જુહુની બોરા બોરા રેસ્ટોરાં સામે ફરિયાદ કરનારા કસ્ટમરનો વિજય, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઑથોરિટીએ સાન ઠેકાણે લાવી દીધી
બોરા બોરા રેસ્ટોરાં
બોરા બોરા રેસ્ટોરાં ચેઇન ચલાવતી ચાઇના ગેટ રેસ્ટોરાં પ્રાઇવેટ લિમિટેડ કંપની પર સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઑથોરિટી (CCPA)એ ગેરકાયદે સર્વિસ ચાર્જ વસૂલવા માટે ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ૨૯ ડિસેમ્બરે ઇશ્યુ કરવામાં આવેલા ઑર્ડરમાં CCPAએ જણાવ્યું હતું કે આ રેસ્ટોરાં કસ્ટમરના બિલમાં ડિફૉલ્ટ ૧૦ ટકા સર્વિસ ચાર્જ વસૂલે છે અને એના સર્વિસ ચાર્જ પર GST પણ લે છે. CCPAની ગાઇડલાઇનમાં ડિફૉલ્ટ સર્વિસ ચાર્જ ગેરકાયદે હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલી છે જે તમામ રેસ્ટોરાંએ પાળવાની રહેશે એવો દિલ્હી હાઈ કોર્ટે ચુકાદો આપેલો છે.
CCPAની તપાસમાં જાણવા મળ્યું કે ૨૦૨૫ની ૨૮ માર્ચથી ૩૦ એપ્રિલ વચ્ચે આ રેસ્ટોરાંનાં તમામ બિલોમાં સર્વિસ ચાર્જ ડિફૉલ્ટ ઉમેરવામાં આવ્યા હતા. આ ચાર્જ વૈકલ્પિક નહોતા. રેસ્ટોરાંને અનેક નોટિસો મળ્યા છતાં ગ્રાહકની ફરિયાદોનું નિરાકરણ લાવવામાં નહોતું આવ્યું. રેસ્ટોરાંએ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કર્યું હતું.
ADVERTISEMENT

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઑથોરિટીના ચુકાદાની કૉપી.

આ હતું બિલ જેમાં સર્વિસ ચાર્જ ઉમેરાયો હતો અને એના પર GST પણ લગાડવામાં આવ્યો હતો.
જોકે સામે રેસ્ટોરાંએ એવી દલીલ કરી હતી કે ‘આ ઘટનાના ૨૦ દિવસ પહેલાં જ (૨૮ માર્ચે) દિલ્હી હાઈ કોર્ટે ઑર્ડર આપ્યો હતો. કોર્ટના ઑર્ડરની જાણ થયા પછી અમે આ ચાર્જ બંધ કરી દીધો હતો.’
જોકે CCPAએ કહ્યું હતું કે કંપની એ માટેના કોઈ પુરાવા આપી શકી નથી. ઑથોરિટીએ હસ્તક્ષેપ કર્યો એ પછી જ કંપનીએ ફરિયાદીનું રીફન્ડ પ્રોસેસ કર્યું હતું. ઉપરાંત આ કંપની અનેક રેસ્ટોરાં ચલાવતી હોવાથી CCPAએ નોંધ્યું હતું કે આ ગેરરીતિથી ઘણી મોટી સંખ્યામાં કસ્ટમરોને અસર થઈ હતી એટલું જ નહીં, રેસ્ટોરાંનું જે ઈ-મેઇલ ઍડ્રેસ પબ્લિકમાં જાહેર હતું એ નૉન-ફંક્શનલ હોવાનું પણ CCPAએ નોંધ્યું હતું.
CCPAએ કંપનીને ડિફૉલ્ટ સર્વિસ ચાર્જ દૂર કરવા માટે રેસ્ટોરાંના બિલિંગ સૉફ્ટવેરમાં ફેરફાર કરવાનો અને ૧૫ દિવસની અંદર કમ્પ્લાયન્સ રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
૬૨૪ રૂપિયા પાછા ન આપ્યા એટલે કંપનીએ ૫૦,૦૦૦નો દંડ ભરવો પડશે
નૅશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન દ્વારા મુંબઈના એક કસ્ટમરે આ વિશે ફરિયાદ કરી હતી, એ પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી. ફરિયાદીએ આરોપ મૂક્યો હતો કે જુહુની બોરા બોરા રેસ્ટોરાંએ તેના બિલમાં ૬૨૫ રૂપિયા સર્વિસ ચાર્જ અને એના પર GST પણ લગાવ્યો હતો. કસ્ટમરે કાયદા પ્રમાણે એ ચાર્જ દૂર કરવા જણાવ્યું હતું ત્યારે રેસ્ટોરાંના સ્ટાફે એ દૂર કરવાનો ઇનકાર કર્યો હતો અને કસ્ટમર સાથે ગેરવર્તન કર્યું હતું. કસ્ટમરે ૨૦૨૫ની ૧૯ એપ્રિલે આ બિલ સાથે નૅશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી.


