° °

આજનું ઇ-પેપર
Thursday, 30 June, 2022


સેન્સેક્સ-નિફ્ટી સિવાય બજારમાં બધું ડાઉન, આને કહેવાય ઇન્ડેક્સ મૅનેજમેન્ટ

21 June, 2022 02:39 PM IST | Mumbai
Anil Patel

૬૨માંથી ૫૪ શૅર ઘટવા છતાં આઇટી ઇન્ડેક્સ પ્લસમાં, ૮૧માંથી ૧૭ શૅરના સુધારામાં એફએમસીજી ઇન્ડેક્સ સવા ટકો અપ

પ્રતીકાત્મક તસવીર માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર

સ્મૉલ કૅપ, મિડ કૅપ અને બ્રૉડર માર્કેટના બેન્ચમાર્ક વ્યાપક ખુવારી સાથે નવા ઐતિહાસિક તળિયે: બજારના ૮૦ ટકાથી વધુ અને લાર્જ કૅપના ૬૦ ટકાથી વધુ શૅર ઘટાડામાં, માર્કેટ કૅપ ૧.૯૧ લાખ કરોડ ગગડ્યું : ૬૨માંથી ૫૪ શૅર ઘટવા છતાં આઇટી ઇન્ડેક્સ પ્લસમાં, ૮૧માંથી ૧૭ શૅરના સુધારામાં એફએમસીજી ઇન્ડેક્સ સવા ટકો અપ : બૅન્કિંગ-ફાઇનૅન્સના ધબડકાને એચડીએફસી ટ્‍​ન્સે અટકાવ્યો, મેટલમાં ખરાબી વધી : ઑઇલ-ગૅસ શૅરોમાં મસમોટાં ગાબડાં 

સેન્સેક્સ સળંગ છ દિવસની ખરાબીમાં ૩૯૬૦ પૉઇન્ટ ખરડાઈને વર્ષનાં નવાં બૉટમ બનાવ્યાં પછી સોમવારે ૨૩૭ પૉઇન્ટ જેવા સામાન્ય સુધારામાં ૫૧,૫૯૮ તથા નિફ્ટી ૫૭ પૉઇન્ટ વધી ૧૫,૩૫૦ બંધ આવ્યો છે. દિવસ દરમ્યાન બેતરફી વધઘટ હતી, જેમાં બજાર નીચામાં ૫૧,૦૬૩ અને ઉપરમાં ૫૧,૭૧૫ થયું હતું. ગઈ કાલનો સુધારો કેવળ લાર્જ કેપ પૂરતો અને એમાંય પસંદગીયુક્ત શૅરો સુધી જ સીમિત હતો. બાકી બજારના ૮૦ ટકાથી વધુ શૅરો તો ઘટીને જ બંધ થયા છે. રોકડું સર્વાધિક ગગડ્યું છે. સ્મોલ કૅપ ઇન્ડેક્સ ૨૩,૨૬૧ની વર્ષની બૉટમ બનાવી ૭૧૨ પૉઇન્ટ કે ત્રણ ટકા તૂટ્યો છે. એમાં ૯૦૯માંથી માત્ર ૯૮ શૅર પ્લસ હતા. મિડ કૅપ બેન્ચમાર્ક ૨૦,૮૧૪ની ઐતિહાસિક નીચી સપાટી નોંધાવી ૨૯૬ પૉઇન્ટ કે ૧.૪ ટકા બગડ્યો છે. એના ૧૦૭માંથી ૭૫ શૅર ડાઉન હતા. બ્રૉડર માર્કેટનો બીએસસી-૫૦૦ ઇન્ટ્રા-ડેમાં ૨૦,૪૮૫ની વર્ષની બૉટમ બાદ ૭૯ પૉઇન્ટના સામાન્ય ઘટાડે બંધ હતો, પરંતુ એના ૫૦૧માંથી વધેલા શૅરની સંખ્યા ૧૨૪ જ હતી. ઇવન લાર્જ કૅપ ઇન્ડેક્સ ૫૮૫૬ની વર્ષની વર્સ્ટ સપાટી બતાવી સાત પૉઇન્ટના સુધારામાં ૫૯૦૯ બંધ થયો છે, એનાય ૯૦માંથી ૫૧ શૅર માઇનસ રહ્યા છે. અત્યંત ખરાબ માર્કેટ બ્રેડથને લઈ એનએસઈ ખાતે સોમવારે વધેલા ૩૯૬ શૅરની સામે ૧૭૪૪ શૅર ઘટીને બંધ થયા છે. સેન્સેક્સની રીતે માર્કેટ પ્લસમાં હોવા છતાં બજારનું માર્કેટ કૅપ ૧.૯૧ લાખ કરોડ રૂપિયા ઘટ્યું છે. આમ સોમવારનો સુધારો જરાય નક્કર કે ટકાઉ જણાતો નથી. 

ગઈ કાલે મોટા ભાગના ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં હતા. એફએમસીજી, આઇટી, ટેક્નૉલૉજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકૅર, ફાઇનૅન્સ જેવા બેન્ચમાર્ક પૉઝિટિવ ઝોનમાં બંધ હતા. એફએમસીજી ઇન્ડેક્સ સર્વાધિક ૧૬૧ પૉઇન્ટ કે સવા ટકા નજીક પ્લસ હતો, પરંતુ અહીં વધેલા દરેક શૅર સામે ચાર જાતો નરમ હતી. અત્રે ૮૧માંથી કેવળ ૧૭ શૅર સુધર્યા હતા. 
વિશ્વબજારોની વાત કરીએ તો હૉન્ગકૉન્ગ તથા ઇન્ડોનેશિયાના અડધા ટકા જેવા સુધારાને બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજારો નરમ હતાં. સાઉથ કોરિયા બે ટકા, તાઇવાન પોણાબે ટકા અને જપાન પોણો ટકો માઇનસ હતા. યુરોપ બહુધા સામાન્ય સુધારે પૉઝિટિવ ટ્રેન્ડ બતાવતું હતું. વિશ્વબજારમાં ક્રૂડ ઘટીને ૧૧૩ ડૉલરે ચાલી રહ્યું છે. કોમેક્સ કૉપર એક ટકો તો વાયદામાં કૉપર સવા ટકો, ઝિન્ક દોઢ ટકો, ટીન અઢી ટકા અને ઍલ્યુમિનિયમ સાધારણ ઢીલું હતું.

એચડીએફસી ટ્‍​િવન્સના સથવારે મેઇન બેન્ચમાર્ક ઘટતાં અટક્યા
સોમવારે સેન્સેક્સના ૩૦માંથી ૧૭ અને નિફ્ટીના ૫૦માંથી ૨૭ શૅર પ્લસ હતા. એચડીએફસી ચારેક ટકાની તેજીમાં ૨૧૩૪ બંધ આપી બંને મેઇન બેન્ચમાર્ક ખાતે બેસ્ટ પર્ફોર્મર બન્યો છે અને એના કારણે બજારને સર્વાધિક ૧૩૧ પૉઇન્ટનો ફાયદો થયો છે, જ્યારે એચડીએફસી બૅન્ક અઢી ટકા વધી ૧૩૨૨ બંધ થતાં એમાં બીજા ૧૨૪ પૉઇન્ટનો ઉમેરો થયો હતો. હિન્દુ. યુનિલીવર ચાર ટકાની નજીક ૨૧૯૬ના બંધમાં સેન્સેક્સ અને નિફ્ટી ખાતે સેકન્ડ બેસ્ટ ગેઇનર બન્યો છે. આ ઉપરાંત અત્રે અલ્ટ્રાટેક, એશિયન પેઇન્ટ્સ, વિપ્રો, ઇન્ફી, નેસ્લે, ટેક મહિન્દ્ર, બ્રિટાનિયા, અપોલો હૉસ્પિટલ્સ, શ્રી સિમેન્ટ, ગ્રાસીમ, ટાઇટન, દીવીસ લૅબ, ટીસીએસ જેવાં કાઉન્ટર દોઢેક ટકાથી માંડીને ત્રણ ટકા જેવા મજબૂત હતાં. ઓએનજીસી નીચામાં ૧૩૦ બતાવી ૪.૮ ટકાના વધુ ધબડકામાં ૧૩૫ નીચે બંધ આપી નિફ્ટી ખાતે ટૉપ લૂઝર હતો, તો સેન્સેક્સ ખાતે તાતા સ્ટીલ પાંચ ટકાના ધોવાણમાં બમણાથી વધુના વૉલ્યુમે ૮૪૩ની નવી ઐતિહાસિક બૉટમ બનાવી ૮૬૧ બંધ આપીને વર્સ્ટ પર્ફોર્મર રહ્યો છે. આ ઉપરાંત ઇન્ડ્સઇન્ડ બૅન્ક, એનટીપીસી, મહિન્દ્ર, સ્ટેટ બૅન્ક, કોલ ઇન્ડિયા, ભારત પેટ્રો દોઢથી પોણાત્રણ ટકા ડાઉન હતા. યુપીએલ સાડાત્રણ ટકાથી વધુ ને હિન્દાલ્કો ત્રણ ટકા માઇનસ હતા. હેવીવેઇટ રિલાયન્સ એજીએમ એટલે કે વાર્ષિક સામાન્ય સભા નજીકમાં છે ત્યારે ૨૬૧૮ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૨૫૨૧ દેખાડી પોણાબે ટકા બગડીને ૨૫૪૩ની નીચે બંધ આપી સેન્સેક્સને સૌથી વધુ ૧૪૨ પૉઇન્ટ નડ્યો છે. અદાણી ગ્રીન પોણાબે ટકા અને અદાણી ટ્રાન્સમિશન સવા ટકાની નજીક સુધર્યા છે, પરંતુ અદાણી ટોટલ ગૅસ સવાસાત ટકા કે ૧૫૫ રૂપિયા તૂટીને ૧૯૯૧ થયો છે. અદાણી વિલ્મર અને અદાણી પાવર પાંચ ટકાની મંદીની સર્કિટમાં બંધ હતા. અદાણી એન્ટર અડધો ટકો અને અદાણી પોર્ટ્સ પોણો ટકો નરમ હતા. રુચિ સોયા ત્રણ ટકાના ઘટાડે ૯૫૪ થઈ છે, કામકાજ પોણાસાત ગણા હતા. 

ઇન્ફોસિસના જોરમાં આઇટી પ્લસ, બૅન્કિંગમાં એચડીએફસી બૅન્ક સામા પ્રવાહે 
આઇટી ઇન્ડેક્સ ગઈ કાલે ૧૧૩ પૉઇન્ટ કે અડધા ટકાની નજીક ભલે વધ્યો, પરંતુ એના ૬૨માંથી ૫૪ શૅર નરમ હતા. ફન્ટલાઇન ઇન્ફી બે ટકા જેવી મજબૂતીમાં ૧૪૧૫ નજીક બંધ આપી આઇટી ઇન્ડેક્સને ૧૭૯ પૉઇન્ટ તથા સેન્સેક્સને ૮૮ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો છે. ટીસીએસ પોણો ટકો, વિપ્રો સવાબે ટકા, ટેક મહિન્દ્ર દોઢ ટકાની નજીક પ્લસ હતા. સામે પક્ષે સેંકડ લાઇન કાઉન્ટર્સમાં સાર્વત્રિક ખુવારી હતી. રામકો સિસ્ટમ્સ સવાબાર ટકા, સુબેક્સ સાડાનવ ટકા, ઓરિઅન પ્રો નવ ટકા, સાઇબર ટેક તથા વકરાંગી આઠ-આઠ ટકા, તાન્લા સાડાસાત ટકા, કેલ્ટોન સવાસાત ટકા, તાતા એલેક્સી ૫૫૩ રૂપિયા કે સાત ટકા, ડીલિન્ક પોણાસાત ટકા, ડેટામેટિક્સ સાડાછ ટકા, સોનાટા સૉફ્ટવેર ૬.૧ ટકા, ક્વીકહીલ અને લેટેન્ટ વ્યૂ સાડાપાંચ ટકા ધોવાયા છે. બ્રાઇટકૉમ, નેલ્કો, ૬૩ મૂન્સ પાંચેક ટકા ગગડ્યા છે. આઇટીઆઇ સવાબાર ટકા જેવી તેજીમાં ૯૩ની નજીક તથા ઇન્ડ્સ ટાવર નહીંવત્ વધ્યો છે. ટેલિકૉમ ઇન્ડેક્સ બાકીના ૧૫ શૅરના ઘટાડે બે ટકાથી વધુ કટ થયો છે. એમટીએનએલ પોણાદસ ટકા, તાતા ટેલિ સાડાનવ ટકા, એચએફસીએલ સાડાનવ ટકા, સ્ટરલાઇટ ટેક્નૉ આઠ ટકાની ખુવારીમાં હતા. વોડાફોન સવાત્રણ ટકા અને ભારતી સાધારણ ડાઉન હતો. આઇટી અને ટેલિકૉમમાં સાર્વત્રિક નરમાઈ વચ્ચે જૂજ હેવી વેઇટસના સુધારાને લઈ ટેક્નૉલૉજી ઇન્ડેક્સ અડધા ટકાથી વધુ સુધર્યા છે. અત્રે ૨૮માંથી ૧૯ જાતો માઇનસ હતી. જસ્ટ ડાયલ પોણાચાર ટકા, ઝી એન્ટર સાડાત્રણ ટકા, સારેગામા પાંચ ટકા, નેટવર્ક ટ્વિન્સ પોણાછ ટકા, પીવીઆર અડધો ટકો નરમ હતા. 

બૅન્ક નિફ્ટી બારમાંથી દસ શૅરના ઘટાડા છતાં ૫૮ પૉઇન્ટ જેવો સામાન્ય ઘટ્યો એ કેવળ એચડીએફસી બૅન્કની અઢી ટકાની મજબૂતીનું પરિણામ છે. કોટક મહિન્દ્ર બૅન્ક ૦.૪ ટકા માંડ સુધર્યા છે. સામે બંધન બૅન્ક ૧૧.૮ ટકાના કડાકામાં ૨૭૩, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક સવાપાંચ ટકા તૂટી ૩૦ની અંદર તો બૅન્ક ઑફ બરોડા પોણાચાર ટકા ખરડાઈ ૯૧ ઉપર બંધ હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી બૅન્ક ઑફ મહારાષ્ટ્રના અડધા ટકાના સુધારાને બાદ કરતાં બાકીના ૧૧ શૅરના ઘટાડે અઢી ટકા કપાયો છે. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૩૬માંથી ચાર શૅર પ્લસ હતા. ડીસીબી બૅન્ક સર્વાધિક પોણાપાંચ ટકા અપ હતો. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૨૭માંથી ફક્ત ૧૮ શૅર વધવા છતાં સામાન્ય સુધારામાં બંધ રહ્યો એ કેવળ એચડીએફસી ટ્વિન્સની મજબૂતીને આભારી છે. એલઆઇસી એક ટકો વધીને ૬૬૧ રૂપિયા બંધ રહ્યો છે. ઇન્ટ્રા-ડેમાં ૬૫૦ના ઑલટાઇમ તળિયે ગયો હતો. 

મેટલમાં ખરાબી આગળ વધી, એમઆરપીએલ ૧૯ ટકા તૂટ્યો 
મેટલ ઇન્ડેક્સ ૧૪,૯૨૨ની દોઢેક વર્ષની નવી બૉટમ બનાવી ૧૦માંથી ૯ શૅરના ઘટાડે સાડાચાર ટકા કે ૭૧૦ પૉઇન્ટ ઓગળી ગયો છે. વેદાન્તા તરફથી એની તામિલનાડુ ખાતેની વિવાદાસ્પદ કૉપર સ્મેલ્ટર યુનિટને વેચવાની વિચારણા થતાં ભાવ ૧૨.૭ ટકા લથડીને ૨૩૦ બંધ આવ્યો છે. નાલ્કો પોણાસાત ટકા, સેઇલ સવાપાંચ ટકા, જિંદાલ સ્ટીલ પાંચ ટકા, હિન્દાલ્કો ૩.૯ ટકા, એનએમડીસી પોણાચાર ટકા, કોલ ઇન્ડિયા સવાત્રણ ટકા ગગડ્યા છે. કોલ ઇન્ડિયા તરફથી સોલર પાવર અને ઍલ્યુમિનિયમ ઉત્પાદન ક્ષેત્રે વૈવિધ્યીકરણ કરવાની વિચારણાથી શૅરમાં કોઈ પૉઝિટિવ અસર થઈ નથી. સાંડૂર મેંગેનીઝ ૨૬૦ રૂપિયા કે સવાદસ ટકાના ધબડકામાં ૨૨૭૭ હતો. આશાપુરા માઇન પોણાચાર ટકા, હિન્દુસ્તાન કૉપર નવ ટકા, હિન્દુસ્તાન ઝિન્ક ૩.૮ ટકા, ટીનપ્લેટ આઠ ટકા, મુકંદ ૭.૯ ટકા તૂટ્યા છે. 

ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ રિલાયન્સ, ઓએનજીસી તથા અદાણી ટોટલના ભાર ઉપરાંત ગેઇલ પોણાછ ટકા, પેટ્રોનેટ ત્રણ ટકા, ભારત પેટ્રો ૧.૭ ટકા અને ઇન્ડિયન ઑઇલ સવા ટકો બગડતાં ૫૯૮ પૉઇન્ટ કે સાડાત્રણ ટકા ધોવાયો છે. ગુજરાત ગૅસ પોણાબે ટકા, ઇન્દ્રપ્રસ્થ ગૅસ એક ટકો અને ભારત પેટ્રો સામાન્ય સુધર્યા છે. ચેન્નઈ પેટ્રો ૧૬ ટકાના ધબડકામાં ૨૭૩, એમઆરપીએલ ૧૯ ટકાના કડાકામાં ૭૭ની અંદર, હિન્દુસ્તાન ઑઇલ સાડાછ ટકા બગડીને ૧૭૦, જીએમડીસી સાત ટકાની ખરાબીમાં ૧૨૫ની નીચે બંધ થયા છે. એનર્જી ઇન્ડેક્સ ૩૨ શૅરના ઘટાડે સવાત્રણ ટકાના અંધારપટમાં જોવાયો છે. પાવર ઇન્ડેક્સ દોઢ ટકો કટ હતો. તાતા પાવર સાડાસાત ટકા, જેએસડબ્લ્યુ એનર્જી પોણાસાત ટકા, ટોરન્ટ પાવર અઢી ટકા માઇનસ હતા યુટિલિટી ઇન્ડેક્સમાં અદાણી ગ્રીન અને અદાણી ટ્રાન્સ. સિવાય બાકીના ૨૧ શૅર બગડ્યા છે. આંક બે ટકા ઘટ્યો છે. નવભારત વેન્ચર્સ ૧૧ ટકા, રિલાયન્સ પાવર સાડાઆઠ ટકા, જેપી પાવર સવાઆઠ ટકા, બીએફ યુટિલિટીઝ સાડાસાત ટકાની ખરાબીમાં હતા. રિલાયન્સ ઇન્ફ્રા પાંચ ટકાથી વધુની ખુવારીમાં ૯૦ થયો છે. સોમવારે શુગર ઉદ્યોગમાં રીગા શુગર સવાચાર ટકા વધી હતી. બાકીના ૩૭ શૅર કડવા બન્યા છે. દાલમિયા શુગર ૧૧ ટકાની ખરાબીમાં ૨૮૭ના તળિયે ગયો છે. અત્રે ૨૭ શૅર પાંચ ટકાથી લઈને સાડાનવ ટકા સુધી ગગડ્યો છે.

21 June, 2022 02:39 PM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો

Isha Ambani હશે Reliance Retailની નવી બૉસ, મુકેશ અંબાણીનો નવો નિર્ણય

ઈશા અંબાણીને રિટેલ યૂનિટના ચેરમેન બનાવવાની માહિતી ત્યારે આવી રહી છે, જ્યારે મંગળવારે તેમના ટ્વિન્સ ભાઈ આકાશ અંબાણીને ટેલીકૉમ યૂનિટના ચેરમેન બનાવવામાં આવ્યા છે.

29 June, 2022 05:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ક્રેડિટ કાર્ડનો ખર્ચ મે મહિનામાં ૧.૧૩ લાખ કરોડને વટાવી ગયો : રિઝર્વ બૅન્ક

ઑનલાઇન ઊંચા મૂલ્યના વ્યવહાર ઑફલાઇન કરતાં વધારે

29 June, 2022 01:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

નાફેડનો તુવેરની ખરીદીનો લક્ષ્યાંક ચુકાશે : માત્ર ૧૨,૦૦૦ ટનની ખરીદી

સરકારે બફર સ્ટૉક માટે ચાલુ વર્ષે કુલ ૪૨,૫૦૦ ટન ખરીદીનો લક્ષ્યાંક રાખ્યો હતો

29 June, 2022 01:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK