Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ગોલ્ડ માર્કેટની ચાલ યુએસ ફેડની આગામી બેઠક બાદ નક્કી થશે

ગોલ્ડ માર્કેટની ચાલ યુએસ ફેડની આગામી બેઠક બાદ નક્કી થશે

14 June, 2021 12:56 PM IST | Mumbai
Smit Bhayani

હાલ ૧૯૦૦ ડૉલર આસપાસ ભાવ અથડાઈ રહ્યા છે

ગોલ્ડ

ગોલ્ડ


આ સપ્તાહમાં ૧૫ અને ૧૬ જૂનની અમેરિકાની ફેડરલ રિઝર્વની મીટિંગ સોનાના ભાવની તેજી હાલ આગળ વધશે કે સાંકડી વધઘટે અટવાયે રાખશે એ નક્કી કરશે. હાલ સોનામાં પ્રવાહ બદલાઈને ઘટવાતરફી હોવાની સંભાવના વર્તાતી નથી. નિર્દેશો હજી તેજી આગળ વધવાના મળી રહ્યા છે. અમેરિકન ફેડરલ રિઝર્વની મીટિંગમાં આર્થિક ડેટા, બૉન્ડ માર્કેટ વગેરે માટે અગત્યના નિર્દેશો મળે છે જેની સુવર્ણના ટ્રેડરો-સટોડિયા અને રોકાણકારો રાહ જોતા હોય છે. અમેરિકાએ અર્થતંત્રને વેગ આપવા માટે બૉન્ડ ખરીદીને નાણાં સિસ્ટમમાં છૂટાં કરવાની યોજના ઘણા સમયથી અમલમાં મૂકી છે અને એનાં નાણાં સોના સહિતનાં સાધનોમાં રોકાય છે અને આ નાણાં બૉન્ડ વેચીને સિસ્ટમમાંથી ધીમે-ધીમે પાછાં ખેંચવાની શરૂઆત કરવાની જે યોજના છે એની વાટાઘાટ ક્યારથી શરૂ થશે, કેટલા સમયમાં પૂરી થશે વગેરેના નિર્દેશો આ સપ્તાહની મીટિંગમાં ૧૬ જૂને મળવાની અપેક્ષા રાખવામાં આવે છે. આ ઉપરાંત અમેરિકાની આર્થિક સ્થિતિની પ્રગતિના નિર્દેશો પણ મળશે.

ગયા ગુરુવાર સુધી એવી ધારણા રખાતી હતી કે અમેરિકા બૉન્ડ ખરીદીને બજારમાંથી નાણાં પાછાં ખેંચવા ટૂંકમાં વાટાઘાટ શરૂ કરશે. ગયા સપ્તાહે જાહેર થયેલા અમેરિકાના ફુગાવાના આંકડા આર્થિક નબળાઈ દર્શાવતા હતા જે સોના માટે તેજી તરફ ગણાય. એટલે પણ બૉન્ડની ખરીદીની ચર્ચા વહેલી શરૂ થવાની ધારણા હતી. જોકે આ સુધારો બહુ ટક્યો નહીં, કારણ કે ફુગાવો ૪.૨ ટકાથી વધીને મે મહિના માટે પાંચ ટકા આવ્યો જેનાથી બૉન્ડ માર્કેટમાં યીલ્ડ વધવાને બદલે ઘટ્યા હતા, કારણ કે બૉન્ડ માર્કેટને એમ લાગે છે કે ફુગાવો ચરમસીમાએ છે અને હવે ઘટવો જોઈએ. જોકે ફુગાવો ઘટે તો બજારનું માનવું હતું કે અમેરિકામાં આર્થિક મંદગતિ હજી થોડો સમય સુધી રહેશે, પરંતુ સુવર્ણ બજારમાં એક વર્ગ એવું માને છે કે જો અર્થતંત્ર મંદગતિમાં હોય તો બૉન્ડ ખરીદી ચાલુ રહે અને સરકાર નોટો છાપવાનું ચાલુ રાખશે અને બૉન્ડની ખરીદી પણ ચાલુ રહેશે. આ ભિન્ન મત વચ્ચે યુએસ ફેડની મીટિંગના પરિણામનું મહત્ત્વ સુવર્ણ માટે પણ વધી જાય છે. બૉન્ડ ખરીદીને અમેરિકા જે નાણાં છૂટાં કરે છે તે માટે નવા ડૉલર છપાય છે અને તે સરકારની જવાબદારી ગણાય. આને કારણે અમેરિકાની કુલ જવાબદારી આઠ ટ્રિલ્યન ડૉલર (૮ લાખ કરોડ ડૉલર) થઈ ગઈ છે. આ પ્રમાણ ૨૦૦૮ની કટોકટી વખતે હતું એના કરતાં પણ વધારે છે, જે સોના માટે મધ્યમ ગાળે તેજીનું પરિબળ ગણાય અને રોકાણકારો સોનામાં હેજિંગ વધારે, કારણ કે વધુપડતી જવાબદારી અર્થતંત્ર માટે જોખમી ગણાય અને હેજિંગ માટે સોનાની માગ વધે.



આ બધી ધારણાઓને લઈને છેલ્લા ત્રણ મહિનાથી સટ્ટાબજાર ગરમ છે. આંતરરાષ્ટ્રીય બજાર (કૉમેક્સ)માં તેજીનાં કુલ ઓળિયાં સતત વધતાં રહ્યાં છે, જ્યારે મંદીનાં ઓળિયા સતત ઘટતાં રહ્યાં છે. અમેરિકાના સીએફટીસી (કૉમોડિટી માર્કેટના નિયામક – કૉમોડિટી ફ્યુચર્સ ટ્રેડિંગ કમિશન). જોકે ગત સપ્તાહે આઠ અઠવાડિયાં પછી પહેલી વાર મંદીનાં ઓળિયાં થોડાં વધ્યાં અને તેજીનાં ઓળિયાં થોડાં ઘટ્યાં હતાં.


અમેરિકાની ફેડરલ રિઝર્વની મીટિંગ પહેલાંની સાવચેતી આમાં નજરે પડે છે.

સ્થાનિક બજાર – એમસીએક્સમાં રૂપિયાની સરેરાશ મજબૂતીને કારણે ભાવ બહુ વધ્યા નથી, પણ ગત સપ્તાહે રૂપિયો માર્જિનલી નબળો પડ્યો હતો. હાજર બજારમાં સોનામાં ઓછી માગને કારણે આયાતી માલના પડતરના ભાવ કરતાં ડિસ્કાઉન્ટ બોલાતાં હતાં. ફેડરલ રિઝર્વની બેઠકના પરિણામ સુધી સોનાના ભાવ ૧૮૭૫થી ૧૯૨૦ ડૉલરની રેન્જમાં રહેવાની ધારણા છે, પણ જો ૧૯૦૦ ડૉલર ઉપર વૉલ્યુમ સાથે ભાવ બંધ આવ્યા તો ૧૯૫૦-૭૦ ડૉલર થઈ શકે.


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2021 12:56 PM IST | Mumbai | Smit Bhayani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK