સરકાર વિકાસના મુદ્દે ઍક્ટિવ છે, નવી-નવી ઇન્ડસ્ટ્રીઓ આવી રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે, લોખંડ તો એમાં વપરાવાનું જ છે
સંજ્ય પંચમિયા
અમારું બૉમ્બે આયર્ન બ્રોકર્સ અસોસિએશન ૫૦ વર્ષ કરતાં વધુ જૂનું છે અને એના ૬૫૦થી ૭૦૦ મેમ્બર્સ છે. અમારા બ્રોકર્સ અસોસિએશનના સભ્યો ઍક્ટિવ પણ છે અને દર વર્ષે અમે ગેટ-ટુગેધર અને અન્ય પ્રોગ્રામ પણ કરતા હોઈએ છીએ. પહેલાંની જેમ હવે રોજ મળવાનું નથી થતું, પણ ફોન પર તો ટચમાં રહેતા હોઈએ છીએ. અસોસિએશન મારફત તેમની સમસ્યા પણ ઉકેલતા હોઈએ છીએ. સમજો કોઈ પાર્ટીએ બ્રોકરેજ અટકાવી દીધું હોય તો એમાં પણ અમે પાર્ટીને સમજાવીને એ બ્રોકરેજની રકમ અપાવવાના પૂરતા પ્રયાસ કરતા હોઈએ છીએ. એ જ પ્રમાણે જો કોઈ વેપારીને તકલીફ હોય તો એનો પણ નિવેડો લાવીએ છીએ. જોકે હાલ પરિસ્થિતિ એ છે કે મસ્જિદ બંદરમાં જે લોખંડબજાર હતી એ ૬૦થી ૭૦ ટકા ખાલી થઈ ગઈ છે. ખાસ કરીને કોવિડ પછી વેપારીઓ અને બ્રોકરોએ તેમના ઘરની આજુબાજુ ઑફિસ લઈ ત્યાંથી કામ ચાલુ કરી દીધું છે. પહેલાં ચેક લેવા માણસોને મોકલવા પડતા હતા. હવે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) સિસ્ટમ શરૂ થઈ ગઈ છે, એથી દુનિયાના કોઈ પણ ખૂણે બેસીને કામ થઈ શકે એવી સુવિધા ઊભી થઈ ગઈ છે.
ભલે ઑફિસ બધાએ પોતપોતાના ઘર પાસે કરી લીધી હોય, એમ છતાં અમે બધા એકબીજા સાથે સંકળાયેલા છીએ. બોરીવલીમાં લગભગ ૧૦૦ જેટલા વેપારીઓ અને બ્રોકરોનું ગ્રુપ છે, તેઓ પણ અઠવાડિયામાં એકાદ વાર કોઈ ચોક્કસ જગ્યાએ મળતા હોય છે. વેપારની, પાર્ટીની, ગવર્નમેન્ટ પૉલિસીની એમ અનેક ચર્ચા-સમસ્યાઓ અને એના ઉકેલ વગેરે બધું અવારનવાર ચર્ચાતું હોય છે. એ જ પ્રમાણે ઘાટકોપરમાં પણ વેપારીઓ અને બ્રોકરો નિયમિત મળે છે.
ADVERTISEMENT
સરકાર વિકાસના મુદ્દે ઍક્ટિવ છે, નવી-નવી ઇન્ડસ્ટ્રીઓ આવી રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે, લોખંડ તો એમાં વપરાવાનું જ છે. પ્લાન્ટ ઊભા કરવાના હોય કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હોય, એમાં બધે જ લોખંડ તો લાગવાનું જ છે એથી ધંધો તો વધવાનો જ છે એમાં કોઈ શંકા નથી. તળોજામાં આખી ઇન્ડસ્ટ્રી છે એથી જ ડીકોઇલ ત્યાંથી થાય છે. કળંબોલીમાં બધાં વેરહાઉસ છે ત્યાંથી બધે સપ્લાય થાય, માલ ત્યાંથી ભરાય. દરેક બ્રોકરે પોતાના માણસો ત્યાં રાખેલા જ છે. તેઓ ત્યાં જ રહે છે અને અહીંથી જે પ્રકારે ઇન્સ્ટ્રક્શન જાય એ પ્રમાણે ત્યાંથી માલનું લોડિંગ થાય છે. આમ કામ સ્મૂધ થઈ ગયું છે.
નાના વેપારીઓ હવે બહુ રિસ્ક લેતા નથી. સમજો કોઈ પાર્ટી પાસે પૈસા અટકી જાય તો એ કઢાવવા બહુ મુશ્કેલ થઈ પડે છે. એના કરતા ધંધો ન થાય એનો વાંધો નહીં, પણ જાણીતી અને રેગ્યુલર પાર્ટી સાથે ભલે થોડા ઓછા નફે પણ ધંધો કરી લેવો. બીજું, જો થોડીઘણી રકમ હોય તો એ શૅરબજારમાં ઇન્વેસ્ટ કરી દે, ત્યાંથી થોડું વળતર મળી જાય. આમ નાના વેપારી હવે લાંબું રિસ્ક લેતા નથી. બીજી બાજુ જે મોટા વેપારીઓ છે જેમની સસ્ટેઇન કરવાની કૅપેસિટી છે તેઓ હવે બહોળો વેપાર કરે છે, કારણ કે તે લોકો હ્યુજ સપ્લાય કરી શકે છે. તેમની પાસે મોટો સ્ટાફ, મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમ બધું જ છે. ધીમે-ધીમે ધંધો તેમની તરફ વળતો જાય છે.
નાના વેપારીએ સતત ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ની લટકતી તલવાર હેઠળ રહેવું પડે છે. એમાં પણ અલગ-અલગ સરકારી ડિપાર્ટમેન્ટમાં દોડવું પડતું હોવાથી વેપારી એમાં જ અટવાયેલો રહે છે. એથી ઓછા નફા સાથે આ બધું સંભાળવું મુશ્કેલ થઈ રહ્યું છે. જો ધંધો મોટા પાયે હોય તો ચાલી જાય, બાકી નાનો વેપારી હવે એ બધો ખર્ચ ઉઠાવી નથી શકતો. માર્કેટમાં ક્રેડિટ પણ આપવી પડે, એ હવે બહુ લિમિટેડ થઈ ગઈ છે. જાણીતી પાર્ટી હોય, વર્ષોના રિલેશન હોય, રેગ્યુલર પેમેન્ટ હોય તો જ તેને વધુમાં વધુ ૩૦થી ૩૫ દિવસની ક્રેડિટ આપવામાં આવે છે. બાકી સેમ દિવસમાં ટ્રાન્ઝૅક્શન થાય અને સાત-આઠ દિવસમાં પેમેન્ટ થઈ જતું હોય છે. જો કોઈ પાર્ટી પેમેન્ટ અટકાવે તો તેને પહેલું પેમેન્ટ ક્લિયર થાય ત્યાર બાદ જ બીજો માલ આપવાની પૉલિસી અપનાવાય છે. અમારી માર્કેટમાં માર્જિન બહુ ઓછું હોય છે, પણ વૉલ્યુમ મોટું હોય છે. ૨૦૦-૪૦૦ રૂપિયા ટન પર મળતા હોય છે, પણ સાંજ પડે ૨૦૦ ટન માલ વેચાતો હોય છે. આમ ઓછા નફે બહોળો ધંધો જેવી રીતે કામ ચાલે છે. આમાં કોઈ પણ વેપારીને પૈસા અટકી જાય એ ન પોસાય. એથી એક વાર ધંધો ઓછો થશે, માલ પડ્યો રહેશે તો ચાલશે, પણ પેમેન્ટ અટકે એ ન ચાલે. જેવી સામેવાળાની કૅપેસિટી એવી રીતે સાત કે દસ દિવસની ક્રેડિટની લિમિટ બાંધી દીધી હોય છે. ઓવરઑલ બધું સ્મૂધ ચાલી રહ્યું છે. RTGSથી પેમેન્ટ થઈ ગયું. વેપારીઓને પણ ખબર હોય કે સામે વાળી પાર્ટી સાથે કેટલાનો વેપાર કરી શકાય. આમ માર્કેટનો વ્યવહાર સ્મૂધલી ચાલતો રહે છે.
- (લેખક બૉમ્બે આયર્ન બ્રોકર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ છે.)


