ડિફેન્સ ઍક્વિઝિશન કાઉન્સિલ તરફથી ૮૦,૦૦૦ કરોડના પ્રોક્યૉરમેન્ટને લીલી ઝંડી છતાં ડિફેન્સ શૅરોમાં નરમાઈનો માહોલ : ખાતર શૅરોમાં એકંદર સુધારાના હવામાન વચ્ચે કોરોમંડલ ઇન્ટરનૅશનલ ૧૦૦ રૂપિયા ડાઉન : ડિક્સન ટેક્નૉલૉજીઝમાં ૧૬ મહિનાની નવી નીચી સપાટી બની
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કી હાઇલાઇટ્સ
- આખા અને દળેલા મરી-મસાલા વેચતી શ્યામ ધાણીમાં લગભગ ૧૦૦ ટકાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો
- તાંબુ નવા શિખર સાથે ૧૩,૦૦૦ ડૉલર ભણી ગતિમાન થતાં હિન્દુસ્તાન કૉપરમાં સવાનવ ટકાની આગેકૂચ
- અમદાવાદી સિલ્વર ટચ ટેક્નૉલૉજીઝ નવા શિખર સાથે ૧૪.૮ ટકાની તેજીમાં
એશિયન બજારો મંગળવારે પ્રમાણમાં સાંકડી વધઘટે મિશ્ર રહ્યાં છે. હૉન્ગકૉન્ગ પોણો ટકો, સિંગાપોર અડધો ટકો, થાઇલૅન્ડ તથા ઇન્ડોનેશિયા સામાન્ય પ્લસ હતા, સામે જપાન અને સાઉથ કોરિયા નહીંવત ઘટ્યા છે. યુરોપ રનિંગમાં અડધો ટકો ઉપર હતું. પાકિસ્તાની શૅરબજાર ૧,૭૪,૮૦૫ના નવા શિખરે જઈને રનિંગમાં ૬૬૫ પૉઇન્ટ વધીને ૧૭,૪૫૬૨ દેખાતું હતું. બ્રૅન્ટ ક્રૂડ હળવા સુધારામાં ૬૨ ડૉલર નજીક સરક્યું છે. બિટકૉઇન સાધારણ પ્લસમાં ૮૭,૫૯૩ ડૉલર ચાલતો હતો.
સેન્સેક્સ આગલા બંધથી ૯૪ પૉઇન્ટ નીચે ૮૪,૬૦૧ ખૂલી છેવટે ૨૦ પૉઇન્ટ ઘટીને ૮૪,૬૭૫ તથા નિફ્ટી ૩ પૉઇન્ટ ઘટીને ૨૫,૯૩૯ બંધ થયો છે. દિવસ દરમ્યાન વધ-ઘટની રેન્જ ઘણી સાંકડી હતી. શૅરઆંક નીચામાં ૮૪,૪૭૧ અને ઉપરમાં ૮૪,૮૦૨ થયો હતો. નબળી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૪૧૦ શૅરની સામે ૧૭૨૩ જાતો માઇનસ થઈ છે. માર્કેટકૅપ પ્રોવિઝનલ ફિગર પ્રમાણે ૪૩,૦૦૦ કરોડ ઘટીને ૪૭૧.૭૨ લાખ કરોડ રહ્યું છે. બહુધા નરમ વલણમાં રહેલાં સેક્ટોરલમાં હેલ્થકૅર અડધો ટકો, કૅપિટલ ગુડ્સ અડધો ટકો, રિયલ્ટી પોણો ટકા, નિફ્ટી કેમિકલ્સ પોણો ટકા, નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૧.૧ ટકા ડાઉન હતો. સામે પીએસયુ બૅન્ક નિફ્ટી ૧.૭ ટકા, નિફ્ટી મેટલ બે ટકા, ઑટો એક ટકો વધ્યો હતો. કેપી ગ્રીન એનર્જી સરેરાશ કરતાં ૯૧ ગણા વૉલ્યુમે ૪૮૪ વટાવી ૧૮ ટકાની તેજીમાં ૪૭૭ બંધ આપીને એ-ગ્રુપ ખાતે ઝળક્યો છે. કુદ્રમુખ આયર્નઓર અર્થાત્ KIOCL ઇન્ટ્રા-ડેમાં ૪૧૨ની ટૉપ બનાવીને ૪ ટકા વધીને ૩૯૫ થઈ છે. મામા અર્થવાળી હોનસા કન્ઝ્યુમરમાં પ્રમોટર એન્ટિટી દ્વારા હોલ્ડિંગ વધારવામાં આવતાં ભાવ ૧૭ ગણા કામકાજે ૨૯૯ વટાવી ૪.૪ ટકા ઊંચકાઈ ૨૮૯ થયો છે. જેબીએમ ઑટો ૪ ટકા મજબૂત બની ૬૩૩ હતી. ફાર્મા કંપની કૅપ્લિન પૉઇન્ટ ૧૦ ગણા કામકાજે નીચામાં ૧૭૫૧ બનાવી ૪.૮ ટકા કે ૮૯ રૂપિયા ગગડી ૧૭૯૩ રહી છે. ખાતર કંપની કોરોમાંડલ ઇન્ટરનૅશનલ ઉપરમાં ૨૩૮૯ થયા બાદ હેવી પ્રૉફિટ બુકિંગમાં પટકાઈ ૨૨૦૩ દેખાડી સવાચાર ટકા કે ૧૦૦ રૂપિયા ખરડાઈને ૨૨૬૫ હતી. જોકે ખાતર શૅરોમાં એકંદર હવામાન સુધારાનું હતુ. ઉદ્યોગના ૨૧માંથી ૭ શૅર માઇનસ હતા. નાગાર્જુના ફર્ટિલાઇઝર્સ સાડાપાંચ વટાવીને ૮.૩ ટકાની તેજીમાં ૫.૩૩ બંધ હતી. ફેક્ટ, નૅશનલ ફર્ટિ, મદ્રાસ ફર્ટિલાઇઝર્સ, ઝુખારી ઍગ્રો, પારાદીપ ફૉસ્ફેટ્સ, શીવા ઍગ્રો જેવી જાતો એકથી સાડાછ ટકા વધી હતી.
ADVERTISEMENT
ડિફેન્સ ઍક્વિઝિશન કાઉન્સિલ તરફથી ઇન્ડિયન નેવી માટે ૮૦,૦૦૦ કરોડની વિવિધ ડિફેન્સ આઇટમ ખરીદવાનો પ્રોગ્રામ જારી કરાયો છે, પરંતુ ડિફેન્સ સેક્ટર ઉપર એની પૉઝિટિવ અસર વરતાઈ નથી. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૧.૧ ટકા ઘટ્યો છે. ડિફેન્સ ઉદ્યોગના ૨૩માંથી ૭ શૅર માઇનસ થયા છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલી એક્વસ લિમિટેડ દોઢ ટકા વધીને ૧૩૭ હતી. મિશ્ર ધાતુ નિગમ એક ટકા, એક્સિસ કેડ્સ સવા ટકો અને રસેલ ટેક્સિસ દોઢ ટકા અપ હતી. સામે ડેટા પૅટર્ન્સ ૨.૪ ટકા, DCX ઇન્ડિયા ૨.૭ ટકા, જેન ટેક્નૉલૉજીઝ ૨.૩ ટકા, ગાર્ડન રિચ ૨.૮ ટકા, એસ્ટ્રામાઇક્રો ૨.૧ ટકા, નાઇબ લિમિટેડ સવાબે ટકા, એમટાર ટેક્નો અડધો ટકો, હિન્દુસ્તાન એરોનોટિક્સ ૧.૧ ટકા, આઇડિયા ફૉર્જ ૧.૪ ટકા ડૂલ થઈ છે. MMTC ૪.૫ ટકા ગગડી ૬૭ હતી. PTC ઇન્ડસ્ટ્રીઝ ૫.૯ ટકા કે ૧૧૨૪ રૂપિયા ગગડી ૧૮,૦૬૭ રહી છે. ડિક્સન ટેક્નૉલૉજીઝ ૧૧,૬૫૦ની ૧૬ મહિનાની નવી બૉટમ બનાવી અડધો ટકો ઘટી ૧૧,૭૯૩ રહી છે.
સનડ્રેક્સ આૅઇલ અને દાચીપલ્લી પબ્લિશર્સમાં તગડી લિસ્ટિંગ-લૉસ
ગઈ કાલે અમદાવાદની ગુજરાત રિડની બેના શૅરદીઠ ૧૧૪ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૦થી શરૂ થઈ દોઢ થઈ ગયેલા પ્રીમિયમ સામે ૧૨૧ ખૂલી ૧૦૫ બંધ થતાં સવાઆઠ ટકા લિસ્ટિંગ લૉસ ગઈ છે. SME સેગમેન્ટમાં જયપુરની શ્યામ ધાણી ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૭૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ૨૧થી શરૂ થઈ છેલ્લે બોલાતા ૬૮ના પ્રીમિયમ સામે ૧૩૩ ખૂલી ૧૪૦ નજીક બંધ રહેતાં એમાં ૧૦૦ ટકાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. હૈદરાબાદી EPW ઇન્ડિયા ૫ના શૅરદીઠ ૯૭ની ઇશ્યુ પ્રાઇસ તથા છેલ્લે બોલાતા અઢી રૂપિયા પ્રીમિયમ સામે ૧૧૧ ખૂલી ૧૧૬ બંધ થતાં ૨૦ ટકા લિસ્ટિંગ ગેઇન તેમ જ દાચીપલ્લી પબ્લિશર્સ ૧૦ના શૅરદીઠ ૧૦૨ની ઇશ્યુ પ્રાઇસ અને ઝીરો પ્રીમિયમ સામે ૮૧ ખૂલી ૮૧ નીચે બંધ આવતાં ૨૧ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. કલકત્તાની સનડ્રેકસ ઑઇલ ૧૦ના શૅરદીઠ ૮૬ની ઇશ્યુ પ્રાઇસ અને ૧૭થી શરૂ થઈ બીજા દિવસે ૩ થઈ ઝીરો થઈ ગયેલા પ્રીમિયમ સામે ૬૯ ખૂલી ૬૫ બંધ થતાં ૨૪ ટકા લિસ્ટીંગ-લૉસ ગઈ છે. આજે ધારા રેલ પ્રોજેક્ટ્સ, બાઇ કાકાજી પૉલિમર્સ, નાન્ટા ટેક લિમિટેડ, અપોલો ટેક્નો ઇન્ડસ્ટ્રીઝ તથા એડમેક સિસ્ટમ્સના SME IPO લિસ્ટેડ થવાના છે. હાલ ગ્રેમાર્કેટ ખાતે ધારા રેલમાં ૧૪, એડમેક સિસ્ટમ્સમાં ૭, નાન્ટા ટેકમાં ૨૪, અપોલો ટેકનોમાં ૭ અને બાઇ કાકાજીમાં બે પ્રીમિયમ બોલાય છે.
મૉડર્ન ડાયગ્નોસ્ટિકનો ૯૦ના ભાવથી SME ઇશ્યુ આજે ખૂલશે
આજે SME સેગમેન્ટમાં નવી દિલ્હી ખાતેની મૉડર્ન ડાયગ્નોસ્ટિક ઍન્ડ રિસર્સ સેન્ટર ૧૦ના શૅરદીઠ ૯૦ના ભાવે કુલ ૩૬૮૯ લાખ એટલે કે ૩૭ કરોડ રૂપિયાનો BSE SME ઇશ્યુ કરવાની છે. ૧૯૮૫માં સ્થપાયેલી આ કંપની પેથોલૉજી તેમ જ રેડિયોલૉજી સર્વિસિસ પૂરી પાડે છે. ગયા વર્ષે ૧૫ ટકા વધારામાં ૭૮૮૦ કરોડની આવક ઉપર કંપનીએ ૫૫ ટકા વધારામાં ૮૯૭ લાખ નેટ નફો બતાવ્યો છે. ચાલુ વર્ષના પ્રથમ ૩ મહિનામાં આવક ૨૨૬૭ લાખ અને નેટ પ્રૉફિટ ૩ કરોડ થયો છે. દેવું ૩ મહિનામાં ૨૨૦૯ લાખથી વધીને ૩૦૩૮ લાખ થઈ ગયું છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધીને ૧૫૫૦ લાખ થશે. એમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૨.૯ ટકા જેવું રહેશે. પ્રમોટર્સની શૅરદીઠ સરેરાશ પડતર ૯૦ પૈસા જેવી છે. ચાલુ વર્ષના ૩ મહિનાની કમાણી ઍન્યુલાઇઝડ કરતાં ઇશ્યુ પ્રાઇસ ૧૧.૪ નજીકનો તથા ગયા વર્ષની કમાણીની રીતે ૧૫.૨નો પીઇ સૂચવે છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ હાલ નથી. દરમ્યાન e2E ટ્રાન્સપોર્ટેશનનો ૧૦ના શૅરદીઠ ૧૭૪ની ઇશ્યુ પ્રાઇસ સાથે કુલ ૮૪૨૨ લાખનો NSE SME ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે રીટેલમાં ૫૫૦ ગણા સહિત કુલ ૫૩૫ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ૧૪૩વાળું પ્રીમિયમ સુધરી હાલ ૧૪૫ ચાલે છે.
બુક-વૅલ્યુથી નીચા ભાવે મળતી હિન્દુસ્તાન અર્બનમાં શૅર-વિભાજન
અમદાવાદી એ-વન લિમિટેડ એક શૅરદીઠ ૩ બોનસમાં એક્સ બોનસની પૂર્વસંધ્યાએ ચોથી ઉપલી સર્કિટે પાંચ ટકા વધીને ૧૯૩૩ બંધ રહી છે. અગાઉ TRC ફાઇનૅન્શિયલ સર્વિસિસ તરીકે ઓળખાતી મુંબઈના બાંદરા હીલ ખાતેની અવસર ફાઇનૅન્સ એક શૅરદીઠ બેના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ભાવોભાવ રાઇટમાં ગુરુવારે એક્સ રાઇટ થશે. શૅર GSM હેઠળ હોવાથી એનું ટ્રેડિંગ રિસ્ટ્રિકટેડ લિસ્ટમાં છે. ભાવ સોમવારે ૨૯ ઉપર બંધ હતો. નવી દિલ્હીની હિન્દુસ્તાન અર્બન ઇન્ફ્રા સ્ટ્રક્ચર દ્વારા ૧૦ના શૅરનું બે રૂપિયામાં વિભાજન નક્કી કરાયું છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૨૨૬૮ થઈને બે ટકા વધી ૨૨૪૪ બંધ થયો છે. આ કંપની અગાઉ હિન્દુસ્તાન વિદ્યુત પ્રોડક્ટસ તરીકે ઓળખાતી હતી. એ ઓવરહેડ કન્ડક્ટર્સ, અન્ડર ગ્રાઉન્ડ કેબલ્સ તથા હાઈ ટેન્શન ઇન્સ્યુલેટર્સ જેવા ઇલેક્ટ્રૉનિક કમ્પોનન્ટ્સ બનાવે છે. છેલ્લાં પાંચ વર્ષથી કંપની સતત ખોટમાં છે પણ તેની બુક વૅલ્યુ હાલ ૨૫૮૫ રૂપિયા જેટલી ઊંચી છે. ઇક્વિટી માત્ર ૧૪૪ લાખની છે, એમાં પ્રમોટર્સ પાસે ૭૫ ટકા માલ છે. છેલ્લું ડિવિડન્ડ ૨૦૧૮માં આવ્યું હતું. ૨૦૨૧ની ૩૦ ઑગસ્ટે શૅરમાં ૬૧૪૦ની ઓલટાઇમ હાઈ બની હતી. વર્ષની ટૉપ ૨૯૭૦ છે જે ૧૪ ફેબ્રુઆરીએ બની હતી.
વિશ્વ બજારમાં કોપર નવા શિખર સાથે ૧૩,૦૦૦ ડૉલર ભણી ગતિમાન બનતાં હિન્દુસ્તાન કોપરમાં ભળતી તેજી આગળ વધી છે. શૅર ૪ ગણા કામકાજે ઉપરમાં ૫૩૮ થઈ ૯.૩ ટકાની આગેકૂચમાં ૫૩૩ બંધ થયો છે. ૭ એપ્રિલે શૅર ૧૮૪ના તળિયે હતો. ચાંદી હાજરમાં ૮૩ ડૉલરની સાવ નજીક નવી ઑલટાઇમ હાઈ બાદ સાડાતેર ટકા તૂટી ૭૩ થયા પછી ગઈ કાલે રનિંગમાં ૪ ટકા બાઉન્સ થઈ ૭૫ ડૉલર ઉપર આવી ગઇ હતી. કોમેક્સ સિલ્વર સવા પાંચ ટકા ઊચકાઇ ૭૪.૩૩ ડૉલર દેખાતી હતી. આની પાછળ ઘરઆંગણે હિન્દુસ્તાન ઝિન્ક ઉપરમાં ૩૩૦ બતાવી એક ટકો વધી ૬૨૫ રહી છે. વેદાન્તા બે ટકા વધી ૬૦૫ તથા હિન્દાલ્કો ૨.૨ ટકા વધીને ૮૮૪ થઈ છે. નાલ્કો ૩૧૮ની નવી ટૉપ બાદ ૫.૩ ટકા વધી ૩૧૭ હતી. મેટલ બેન્ચમાર્ક ૧૩માંથી ૧૧ શૅરના સથવારે બે ટકા કે ૬૯૩ પૉઇન્ટ મજબૂત થયો છે. જિંદલ સ્ટેનલેસ ૮૪૯ની નવી ટૉપ દેખાડીને ૫.૨ ટકાની મજબૂતીમાં ૮૩૬ હતી. સેઇલ ૫.૧ ટકા, NMDC ૩.૨ ટકા, જિંદલ સ્ટીલ ૩.૧ ટકા વધી છે.
લેન્સકાર્ટમાં એમ્કે ગ્લોબલ તરફથી ૫૨૫ની ટાર્ગેટ-પ્રાઇસથી બાયનું રેટિંગ અપાયું છે. ભાવ ઉપરમાં ૪૬૬ નજીક જઈને ૧.૮ ટકા વધીને ૪૬૧ રહ્યા છે. અમદાવાદની સિલ્વર ટચ ટેક્નૉલૉજીઝને ઇન્ડિયન નેવી તરફથી ડિજિટલ ટ્રાન્સફૉર્મેશન પાર્ટનર તરીકે પસંદ કરાયાના અહેવાલમાં શૅર ૧૦૪૬ની વિક્રમી સપાટી બતાવી ૧૪.૮ ટકાના ઉછાળે ૧૦૩૬ બંધ થયો છે. બન્ને બજારના મેટલ-ઇન્ડેક્સમાં નવી ઑલટાઇમ હાઈ બની છે. બૅન્કિંગના ૪૧માંથી ૩૦ શૅર પ્લસ હતા. તમામ સરકારી બૅન્કના સથવારે પીએસયુ બૅન્ક નિફ્ટી ૧.૭ ટકા વધ્યો છે. IOB ૫.૮ ટકા, CSB બૅન્ક ૪.૧ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૪.૭ ટકા મજબૂત હતી.
મારુતિ સુઝુકી તેમ જ અશોક લેલૅન્ડમાં નવાં બેસ્ટ લેવલ
ઇન્ડિગોમાં હાયરિંગ કૉસ્ટ વધવાની સાથે માર્કેટશૅરમાં ઘટાડો થવાના વરતારા પાછળ શૅર નીચામાં ૪૯૯૧ થઈને ૧.૪ ટકા ઘટી ૫૦૧૬ રહ્યાં છે. સરકારની ૫૧ ટકા માલિકીની ભારત ઇલેક્ટ્રૉનિક્સને ૫૬૯ કરોડનો નવો ઑર્ડર મળ્યો છે. શૅર બમણા કામકાજે ઉપરમાં ૩૯૭ થઈ ૩૯૩ના લેવલે ફ્લૅટ રહ્યો છે. શ્રીરામ ફાઇનૅન્સ તાજેતરની પીછેહઠ બાદ ઉપરમાં ૯૮૪ની ટોચે જઈ અઢી ટકા વધીને ૯૭૯ બંધમાં નિફ્ટી ખાતે વધેલા શૅરમાં મોખરે હતી. સેન્સેક્સ ખાતે મહિન્દ્ર સરેરાશ કરતાં ૨૫ ટકા કામકાજે ઉપરમાં ૩૬૮૪ થઈને બે ટકા વધીને ૩૬૬૩ બંધ આવી છે. અન્ય ઑટો શૅરમાં બજાજ ઑટો ૯૨૯૯ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૨.૩ ટકા વધીને ૯૨૮૭, મારુતિ સુઝુકી પાંચ ગણા વૉલ્યુમે ૧૬,૮૨૫ની સર્વોચ્ચ સપાટી દેખાડી ૦.૩ ટકા સુધરી ૧૬,૩૦૪, તાતા મોટર્સ ૪૦૯ના લેવલે ફ્લૅટ તથા તાતા મોટર્સ પૅસેન્જર પોણો ટકો વધીને ૩૬૧, આઇશર ઉપરમાં ૭૩૧૦ વટાવી દોઢ ટકો ઘટી ૭૧૪૮, અશોક લેલૅન્ડ ૧૮૦ ઉપર નવું શિખર મેળવી ૨.૨ ટકા વધી ૧૭૯, હીરો મોટોકૉર્પ અઢી ટકા વધીને ૫૭૧૨, હ્યુન્દાઇ મોટર્સ એક ટકો ઘટીને ૨૨૯૯ બંધ આવી છે.
ઍક્સિસ બૅન્ક એક ટકો વધીને ૧૨૪૬ થઈ છે. HDFC બૅન્ક નજીવી નરમ હતી. સ્ટેટ બૅન્ક ૦.૯ ટકા વધી છે. ઝોમાટો ફેમ એટર્નલ ૨.૧ ટકા ઘટી ૨૭૭ હતી. અઢી મહિના પહેલાં ૧૬ ઑક્ટોબરે ભાવ ૩૬૮ના શિખરે ગયો હતો. એની હરીફ સ્વિગી નજીવી ઘટીને ૩૮૪ હતી. વર્ષ પહેલાં એનો ભાવ ૫૬૮ હતો. મેક્સ હેલ્થકૅર ૨.૨ ટકા ઘટી નિફ્ટીમાં ૧૦૪૧ બંધ થઈ છે. અન્યમાં અપોલો હૉસ્પિટલ્સ ૧.૩ ટકા, SBI લાઇફ પોણો ટકા, HDFC લાઇફ અડધો ટકો, કોલ ઇન્ડિયા ૦.૭ ટકા તાતા કન્ઝ્યુમર ૧.૪ ટકા માઇનસ હતી. રિલાયન્સ સામાન્ય ઘટી ૧૫૪૧ રહી છે, જિયો ફાઇનૅન્શિયલ અડધો ટકો ઘટી છે. આગલા દિવસે પોણાબે ટકા વધીને બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે બેસ્ટ ગેઇનર બનેલી તાતા સ્ટીલ બે ટકા વધીને ૧૭૬ હતી. ઇન્ફોસિસ સવા ટકો બગડી છે, સામે ટીસીએસ નહીંવત્ ઘટીને ૩૨૪૭ હતી. ભારતી ઍરટેલ પોણો ટકો વધીને ૨૧૦૦ થઈ છે.


