Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બૅન્કિંગની શાર્પ રિકવરીમાં ૧૪૧૯ પૉઇન્ટ ગગડેલું બજાર ૫૮૧ પૉઇન્ટ ઘટીને બંધ

બૅન્કિંગની શાર્પ રિકવરીમાં ૧૪૧૯ પૉઇન્ટ ગગડેલું બજાર ૫૮૧ પૉઇન્ટ ઘટીને બંધ

28 January, 2022 04:44 PM IST | Mumbai
Anil Patel

આઇટીમાં મોટા ગાબડાં સાથે વધતી ખરાબી, આંક સાત દિવસમાં ૧૪ ટકા કે ૫૪૦૦ પૉઇન્ટ લથડ્યો : સરકારી બૅન્કો જબરા જોરમાં, પ્રાઇવેટ બૅન્ક નિફ્ટીના અડધા ટકાના સુધારાની સામે પીએસયુ બૅન્ક નિફ્ટી પાંચ ટકા ઊંચકાયો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આઇટીમાં મોટા ગાબડાં સાથે વધતી ખરાબી, આંક સાત દિવસમાં ૧૪ ટકા કે ૫૪૦૦ પૉઇન્ટ લથડ્યો : સરકારી બૅન્કો જબરા જોરમાં, પ્રાઇવેટ બૅન્ક નિફ્ટીના અડધા ટકાના સુધારાની સામે પીએસયુ બૅન્ક નિફ્ટી પાંચ ટકા ઊંચકાયો : વાયાકૉમ ફૅક્ટરમાં રિલાયન્સના મીડિયા શૅર મસ્તીએ ચડ્યા, રિલાયન્સ દોઢ ટકો ડાઉન : ક્રૂડ ૯૦ ડૉલર થતાં હિન્દુસ્તાન ઑઇલ એકસ્પ્લોરેશનમાં લાવ-લાવ, ઑઇલ ઇન્ડિયા ઝળક્યો : નબળા પરિણામે ડાઉન ગ્રેડ થતાં ટોરન્ટ ફાર્મા ૧૫ ટકાના કડાકામાં એ-ગ્રુપ ખાતે લૂઝર 

યુએસ ફેડ તરફથી વ્યાજદરનો વધારો વહેલો, સંભવતઃ માર્ચમાં આવવાના સ્પષ્ટ સંકેત આવ્યા છે વિશ્વ બજારમાં ક્રૂડ મજબૂત વલણમાં ૯૦ ડૉલરની પાર થઈ ચૂક્યું છે, જેના પગલે એશિયા ખાતે ગઈ કાલે સાઉથ કોરિઅન માર્કેટ સાડા ત્રણ ટકા, જપાનીઝ નિક્કેઈ ત્રણ ટકાથી વધુ, હૉન્ગકૉન્ગનો હેન્ગસેન્ગ બે ટકા અને ચાઇનીઝ માર્કેટ પોણા બે ટકા ડૂલ થયાં છે. યુરોપ પણ નબળા ઓપનિંગ બાદ એકંદરે નેગેટિવ બાયસમાં દેખાયું છે. ડૉલર સામે રૂપિયો ૨૯ પૈસા જેવો ઘટીને ૭૫.૦૭ થયો છે અને શૅરબજાર પણ મંગળવારના વિરામ બાદ ફરી પાછું કરેક્શન મોડમાં આવી ગયું છે. ગુરુવારે સેન્સેક્સ ૫૪૧ પૉઇન્ટની ગેપમાં નીચે ખૂલ્યા બાદ વધુ લથડી ૧૪૧૯ પૉઇન્ટની ખરાબીમાં ૫૬૪૩૯ના તળિયે ગયો હતો અને બીજા સત્રથી ક્રમશઃ રિકવરીમાં ત્યાંથી આશરે ૧૦૭૦ પૉઇન્ટ વધી ૫૭૫૦૯ નજીક ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ૫૮૧ પૉઇન્ટની નબળાઈમાં ૫૭૨૭૭ બંધ થયો છે. નિફ્ટી નીચામાં ૧૬૮૬૭ બતાવી ૧૬૮ પૉઇન્ટના ઘટાડે ૧૭૧૧૦ દેખાયો છે. ગુરુવારે ડેરિવેટિવ્સમાં જાન્યુઆરી વલણની પતાવટ ન હોત તો બજાજ આ રીતે નીચેથી રિકવર થયું હોત કે કેમ તે સવાલ છે. બાય ધ વે, જાન્યુઆરી સિરીઝની પતાવટના કારણે એનએસઈના એફઅૅન્ડઓ સેગમેન્ટનું ટર્નઓનર પ્રથમવાર બસ્સો લાખ કરોડ રૂપિયાની પાર નવી વિક્રમી સપાટીએ નોંધાયું છે. સેન્સેક્સના ૩૦માંથી ૯ તથા નિફ્ટીના ૫૦માંથી ૧૫ શૅર પ્લસ હતા. અૅક્સિસ બૅન્ક અને સ્ટેટ બૅન્ક પોણા ત્રણેક ટકાની તેજીમાં બેસ્ટ પર્ફોમર બન્યા છે. તો એચસીએલ ટેક્નો. તથા ટેક મહિન્દ્ર ટૉપ લૂઝર રહ્યા છે. ડેરિવેટિવ્સ સેટલમેન્ટની રસાકસીના કારણે બૅન્ક નિફ્ટી નીચા મથાળેથી ૧૦૩૫ પૉઇન્ટ વધી પોણા ટકાના સુધારામાં ૨૭૫ પૉઇન્ટ પ્લસ આપીને ૩૭૯૮૨ બંધ થયો છે. તેના બારમાંથી નવ શૅર વધ્યા હતા. આરબીએલ બૅન્ક સાડા છ ટકા, ફેડરલ બૅન્ક સાડા ચાર ટકા અને પીએનબી ૪.૪ ટકા ઊછળ્યા છે. પીએસયુ બૅન્ક નિફ્ટી તમામ ૧૩ શૅરની મજબૂતીમાં સર્વાધિક પાંચ ટકાથી વધુની તેજીમાં હતો. બૅન્કિંગ ઉદ્યોગના ૩૬માંથી ૩૦ શૅર વધ્યા છે. યુનિયન બૅન્ક ૮.૯ ટકા, કૅનરા બૅન્ક પોણા નવ ટકા, ઇન્ડિયન બૅન્ક આઠેક ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૫.૪ ટકા, બૅન્ક ઑફ બરોડા પાંચ ટકા ઊચકાયા છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક એક ટકાની અને એચડીએફસી  બૅન્ક પોણા ટકાની નજીક નરમ હતા. મારુતિ સુઝુકી ૮૯૬૭ની નવી ટૉપ બનાવી અઢી ટકાની આગેકૂચમાં ૮૮૧૭ બંધ થતાં ઑટો ઇન્ડેક્સ અડધા ટકાની નજીક આગળ વધ્યો છે. ઑટો તેમ જ બૅન્કિંગ સિવાય તમામ સેક્ટોરલ માઇનસ હતા. માર્કેટ બ્રેડ્થ પણ નબળી રહી છે. દરમ્યાન અદાણી રીટેલમાં ૯૬ ટકાના રિસ્પોન્સ સાથે કુલ ૫૭ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૪૫-૫૦ જેવા ચાલે છે. 



ક્રૂડના વધારાની ઑઇલ શૅરોમાં સિલેક્ટિવ હૂંફ, ઑઇલ તેજીમાં
વિશ્વ બજારમાં ક્રૂડ ૯૦ ડૉલરને વટાવી જતાં ઘરઆંગણે ક્રૂડ ઉત્પાદક તેમ જ એક્સ્પ્લોરેશન કંપનીઓના શૅર ગઈ કાલે એકંદર ખરાબ બજારમાં મક્કમ હતા. ઑઇલ ઇન્ડિયા ચારેક ગણા કામકાજમાં ઉપરમાં ૨૩૬ થઈ બે ટકા વધીને ૨૩૦ રહ્યો છે. ઓએનજીસી પણ અઢી ગણા વૉલ્યુમમાં ૧૬૯ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ સહેજ સુધરીને ૧૬૬ નજીક રહ્યો છે. વિશ્લેષકો આ શૅરમાં વધ-ઘટે ૧૯૦ સુધીનો ભાવ લાવ્યા છે. હિન્દુસ્તાન ઑઇલ એકસ્પ્લોરેશન ઉપરમાં ૨૧૩ બતાવી ૮.૪ ટકા ઊછળી ૨૧૦ હતો. એશિયન એનર્જી સર્વિસિસ ઉપરમાં ૧૫૮ વટાવી છેલ્લે દોઢ ટકો વધીને ૧૫૬ થયો છે. અલ્ફાજીઓ અડધો ટકો નરમ અને જિંદલ ડ્રીલિંગ સાધારણ વધીને ૧૪૭ બંધ હતા. રિફાઇનરી શૅરમાં એમઆરપીએલના શુક્રવારે પરિણામ છે, શૅર ગઈ કાલે ૪૪ની ઇન્ટ્રા-ડે ટૉપ બાદ પાંચ ટકા વધીને ૪૩ ઉપર બંધ હતો. ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનના રિઝલ્ટ ૩૧મીએ છે. ભાવ ઉપરમાં ૧૨૪ થઈ એક ટકો વધીને ૧૨૩ નજીક હતો. હિન્દુસ્તાન પેટ્રો પોણો ટકા ઘટ્યો છે. ભારત પેટ્રો ૩૪૨ના લેવલે યથાવત્ બંધ આવ્યો છે. ગુજરાત સરકારની જીએસપીએલ નીચામાં ૨૯૧ બનાવી ૨.૯ ટકા ઘટીને ૨૯૪ રહ્યો છે. લાસ્ટ બટ નોટ લિસ્ટ, માર્કેટ લીડર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સારા વૉલ્યુમ સાથે ૨૩૧૨ની ઇન્ટ્રા-ડે બૉટમ બતાવી દોઢ ટકા ઘટી ૨૩૩૮ થયો છે. તેના કારણે ગઈ કાલે બજારને ૧૦૮ પૉઇન્ટની મોટી હાનિ થઈ છે.  


આઇટીમાં વ્યાપક ખરાબી વચ્ચે બ્રાઇટકૉમ ઉપલી સર્કિટે 
તાજેતરના કરેક્શનમાં સૌથી મોટો માર આઇટી શૅરોને પડ્યો છે. આઇટી ઇન્ડેક્સ જે ૧૭ જાન્યુઆરીના રોજ ૩૮૭૧૩ની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો તે ગગડતો રહી ગઈ કાલે નીચામાં ૩૩૩૦૯ દેખાયો છે. અર્થાત સાત જ દિવસમાં ૫૪૦૪ પૉઇન્ટ કે ચૌદ ટકાની ખુવારી થઈ. ગઈ કાલે આંક ૩.૧ ટકા કે ૧૦૭૪ પૉઇન્ટની ખરાબીમાં ૩૩૫૨૮ બંધ હતો. બ્રાઇટકોમ ગ્રુપ દ્વારા ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૧૩૦ ટકાના વધારા સાથે ૨૦૨૧ કરોડની આવક ઉપર ૧૬૮ ટકાના વૃદ્ધિદરથી ૩૭૧ કરોડનો નેટ પ્રૉફિટ આપી ત્રણ શૅરદીઠ બે બોનસ જાહેર થતાં ભાવ પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૧૭૨ નજીક જઈ ત્યાં જ બંધ હતો. સાઇબર ટેક ચારેક ટકા, ઇન્ફીબીમ પાંચ ટકા, ડીલિન્ક ઇન્ડિયા ૨.૪ ટકા અને ઇન્પ્લેકટ ડિઝાઇન ૧.૮ ટકા વધ્યા હતા. ઇન્ડિયા માર્ટમાં નબળા પરિણામની અસર જારી રહેતા ભાવ સાડાત્રણ ગણા કામકાજમાં ૪૩૫૦ની નવી નીચી સપાટી બનાવી ૮.૮ ટકા કે ૪૪૧ રૂપિયા તૂટી ૪૫૬૦ રહ્યો છે. કોફોર્જ આઠ ટકા, માઇન્ડ-ટ્રી સવા છ ટકા, ઓલસેક ૪.૮ ટકા, બિરલા સોફ્ટ ૫.૩ ટકા, લાર્સન ટેક્નો પાંચ ટકા, લાર્સન ઇન્ફો ૪.૮ ટકા, ઈ-ક્લેરેક્સ સવા ત્રણ ટકા ગગડ્યા છે. ઇન્ફી ૨.૨ ટકા ઘટીને ૧૬૮૫, ટીસીએસ ૩.૨ ટકા ઘટી ૩૬૫૦, વિપ્રો ૩.૨ ટકા ઘટી ૫૪૫ ટેક મહિન્દ્ર ૩.૭ ટકા તૂટી ૧૪૪૬ તથા એચસીએલ ટેક્નો. ૪.૨ ટકા લથડીને ૧૦૭૮ બંધ આવ્યા છે. 

રિલાયન્સના મીડિયા શૅરમાં જબરી તેજી જોવા મળી, સારેગામા તૂટ્યો
ઝી-સોનીના મર્જરના પગલે ઉદ્યોગમાં કૉન્સોલિડેશન વેગ પકડવાની ગણતરી હતી. તેના ભાગરૂપ મુર્ડોક અને ઉદયશંકર તરફથી એન્ટરટેઇનમેન્ટ અને સ્પોર્ટસ બ્રોડકાસ્ટિંગ બિઝનેસમાં ૧૨૦૦૦ કરોડનું રોકાણ કરવાની યોજના છે. રિલાયન્સ પણ તેમાં સહભાગી બનશે. તેના પગલે વાયાકૉમ-૧૮માં ઉદયશંકર અને મુર્ડોક ૪૦ ટકા હિસ્સો લેશે એવા અહેવાલ છે. જ્યારે રિલાયન્સની નેટવર્ક ૧૮  અહીં ૫૧ ટકા હોલ્ડિંગ પહેલેથી ધરાવે છે. વાયાકૉમ ૧૮નું વૅલ્યુએશન આશરે ૨૮-૩૦ હજાર કરોડનું મુકાય છે. આ અહેવાલના પગલે ગુરુવારે નબળા બજારમાં રિલાયન્સ ગ્રુપના તમામ મીડિયા શૅર ખાસ્સા ઝળક્યા છે. ટીવી ૧૮ બ્રોડકાસ્ટ ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૫૮ ઉપર બંધ હતો. નેટવર્ક ૧૮ મીડિયામાં પાંચ ટકાની તેજીની સર્કિટ લાગતા ભાવ ૮૨ થયો છે. ડેન નેટવર્ક જેમાં રિલાયન્સ પ્રત્યક્ષ-પરોક્ષ રીતે ૭૦ ટકા હોલ્ડિંગ ધરાવે છે તે ગઈ કાલે સાતગણા કામકાજ સાથે ઉપરમાં ૪૫ વટાવી ૮.૫ ટકાના ઉછાળે ૪૩ નજીક હતો. હેથવે કેબલ ઉપરમાં ૨૩.૬૫ બતાવી ૩.૫ ટકાની મજબૂતીમાં ૨૨ બંધ હતો. અહીં પ્રમોટર્સ તરીકે રાજન રાહેજા ગ્રુપ ૧૩.૬ ટકા અને રિલાયન્સ ગ્રુપ ૬૧.૪ ટકા એમ કુલ મળીને ૭૫ ટકા હોલ્ડિંગ ધરાવે છે. હેથવે ભવાની બે ટકા પ્લસ હતી. અન્ય મીડિયા શૅરમાં ગઈ કાલે એનડીટીવી ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૧૨૦ નજીક જઈ નવ ટકાના જમ્પમાં ૧૧૯ હતો. ક્વીન્ટ ડિજિટલ ૪૪૦ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૪૧૦ ઉપર યથાવત્ રહ્યો છે. ઝી એન્ટર ૧.૮ ટકા નરમ હતો. જ્યારે ઝી મીડિયા ૪.૮ ટકાના સુધારામાં ૧૪.૪૦ હતો. રેડિયો સિટી એફએમ મ્યુઝિક બ્રોડકાસ્ટ ૧.૮ ટકા વધ્યો છે. બાલાજી ટેલિમાં રિલાયન્સ નોંધપાત્ર હિસ્સો ધરાવે છે, ભાવ ૪.૨ ટકા ઊંચકાઈ ૬૨.૩૦ થયો છે. સારેગામા ઇન્ડિયા પાંચ ટકા તૂટી ૪૭૪૪ થયો છે. 


ટોરન્ટ ફાર્મા ડાઉન ગ્રેડ થતાં પટકાયો, કેડિલા વર્ષના નવા તળિયે
ટોરન્ટ ફાર્માએ અગાઉના ૨૯૭ કરોડની સામે આ વેળા ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૨૪૯ કરોડના નેટ પ્રૉફિટ સાથે નબળો દેખાવ કરતાં બ્રોકરેજ હાઉસ સીએલએસએ તરફથી ૩૮૫૦ની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી નાખીને ૩૩૫૦ થતાં શૅર ગઈ કાલે ૧૬ ગણા કામકાજમાં નીચામાં ૨૬૦૧ બતાવી ૧૪.૯ ટકા કે ૪૭૧ રૂપિયા પટકાઈ ૨૬૮૯ બંધ રહ્યો છે. રિઝલ્ટની અસરમાં આરપીજી લાઇફ પણ ૫.૬ ટકા ગગડી ૫૯૪ હતો, જ્યારે સિપ્લા એકંદર પ્રોત્સાહક દેખાવમાં બમણા વૉલ્યુમે અઢી ટકા વધી ૯૨૭ થયો છે. થાયરોકૅર ટેક્નૉલૉજીઝ છ ગણા વૉલ્યુમ સાથે ઉપરમાં ૧૦૮૫ બતાવી ૧૫.૮ ટકાની તેજીમાં ૧૦૫૦ થયો છે. અપોલો હૉસ્પિટલ્સ ૩.૯ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૩.૪ ટકા, દીવીસ લૅબ ૨.૮ ટકા, લુપિન ત્રણ ટકા, ડૉ. લાલ પેથલૅબ્સ ૩.૬ ટકા, બાયોકોન ૩.૯ ટકા ડાઉન હતા. સનફાર્મા અડધો ટકો વધી ૮૧૨ થયો છે, પરિણામ ૩૧મીએ છે. જ્યારે કેડિલા હેલ્થકૅર ૩૮૦ની વર્ષની નવી બૉટમ બતાવી ત્રણ ટકાની ખરાબીમાં ૩૮૪ તથા ઝાયડસ વેલનેસ એક ટકો ઘટી ૧૬૮૫ બંધ હતા. હેલ્થકૅર ઇન્ડેક્સ ૮૯માંથી ૬૧ શૅરની નરમાઈમાં ૧.૮ ટકા કે ૪૩૨ પૉઇન્ટ બગડ્યો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ અઢી ટકા કે ૧૦૮૩ પૉઇન્ટ ગગડ્યો છે. રાજેશ એક્સ. બ્લુસ્ટાર, ડીકસન ટેક્નો, હેવેલ્સ, બજાજ ઇલે., ટાઇટન ત્રણથી પાંચ ટકા માઇનસ હતા. હિન્દુ. યુનિલીવર, નેસ્લે, ડાબર, બ્રિટાનિયા, ગોદરેજ કન્ઝ્યુમર, કોલગેટ, યુનાઇટેડ બ્રુઅરીઝ, પ્રોક્ટર-ગેમ્બલ હાઇજીન, વરુણ બિવરેજ, રૂચિસોયા ઇત્યાદીના સવા ત્રણ ટકા સુધીના ઘટાડામાં એફએમસીજી ઇન્ડેક્સ ૮૨માંથી ૩૯ શૅરના ઘટાડે પોણા ટકા જેવો ઢીલો હતો. આઇટીસી સહેજ સુધર્યો છે. રિઝલ્ટ ૩ ફેબ્રુઆરીના રોજ છે. 

આજે જાહેર થનાર મહત્ત્વનાં કંપની પરિણામ 
આજે શુક્રવારે જાહેર થનાર મહત્ત્વનાં કૉર્પોરેટ પરિણામની યાદી નીચે મુજબ છે. થ્રી આઇ ઇન્ફોટેક, એપ્ટસ વૅલ્યુ, અસાહી ઇન્ડિયા, અતુલ, એયુ બૅન્ક, બજાજ હેલ્થકૅર, બીસીએલ ઇન્ડસ્ટ્રીઝ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, બનારસ હોટેલ્સ, ભગરિયા ઇન્ડ., ભારત સીટ્સ, બ્લુડાર્ટ, બ્રિટાનિયા, કૅર રેટિંગ્સ, સેન્ટ્રલ બૅન્ક, સેન્ચ્યુરી પ્લાય, ચંબલ ફર્ટિલાઇઝર્સ, કેમપ્લાસ્ટ સનમાર, સિગ્નેટી ટેક્નો., ક્રૉમ્પ્ટન ગ્રિવ્સ, ડીબીકોર્પ, દીપક ફર્ટિલાઇઝર્સ, ડીનોરા ઇન્ડિયા, ડીકસન ટેક્નૉલૉજીઝ, ડૉ. રેડ્ડીઝ લૅબ, ઇઆઇએમ હોટેલ્સ, ઇક્વિટાસ બૅન્ક, એરિસ લાઇફ સાયન્સ, ગુજરાત ફ્લુરોકેમ, ફ્રેડુન ફાર્મા, જીનસ પાવર, જીઈ શિપિંગ, જીએસએફસી, હેપ્પીએસ્ટ માઇન્ડ, એચટી મીડિયા, કેલ્ટેક એનર્જી, કિર્લોસ્કર ન્યુમેટિક, ડીટેક્સ ગાર્મેન્ટસ, કોટક મહિન્દ્ર બૅન્ક, કર્ણાટકા બૅન્ક, લાર્સન ટુબ્રો, મારિકો, મેક્સ ફાઇનૅન્શિયલ, એમઆરપીએલ, મુકતા આર્ટસ, ઇન્ફો એજ, નીટ લિમિટેડ, ઓબેરોય રિયલ્ટી, પાયોનિયર એમ્બ્રોઇડરીઝ, પોકર્ણા, પાવર મેક પ્રોજેક્ટસ, સાગર સિમેન્ટ, સયાજી ઇન્ડ. શ્રીરામ સિટી યુનિયન, સ્ટ્રઇડ ફાર્મા, તાતા કૉફી, ટીસીઆઇ ડેવલપર્સ, ટીસીઆઇ એક્સપ્રેસ, થીરૂમલાઇ કેમિ., યુનાઇટેડ બ્રુઅરીઝ, યુટીઆઇ એસૅટ મૅનેજમેન્ટ, વેદાન્તા, વર્ધમાન સ્પે. સ્ટીલ, વાલચંદ પીપલ વગેરે વગેરે.

Whatsapp-channel Whatsapp-channel

28 January, 2022 04:44 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK