દેશમાં ૨૯ ઑક્ટોબર સુધીમાં તમામ રવી પાકોનું કુલ ૪૩ લાખ હેક્ટરમાં વાવેતર થયું
પ્રતીકાત્મક તસવીર
દેશમાં શિયાળુ પાકોનાં વાવેતરનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને શરૂઆતના તબક્કામાં ખાસ કરીને રાયડાનાં વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રાયડાના ઐતિહાસિક ઊંચા ભાવ હોવાથી એનું વાવેતર ૨૬ ટકા જેવું વધ્યું છે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલયના તાજા આંકડાઓ પ્રમાણે ૨૯ ઑક્ટોબર સુધીમાં સમગ્ર દેશમાં કુલ રવી પાકોનું વાવેતર ૪૩.૨૯ લાખ હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષે આજ સમયે ૪૨.૫૨ લાખ હેક્ટરમાં થયું હતું. રવી પાકોમાં હજી ખાસ કરીને તેલીબિયાં અને કઠોળ પાકોનું વાવેતર ચાલુ થયાં છે.
દેશમાં રાયડાનું વાવેતર ૨૪.૬૭ લાખ હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષે આજ સમયે ૧૯.૬ લાખ હેક્ટરમાં થયું હતું. આમ ૨૫.૮૭ ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે, જ્યારે સનફ્લાવરનું વાવેતર ૪૩ હજાર હેક્ટરમાં થયું છે જે ગત વર્ષે માત્ર ૧૮ હજાર હેક્ટરમાં થયું હતું.
દેશમાં કઠોળનું વાવેતર ૨૩ ટકા ઘટીને ૯.૭ લાખ હેક્ટરમાં થયું છે જેમાં ચણાનું વાવેતર ૧૭ ટકા ઘટીને ૭.૭૭ લાખ હેક્ટરમાં થયું છે. અન્ય કઠોળનાં વાવેતર પણ ઘટ્યાં છે.

