જેહ વાડિયાની રીએન્ટ્રીથી બૉમ્બે ડાઇંગ ભારે વૉલ્યુમ સાથે ઊછળ્યો : મુંબઈની મોનિકા આલ્કોબીવનું ડલ લિસ્ટિંગ, ઇન્ડિક્યુબ અને બ્રિગેડ હોટેલમાં પ્રીમિયમ ગગડ્યું
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
જૅપનીઝ નિક્કે સાડાત્રણ ટકા ઊછળીને નવા બેસ્ટ લેવલે, એશિયા અને યુરોપનાં તમામ અગ્રણી બજાર નોંધપાત્ર સુધારામાં : જેહ વાડિયાની રીએન્ટ્રીથી બૉમ્બે ડાઇંગ ભારે વૉલ્યુમ સાથે ઊછળ્યો : મુંબઈની મોનિકા આલ્કોબીવનું ડલ લિસ્ટિંગ, ઇન્ડિક્યુબ અને બ્રિગેડ હોટેલમાં પ્રીમિયમ ગગડ્યું : ક્રેડિટ ઍક્સેસ ગ્રામીણ નબળા પરિણામ વચ્ચે સાડાપાંચ ટકા વધીને બંધ : પરિણામનો કરન્ટ રહેતાં પેટીએમ બે વર્ષની નવી ટૉપ બનાવી સુધારામાં બંધ : ઇન્ફોબિન્સ ટેક્નોલૉજીઝનો નફો ૨૦૧ ટકા વધતાં શૅર ૨૦ ટકાની તેજીમાં નવી ટોચે
જપાન તરફથી અમેરિકામાં ૫૫૦ અબજ ડૉલરનું રોકાણ કરવાની તૈયારી દર્શાવાઈ હોવાનો હવાલો આપતાં ટ્રમ્પે જપાન માટે રાહતદાયી ૧૫ ટકાના ટૅરિફવાળી ટ્રેડડીલ જાહેર કરી છે. આની અસરમાં બુધવારે જૅપનીઝ નિક્કે ૪૧,૩૪૨ની નવી ટૉપ બનાવી સાડાત્રણ ટકા કે ૧૩૯૬ પૉઇન્ટની તેજીમાં ૪૧,૧૭૧ બંધ આવ્યું છે. એની પાછળ તમામ અગ્રણી એશિયન બજાર મૂડમાં હતાં. થાઇલૅન્ડ સવાબે ટકા, ઇન્ડોનેશિયા પોણાબે ટકા, હૉન્ગકૉન્ગ દોઢ ટકાથી વધુ, તાઇવાન દોઢ ટકા નજીક, સિંગાપોર અડધો ટકો, સાઉથ કોરિયા અડધા ટકા નજીક, ઑસ્ટ્રેલિયા તથા મલેશિયા પોણા ટકા જેવા વધ્યા છે. યુરોપ પણ રનિંગમાં અડધાથી એક ટકા કરતાં વધુ ઉપર દેખાયું છે. બિટકૉઇન સવા ટકા જેવી નબળાઈમાં રનિંગમાં ૧,૧૮,૫૯૦ ડૉલર ચાલતો હતો.
ADVERTISEMENT
ટ્રમ્પ ભારત સાથે પણ જપાનવાળી કરશે, રાહતદાયી ટ્રેડડીલ ટૂંકમાં જાહેર થશે એવી હવા શરૂ થઈ છે, જેમાં સેન્સેક્સ ગઈ કાલે ૫૪૦ પૉઇન્ટ વધી ૮૨,૭૨૭ નજીક તથા નિફ્ટી ૧૫૯ પૉઇન્ટની મજબૂતીમાં ૨૫,૨૨૦ બંધ થયો છે. સેન્સેક્સ આગલા બંધથી ૨૬૫ પૉઇન્ટ પ્લસ, ૮૨,૪૫૨ ખૂલી આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં રહ્યો હતો. બજાર નીચામાં ૮૨,૨૮૦ તથા ઉપરમાં ૮૨,૭૮૬ થયું હતું. રિયલ્ટી, નિફ્ટી મીડિયા તથા FMCG સિવાય તમામ સેક્ટોરલ વધ્યાં છે. સેન્સેક્સ નિફ્ટીના ૦.૬ ટકાના સુધારા સામે ટેલિકૉમ ૧.૧ ટકા, ઑટો ૦.૯ ટકા, બૅન્ક નિફ્ટી ૦.૮ ટકા હેલ્થકૅર અને ફાઇનૅન્સ પોણા ટકા નજીક પ્લસ હતા. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ અડધો ટકો ઘટ્યો છે. બ્રૉડર માર્કેટ તથા રોકડું માર્કેટ અન્ડરપર્ફોર્મર હોઈ રસાકસીવાળી માર્કેટ બ્રેડ્થમાં BSEમાં વધેલા ૧૪૯૭ શૅર સામે ૧૪૬૦ શૅર ઘટ્યા છે. બજારનું માર્કેટકૅપ ૧.૯૦ લાખ કરોડ રૂપિયા વધીને ૪૬૦.૩૫ લાખ કરોડ વટાવી ગયું છે.
સરકારની ૯૯ ટકા માલિકીની KIOCL ૩૮ ગણા કામકાજે પોણાસોળ ટકાની તેજીમાં ૩૬૦ બંધ આપી એ-ગ્રુપમાં ઝળક્યો હતો. નસ્લી વાડિયાના નાના પુત્ર જહાંગીર વાડિયાની ચાર વર્ષ બાદ ફૅમિલી બિઝનેસમાં રીએન્ટ્રી થઈ છે. આને કારણે ગ્રુપના રિયલ્ટી બિઝનેસને નવું જોમ મળવાની ધારણાએ બૉમ્બે ડાઇંગનો શૅર ગઈ કાલે લગભગ ૮૦ ગણા જંગી વૉલ્યુમે પોણાચૌદ ટકા ઊછળી ૧૮૮ થઈ ગયો છે. ઓલા ઇલેક્ટ્રિક સવાસાત ટકા ઊંચકાઈ ૪૩ હતો. આયોન એક્સચેન્જ ૨૬ ગણા વૉલ્યુમે ૧૦ ટકા તૂટી ૪૮૭ નીચે એ-ગ્રુપમાં ટૉપ લૂઝર બન્યો છે. પરિણામ પાછળ ઓરિઅનપ્રો સૉલ્યુશન્સ સાત ટકા લથડી ૧૪૫૨ થયો છે. આગલા દિવસે ૨૦ ટકા ઊછળેલો સુંદરમ બ્રેક લાઇનિંગ ગઈ કાલે ૭ ટકા ગગડી ૯૩૧ બંધ હતો, જ્યારે SML ઇસુઝુ ૧૦ ટકાની એક વધુ ઉપલી સર્કિટમાં ૪૦૪૩ના બેસ્ટ લેવલે જઈ પોણાદસ ટકાની તેજીમાં ૪૦૩૮ રહ્યો છે. નબળા પરિણામના વસવસામાં કોલગેટ ૨૨૭૦ની વર્ષની બૉટમ બનાવી ચારેક ટકા ખરડાઈ ૨૨૮૫ થયો છે. તાતાનો તેજસનેટ પણ ૬૦૫ના તળિયે જઈ પોણાબે ટકા ઘટી ૬૧૫ રહ્યો છે.
મુંબઈની શાંતિ ગોલ્ડનો ૩૬૦ કરોડનો IPO શુક્રવારે ખૂલશે
મુંબઈની મોનિકા આલ્કોબીવ શૅરદીઠ ૨૮૬ની ઇશ્યુ પ્રાઇસ અને એક રૂપિયાના પ્રીમિયમ સામે ડલ લિસ્ટિંગમાં ૨૮૮ ખૂલી નીચામાં ૨૭૪ તથા ઉપરમાં ૨૯૦ થઈ ૨૮૮ બંધ રહેતાં એમાં નામનો બે રૂપિયા લિસ્ટિંગ ગેઇન મળે છે. મેઇન બોર્ડમાં બુધવારે સતત ખોટ કરતી ઇન્ડિક્યુબ એકના શૅરદીઠ ૨૩૭ની અપર બૅન્ડમાં કુલ ૭૦૦ કરોડ રૂપિયાનો તથા GNG ઇલેક્ટ્રૉનિક્સ બેના શૅરદીઠ ૨૩૭ની અપરબૅન્ડમાં ૪૬૦ કરોડનો ઇશ્યુ ગઈ કાલે લાવી છે. પ્રથમ દિવસે GNG ઇલેક્ટ્રૉનિક્સ કુલ ૮.૯ ગણો તથા ઇન્ડિક્યુબ રીટેલમાં ૩.૫ ગણા પ્રતિસાદમાં કુલ ૯૧ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટ ખાતે ઇન્ડિક્યુબમાં ૪૦થી શરૂ થયેલું પ્રીમિયમ ગગડી હાલ ૨૦ તથા GNG ઇલેક્ટ્રૉનિક્સમાં ૮૫વાળું પ્રીમિયમ વધીને ૯૬ બોલાય છે. બ્રિગેડ હોટેલ વેન્ચર્સ ૧૦ના શૅરદીઠ ૯૦ની અપર બૅન્ડમાં ૭૬૦ કરોડ નજીકનો IPO આજે કરવાની છે. ગ્રેમાર્કેટમાં ૧૭વાળું પ્રીમિયમ ઘટી હાલ ૮ ચાલે છે. શુક્રવારે મુંબઈના મરોલ ખાતેની શાંતિ ગોલ્ડ ઇન્ટરનૅશનલ ૧૦ના શૅરદીઠ ૧૯૯ની અપર બૅન્ડમાં ૩૬૦ કરોડ ઉપર ૫૫૮૪ લાખ નેટ નફો બતાવ્યો છે એ અગાઉનાં બે વર્ષની કામગીરી જોતાં નકલી હોવાની લાગણી થાય છે. દેવું ૨૩૩ કરોડ છે. ગ્રેમાર્કેટમાં એકાદ-બે સેન્ટરની ધારણા બાદ કરતાં હજી સુધી વિધિવત પ્રીમિયમનાં કામકાજ શરૂ થયાં નથી.
SME સેગમેન્ટમાં ગુજરાતની સાવિ ઇન્ફ્રાનો શૅરદીઠ ૧૨૦ના ભાવનો ૭૦ કરોડનો તથા કલકત્તાની સ્વસ્તિકા કાસ્ટલનો ૬૫ના ભાવનો ૧૪૦૭ લાખનો ઇશ્યુ ગઈ કાલે અનુક્રમે ૧૧૫ ગણા તથા પાંચ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. સાવિ ઇન્ફ્રામાં હાલ ૨૫ પ્રીમિયમ છે. પૂણેની મોનાર્ક સર્વેયર્સનો શૅરદીઠ ૨૫૦ના ભાવનો ૯૩૭૫ લાખનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૬૬ ગણો છલકાઈ ગયો છે. પ્રીમિયમ વધી ૧૭૦ બોલાય છે. જાલંધરની TSC ઇન્ડિયા શૅરદીઠ ૭૦ના ભાવથી ગઈ કાલે ૨૫૮૯ લાખનું ભરણું લાવી છે જે ૭૭ ટકા ભરાયું છે. શુક્રવારે એકસાથે ત્રણ SME ઇશ્યુ ખૂલશે. અમદાવાદી પટેલ કેમ સ્પેશિયાલિટીઝ ૧૦ના શૅરદીઠ ૮૪ના ભાવે ૫૮૮૦ લાખનો, મહારાષ્ટ્રના કરાડ ખાતેની શ્રી રેફ્રિઝરેશન્સ બે રૂપિયાના શૅરદીઠ ૧૨૫ના ભાવથી ૧૧૭ કરોડથી વધુનો તથા મુંબઈના અંધેરી-વેસ્ટની સેલોરેપ ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૮૩ના ભાવથી ૩૦૨૮ લાખનો SME ઇશ્યુ પચીસમીએ કરશે. હાલ પટેલ કેમમાં ૨૩ રૂપિયા, સેલોરેપમાં ૧૪ રૂપિયા તથા શ્રી રેફ્રિજરેશન્સમાં ૮૦ રૂપિયા પ્રીમિયમ ગેમાર્કેટ ખાતે સંભળાય છે.
લોઢા અને ઑબેરૉયની પાછળ રિયલ્ટીમાં માનસ ખરડાયું
MCX ખાતે ટેક્નિકલ ગ્લિચને કારણે કામકાજ એકાદ કલાક અટકી પડ્યું હતું. એની અસરમાં ૮૨૩૦ ખૂલેલો શૅર નીચામાં ૮૦૬૧ થઈ ગયો હતો. ભાવ પાછળથી બાઉન્સબૅક થઈ સવા ટકો સુધરી ૮૨૬૦ બંધ થયો છે. બીએસ લિમિટેડ બે દિવસના સારા સુધારા બાદ નહીંવત વધી ૨૫૫૭ રહ્યો છે. ગઈ કાલે રિયલ્ટી ઇન્ડેક્સ સર્વાધિક અઢી ટકા તરડાયો હતો. ઑબેરૉય રિયલ્ટીમાં શૅરદીઠ ૧૭૫૩ની ફ્લોર પ્રાઇસથી ત્રણ ટકા તથા લોઢાની મેક્રોટેકો ડેવલપર્સમાં ૧૩૮૪ની ફ્લોર પ્રાઇસથી એક ટકા માલ બ્લૉકડીલ મારફત વેચાયો હતો. આને પગલે મેક્રોટેક ડેવલપર્સ નીચામાં ૧૩૩૦ થઈ સાડાસાત ટકા કે ૧૧૦ રૂપિયા તૂટી ૧૩૩૩ તથા ઑબેરૉય રિયલ્ટી ૧૭૫૧ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૩.૨ ટકા બગડી ૧૭૬૬ બંધ થયો છે. જેનો IPO ગુરુવારે ખૂલવાનો છે એ બ્રિગેડ હોટેલની પેરેન્ટસ કંપની બ્રિગેડ એન્ટરપ્રાઇજિસ સવાયા કામકાજે નીચામાં ૧૦૨૯ બતાવી ૩.૪ ટકા ખરડાઈ ૧૦૪૮ હતો. પ્રેસ્ટિજ એસ્ટેટસ, ગોદરેજ પ્રૉપર્ટીઝ, ફિનિક્સ મિલ્સ, શોભા દોઢથી ત્રણેક ટકો માઇનસ થયા છે. આદિત્ય બિરલા રિયલ્ટી ૧૭ કરોડના નફામાંથી ૨૭ કરોડની નેટલૉસમાં આવતાં શૅર ૨૧૪૦ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૧૯૯૧ થઈ બમણા કામકાજે ૫.૪ ટકા લથડી ૨૦૧૯ બંધ હતો.
દાલમિયા ભારતની આવક ફ્લૅટ રહી છે, પરંતુ નફો ૧૭૯ ટકા ઊછળી ૩૯૩ કરોડ આવ્યો છે. શૅર ૨૩૩૫ નજીક ખૂલી નીચામાં ૨૧૯૦ થઈ ૨.૩ ટકા બગડી ૨૨૬૬ બંધ રહ્યો છે. ડિક્સન ટેક્નૉલૉજીઝનાં પરિણામ સારાં આવ્યાં છે, પણ ગોલ્ડમૅન સાકસ ૧૧,૧૧૦ની અપવર્ડ ટાર્ગેટ પ્રાઇસ સાથે બેરિશ વ્યુ જાળવી રાખ્યો છે. શૅર ૪ ગણા કામકાજે પોણાત્રણ ટકા કે ૪૪૨ રૂપિયા વધી ૧૬,૫૫૪ બંધ આવ્યો છે. મહિન્દ્ર ફાઇનૅન્સનો નફો ૬ ટકા વધી ૫૨૯ કરોડ થયો છે. પ્રોવિઝનિંગ પેટેની જોગવાઈ ૪૪ ટકા વધી ૬૬૦ કરોડને વટાવી ગઈ છે એ નફાક્ષમતા માટે માઠી પુરવાર થઈ છે. જેફરીઝે ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી ૨૯૬ કરી છે. મેકવાયરે ૨૩૫ના ભાવથી વેચવાની ભલામણ જાળવી રાખી છે. શૅર અઢી ટકા ગગડી ૨૫૯ બંધ રહ્યો છે.
આઇઆરએફસીનો નફો પોણા અગિયાર ટકા વધીને ૧૭૪૫ કરોડ થયો છે. શૅર સાડાછ ગણા કામકાજે સાડાત્રણેક ટકા વધી ૧૩૫ બંધ હતો. જનાસ્મૉલ ફાઇનૅન્સ બૅન્કનો નફો ૪૦ ટકા કપાઈ ૧૦૨ કરોડ રહેતાં શૅર આઠ ગણા વૉલ્યુમે ૬.૯ ટકા ખરડાઈ ૪૫૮ નીચે ગયો છે. ક્રેડિટ ઍક્સેસ ગ્રામીણની આવક સવાત્રણ ટકા ઘટી છે, પરંતુ નેટ નફો ૮૫ ટકા ગગડી ૬૦ કરોડ આવ્યો છે. શૅર નીચામાં ૧૨૫૦ થઈ તગડા બાઉન્સબૅકમાં સાડાપાંચ ટકા ઊછળી ૧૩૫૦ થઈ તગડા બાઉન્સબૅકમાં સાડાપાંચ ટકા ઊછળી ૧૩૫૦ બંધ થયો છે. વૉલ્યુમ ૨૮ ગણું હતુ. JSW ઇન્ફ્રાનો નફો ૩૧ ટકા વધી ૩૮૫ કરોડ નજીક રહ્યો છે, શૅર દોઢ ટકા સુધરી ૩૨૨ હતો. સિએન્ટ ડીએલએમની આવક આઠ ટકા વધવા છતાં નફો ૨૯.૬ ટકા ઘટીને સાડાસાત કરોડ રૂપિયા થયો છે. શૅર ૧૦ ગણા કામકાજે અઢી ટકા ઘટીને ૪૬૯ નજીક હતો. નબળાં પરિણામના ઘટાડા પછી MRPL સતત બીજા દિવસની મજબૂતીમાં વૉલ્યુમ સાથે સાડાસાત ટકાના જમ્પમાં ૧૫૫ ઉપર બંધ થયો છે.
બંધ બજારે ઇન્ફીનાં સારાં પરિણામ, ગાઇડન્સિસમાં સુધારો
IT જાયન્ટ ઇન્ફોસિસ પરિણામ પહેલાં સરેરાશ કરતાં ૪૫ ટકા કામકાજે સવાચાર રૂપિયા જેવા પરચૂરણ સુધારામાં ૧૫૭૪ બંધ થયો છે, રિઝલ્ટ બજાર બંધ થયા પછી આવ્યાં હતાં જે એકંદર ધારણા કરતાં બહેતર છે. કંપનીએ સાડાસાત ટકાના વધારામાં ૪૨,૨૭૯ કરોડની આવક ઉપર પોણાનવ ટકા જેવા વૃદ્ધિદરથી ૬૯૨૧ કરોડ નેટ નફો દર્શાવ્યો છે. બજારની એકંદર ધારણા ૪૧,૭૨૪ કરોડની આવક તથા ૬૭૭૮ કરોડના ચોખ્ખા નફાની હતી. કંપનીએ ૨૦-૨૨ ટકાના ઑપરેટિંગ માર્જિનનું ગાઇડન્સિસ જાળવી રાખ્યું છે, પરંતુ રેવન્યુ ગ્રોથનું ગાઇડન્સિસ જે ઝીરોથી ત્રણ ટકા હતું એ એકથી ત્રણ ટકા કર્યું છે. ત્રિમાસિક ગાળામાં કંપનીનો કાર્યકારી નફો સવાછ ટકા વધી ૮૮૦૩ કરોડ થયો છે, પણ નફા માર્જિન અગાઉના ૨૧.૧ ટકાથી ઘટી ૨૦.૮ ટકા નોંધાયું છે. આ પરિણામને પગલે તાત્કાલિક અસરમાં શૅર જે ડાઉનવર્ડ પ્રેશરમાં હતો એના બદલે વત્તેઓછે અંશે સુધારાતરફી ચાલ પકડશે એમ લાગે છે. ગઈ કાલે IT ઇન્ડેક્સ ૫૯માંથી ૩૩ શૅરના સહારે ૧૦૬ પૉઇન્ટ મામૂલી સુધર્યો હતો. TCS અડધો ટકો, લાટિમ સવાબે ટકા, HCL ટેક્નો તથા વિપ્રો અડધા ટકાથી વધુ પ્લસ હતા. ટેક મહિન્દ્ર નામપૂરતો નરમ હતો. ઇન્ફોબીન્સ ટેક્નૉલૉજીઝનો નફો ૨૦૧ ટકા ઊછળી ૨૩૩૨ લાખ આવતાં શૅર ૫૧ ગણા જંગી વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૫૪૧ના શિખરે જઈને ત્યાં જ બંધ થયો છે. ડેટામેટિકસ નવ ટકાની તેજીમાં ૮૪૬ વટાવી ગયો હતો. આગલા દિવસનો હીરો માસ્ટેક પોણાચાર ટકા તથા ક્વિક હીલ ૩.૭ ટકા ડાઉન હતા. ઇન્ડ્સ ટાવર સવાબે ટકા, ભારતી ઍરટેલ બે ટકા નજીક તથા તાતા ટેલી પોણાબે ટકા મજબૂત બનતાં ટેલિકૉમ બેન્ચમાર્ક એક ટકાથી વધુ રણક્યો છે. ઝી એન્ટર વધુ ૩.૯ ટકા ગગડી ૧૨૮ થયો છે. નેટવર્ક ૧૮ સવાબે ટકા વધીને ૬૦ વટાવી ગયો હતો.
HDFC અને ICICI બૅન્કમાં નવી ઑલટાઇમ હાઈ સાથે સુધારો
HDFC બૅન્ક ૨૦૩૦ નજીક નવી સર્વોચ્ચ સપાટી બનાવી પોણો ટકો વધી ૨૦૨૫ નજીકના બંધમાં બજારને સર્વાધિક ૧૧૫ પૉઇન્ટ ફળ્યો છે. ICICI બૅન્ક પણ ૧૪૯૦ની ઑલટાઇમ ટૉપ બતાવી એકાદ ટકો વધી ૧૪૮૮ નજીકના બંધમાં બજારને ૮૮ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો છે. ભારતી ઍરટેલની બે ટકાની તેજીથી એમાં વધુ ૮૨ પૉઇન્ટનો ઉમેરો થયો હતો. રિલાયન્સ પરિણામ પછીની નબળાઈને બ્રેક લગાવી પોણો ટકો વધી ૧૪૨૪ બંધ થયો છે. જીઓ ફાઇ. સવા ટકા નજીક સુધી હતો. તાતા મોટર્સ અઢી ટકા વધી ૬૯૦ના બંધમાં બન્ને બજારમાં ટૉપ ગેઇનર બન્યો છે. માથે પરિણામમાં બજાજ ફાઇનૅન્સ ૧.૭ ટકા વધી ૯૬૮ થયો છે. અન્યમાં મારુતિ ૧.૨ ટકા, બજાજ ફિનસર્વ એક ટકો, શ્રીરામ ફાઇ. સવા બે ટકા, અપોલો હૉસ્પિટલ્સ પોણાબે ટકા, બજાજ ઑટો સવા ટકો, અદાણી એન્ટર એક ટકો, ઇન્ડ્સ ઇન્ડ બૅન્ક એક ટકા નજીક પ્લસ હતા. સતત બે દિવસ ટૉપ ગેઇનર બનેલો એટર્નલ પોણો ટકો વધીને ૩૦૨ થયો છે. એની હરીફ સ્વિગી અડધો ટકો અપ હતો.
સેન્સેક્સમાં હિન્દુસ્તાન યુનિલીવર સવા ટકા નજીક તો નિફ્ટીમાં તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટસ બે ટકા બગડીને વર્સ્ટ પર્ફોર્મર બન્યો હતો. ગ્રાસિમ, ભારત ઇલે, અલ્ટ્રા ટેક સિમેન્ટ્સ અડધો-પોણો ટકો ઘટ્યો છે. પ્રથમ વાર નફામાં આવેલી પેટીએમ ૬ ગણા કામકાજે ૧૦૯૦ની બે વર્ષની ટૉપ બનાવી પોણાબે ટકાની આગેકૂચમાં ૧૦૭૧ થયો છે. જેફરીઝે અહીં ૧૨૫૦ રૂપિયા તથા સીટીવાળાએ ૧૨૧૫ રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસથી બાયના કૉલ આવ્યા છે.


