ચાઇનીઝ માર્કેટ દાયકાની નવી ટોચે, જપાન-તાઇવાન-ઇન્ડોનેશિયા ઑલટાઇમ : સર્વાધિક મજબૂતી સાથે બન્ને બજારના મેટલ ઇન્ડેક્સ સર્વોચ્ચ સપાટીએ : ડિફેન્સમાં ડાયનામૅટિક ટેક્નો ૮૯૬ના ઉછાળા સાથે મોખરે : એટર્નલ બેસ્ટ લેવલે, સ્વિગીમાં સુધારો
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- પરિણામ પૂર્વે TCS સવા ટકા જેવી વધી, આઇટી શૅરોમાં એકંદર સુધારાની ચાલ
- વિદેશી LG ઇલેક્ટ્રૉનિક્સના ઇશ્યુને તાતા કૅપિટલના મુકાબલે ૨૭ ગણો વધુ રિસ્પૉન્સ મળ્યો
- MCXમાં ૫૨૮ રૂપિયાની તેજી, BSE પણ જોરમાં
લાંબા વેકેશન બાદ ખેલેલું ચાઇનીઝ માર્કેટ ગુરુવારે નવા જોશમાં જણાયું છે. શાંઘાઇ કમ્પોઝિટ ઇન્ડેક્સ ૩૯૩૬ નજીક ૨૦૧૫ની ૩ ઑગસ્ટ પછીની નવી ઊંચી સપાટી નોંધાવી સવા ટકાની મજબૂતીમાં ૩૯૯૭ બંધ થયો છે. આ સાથે ચાલુ કૅલેન્ડર વર્ષમાં ચાઇનીઝ બજાર ૨૦.૬ ટકા વધ્યું છે. જૅપનીઝ નિક્કી ૪૮૫૫૨ની નવી ઑલટાઇમ હાઈ બતાવી દોઢ ટકાથી વધુની આગેકૂચમાં ૪૮૫૧૦ બંધ આવ્યો છે. તાઇવાનીઝ શૅરમાર્કેટ ૨૭૪૬૩ની સર્વોચ્ચ સપાટી નોંધાવી ૦.૯ ટકા વધીને ૨૭૩૦૨ હતું. ઇન્ડોનેશિયન માર્કેટ ૮૨૭૦ નજીક ઑલટાઇમ હાઈ બનાવી ૦.૮ ટકા વધી ૮૨૩૩ નજીક રહ્યો છે. થાઇલૅન્ડ પોણો ટકો અપ હતું. સિંગાપોર તથા હૉન્ગકૉન્ગ નહીંવતથી સાધારણ ઢીલા હતા. સાઉથ કોરિયા હજી રજામાં છે. યુરોપ રનિંગમાં સાંકડી વધ-ઘટે મિશ્ર હતું, લંડન ફુત્સી અડધો ટકો નીચે દેખાતો હતો. ન્યુ ઝીલૅન્ડ નહીંવત્ સુધારામાંય નવી ટોચે બંધ થયું છે. બિટકૉઇન રનિંગમાં દોઢ ટકાની નબળાઈમાં ૧૨૧૪૪૬ ડૉલર ચાલતો હતો.
ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી સવાસો પૉઇન્ટ જેવો પ્લસ, ૮૧૯૦૦ ખૂલ્યા પછી છેવટે ૩૯૮ પૉઇન્ટ વધી ૮૨૧૭૨ તથા નિફ્ટી ૧૩૬ પૉઇન્ટ વધી ૨૫૧૮૨ ગઈ કાલે બંધ થયો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ બજાર ઝડપી નરમાઈમાં નીચામાં ૮૧૬૬૮ની અંદર ઊતરી ગયું હતું. ત્યાર પછી ત્વરિત બાઉન્સબૅક દાખવી સેન્સેક્સ ઉપરમાં ૮૨૨૪૮ તથા નિફ્ટી ૨૫૧૯૯ થયો હતો. બન્ને બજારનાં લગભગ બધાં સેક્ટોરલ વધીને બંધ હતાં. મેટલ સેક્ટર જોરમાં હતું. BSE તેમ જ નિફ્ટી બન્ને બજારના મેટલ ઇન્ડેક્સ ઑલટાઇમ હાઈ થઈ સવાબે ટકા જેવા ઊંચકાયા છે. વેલકૉર્પને બાદ કરતાં અહીં તમામ મેટલ શૅર વધ્યા છે. હેલ્થકૅર ઇન્ડેક્સ ૦.૮ ટકા, નિફ્ટી ફાર્મા એક ટકો, આઇટી ઇન્ડેક્સ એક ટકો, કૅપિટલ ગુડ્સ પોણો ટકો, પાવર તથા યુટિલિટીઝ ૦.૬ ટકા આસપાસ, રિયલ્ટી પોણો ટકો વધ્યો છે. બૅન્ક નિફ્ટી ૦.૩ ટકા કે ૧૭૪ પૉઇન્ટ, તો પીએસયુ બૅન્ક નિફ્ટી ૦.૬ ટકા અપ હતો. ડિફેન્સ નિફ્ટી દોઢ ટકા આગળ વધ્યો છે. સહેજ પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૪૨૪ શૅર સામે ૧૩૮૪ જાતો ઘટી હતી. બજારનું માર્કેટકૅપ ૨.૪૭ લાખ કરોડ વધી ૪૬૦.૩૬ લાખ કરોડ રૂપિયા થયું છે.
ADVERTISEMENT
સુરતની ગ્રીનલીફ એન્વિરો ટેક ૧૦ના શૅરદીઠ ૧૩૬ની ઇશ્યુ પ્રાઇસ તથા ઝીરો પ્રીમિયમ સામે ડિસ્કાઉન્ટમાં ૧૩૫ની નીચે ખૂલી મંદીની સર્કિટમાં ૧૨૮ બતાવી ૧૩૩ બંધ થતાં એમાં સવાબે ટકાની લિસ્ટિંગ લૉસ મળી છે. મેઇન બોર્ડની બૅન્ગલોરની વીવર્ક ઇન્ડિયાનું લિસ્ટિંગ આજે શુક્રવારે થવાનું છે. ગ્રેમાર્કેટમાં ૧૫થી શરૂ થયેલું પ્રીમિયમ ગગડી ક્યારનું અહીં ઝીરો થઈ ગયું છે. ઉજાસ એનર્જી એક શૅરદીઠ બે બોનસમાં શુક્રવારે બોનસ બાદ થવાનો છે. ભાવ ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૩૭૧ વટાવી ગયો હતો. તો AGI ઇન્ફ્રા ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટની પૂર્વસંધ્યાએ ઉપરમાં ૧૨૬૯ થઈ ૩.૫ ટકા વધીને ૧૨૫૦ હતી. નાશિકની મંગૂસ સ્ટીલ ઍન્ડ ઇન્ફ્રા ૧૦ના શૅરદીઠ ભાવોભાવ, ૧૦ રૂપિયામાં ૨૯ શૅરદીઠ બે શૅરના પ્રમાણમાં રાઇટ ઇશ્યુમાં આજે શુક્રવારે એક્સ-રાઇટ થવાની છે. શૅર ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૯.૭૪ની વર્ષની ટૉપ બનાવી ત્યાં જ બંધ થયો છે. કૅપિટલ ટ્રસ્ટ ૧૪ શૅરદીઠ પાંચના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૮૨ના ભાવે રાઇટ ઇશ્યુમાં એક્સ-રાઇટની પૂર્વસંધ્યાએ પાંચ ટકા વધીને ૪૫ ઉપર રહી છે.
મેટલ ઇન્ડેક્સ સાથે તાતા સ્ટીલ, JSW સ્ટીલ, હિન્દુસ્તાન કૉપર જેવા મેટલ શૅર નવા શિખરે
મેટલ શૅરોમાં સાર્વત્રિક મજબૂતી સાથે ગઈ કાલે મેટલ બેન્ચમાર્ક નવા શિખરે ગયો છે. તાતા સ્ટીલ ૧૭૮ નજીક નવી ટૉપ બનાવી ૨.૭ ટકા વધી ૧૭૬ના બંધમાં બન્ને બજારમાં ઝળક્યો છે. JSW સ્ટીલ ૧૧૭૯ નજીકના બેસ્ટ લેવલ બાદ ૨.૭ ટકાની મજબૂતીમાં ૧૧૭૬ થયો છે. ચાંદી વાયદો ૧.૫૭ લાખ ઊછળી ૫૧૩ હતી. હિન્દુસ્તાન કૉપર પણ બમણા વૉલ્યુમે સાડાછ ટકાની તેજીમાં ૩૬૪ની નવી ઊંચી સપાટીએ બંધ થઈ છે. નાલ્કો અઢી ટકા, હિન્દાલ્કો એકાદ ટકો, વેદાન્તા ૨.૪ ટકા, લૉઇડ્સ મેટલ્સ ૩.૪ ટકા, સેઇલ ૩.૬ ટકા, NMDC ૩.૪ ટકા, જિન્દલ સ્ટીલ ૧.૯ ટકા, જિન્દલ સ્ટેનલેસ ૨.૨ ટકા વધી હતી.
TCS પરિણામ પૂર્વે સવાયા કામકાજે નીચામાં ૩૦૨૦ અને ઉપરમાં ૩૦૬૭ બતાવી ૧.૨ ટકા વધી ૩૦૬૨ બંધ થઈ છે. HCL ટેક્નૉલૉજીઝ ૨.૨ ટકા, ઇન્ફોસિસ ૦.૯ ટકા, ટેક મહિન્દ્ર ૦.૪ ટકા, વિપ્રો ૦.૯ ટકા, લાટિમ ૧.૯ ટકા કે ૧૦૨ રૂપિયા પ્લસ હતી. આઇટી બેન્ચમાર્ક એક ટકો કે ૩૫૨ પૉઇન્ટ વધ્યો હતો. એના ૭૭માંથી ૫૧ શૅર પ્લસ હતા. રામકો સિસ્ટમ્સ બુલરનમાં ૬૦૫ની ટૉપ બનાવી ૬ ટકાની તેજીમાં ૫૮૭ બંધ આપી મોખરે હતો. સનફાર્મા ૧.૪ ટકાની આગેકૂચમાં ૧૬૫૪ થઈ છે. સિપ્લા ૧.૩ ટકા, મૅક્સ હેલ્થકૅર પોણો ટકો, ડૉ. રેડ્ડીઝ લૅબ એક ટકો વધી છે. ભારત ઇલેક્ટ્રિક ૧.૪ ટકા વધીને ૪૦૯ હતી. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૧૮માંથી ૧૫ શૅરના સથવારે દોઢ ટકા મજબૂત થયો છે. ડાયનામૅટિક ટેક્નૉલૉજીઝ ૪૦ ગણા વૉલ્યુમે ૧૩ ટકા કે ૮૯૬ રૂપિયાના ઉછાળે ૭૭૩૫ બંધ આપી મોખરે હતી.
એટર્નલ ૩૪૭ ઉપર ઑલટાઇમ હાઈ થઈ સવા ટકો વધી ૩૪૫ રહી છે. એની હરીફ સ્વિગી બે ટકા નજીકની મજબૂતીમાં ૪૨૯ હતી. રિલાયન્સ ૦.૭ ટકા સુધરી ૧૩૭૭ બંધમાં બજારને સર્વાધિક ૫૫ પૉઇન્ટ ફળી છે. જિયો ફાઇનૅન્સ પોણો ટકો, ટ્રેન્ટ ૧.૨ ટકા, કોટક બૅન્ક એક ટકો, લાર્સન ૦.૯ ટકા, હિન્દુસ્તાન યુનિલીવર પોણો ટકો, SBI લાઇફ બે ટકા, ઇન્ડિગો દોઢ ટકો, HDFC લાઇફ સવા ટકો વધ્યા છે. ઍક્સિસ બૅન્ક એકાદ ટકાની નરમાઈમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બની છે.
TCSનો નફો ધારણાથી ઓછો, શૅરદીઠ ૧૧નું ઇન્ટરિમ
MCX ગઈ કાલે ત્રણ ગણા કામકાજે ઉપરમાં ૮૭૫૦ નજીક જઈ સાડાછ ટકા કે ૫૨૮ની તેજીમાં ૮૭૧૧ નજીક સરકી છે. BSE લિમિટેડ પણ પોણાચાર ટકા ઊંચકાઈ ૨૩૩૦ થઈ છે. સ્પાઇસ જેટ ૧૭ ગણા કામકાજમાં ૧૬ ટકા જેવા ઉછાળે ૩૩ ઉપર બંધ આપી એ-ગ્રુપમાં બેસ્ટ ગેઇનર બની છે. આગલા દિવસે બુધવારે એમાં ૨૮ રૂપિયાનું વર્સ્ટ બૉટમ બન્યું હતું. ઉષા માર્ટિન ૪૮૬ની નવી ટૉપ બનાવીને આઠ ટકાના જમ્પમાં ૪૮૧ રહી છે. GMDC સાડાસાત ટકા ઊંચકાઈ ૬૩૦ વટાવી ગઈ છે. PG ઇલેક્ટ્રૉનિક્સ સાડાસાત ટકા અને સ્ટ્રાઇડ ફાર્મા પોણાસાત ટકા મજબૂત હતી.
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) તથા ડેટા સેન્ટર્સની નવી થીમમાં જબરી તેજી બતાવનાર નેટવેબ ટેક્નૉલૉજીઝ ઘટાડાની ચાલમાં આવ્યો છે. શૅર ગઈ કાલે ૯ ટકા કે ૩૯૪ના કડાકામાં ૩૬૬૩ બંધ આપી એ-ગ્રુપમાં ટૉપ લૂઝર બન્યો છે. આગલા દિવસે ૪૪૮૦ની ઑલટાઇમ હાઈ બની હતી. ITI લિમિટેડ સવાપાંચ ટકા, પારાદીપ ફૉસ્ફેટસ પોણાપાંચ ટકા, મૉસ્પિપ સાડાચાર ટકા ડૂલ થઈ છે. રોકડામાં એઇમ્કો એલિકૉન પોણાબાર ટકા કે ૨૭૩ રૂપિયા બગડી ૨૦૨૮ બંધ હતી. જિન્દલ ફોટો ૧૮ ગણા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૨૩૧ રૂપિયાના ઉછાળે ૧૩૮૮ની ટોચે બંધ થઈ છે.
દરમ્યાન બજાર બંધ થયા પછી TCS દ્વારા જાહેર થયેલાં પરિણામમાં કંપનીએ ૬૫૭૯૯ કરોડની આવક પર ૧૨૦૭૫ કરોડ નેટ પ્રૉફિટ બતાવી શૅરદીઠ ૧૧ રૂપિયાનું ઇન્ટરિમ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. કંપનીનો નેટ પ્રૉફિટ ૧૨૭૬૦ કરોડ રહેવાની અપેક્ષા રખાતી હતી. વાર્ષિક ધોરણે કંપનીની આવક ૨.૪ ટકા વધી છે, નફો ૧.૪ ટકા વધ્યો છે. શૅરમાં કરન્ટ આવે એવું કશું પરિણામમાં દેખાતું નથી. ભાવ વધ-ઘટે નરમ રહેવાની ગણતરી રાખી શકાય.
રુબીકૉનમાં પ્રીમિયમ વધ્યું, શ્લોકાનો IPO ફરી ફ્લૉપ
ગઈ કાલે મેઇન બોર્ડમાં બે ભરણાં ખૂલ્યાં છે. એમાંથી કૅનેરા રોબોકો ઍસેટ મૅનેજમેન્ટ કંપનીનો ૧૦ના શૅરદીઠ ૨૬૬ની અપરબૅન્ડ સાથે ૧૩૨૬ કરોડ પ્લસનો પ્યૉર OFS ઇશ્યુ પ્રથમ દિવસે ૨૧ ટકા તથા થાણેની રુબીકૉન રિસર્ચનો એકના શૅરદીઠ ૪૮૫ની મારફાડ પ્રાઇસવાળો કુલ ૧૩૭૭ કરોડ પ્લસનો ઇશ્યુ ૫૩ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં કૅનેરા રોબોકોમાં પ્રીમિયમ ૩૫થી ઘટીને હાલમાં ૨૧ રૂપિયા તથા રુબીકૉનમાં એ ૮૦થી વધીને ૧૦૦ રૂપિયા બોલાય છે.
ગુરુવારે કુલ ૩ ભરણાં પૂરાં થયાં છે જેમાંથી મેઇન બોર્ડની LG ઇલેક્ટ્રૉનિક્સનો ૧૦ના શૅરદીઠ ૧૧૪૦ના ભાવનો ૧૧૬૦૭ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ રીટેલમાં ૩.૬ ગણા પ્રતિસાદ સહિત કુલ ૫૪ ગણાથી વધુ છલકાઈને પૂરો થયો છે. બાય ધ વે, દેશ-દુનિયાના સૌથી જાણીતા ઔદ્યોગિક ગૃહ તાતા ગ્રુપની તાતા કૅપિટલનો ૧૦ના શૅરદીઠ ૩૨૬ના ભાવનો કુલ ૧૫૫૧૨ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧.૧ ગણો રિસ્પૉન્સ સાથે માંડ બે ગણો (૧.૯૬ ગણો) ભરાયો હતો. સ્વદેશીની રામધૂન ચાલે છે ત્યારે રોકાણકારોનો પ્રતિસાદ મેળવવાના મામલે વિદેશી કંપનીના મુકાબલે દેશી કંપની ભારે માર ખાઈ ગઈ છે. ગ્રેમાર્કેટમાં LG ઇલેક્ટ્રિકનું પ્રીમિયમ વધીને હાલ ૩૪૯ થયું છે. સામે તાતા કૅપિટલમાં માત્ર ૬ રૂપિયા પ્રીમિયમ બોલાય છે. SME કંપનીમાં અમદાવાદી મિત્તલ સેક્શન્સનો ૧૦ના શૅરદીઠ ૧૪૩ના ભાવનો ૫૨૯૧ લાખ રૂપિયાનો BSE SME ઇશ્યુ કુલ ૨.૩ ગણા પ્રતિસાદ સાથે ગઈ કાલે પુરો થયો છે. તો ભરૂચની શ્લોકા ડાઇઝનો SME ઇશ્યુ જે નિયત મુદતમાં ફ્લાપ જતાં એની મુદત વધારવાની અને પ્રાઇસ બૅન્ડ ઘટાડવાની ફરજ પડી હતી એ શૅરદીઠ ૯૫ની ઇશ્યુ પ્રાઇસ તથા ૬૦૩૩ લાખની નવી સાઇઝ પ્રમાણે ગઈ કાલે એના આખરી દિવસે કુલ ૬૦ ટકા ભરાયો છે. ભરણું ફરી એક વાર સુપરફ્લૉપ નીવડ્યું છે.
કૅનેરા HSBC લાઇફ ઇન્શ્યૉરન્સનો મોંઘો ઇશ્યુ આજે ખૂલશે
આજે શુક્રવારે મેઇન બોર્ડમાં કૅનેરા બૅન્ક સહ-પ્રમોટર્સ છે એવી એક બીજી કંપની કૅનેરા HSBC લાઇફ ઇન્શ્યૉરન્સ લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૧૦૬ની અપરબૅન્ડ સાથે ૨૫૧૭.૫૦ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ કરવાની છે. ૨૦૦૭માં સ્થપાયેલી આ કંપનીએ ગયા વર્ષે ૩ ટકાના ઘટાડામાં ૨૩૪ કરોડની આવક પર ત્રણ ટકા વૃદ્ધિદરથી ૧૧૭ કરોડ જેવો નેટ નફો મેળવ્યો છે. ચાલુ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં કંપનીએ ૪૨૩૫ લાખની આવક તથા ૨૩૪૧ લાખ ચોખ્ખો નફો કર્યો છે. ઇક્વિટી ૯૫૦ કરોડ છે એ ઇશ્યુ પછી યથાવત્ રહેશે. છેલ્લાં ત્રણ વર્ષની ઍવરેજ EPS ૧૧૭ પૈસા છે. ગયા વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૧૨૪.૭૧નો અતિશય ઊંચો PE સૂચવે છે. એની સામે પિઅર ગ્રુપમાં લિસ્ટેડ HDFC લાઇફ, SBI લાઇફ, LIC, ICICI પ્રુડેન્શિયલ જેવા શૅર હાલ ઘણા સસ્તામાં મળી રહ્યા છે. ગ્રેમાર્કેટમાં ૧૪થી શરૂ થયેલું પ્રીમિયમ ઘટીને અત્યારે ૧૦ બોલાય છે.
SME સેગમેન્ટમાં આજે બે ભરણાં ખૂલવાનાં છે. સુરતની સિહોરા ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૬૬ના ભાવથી ૧૦૫૬ લાખ રૂપિયાનો નાનકડો BSE SME IPO આજે કરશે. કંપની નેરો વુવન ફૅબ્રિક્સ, વોવન લેબલ, ટેપ્સ, ઝિપર્સ, ઇલૅસ્ટિક્સ ઇત્યાદિ બનાવીને વેચે છે. ૨૦૨૩માં સ્થપાયેલી આ કંપનીએ ગયા વર્ષના ૩૦ ટકા વધારામાં ૧૫૦૬ લાખની આવક પર ૨૧૫ ટકા વૃદ્ધિદરથી ૧૮૭ લાખ નફો બતાવી દીધો છે. ચાલુ વર્ષે ઑગસ્ટ સુધીના પાંચ મહિનામાં આવક ૫૮૬ લાખ અને નફો ૪૫ લાખ થયો છે. દેવું ૫૭૧ લાખનું છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ નથી. બીજી કંપની એસ. કે. મિનરલ્સ ઍન્ડ એધેસિવ્સ લિમિટેડ લુધિયાણાની છે. ૨૦૨૨માં સ્થપાયેલી આ કંપનીએ ગયા વર્ષે ૯૫ ટકા વધારામાં ૨૧૨ કરોડની આવક પર ૨૫૩ ટકા વૃદ્ધિદરથી ૧૦૯૪ લાખ નેટ પ્રૉફિટ કર્યો છે. ચાલુ વર્ષ ઑગસ્ટ સુધી પ્રથમ પાંચ મહિનામાં ૮૫૩૮ લાખની આવક પર ૫૦૨ લાખ ચોખ્ખો નફો મેળવ્યો છે. દેવું ગયા વર્ષાન્તે ૩૯૧૩ લાખ હતું એ પાંચ મહિનામાં વધીને ૭૫૧૨ લાખ થયું છે. ગ્રેમાર્કેટમાં હાલ પ્રીમિયમ શરૂ થયાં નથી.


