શુગર ઉદ્યોગના ૩૭માંથી ૩૨ શૅર વધ્યા : રાજરતનનાં ગ્લોબલ પરિણામ પાછળ ૨૦ ટકાની તેજીની સર્કિટમાં બંધ : ઇન્ડસઇન્ડ બૅન્ક પાંચેક ટકા લથડી બન્ને બજારમાં ટૉપ લૂઝર
શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
સેન્સેક્સ પહેલાં સોનું લાખેણું થઈ ગયું, પચીસ વર્ષમાં બાવીસ ગણું રિટર્ન : હીરો મોટોકૉર્પ અને બજાજ ઑટોમાં વૉલ્યુમ ગ્રોથ નબળો રહેવાની ધારણા સાથે જેફરીઝનું ડાઉન ગ્રેડિંગ : BSE લિમિટેડ નવી ટૉપ બનાવી પાછી પડી, વાડીલાલના શૅરોમાં સેંકડા ફરી ગયા : શુગર ઉદ્યોગના ૩૭માંથી ૩૨ શૅર વધ્યા : રાજરતનનાં ગ્લોબલ પરિણામ પાછળ ૨૦ ટકાની તેજીની સર્કિટમાં બંધ : ઇન્ડસઇન્ડ બૅન્ક પાંચેક ટકા લથડી બન્ને બજારમાં ટૉપ લૂઝર
ફેડ ચૅરમૅન પૉવેલ સાથે ટ્રમ્પના વધતા ટકરાવમાં અમેરિકન શૅરબજાર ખિન્ન છે. સોમવારની મોડી રાત્રે ડાઉ ઇન્ડેક્સ અઢી ટકા કે ૯૭૨ પૉઇન્ટ તથા નૅસ્ડૅક માર્કેટ અઢી ટકાથી વધુ લથડીને બંધ થયું હતું. સોનામાં જબરી તેજી જામી હતી. જોકે એશિયન બજાર બહુધા વિપરિત ચાલમાં વધ્યાં છે. ઇન્ડોનેશિયા દોઢ ટકો, સિંગાપોર એક ટકો, થાઇલૅન્ડ અને હૉન્ગકૉન્ગ પોણો ટકો તથા ચાઇના સામાન્ય સુધર્યું હતું.સામે તાઇવાન પોણાબે ટકા નજીક ડૂલ થયું છે. યુરોપ રનિંગમાં નહીંવત નરમ હતું. લંડન ફુત્સી સાધારણ ઉપર દેખાતો હતો. બિટકૉઇન ધીમા સુધારે ૮૮,૫૩૪ ડૉલર બતાવતો હતો.
ADVERTISEMENT
ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૩૨૦ પૉઇન્ટ ઉપર, ૭૯,૭૨૮ ખૂલી છેવટે ૧૮૭ પૉઇન્ટ વધી ૭૯,૫૯૫ તો નિફ્ટી ૪૨ પૉઇન્ટ વધી ૨૩,૧૬૭ બંધ થયો છે. આ સતત છઠ્ઠા દિવસની આગેકૂચ છે જેમાં શૅરઆંક કુલ ૫૭૪૮ પૉઇન્ટ વધી ચૂક્યો છે. પોઝિટિવ ઓપનિંગ બાદ બજાર તરત રેડ ઝોનમાં સરી પડતાં સેન્સેક્સ નીચામાં ૭૯,૨૫૩ દેખાયો હતો. જોકે બજાર ઝડપથી બેઠું થતાં શૅરઆંક ઉપરમાં ૭૯,૮૨૪ વટાવી ગયો હતો. સેન્સેક્સ નિફ્ટીના ૦.૨ ટકાના મામૂલી સુધારા સામે સ્મૉલકૅપ મિડકૅપ પોણો ટકો તથા બ્રૉડર માર્કેટ ૦.૪ ટકા વધતાં માર્કેટ બ્રેડ્થ સ્ટ્રોન્ગ રહી છે. NSEમાં વધેલા ૧૮૩૪ શૅર સામે ૧૦૫૯ કાઉન્ટર ઘટ્યાં છે. બન્ને બજારનાં બહુમતી સેક્ટોરલ પ્લસ હતાં. FMCG ઇન્ડેક્સ પોણાબે ટકાથી વધુ, હેલ્થકૅર પોણો ટકો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૪ ટકા, રિયલ્ટી ઇન્ડેક્સ ૨.૪ ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી પોણો ટકો મજબૂત હતો. બૅન્ક નિફ્ટી નવી ઑલટાઇમ હાઈ બનાવી અડધા ટકાથી વધુ કે ૩૪૩ પૉઇન્ટ આગળ વધ્યો છે. ફાઇનૅન્સ બેન્ચમાર્ક પણ નવા બેસ્ટ લેવલ સાથે ૦.૭ ટકા અપ હતો. પાવર, યુટિલિટી, ટેક્નૉલૉજી ઇન્ડેક્સ એકાદ ટકા નજીક તો આઇટી અને ટેલિકૉમ અડધા ટકા આસપાસ નરમ હતા. મેટલ ઇન્ડેક્સ લગભગ જૈસે થે હતો. બજારનું માર્કેટકૅપ ૧.૫૩ લાખ કરોડ વધી ૪૨૭.૩૮ લાખ કરોડ રૂપિયા થયું છે.
પ્રાઇમર માર્કેટમાં ૨૮ માર્ચ પછી પ્રથમ વાર આજે, બુધવારે ટેન્કઅપ એન્જિનિયર્સનો SME ઇશ્યુ ખૂલવાનો છે. કંપની ૧૦ના શૅરદીઠ ૧૪૦ની અપર બૅન્ડમાં ૧૯૫૩ લાખ રૂપિયાનું ભરણું કરવાની છે. ગ્રે માર્કેટમાં હજી સુધી કોઈ જ કામકાજ નથી. મેઇન બોર્ડમાં એથર એનર્જીનો ઇશ્યુ ૨૮થી ૩૦ એપ્રિલે આવવાની વાતો ચાલે છે, આવે ત્યારે ખરો. ગઈ કાલે બૅન્કિંગના ૪૧માંથી ૧૨ શૅર માઇનસ હતા. ઇન્ડસઇન્ડ બૅન્ક પોણાપાંચ ટકા, ખૅપિટલ સ્મૉલ બૅન્ક સવાબે ટકા, એયુ બૅન્ક દોઢ ટકો, આરબીએલ બૅન્ક તથા સીએસબી બૅન્ક એક-એક ટકો ડાઉન હતી. સામે ફીનો પેમેન્ટ બૅન્ક સાડાપાંચ ટકા, જેકે બૅન્ક સવાપાંચ ટકા, આઇડીબીઆઇ બૅન્ક ત્રણ ટકા, સેન્ટ્રલ બૅન્ક પોણાત્રણ ટકા, ધનલક્ષ્મી સવાબે ટકા મજબૂત હતી.
લાખેણા સોના પાછળ જ્વેલરી શૅરોમાં પણ ચમક વધી
વિશ્વબજારમાં સોનું નવા વિક્રમ સાથે ૩૫૦૦ ડૉલર ભણી ઘસી રહ્યું છે, એના પગલે ઘરઆંગણે પણ ભાવ ૧૦ ગ્રામદીઠ એક લાખ રૂપિયા બોલાયો છે. આની સાથે-સાથે મોટા ભાગના જ્વેલરી શૅર ગઈ કાલે ઝળક્યા છે. ટીબીઝેડ ત્રણેક ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૩૩ નજીક જઈ ૬ ટકાની ઝમકમાં ૨૧૮ રહી છે. સેન્કો ગોલ્ડ ૩.૪ ટકા, સ્કાય ગોલ્ડ પાંચ ટકા, મનોજ વૈભવ સાડાચાર ટકા, સ્વર્ણ સરિતા ૩.૩ ટકા, સરૂપ ઇન્ડસ્ટ્રીઝ ૪.૬ ટકા, યોર્ક એક્સપોર્ટ્સ ૩.૫ ટકા, એસએમ ગોલ્ડ સવાચાર ટકા, સ્ટરલિનેપ્સ પાંચ ટકા, ઓરોસીલ સ્મિથ ૫.૯ ટકા, શૂરા ડિઝાઇન પાંચ ટકા, થંગમયિલ જ્વેલરી સવા ટકા, રાજેશ એક્સપોર્ટ્સ અડધો ટકા, રેનેસાં ગ્લોબલ ૦.૩ ટકા, ખજાનચી જ્વેલર્સ સવા ટકા, કેન્વી જ્વેલ્સ સાડાચાર ટકા વધ્યા છે. કલ્યાણ જ્વેલર્સ પોણો ટકો ઘટીને ૫૨૫ હતી. ગોલ્ડિયમ ઇન્ટર. ૧.૮ ટકા, RBZ જ્વેલર્સ પોણાત્રણ ટકા, મોતીસન્સ ૦.૩ ટકા, આશાપુરી ગોલ્ડ એક ટકા, રેટાજીઓ ઇન્ડ. ત્રણ ટકા, ભક્તિ જેમ્સ ૭.૬ ટકા ઝંખવાઈ હતી. કોઉરા ફાઇન ડાયમન્ડ ૭.૬ ટકા ગગડી ૨૮ રહી છે. ટાઇટન નજીવા સુધારામાં ૩૩૩૭ હતી. પીસી જ્વેલર્સ સહેજ વધી છે.
આજથી પચીસ વર્ષ પહેલાં, ૨૦૦૦માં સોનાનો ભાવ ઘરઆંગણે ૧૦ ગ્રામદીઠ ૪૪૦૦ રૂપિયા જેવો હતો. ૨૦૧૦માં એ ૧૮,૫૦૦ તથા ૨૦૨૦માં આશરે ૫૦,૦૦૦ રૂપિયા દેખાયો હતો. ત્યાર પછીનાં પાંચેક વર્ષમાં જ લાખ રૂપિયા બોલાયો છે. આમ છેલ્લાં પચીસ વર્ષમાં સોનું બાવીસ ગણું વધ્યું છે. ગોલ્ડમૅન સાક્સ સોનામાં બુલિશ છે. તેના મતે વર્ષાન્ત સુધીમાં વૈશ્વિક સોનું ૩૭૦૦ ડૉલર જોવાશે. અહીં અક્ષય તૃતીયા કે અખાત્રીજ નજીકમાં છે. જાણકારો માને છે કે સોનાની ચમક ઓર વધવાની છે. સોનામાં તેજીની હૂંફ ચાંદીનેય મળતી રહેશે.
ફ્લાઇટમાં મચ્છરોના ત્રાસ વચ્ચે ઇન્ડિગોનો શૅર નવા શિખરે
BSE લિમિટેડ ૬૪૦૮ની નવી ઑલટાઇમ હાઈ બનાવી પોણા ટકા નજીકની પીછેહઠમાં ૬૨૪૧ રહી છે. જાણકારો અહીં ટૂંકમાં ૭૦૦૦નો ભાવ લાવ્યા છે. MCX અડધો ટકો સુધરીને ૫૯૭૨ હતી. ગઈ કાલે શુગર સેક્ટરના ૩૭માંથી ૩૨ શૅર મીઠા થયા હતા. ઉગર શુગર, રેણુકા શુગર, સર શાદીલાલ, પોની ઇરોડ, ઉત્તમ શુગર, કેસર એન્ટર, રાણા શુગર, મગધ શુગર, બજાજ હિન્દુસ્તાન, દ્વારકેશ, રાજશ્રી શુગર, બલરામપુર ચીની, વિશ્વરાજ, અવધ શુગર જેવી સવા ડઝન જાતો ત્રણથી પોણાઆઠ ટકા વધી છે. આલોક ઇન્ડસ્ટ્રીઝની ત્રિમાસિક ખોટ ૨૧૬ કરોડથી ઘટી ૭૪ કરોડ રહેતાં શૅર બાવીસ ગણા કામકાજે ૧૮.૭ ટકા ઊછળી ૧૯ ઉપરના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ સાડાસાત ગણા વૉલ્યુમે સવાચૌદ ટકા ઊછળી ૨૯૭ના બંધમાં FMCG ઇન્ડેક્સ ખાતે બેસ્ટ ગેઇનર બની છે. ચૌલા મંડલમ ઇન્વેસ્ટમેન્ટ અઢી ગણા કામકાજે સાડાપાંચ ટકા તૂટી ૧૫૬૫ના બંધમાં ‘એ’ ગ્રુપમાં વર્સ્ટ પર્ફોર્મર હતી.
રાજરતન ગ્લોબલ વાયર્સ પરિણામ પાછળ ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૩૮૮ વટાવી ગઈ છે. મહિન્દ્ર લૉજિસ્ટિક્સની નેટ લૉસ ૧૨૮ કરોડથી ઘટી ૬૭ કરોડ રહેતાં ભાવ પોણાત્રણ ટકા વધી ૩૧૬ થયો છે. તાતા ઍલેક્સી આગલા દિવસના નવ ટકાના જમ્પ પછી ગઈ કાલે અઢી ટકા કે ૧૩૫ રૂપિયા વધી ૫૪૭૯ વટાવી ગયો છે. ઇન્ડિગો ફેમ ઇન્ટર ગ્લોબ એવિયેશનની લખનઉ ફ્લાઇટમાં મચ્છરોનો ભારે ત્રાસ હોવાના અહેવાલ છતાં શૅર ૫૬૪૭નું બેસ્ટ લેવલ બનાવી પોણા ટકાના સુધારે ૫૫૩૪ બંધ રહ્યો છે. વાડીલાલ ઇન્ડ પોણાનવ ટકા કે ૫૭૮ રૂપિયા તથા વાડીલાલ એન્ટર. પાંચ ટકા કે ૬૫૧ રૂપિયાના ઉછાળા સાથે નવી વિક્રમી સપાટીએ બંધ રહી છે.
HDFC બૅન્ક નવા શિખર સાથે ૧૫ લાખ કરોડની કંપની બની
HDFC બૅન્ક બુલરનમાં ૧૯૭૧ નજીક નવી ટૉપ બનાવી પોણાબે ટકા વધી ૧૯૬૨ બંધ થતાં એનું માર્કેટકૅપ ૧૫.૦૧ લાખ કરોડને વટાવી ગયું છે. HDFCની તેજી બજારને ૨૨૪ પૉઇન્ટ ફળી છે તો ICICI બૅન્ક અડધો ટકો વધી ૧૪૧૬ના બંધમાં બેસ્ટ લેવલે પહોંચી છે. કોટક બૅન્ક ૨૩૦૧ની નવી ટૉપ નોંધાવી એક ટકો વધી ૨૨૬૭ બંધ રહેતાં એનું માર્કેટખૅપ ૪.૫૧ લાખ કરોડ નજીક આવી ગયું છે. સ્ટેટ બૅન્ક પોણો ટકો પ્લસ હતી. હિન્દુસ્તાન યુનિલીવરનાં પરિણામ ૨૪મીએ છે. શૅર બે ટકા વધી ૨૩૯૯ વટાવી ગયો છે. આઇટીસી અઢી ટકા વધી ૪૩૪ નજીકના બંધમાં સેન્સેક્સ નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. હિન્દુસ્તાન યુનિલીવર તથા આઇટીસીની મજબૂતીથી બજારને ૧૨૬ પૉઇન્ટ મળ્યા હતા. મહિન્દ્ર પોણાબે ટકા, ઝોમાટો ૧.૪ ટકા, જિયો ફાઇનૅન્સ પોણાબે ટકા, તાતા કન્ઝ્યુમર ૧.૪ ટકા, સિપ્લા, ભારત ઇલે તથા JSW સ્ટીલ એક-એક ટકો વધ્યા છે.
રિલાયન્સ સામાન્ય ઘટાડે ૧૨૯૧ રહી છે. ઇન્ડસઇન્ડ બૅન્ક પાંચેક ટકા બગડી ૭૮૭ના બંધમાં બન્ને બજાર ખાતે વર્સ્ટ પર્ફોર્મર હતી. પાવર ગ્રિડ સવાબે ટકા ઘટી છે. જેફરીઝ દ્વારા વૉલ્યુમ ગ્રોથ નબળો રહેવાની ધારણા હેઠળ હીરો મોટોકૉર્પ અને બજાજ ઑટોને ડાઉન ગ્રેડ કરાઈ છે એમાં હીરો મોટોકૉર્પ બે ટકાથી વધુ તો બજાજ ઑટો સવા ટકો ઘટી હતી. ઇન્ફી બે ટકા જેવી બગડી ૧૪૨૨ના બંધમાં બજારને સર્વાધિક ૮૬ પૉઇન્ટ નડી છે. ટેક મહિન્દ્ર નજીવી પ્લસ તો ટીસીએસ નહીંવત નરમ હતી. વિપ્રો પોણાબે ટકા ખરડાઈ ૨૩૪ રહી છે. HCL ટેક્નૉ માથે રિઝલ્ટ વચ્ચે ૧૪૮૦ના આગલા લેવલે યથાવત્ રહી. બજાજ ફીનસર્વ સવા ટકો અને બજાજ ફાઇનૅન્સ સાધારણ ઢીલી હતી. ભારતી ઍરટેલ પોણાબે ટકા જેવા ઘટાડે ૧૮૫૨ હતી. એની ૭૦ ટકા માલિકીની સબસિડિયરી ભારતી હેક્સાકૉમ ૧૬૭૨ના શિખરે જઈ નજીવી ઘટી ૧૬૩૭ થઈ છે.

