૨૦૨૬નું કાઉન્ટડાઉન ચાલુ છે : વીતેલા ૨૦૨૫માં શૅરબજાર, મ્યુચ્યુઅલ ફન્ડ્સ, સોના-ચાંદી અને અન્ય ઍસેટ્સમાં ભરપૂર રોકાણ અને વધ-ઘટનો પ્રવાહ ચાલુ રહ્યો છે : ગ્લોબલ સ્તરે અનેક પડકારો વચ્ચે ભારત આગળ વધતું રહ્યું છે : આગામી સમયમાં રોકાણકારો સામે તકો આવતી રહેશે,
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
શું તમે માની શકો કે ફિલ્મ ‘ધુરંધર’ અને રોકાણજગતને એકબીજા સાથે સંબંધ છે? અથવા બીજા શબ્દોમાં કહીએ તો ‘ધુરંધર’ ફિલ્મની વાર્તામાંથી આપણે રોકાણજગત માટે શું સબક લઈ શકીએ? તમે આ ફિલ્મ જોઈ હશે તો સમજતા વાર નહીં લાગે. આ બન્નેમાં (માર્કેટમાં અને ફિલ્મમાં) કહે છે કે શરૂઆત ધીમી અને ચૂપચાપ કરો, રાહમાં પડકારો-જોખમો આવ્યા વિના રહેશે નહીં, ભરપૂર ધીરજ રાખો, મક્કમ-મજબૂત રહો, તરત પરિણામ મળી શકે નહીં, એને સમય આપી પાકવા દો, એટલે કે કમ્પાઉન્ડિંગ થવા દો. કમ્પાઉન્ડિંગના ગુણધર્મોને સમજનાર-અપનાવનાર ધુરંધર બની શકે. ઇન્વેસ્ટમેન્ટ-જગતમાં કમ્પાઉન્ડિંગની શક્તિ સંપત્તિસર્જનની છે. વાત માત્ર શૅર રોકાણની જ નથી, પરંતુ મ્યુચ્યુઅલ ફન્ડ્સની અને એના સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) સમાન પ્લાનની પણ છે. નાની-નાની ઘટના (બચત-રોકાણ) પણ બ્લૉકબસ્ટર પરિણામ આપી શકે છે. ઘણી બાબતો કે કાર્ય એના અંત વખતે જ સમજાય છે, ઉતાવળે જજમેન્ટ લેવાય નહીં. ખરી કિંમત સમય પર થાય છે. જેમ ફિલ્મ અધૂરી છોડી જનારને એનો મેસેજ સમજાતો નથી એમ માર્કેટમાંથી કે રોકાણજગતમાંથી જલદી નીકળી જવાથી એને ખરો લાભ મળતો નથી. ઇન શૉર્ટ, જેમ ફિલ્મ-સર્જનની સફળતા ધીરજ, અભ્યાસ અને મહેનત માગી લે છે એમ ઇન્વેસ્ટમેન્ટ-વિશ્વમાં પણ આ ત્રણેય બાબતો જરૂરી બને છે.
સમયની ગતિને કોણ માપી શક્યું છે? જોતજોતામાં ૨૦૨૫ પૂરું થઈ ગયું. ૨૦૨૬ નવી આશા-ધારણાઓ સાથે ઉદય પામવા જઈ રહ્યું છે. ૨૦૨૫માં શૅરબજારે, સોના-ચાંદીએ અને IPOની બજારે તેમ જ મ્યુચ્યુઅલ ફન્ડના પ્રવાહે જોરદાર પ્રદર્શન કર્યું, રોકાણકારોને આકર્ષ્યા, નવા વિક્રમ સ્થાપ્યા. શું ૨૦૨૬ કંઈ નવું કે વિશેષ કરશે? આવા સવાલ લોકોના દિમાગમાં ફરવા સ્વાભાવિક છે, પરંતુ નવા વર્ષમાં આ બજારો અને પ્રવાહો જે કરે એ ખરેખર તો રોકાણકારોએ કંઈક નવું જોઈતું હશે તો પોતે જ કંઈક નવું કરવું જોઈશે.
ADVERTISEMENT
ક્યાં ધ્યાન આપવું જોઈશે?
હાલ તો ગ્લોબલ સંજોગો સ્થિર થાય એવું જણાતું નથી. સતત તેજી કે સતત મંદીનાં એંધાણ પણ દેખાતાં નથી. રોકાણકારોએ નવાં સાહસોથી સાવધ રહેવા ઉપરાંત વર્તમાન કંપનીઓ પ્રત્યે વધુ સિલક્ટિવ બનવું જોઈશે. અમેરિકાનાં પગલાં પર ખાસ ધ્યાન આપવું જોઈશે. પ્રવાહિતાના દમ પર ભાવો ઊંચકાતા રહી શકે, તેજીનો લાભ લેવા સારી-નરસી કંપનીઓ સક્રિય થઈ ગઈ છે જેમાં દર વખતના અનુભવનું પુનરાવર્તન થઈ શકે છે. એક અંદાજ અનુસાર છેલ્લાં બે વર્ષમાં પ્રવેશેલા IPOમાંથી પચાસ ટકા સ્ટૉક્સના ભાવ આગામી બે વર્ષમાં અડધા થઈ જાય તો નવાઈ નહીં. ૨૦૨૬નો મુખ્ય આધાર અમેરિકા સાથેના વેપાર-કરાર કેવા થાય છે અને FII ભારતીય માર્કેટ માટે કેવો વ્યૂહ અપનાવે છે એના પર રહેશે. કેન્દ્રીય બજેટ પણ મહત્ત્વનું પરિબળ બનશે.
૨૦૨૫માં નવા રોકાણકારો
એક નોંધવા જેવી વાત એ છે કે ૨૦૨૫નું વર્ષ એકંદરે તેજીનું અને વિક્રમી રહ્યું હોવા છતાં આ વર્ષમાં નવા રોકાણકારોના પ્રવેશમાં ઘટાડો થયો છે. નવાં અકાઉન્ટ્સ ખૂલવાની ઝડપ છેલ્લાં ૩ વર્ષમાં ઘટી છે, ૨૦૨૫માં આશરે ૧.૫૧ કરોડ નવાં અકાઉન્ટ્સ ખૂલ્યાં છે જ્યારે ૨૦૨૪માં ૨.૩૬ કરોડ અને ૨૦૨૩માં ૧.૬ કરોડ નવાં અકાઉન્ટ્સ ઓપન થયાં હતાં. આ સાથે NSEના રજિસ્ટર્ડ અકાઉન્ટ્સની સંખ્યા ૧૨.૪ કરોડ થઈ છે જે ૨૦૨૪માં ૧૦.૮૯ કરોડ હતી. માર્કેટની વૉલેટિલિટીને કારણે નવાં અકાઉન્ટ્સમાં ગતિ ધીમી પડી છે. જોકે કુલ ગ્રાહકોની સંખ્યા વધતી રહી છે. ઓવરઑલ સક્રિય રોકાણકારોની સંખ્યા નોંધપાત્ર ઘટી નથી. જોકે રીટેલ રોકાણકારો વધુ ઍક્ટિવ થયા છે. નવા ઇન્વેસ્ટર્સની નોંધણીમાં મહારાષ્ટ્ર પ્રથમ રહ્યું છે, જ્યાં ૧.૯૭ કરોડ ઇન્વેસ્ટર્સ ઉમેરાયા, જ્યારે ઉત્તર પ્રદેશમાં ૧.૪૪ કરોડ અને ગુજરાતમાં ૧.૦૭ કરોડ નવા રોકાણકારો ઍડ થયા છે. ૨૦૨૫ દરમ્યાન બજાર આમ તો વૉલેટાઇલ રહ્યું, સેન્સેક્સ અને નિફ્ટીએ હાઈ લેવલ પણ બનાવ્યાં. જોકે તેમનું વાર્ષિક વળતર ૯ ટકા આસપાસ જ રહ્યું, મિડકૅપ ઇન્ડેક્સે માત્ર ૦.૫ ટકા જ વળતર આપ્યું, જ્યારે સ્મૉલ કૅપ ઇન્ડેક્સે ૯ ટકા માઇનસ વળતર દર્શાવ્યું. અલબત્ત, એની સામે ગોલ્ડ અને સિલ્વરે અસાધારણ વળતર આપ્યું છે, એના વિક્રમ હજી ચાલુ છે.
સોના-ચાંદીની ડિમાન્ડ વધી શકે, પણ...
૨૦૨૫માં બે સાધન એવાં જોરદાર રહ્યાં છે કે એમાં રોકાણ ધરાવનારને સોના-ચાંદી જેવો કીમતી અનુભવ થયો છે. હા, આ બે સાધનોનું નામ સોનું અને ચાંદી જ છે. વિશ્વના વિવિધ દેશોના અર્થતંત્રના ગ્રોથની કેટલી પણ વાતો થતી હોય, એની સામે જિયોપૉલિટિકલ સિચુએશનની તલવાર લટકતી જ રહેતી હોવાથી સોના-ચાંદીમાં રોકાણ-પ્રવાહ વધતો રહ્યો છે જે એના ભાવોને ઊંચા લઈ જવામાં અને ઊંચે ટકાવી રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. વીતેલા વર્ષના ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને હવેના સમયમાં સોના-ચાંદી રોકાણ માટેનાં વધુ આકર્ષક સાધન બનવા લાગ્યાં છે. યુદ્ધનો તેમ જ મોંઘવારી અને વ્યાજદરનો સંવેદનશીલ માહોલ પણ સોના-ચાંદીની બોલબાલા રાખે છે. નવા વર્ષમાં આમાં રોકાણ માટેની ડિમાન્ડ વધી શકે એવા સંજોગો છે, પણ કયા ભાવે રોકાણ કરવું અને કેટલું કરવું એ સમજ્યા વિના આગળ વધવામાં જોખમ પણ વધી શકે છે. વૈવિધ્યકરણ માટે પણ આ બન્ને સાધનોમાં રોકાણ કરવું જોઈએ. જોકે એના ફિઝિકલ કરતાં ઇટીએફનું સ્વરૂપ વધુ સલાહભર્યું છે. અલબત્ત, ઊચા ભાવે ભેરવાઈ ન જવાય એ માટે વ્યવહારુ સમજદારી જોઈશે.
૨૦૨૬માં શૅરબજારની નજર ક્યાં?
આ નજર માટેની યાદી લાંબી છે જેમાં અમેરિકા-ભારત વેપાર-કરારના ફાઇનલાઇઝેશન પર, ફેબ્રુઆરીમાં બજેટની જાહેરાત પર, અન્ય દેશો સાથે ભારતના વેપાર-કરારો પર, વ્યાજદર અને કરન્સી માર્કેટના સિનારિયો પર, ગ્લોબલ અને ભારતના ગ્રોથ-રેટ પર, યુદ્ધ સહિતના જિયોપૉલિટિકલ સંજોગો પર, ઇકૉનૉમિક રિફૉર્મ્સ પર, કૉર્પોરેટ પરિણામ સહિત IPOની બજાર પર, મ્યુચ્યુઅલ ફન્ડ સહિત સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો અને રીટેલ ઇન્વેસ્ટર્સના પ્રવાહ પર તેમ જ FIIના ટ્રેન્ડ પર વિશેષ નજર રહેશે.
મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત
IPOની (પ્રાઇમરી માર્કેટ) બજાર પર નજર કરીએ તો ૨૦૨૫માં કંપનીઓએ ૧.૭૫ લાખ કરોડનું જંગી ભંડોળ ઊભું કર્યું છે, જેમાં પણ ૭૮,૦૦૦ કરોડ રૂપિયા જેવો સિંહ-હિસ્સો માત્ર ૮ મોટી કંપનીઓ જ લઈ ગઈ. વર્ષ દરમ્યાન ૧૦૩ કંપનીઓ લિસ્ટેડ થઈ છે.
SEBIની ચોક્કસ ચેતવણી બાદ પણ ડિજિટલ ગોલ્ડની ખરીદીમાં વર્ષ દરમ્યાન વૃદ્ધિ થઈ છે. જોકે હવે પછી ગોલ્ડ ઇટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ)ની ડિમાન્ડ વધી શકે છે.
દેશમાં નવા વર્ષમાં ઇન્ડસ્ટ્રિયલ અને વેરહાઉસિંગ મામલે રિયલ્ટી સેક્ટરમાં માગ વધવાની ધારણા છે.
આ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં રિઝર્વ બૅન્ક ઊંચી પ્રવાહિતા જાળવી રાખવા એક લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ છૂટી કરે એવી શક્યતા છે. ધિરાણ, માગ અને નીચા વ્યાજદરને પહોંચી વળવાસંબંધી આ પગલું ભરાઈ શકે છે.
હવે ધીમે-ધીમે બૅન્ક ફાઇનૅન્સના સ્થાને નૉન-બૅન્કિંગ કંપનીઓ પાસેથી ધિરાણ મેળવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.
ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે દ્વિપક્ષીય વેપાર-કરાર થયા છે એને પરિણામે આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપાર બમણો થઈને પાંચ અબજ ડૉલર થવાનો અંદાજ છે.
વિશેષ ટિપ
શૅરબજારમાં વધ-ઘટ સાથે પ્રૉફિટ-બુકિંગ થયા કરશે, પરંતુ જો તમે લૉન્ગ ટર્મ રોકાણકાર હો તો શૉર્ટ ટર્મ પ્રૉફિટને સ્થાને સંપત્તિસર્જન પર ધ્યાન આપજો.


