૉમી બનવાની દિશામાં છે. આ હકીકત લાંબા ગાળાના રોકાણકારો માટે શ​ક્તિશાળી સંકેત સમાન છે.

સપ્તાહનો સકારાત્મક આરંભ


ગયા સપ્તાહનો પ્રથમ દિવસ પૉઝિટિવ રહ્યો હતો. એફઆઇઆઇની લેવાલી અને સકારાત્મક પરિબળોને લીધે સેન્સેક્સ ૨૩૪ પૉઇન્ટ પ્લસ થઈ ૬૨ હજાર નજીક પહોંચી ગયો અને નિફ્ટી ૧૧૧ પૉઇન્ટના સુધારા સાથે ૧૮,૩૦૦ ઉપર બંધ રહ્યો હતો. સોમવારે રિઝર્વ બૅન્ક તરફથી થયેલા નિવેદનની નોંધ લઈએ તો ભારતીય ઇકૉનૉમી સ્લો, પરંતુ સ્યૉરલી વૃ​દ્ધિ પામી રહી છે. ખાનગી વપરાશ, ઇન્વેસ્ટમેન્ટ અને મૂડી ખર્ચ ધીમે-ધીમે વધી રહ્યા હોવાનું નોંધાઈ રહ્યું છે.  મંગળવારે પણ માર્કેટે રિકવરી સાથે આરંભ કરી ફરી એકવાર ૬૨ હજારનું લેવલ વટાવી દીધું હતું. ફૉરેન ઇન્વેસ્ટર્સની લેવાલી મોટી ભૂમિકા ભજવી રહી છે. અદાણીના સ્ટૉક્સમાં નવો જ કરન્ટ આવ્યો હતો. જીક્યુજી પાર્ટનર્સના રાજીવ જૈને તેનું રોકાણ અદાણી ગ્રુપમાં ૧૦ ટકા વધાર્યું છે તેમ જ અદાણીને ભારતની બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઍસેટ્સ ગણાવી છે. તેમણે અદાણી ગ્રુપમાં પોતાનું રોકાણ હજી પણ વધારવાના સંકેત આપ્યા છે. દરમ્યાન ધડાધડ વધતું રહેલું માર્કેટ એના અંત ભાગમાં પ્રૉફિટ બુકિંગની વેચવાલીને કારણે કરેક્શનના શરણે ગયું હતું, એમ છતાં સેન્સેક્સ ૧૮ પૉઇન્ટ અને નિફ્ટી ૩૩ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યાં હતાં. મિડકૅપ ઇન્ડેક્સ વધુ ઊંચે ગયો હતો. જોકે સેન્સેક્સ ૬૨ હજારની નીચે ઊતરી ગયો, પરંતુ નિફ્ટી ૧૮,૩૦૦ની ઉપર જળવાઈ રહ્યો હતો. 

કરેક્શન અને રિકવરી

બુધવારે માર્કેટની રિકવરીની ગાડી ચાલુ થઈ, પરંતુ થોડા સમયમાં જ કરેક્શનમાં ફેરવાઈ ગઈ હતી, પ્રૉફિટ-બુકિંગના પગલે સેન્સેક્સ ૨૦૮ પૉઇન્ટ અને નિફ્ટી ૬૨ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યાં હતાં. નોંધનીય વાત એ હતી કે ફૉરેન ઇન્વેસ્ટર્સની નેટ લેવાલી ચાલુ રહી હતી અને સ્મૉલ તેમ જ મિડકૅપ સ્ટૉક્સમાં સુધારો જોવાયો હતો. રિઝર્વ બૅન્કના ગવર્નર શ​ક્તિકાંત દાસે કરેલાં નિવેદનો સકારાત્મક હતાં, તેમણે ઇન્ફ્લેશન રેટ મેમાં હજી નીચે જવાની, વાર્ષિક ગ્રોથરેટ ૭ ટકા સુધી જવાની ધારણા વ્યક્ત કરી હતી. બૅન્કોમાં પર્યાપ્ત પ્રવાહિતા હોવાનું પણ તેમણે કહ્યું હતું. અલબત્ત, તેમણે જિયોપૉલિટિકલ જોખમો-અનિ​શ્ચિતતા પણ વ્યક્ત કરી હતી, પરંતુ રિઝર્વ બૅન્ક સતત સજાગ છે અને રહેશે. ગુરુવારે આરંભ કરેક્શન સાથે જ થયો હતો. મોટી વધઘટ નહોતી, પણ છેલ્લા અડધો કલાકમાં બજારે પૉઝિટિવ ટર્ન લઈને રિકવરી દર્શાવી હતી. જેથી અંતમાં સેન્સેક્સ ૯૯ પૉઇન્ટ અને નિફ્ટી ૩૫ પૉઇન્ટ પ્લસ થઈ ૧૮,૩૦૦ ઉપર બંધ રહ્યો હતો. 

આ સપ્તાહમાં પ્રૉફિટ-બુકિંગ સંભવ

ગુરુવારે યુએસના જીડીપી ડેટા જાહેર થયા હતા, જેમાં સાધારણ વધારો નોંધાયો હતો. ૧.૧ ટકાના અંદાજ સામે જીડીપી ૧.૩ ટકા (ક્વૉર્ટરલી) થયો છે. દરમ્યાન યુએસએ કરજની મર્યાદાથી ચિંતિત છે. એનો વ્યાજ-વધારો પણ માથે ઊભો છે. શુક્રવારે માર્કેટની ગાડી પુનઃ રિકવરીના રોડ પરથી શરૂ થઈને સતત સ્પીડ પકડતી ગઈ હતી, કલાકોમાં તો સેન્સેક્સ ૫૦૦ પૉઇન્ટ અને નિફ્ટી દોઢસો પૉઇન્ટની છલાંગ લગાવી બેઠાં હતાં. પૉઝિટિવ ગ્લોબલ ટ્રેન્ડ, ફૉરેન ફન્ડનો અવિરત પ્રવાહ અને ઇન્ડેક્સના હેવીવેઇટ સ્ટૉક્સમાં લેવાલીને પરિણામે માર્કેટ એકધારું વધતું રહ્યું હતું. શુક્રવારે ઇકૉનૉમી અને માર્કેટ માટે સારા કહી શકાય એવા અહેવાલમાં જાણ થઈ હતી કે અલ નીનોની અસર છતાં આ વખતે ભારતમાં ચોમાસું નૉર્મલ રહેશે. આખરે સેન્સેક્સ ૬૨૯ પૉઇન્ટ અને નિફ્ટી ૧૭૮ પૉઇન્ટ પ્લસ સાથે અનુક્રમે ૬૨,૫૦૧ અને ૧૮,૪૯૯ બંધ રહ્યાં હતાં. એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં બે લાખ કરોડ રૂપિયાથી વધુ વૃ​દ્ધિ થઈ હતી. જોકે નવા સપ્તાહમાં પ્રૉફિટ-બુકિંગ કરવામાં સાર રહેશે. પ્રૉફિટ-બુકિંગ આવવાની શક્યતા પણ ઊંચી રહેશે. બાકી સિલે​ક્ટિવ સ્ટૉક્સમાં જમા કરતા રહો દોસ્તો.

મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત 

દરમ્યાન બીએસઈ પર તાજેતરમાં જ શરૂ કરાયેલા સેન્સેક્સ અને બૅન્કેક્સના વિકલી ડેરિવેટિવ્ઝ કૉન્ટ્રૅક્ટ્સમાં શુક્રવારે રેકૉર્ડ એવું ૧૭ હજાર કરોડથી વધુ રકમનું ટર્નઓવર નોંધાવ્યું હતું, જેણે ગયા સપ્તાહના માત્ર ૫૩૮ કરોડ રૂપિયાના ટર્નઓવર સામે મોટી છલાંગ મારી ગણાય. તાજેતરમાં ઍપલ કંપની વિશેના અહેવાલ પણ તમે જોયા હશે, એકલા ઍપલના શૅરનું માર્કેટ કૅપ (૨.૭ ટ્રિલ્યન ડૉલર) બ્રિટનના સ્ટૉક માર્કેટના કુલ માર્કેટ કૅપ (૨.૬ ટ્રિલ્યન ડૉલર) કરતાં વધુ જોવા મળ્યું હતું. ઝી અને સોનીના મર્જરને ટ્રિબ્યુનલે મંજૂરી આપી છે. આ સાથે ૧૦ અબજ ડૉલરની જાયન્ટ કંપની ઊભી થશે. આ વખતે ફેડરલ રિઝર્વ વ્યાજ વધારાને બ્રેક આપશે એવી શક્યતા છે.
 

Whatsapp-channel Whatsapp-channel

29 May, 2023 02:34 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK