Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > કોરોનાના વધતા કકળાટથી હેલ્થકૅર શૅરોમાં લાલી, ૭૦માંથી ૬૧ શૅર વધ્યા

કોરોનાના વધતા કકળાટથી હેલ્થકૅર શૅરોમાં લાલી, ૭૦માંથી ૬૧ શૅર વધ્યા

10 April, 2021 12:34 PM IST | Mumbai
Anil Patel

બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૨૦ ટકા ઊછળ્યો : ITમાં આગેકૂચ જારી, TCS અને ઇન્ફી સહિત ડઝન શૅર નવા શિખરે : સેકન્ડ લાઇન અને રોકડમાં રમઝટ, સ્મૉલ કૅપ ઇન્ડેક્સ બીજા દિવસે બેસ્ટ લેવલે

GMD Logo

GMD Logo


સતત પાંચમા દિવસની નબળાઈમાં ડૉલર સામે રૂપિયો આઠ માસના તળિયે, ૭૫ની નજીક : બુધવારે ખાનગીકરણ માટેની બેઠકના અહેવાલથી સરકારી બૅન્કોમાં તેજી, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૨૦ ટકા ઊછળ્યો : ITમાં આગેકૂચ જારી, TCS અને ઇન્ફી સહિત ડઝન શૅર નવા શિખરે : સેકન્ડ લાઇન અને રોકડમાં રમઝટ, સ્મૉલ કૅપ ઇન્ડેક્સ બીજા દિવસે બેસ્ટ લેવલે

કોરોનાના આંકડા રોજેરોજ બિહામણા બની રહ્યા છે, રીતસરની વાટ લાગી ગઈ છે. જોકે વડા પ્રધાને ફરીથી સંપૂર્ણ લૉકડાઉન નહીં લગાવવાની વાત કરી છે. કૉર્પોરેટ પરિણામની સીઝન નવા સપ્તાહથી શરૂ થવાની છે. એટલે બજારમાં સિલેક્ટીવ વધ-ઘટનો અને તેની સાથે વૉલેટિલિટીનો માહોલ જામશે. ડૉલર સામે નબળાઈને સતત પાંચમા દિવસે આગળ ધપાવતાં રૂપિયો ગઈ કાલે ઇન્ટ્રા-ડેમાં ૭૪.૯૭ થયો હતો, છેવટે આઠ માસના નવા તળિયે બંધ આવ્યો છે. નીતિઆયોગ, રિઝર્વ બૅન્ક તથા નાણાં મંત્રાલય બુધવારે બૅન્કિંગ ક્ષેત્રે ખાનગીકરણના નવા ઉમેદવાર અલગ તારવવા અંગે ચર્ચા-વિચારણા કરવાના છે. લોઢા ફેમ મેક્રોટેક ડેવલપર્સનો આઇપીઓ જેમતેમ કરીને ભરાઈ ગયો છે. સળંગ આઠ માસના ઘટાડા પછી મ્યુ. ફન્ડોમાં ગત મહિને પ્રથમવાર ઇક્વિટી સ્કીમ્સમાં નેટ ઇનફ્લો નોંધાયો છે. કોરોના વૅક્સિન તેમ જ ઑક્સિજનની સપ્લાય સાઇડ બગડતી જાય છે, સરકાર તેની આદત મુજબ સબ
સલામત હોવાનો દાવો કરી રહી છે. હવે પછીનો સમય અનિશ્ચિતતા અને ઉચાટનો અને તેને આકરા બનાવનારો રહેવાનો છે. બજાર વધવા કરતાં ઘટવાના ચાન્સ વધુ છે. સુધારાની હેટટ્રિક બાદ શુક્રવારે માર્કેટ નેગેટિવ બાયસ સાથે રેન્જ બાઉન્ડ ચાલમાં ૦.૩ ટકા જેવું નરમ પડ્યું છે. સેન્સેક્સ ૧૫૫ પૉઇન્ટ તથા નિફ્ટી ૩૯ પૉઇન્ટ માઇનસમાં બંધ આવ્યા છે.
ફ્રન્ટલાઇન કે ચલણી જાતોમાં ખામોશી અને વત્તે-ઓછે અંશે કમજોરી વચ્ચે રોકડું મસ્તીમાં છે. સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૭ ટકા વધીને બંધ રહ્યો છે. સતત બીજા દિવસે તેમાં નવી ટોપ બની છે. આઇટી ઇન્ડેક્સ વધતો રહીને ૧૦ વર્ષ કરતાં વધુ સમયગાળાની રીતે બેસ્ટ લેવલે ગયો છે. આ સપ્તાહે સુધારાની હેટટ્રિક છતાં વીકલી ધોરણે સેન્સેક્સ ૪૩૮ પૉઇન્ટ કે ૦.૯ ટકા અને નિફ્ટી ૩૨ પૉઇન્ટ કે ૦.૨ ટકા ઘટ્યા છે. ટકાવારીનું પ્રમાણ સેન્સેક્સ અને નિફ્ટી વચ્ચેના પ્રણાલિકાગત રેશિયોથી સાવ વિપરીત છે. મતલબ કે બજારનો આંતરપ્રવાહ અથડાયેલો છે, ચોક્કસ દિશા પકડવાની મથામણ ચાલુ છે. કોરોનાની હૈયાહોળી વકરી છે, પણ તેનાથી ફાર્મા અને હેલ્થકૅર સેગમેન્ટના શૅર દોડવા માંડ્યા છે. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ શુક્રવારે તમામ ૧૦ શૅરની મજબૂતીમાં ૩ ટકા ઊછળ્યો છે. હેલ્થકૅર ઇન્ડેક્સના ૭૦ શૅરમાંથી માત્ર ૭ શૅર ઘટ્યા છે. પૂરા થયેલા સપ્તાહે હેલ્થકૅર ઇન્ડેક્સ ૫.૬ ટકા અને નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ પાંચ ટકા ઊંચકાયા છે. બાય ધ વે મેટલ ઇન્ડેક્સ ૬.૮ ટકા તથા આઇટી ઇન્ડેક્સ ૪.૯ ટકા વધ્યા છે. સુગર, સિમેન્ટ, સ્ટીલ શૅરમાં ગઈ કાલે પણ એકંદર મજબૂત વલણ જોવાયું છે. નવો લિસ્ટેડ બાર્બિક્યુ નેશન સળંગ બે ઉપલી સર્કિટ બાદ ગઈ કાલે ઉપરમાં ૮૩૯ થઈ છેલ્લે બે ટકાથી ઓછા સુધારામાં ૭૨૨ રૂપિયા બંધ રહ્યો છે. બે જ સર્કિટમાં થાક લાગી ગયો?
પીઇ ફન્ડસના રોકાણ પ્રસ્તાવથી શ્રેઈ ઇન્ફ્રામાં ૨૦ ટકાની તેજી 
ઇન્ફ્રાસ્ટ્રકચર ફાઇનૅન્સ બિઝનેસમાં પ્રવૃત્ત નોન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપની શ્રઈઇ ઇન્ફ્રાસ્ટ્રકચરની સબસિડિયરી શ્રેઈ ઇક્વિપમેન્ટ ફાઇનૅન્સને અમેરિકા તેમ જ સિંગાપોરસ્થિત પ્રાઇવેટ ઇક્વિટી ફન્ડ્સ તરફથી ૨૫ કરોડ ડૉલરનો રોકાણ પ્રસ્તાવ મળ્યો હોવાના અહેવાલ પાછળ શ્રેઈ ઇન્ફ્રાનો શૅર ગઈ કાલે દસેક ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટે સાત રૂપિયા ઉપર બંધ આવ્યો છે. ફેસવેલ્યુ ૧૦ રૂપિયા છે. જુલાઈ ૧૭માં શૅરનો ભાવ ૧૩૮ના શિખરે હતો. ત્યાર પછી સતત ઘસાતો રહી ગત વર્ષના માર્ચમાં પોણાચાર રૂપિયાની નીચે ઓલટાઇમ તળિયે પહોંચી ગયો હતો. શૅરની બુકવૅલ્યુ કાગળ ઉપર તો શૅરદીઠ ૮૦ રૂપિયા જેવી છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી કંપની અનેકવિધ મુશ્કેલીમાં છે. અસેટ્સ લાયાબિલિટીઝના સમીકરણ સદંતર બગડી ગયા છે. કંપનીમાંથી નહીં નહીં તોયે ૨૫૦ જેટલા ટોપ એક્ઝિક્યુટિવ્સે નોકરી છોડી દીધી છે. ઇન શોર્ટ કંપની મૃતઃપ્રાય અવસ્થામાં છે, જે ઇન્વેસ્ટર્સનું જેટલું નુકસાન થઈ ચૂક્યું છે તે ભરપાઈ થવાનું નથી, પરંતુ જોખમ લેવાનો અને જુગારનો શોખ હોય તે જ આ કાઉન્ટરમાં રસ લઈ શકે છે.
સારા પરિણામના આશાવાદે ટીસીએસ વિક્રમી સપાટીએ
સોમવારે આઇટી લીડર ટીસીએસના પરિણામ છે. વિશ્લેષકો રૂપિયાની રીતે માર્ચ ક્વૉર્ટરમાં આવક ૯થી ૯.૫ ટકા અને નેટ પ્રોફિટ ૧૩થી ૧૭ ટકા વધશે એવી ધારણા આપે છે. પરિણામ સારા આવશે એવી અપેક્ષામાં નિફ્ટીના પાંચેક ટકાની સામે ચાલુ કેલૅન્ડર વર્ષમાં આશરે ૧૭ ટકા જેવો વધ્યો છે. ભાવ ગઈ કાલે ૩૩૫૯ની ઐતિહાસિક ટૉપ બનાવી છેલ્લે ૦.૩ ટકા
વધી ૩૩૨૬ રૂપિયા બંધ આવ્યો છે. બાય ધ વે, સારા પરિણામના આશાવાદ અને અમેરિકન ગ્રોથરેટ સતેજ થવાના કારણે મોટા ભાગની આઇટી કંપનીઓના શૅરમાં ઝમક દેખાય છે.
ડૉલર સામે રૂપિયાની નરમાઈ તેમાં વિશેષ ઉમેરો બને છે. બીએસઈનો આઇટી ઇન્ડેક્સ ગઈ કાલે પણ ૨૮૨૩૨નું નવું બેસ્ટ લેવલ નોંધાવી અડધા ટકાની આગેકૂચમાં ૨૮૦૭૯ બંધ હતો. અત્રે ૫૦માંથી ૩૫ જાત પ્લસ હતી. આગલા દિવસે ચિક્કાર વૉલ્યુમ સાથે ૨૦ ટકાના જમ્પમાં ૮૮ ઉપર બંધ રહેલો ૬૩ મૂન્સ શુક્રવારે સવાચાર ગણા કામકાજમાં ઉપરમાં ૯૪ થઈ છેલ્લે સવા ટકો ઘટી ૮૭ હતો. તો ૨૦ ટકાની તેજીની સર્કિટે બંધ રહેલી એક્સીસકેડસ અઢી ટકા વધીને ૫૩ થયો છે. ગઈ કાલે ઇક્લેરેક્સ, માઇન્ડ ટ્રી, લાર્સન ટેક્નૉલૉજીસ, મોસ્ચિપ, પર્ષિસ્ટન્ટ સિસ્ટમ્સ, સાસ્કેન, સુબેક્સ, સોનાટા સોફ્ટવેર, તાતા એલેક્સી સહિત ડઝન શૅર નવા ઊંચા શિખરે ગયા હતા. હેવીવેઇટ ઇન્ફીના પરિણામ ૧૪મીએ છે. બાય-બૅકની હવા છે. શૅર ૧૪૫૪ની નવી હાઈ બાદ નહીંવત્ વધી ૧૪૪૧ રૂપિયા બંધ રહ્યો છે. આઇટી સેગમેન્ટમાં સુબેક્સ ૧૭ ટકાના ઉછાળે ટૉપ ગેઇનર હતો. સાસ્કેન ૧૦ ટકા, સિગ્નિટી ૬.૮ ટકા, તાન્લા સૉલ્યુશન્સ ૫ ટકા, તાતા એલેક્સી ૪.૬ ટકા વધ્યા હતા. એચસીએલ ઇન્ફો ખરાબીમાં અત્રે લૂઝર હતો.
કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે ફાર્મા શૅરોમાં લાલી જામી
કોરોનાનો વધતો ઉત્પાત આશીર્વાદ બની રહ્યો તેમ ફાર્મા શૅર છેલ્લા કેટલાક દિવસથી સારી એવી લાલીમાં દેખાય છે. ગઈ કાલે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૧૩૦૭૪ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ત્રણ ટકા ઊછળી ૧૨૯૯૫ બંધ આવ્યો છે. તેના તમામ ૧૦ શૅર વધ્યા છે. નવા શિખર સાથે કેડિલા હેલ્થકૅર ૧૦ ટકા અને સિપ્લા ૫.૩ ટકાની તેજીમાં મોખરે હતા. બીએસઈનો હેલ્થકૅર ઇન્ડેક્સ ૨૨૮૧૬ની સર્વોચ્ચ સપાટી બનાવી ૫૧૪ પૉઇન્ટ કે ૨.૩ ટકાની મજબૂતીમાં ૨૨૭૨૫ હતો. તેની ૭૦માંથી ૬૧ જાત વધીને બંધ આવી છે. અત્રે કેડિલા હેલ્થકૅર, સિપ્લા, હેસ્ટરબાયો, ડૉ. લાલપેથ લૅબ્સ, મોરપેન લૅબ્સ, મેટ્રોપોલિસ, એસએમએસ ફાર્મા, વિમતા લૅબ જેવા કાઉન્ટર નવા શિખરે ગયા હતા. કેડિલા હેલ્થકૅર દસેક ગણા વૉલ્યુમમાં ૧૦ ટકાની તેજીની સર્કિટમાં ૫૧૮ નજીક નવી ટોચે બંધ આવ્યો છે. વિમતા લૅબ ૧૩ ટકા, મોરપેન લૅબ્સ ૧૧.૬ ટકા, આલ્બર્ટ ડેવિડ ૯.૬ ટકા, એસ્ટર ડીએમ ૮ ટકા, એફડીસી સાડા છ ટકા, ગ્લેનમાર્ક સાડાપાંચ ટકા, અલ્કેમ તથા સિપ્લા સવાપાંચ ટકા ઊછળ્યા હતા. વધેલા ૬૧ શૅરમાંથી ૨૮ જાત સાડા ત્રણ ટકા કે તેથી વધુ તેજીમાં બંધ આવી છે. હેલ્થકૅર ઇન્ડેક્સના ૭૦માંથી ૭ શૅર નરમ, બે યથાવત્ હતા. ક્લીય ડ્રગ્સ ૧૫ ગણા વૉલ્યુમમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૧૭ રૂપિયા બંધ રહ્યો છે.
ખાનગી અને સરકારી બૅન્કોમાં સામસામો રાહ જોવાયો
શુક્રવારે બૅન્ક નિફ્ટી બારમાંથી ત્રણ શૅર જ વધીને બંધ રહેતા એક ટકો ડાઉન હતો. ફેડરલ બૅન્ક યથાવત્ તો બંધન બૅન્ક અને પીએનબી દોઢેક ટકો અપ હતા. એયુ બૅન્ક સર્વાધિક પોણા છ ટકા ધોવાયો હતો. બે વધુ બૅન્કોના ખાનગીકરણ માટે સરકાર સક્રિય બની હોવાના અહેવાલ પાછળ શુક્રવાર સરકારી બૅન્કોને પ્રમાણમાં ફળ્યો હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી બે ટકાથી વધુ ઊંચકાયો હતો. અત્રે સ્ટેટ બૅન્કના પોણા ટકાના ઘટાડાને બાદ કરતાં બાકીના ૧૨ શૅર પૉઝિટિવ ઝોનમાં હતા. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ખાનગીકરણની હવામાં વીસ ટકા જેવો ઊંચકાઈ ૨૫ રૂપિયા ઉપર બંધ રહ્યો છે. ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક બાર ટકા, સેન્ટ્રલ બૅન્ક તથા પંજાબ સિંધ બૅન્ક દસ-દસ ટકા અને બૅન્ક ઑફ ઇન્ડિયામાં નવ ટકાની તેજી હતી.
પ્રાઇવેટ બૅન્ક નિફ્ટીના દસમાંથી બે જ શૅર પ્લસ હતા. ઇન્ડેક્સ ૦.૯ ટકા નરમ હતો. આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક ૨.૮ ટકા, એક્સીસ બૅન્ક બે ટકા તથા આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૯ ટકા ડાઉન હતા. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગની ૩૫માંથી ૨૨ જાત પ્લસ હતી. મોટા ભાગની ખાનગી બૅન્કો ઢીલી હતી. એચડીએફસી બૅન્ક પોણા ટકાથી વધુના ઘટાડે ૧૪૨૨ની નીચે બંધ આવ્યો છે. બીએસઈ ખાતે એયુ બૅન્ક સવા છ ટકા તૂટી હતી.



માર્કેટ મૂવમેન્ટ ઊડતી નજરે


  સેન્સેક્સ નિફ્ટી
ખૂલ્યો  49743 14883
ટૉપ 49907 14918
બૉટમ 49461 14786
બંધ 49591 14838
વધઘટ -155 -39

બજારનું ટર્નઓવર (રૂપિયા કરોડમાં)


  કૅશ F&O

કુલ

(રૂપિયા કરોડમાં)

BSE 4020 317908 321928
NSE 70792 2234467 2305259

A ગ્રુપ : ટૉપ ગેઇનર 

કંપનીનું નામ

બંધ ભાવ

(રૂપિયામાં)

વધારો

(ટકામાં)

ગુજ. આલ્કલી 415 20
મહારાષ્ટ્ર બૅન્ક 25 17
ફ્લુરોકેમ 702 13.2
JSW એનર્જી 100 13.1
આઈઓબી 18 11.3

A ગ્રુપ : ટૉપ લૂઝર

કંપનીનું નામ

બંધ ભાવ

(રૂપિયામાં)

ઘટાડો

(ટકામાં)

એયુ બૅન્ક 1174 6.2
રેલિગેર 103 6.0
પ્રિઝમ જૉન.  132 5.3
ફિનીક્સ લિ. 751 4.3
જે. કુમાર ઈન્ફ્રા. 185 4.1

માર્કેટ કેપ

બીએસઇનું માર્કેટ કૅપ ગઈ કાલે ૧૯૦૦૦ કરોડ રૂપિયા વધીને ૨૦૯.૬૩ લાખ કરોડ રૂપિયા થયું. એનએસઇનું માર્કેટ કેપ ૧૫૦૦૦ કરાેડ રૂપિયા વધીને ૨૦૮.૧૯ લાખ કરોડ રૂપિયા થયું.

માર્કેટ બ્રેડ‍્થ

ગઈ કાલે બીએસઇમાં ૩૦૭૮ શૅરમાં ટ્રેિંડંગ થયું. ૧૬૧૦ શૅર વધ્યા, ૧૨૯૮ શૅર ઘટ્યા, ૧૭૦ શૅર યથાવત‍્ હતા.

ક્રિપ્ટો કૉર્નર

  US ડૉલરમાં રૂપિયામાં
બીટકૉઈન 58670 4388805
ઈથર 2087 156160
BNB 441 333040
લાઈટ કૉઈન 227 17025
ડૅશ 269 20158

 

Whatsapp-channel Whatsapp-channel

10 April, 2021 12:34 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK