ઇઝરાયલ-લેબૅનન વચ્ચે રૉકેટ-અટૅકથી ટેન્શન વધતાં વર્લ્ડ માર્કેટમાં સોનું-ચાંદી વધ્યાં : ઇઝરાયલ-હમાસ વચ્ચેની યુદ્ધ-સમાપ્તિની મંત્રણામાં ફરી અવરોધથી સેફ હેવન ડિમાન્ડ વધી
પ્રતીકાત્મક તસવીર
ઇઝરાયલ અને લેબૅનને વારાફરતી એકબીજા સામે રૉકેટ-અટૅક કરતાં મિડલ ઈસ્ટમાં ટેન્શન વધતાં વર્લ્ડ માર્કેટમાં સોનું-ચાંદી વધ્યાં હતાં. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૬૬૯ રૂપિયા અને ચાંદીનો ભાવ ૯૨૧ રૂપિયા વધ્યો હતો. સોનું સતત સાત દિવસ અને ચાંદી સતત આઠ દિવસ ઘટ્યા બાદ બાઉન્સ બૅક થયાં હતાં. સોનાનો ભાવ છેલ્લા સાત દિવસમાં ૫૮૪૮ રૂપિયા અને ચાંદીનો ભાવ છેલ્લા દસ દિવસમાં ૧૦,૪૭૩ રૂપિયા ઘટ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ADVERTISEMENT
અમેરિકાનો કોર પર્સનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર પ્રાઇસ ઇન્ડેક્સ ધારણા કરતાં વધુ આવતાં તેમ જ ગયા સપ્તાહે જાહેર થયેલા અમેરિકાના ગ્રોથરેટના ડેટા પણ ધારણા કરતાં વધુ સ્ટ્રૉન્ગ આવતાં એની અસરે સપ્ટેમ્બરમાં રેટકટની શક્યતા થોડી નબળી પડતાં ડૉલર ઇન્ડેક્સ સોમવારે ૦.૧૬ ટકા વધીને ૧૦૪.૪૮ પૉઇન્ટે પહોંચ્યો હતો.
ચીનનો ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ જૂનમાં ૩.૬ ટકા વધ્યો હતો જે મે મહિનામાં ૦.૭ ટકા વધ્યો હતો તેમ જ ૨૦૨૪ના પ્રથમ છ મહિનામાં ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ ૩.૫ ટકા વધ્યો હતો. ખાસ કરીને સરકાર હસ્તકની કંપનીઓના પ્રૉફિટ જાન્યુઆરીથી જૂનમાં ૦.૩ ટકા વધ્યો હતો જે જાન્યુઆરીથી મે દરમ્યાન ૨.૪ ટકા ઘટ્યો હતો, જ્યારે પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓના પ્રૉફિટ ૭.૬ ટકાથી ઘટીને ૬.૮ ટકા રહ્યો હતો.
ચાલુ સપ્તાહે અમેરિકાના જુલાઈ મહિનાના નૉન ફાર્મ પે-રોલ ડેટા, પ્રાઇવેટ સેક્ટરના જૉબ ડેટા, જૉબ ઓપનિંગ ડેટા, કન્ઝ્યુમર કૉન્ફિડન્સના ડેટા, હાઉસિંગ પ્રાઇસ ડેટા, એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ તેમ જ જુલાઈ મહિનાના મૅન્યુફૅક્ચરિંગ, સર્વિસ અને પ્રાઇવેટ સેક્ટરના ગ્રોથ ડેટા જાહેર થશે. ગયા સપ્તાહે અમેરિકાના ગ્રોથરેટમાં ડબલ ઉછાળો થતાં ચાલુ સપ્તાહે જાહેર થનારા તમામ ડેટા સપ્ટેમ્બરના રેટકટનું ભાવિ નક્કી કરવામાં નિર્ણાયક બનશે.
ચાલુ સપ્તાહે બૅન્ક ઑફ જપાન, બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ અને બ્રાઝિલની સેન્ટ્રલ બૅન્ક ઇન્ટરેસ્ટ રેટ વિશેનું ડિસિઝન આપશે. ખાસ કરીને બૅન્ક ઑફ જપાન ઇન્ટરેસ્ટ રેટમાં મોટે ભાગે ૧૦ બેસિસ પૉઇન્ટનો વધારો કરશે એવી ધારણાને પગલે જૅપનીઝ યેન ગયા સપ્તાહે બે ટકા વધ્યો હતો. બૅન્ક ઑફ જપાન જો ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરશે તો અમેરિકન ડૉલરના મૂલ્યમાં ઘટાડો થશે. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ પણ રેટકટ કરવાના મૂડમાં હોવાનું અનેક ઇકૉનૉમિસ્ટો માને છે. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ રેટકટ કરશે તો પાઉન્ડ નબળો પડતાં ડૉલરને મજબૂતી મળશે. ડૉલર ઇન્ડેક્સમાં જૅપનીઝ પાઉન્ડનું વેઇટેજ ૧૩.૬ ટકા અને બ્રિટિશ પાઉન્ડનું વેઇટેજ ૧૧.૯ ટકા હોવાથી બન્ને સેન્ટ્રલ બૅન્કના નિર્ણય વિરુદ્ધ દિશામાં રહેશે તો ડૉલરની મજબૂતી જળવાયેલી રહેશે. ચાલુ સપ્તાહે યુરો એરિયાનું પ્રિલિમિનરી ઇન્ફ્લેશન પણ જાહેર થશે. ઉપરાંત ચીનના જુલાઈ મહિનાના મૅન્યુફૅક્ચરિંગ, સર્વિસ અને પ્રાઇવેટ સેક્ટરના ગ્રોથડેટા પણ જાહેર થશે
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
મિડલ ઈસ્ટમાં વધતું જિયોપૉલિટકલ ટેન્શન અને બૅન્ક ઑફ જપાનનો ઇન્ટરેસ્ટ રેટ વધારાનો નિર્ણય આ બન્ને ઘટના સોના-ચાંદીના ભાવ માટે નિર્ણાયક બનશે. રશિયાએ યુક્રેનનાં મથકો પર દસ રૉકેટ હુમલા કર્યા હતા જેમાંથી નવ હુમલાને યુક્રેને નિષ્ફળ બનાવ્યા હતા. આમ રશિયાના તમામ હુમલાનો યુક્રેન મજબૂતાઈથી જવાબ આપી રહ્યું હોવાથી આ યુદ્ધ છેલ્લા ૨૭ મહિનાથી ચાલી રહ્યું હોવા છતાં પૂરું થવાની શક્યતા હજી પણ દૂર-દૂર સુધી દેખાતી નથી. બીજી તરફ ઇસ્લામિક આંતકવાદીઓ હવે ઇઝરાયલને ઝેર કરવા મરણિયા બન્યા છે. હિજબુલ્હાએ ઇઝરાયલના તાબાનાં મથકો પર રૉકેટથી હુમલો કરીને ૧૨ લોકોનાં મોત નિપજાવ્યા હતાં. ઇઝરાયલે જવાબી હુમલો લેબૅનન પર કર્યો હતો. ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ-સમાપ્તિની મંત્રણામાં કોઈ પ્રગતિ થઈ શકી નથી અને ઇજિપ્તના પ્રયાસો હવે ઠંડા પડી રહ્યા છે અને હમાસે યુદ્ધ-સમાપ્તિમાં અવરોધ આવી રહ્યો હોવાનું ઑફિશ્યલી જાહેર કર્યું હતું. જિયોપૉલિટિકલ ટેન્શન ઉપરાંત બૅન્ક ઑફ જપાને જો ચાલુ સપ્તાહે ૧૦ બેસિસ પૉઇન્ટ વધારશે તો એની અસરે ડૉલર નબળો પડતાં સોના-ચાંદીમાં ખરીદીનું આકર્ષણ વધશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૬૮,૮૦૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૬૮,૫૨૫
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૨,૧૯૨
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

