Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ઇન્ટ્રા-ડેમાં ૧૦૩૦ અને છેલ્લે ૯૫૮ પૉઇન્ટ ઊછળ્યા પછી બજાર આજે તો ૬૦નું થશે જ!

ઇન્ટ્રા-ડેમાં ૧૦૩૦ અને છેલ્લે ૯૫૮ પૉઇન્ટ ઊછળ્યા પછી બજાર આજે તો ૬૦નું થશે જ!

24 September, 2021 10:51 AM IST | Mumbai
Anil Patel

રિયલ્ટીમાં તેજીનું રમખાણ, ઘણા બંધ શૅર નવા શિખરે, રિયલ્ટી આંક ૧૧ વર્ષના બેસ્ટ લેવલે

પ્રતીકાત્મક તસવીર

after rising 1030 intraday and 958 points finally market will be 60 today

પ્રતીકાત્મક તસવીર


રિલાયન્સ અને એનો પાર્ટ પેઇડ નવી સર્વોચ્ચ સપાટીએ : બજાજ અને લાર્સનના ટ્રાયોમાં પણ નવી ઑલટાઇમ હાઇ બની : રિયલ્ટીમાં તેજીનું રમખાણ, ઘણા બંધ શૅર નવા શિખરે, રિયલ્ટી આંક ૧૧ વર્ષના બેસ્ટ લેવલે : બૅન્ક નિફ્ટી ૮૨૭ પૉઇન્ટ ઊંચકાયો, હાઉસિંગ ફાઇનૅન્સ શૅરોની આગેકૂચ : બે વર્ષ બાદ ભારતી ઍરટેલનો બીજો મેગા રાઇટ, રેકૉર્ડ ડેટ ૨૮ સપ્ટેમ્બર : શૅરદીઠ ત્રણ બોનસમાં સ્પોર્ટકિંગ એક્સ-બોનસ થતાં તેજીની સર્કિટમાં : ઝી એન્ટર ૨૩ મહિનાની ટોચે જઈને નરમાઈમાં બંધ : તાતા મોટર્સનો ડીવીઆર સાડાસાત ટકા વધીને નવી ટોચ પર

જેના વિશ્વના ૩૮ દેશો સભાસદ છે એ ઓઈસીડીએ ચાલુ વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ ૯.૯ ટકાથી ઘટીને ૯.૭ ટકા કર્યો છે. એના વળતા દિવસે એડીબી (એશિયન ડેવલપમેન્ટ બૅન્ક) તરફથી અગાઉની ૧૦ ટકાના ગ્રોથ રેટની ધારણાને યથાવત્ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. એડીબી તરફથી જુલાઈમાં ૧૧ ટકાના અંદાજને ડાઉનગ્રેડ કરીને ૧૦ ટકાનો કરવામાં આવ્યો હતો. મોદીજી અમેરિકાના પ્રવાસે છે એના પગલે નાણાખાતું ભારતના રેટિંગને મૂડીઝ અપગ્રેડ કરશે એવા આશાવાદ સાથે હરકતમાં આવી ગયું છે. અમેરિકન ફેડની બેઠકમાં વ્યાજદરના વર્તમાન માળખાને જાળવી રાખવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ સાથોસાથ વ્યાજદરનો વધારો ધારણા કરતાં વહેલો ૨૦૨૨ના મધ્ય ભાગથી શરૂ થવાના સંકેત આપી દેવાયા છે. ચાઇનીઝ એવરગ્રાન્ડ્સના ડિફૉલ્ટથી લેહમૅન જેવી ક્ટોકટી ઊભી થવાની આશંકા ખોટી ઠરી છે. આફત હાલ પૂરતી તો અવશ્ય ટળી ગઈ છે. ઇન્ટ્રા-ડે તથા ઓવર-નાઇટ કરેક્શન અને પછી કૉન્સોલિડેશનના અતિ અલ્પકાલીન તબક્કે બજારમાં હમણાં જ આવી ગયો, સરવાળે તેજીના નવા રાઉન્ડ માટે બજાર ફરી સુસજ્જ બની ગયું છે. એનો સ્પષ્ટ પુરાવો ગુરુવાર છે. ગઈ કાલે આરંભથી અંત સુધી સારી એવી અને ચડતા ક્રમની મજબૂત ચાલમાં સેન્સેક્સ ૫૯૯૫૭ની નવી ઑલટાઇમ હાઈ બનાવી ૯૫૮ પૉઇન્ટ ઊંચકાઈને ૫૯૮૮૫ બંધ થયો છે. નિફ્ટી ૧૭૮૪૪ની લાઇફ ટાઇમ હાઈ દેખાડી ૨૭૬ પૉઇન્ટના જોરમાં ૧૭૮૨૩ના નવા શિખરે બંધ થયો છે. ગઈ કાલનો નોંધપાત્ર સુધારો બ્રૉડબેઝ્‍ડ હોવાથી માર્કેટ-બ્રેડ્થ સારી એવી હકારાત્મક હતી. બજારનું માર્કેટકૅપ ૩.૩૨ લાખ કરોડના ઉમેરામાં હવે ૨૬૧.૮૮ લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું છે. મ‌ીડિયાને બાદ કરતાં બજારનાં તમામ સેક્ટોરલ ગ્રીન ઝોનમાં હતાં. એફએમસીજી આંક લગભગ યથાવત્ હતો.



સ્પોર્ટકિંગ ઇન્ડિયા એક્સ-બોનસ પછી પણ તેજીમાં ૧૨૫૯ બંધ થયો


સ્પોર્ટકિંગ ઇન્ડિયા એક શૅરદીઠ ત્રણ શૅરના મેઇડન બોનસમાં ગઈ કાલે એક્સ-બોનસ થતાં પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૨૫૯ બંધ થયો છે. તાજેતરમાં ૧૫ સપ્ટેમ્બરે આ શૅરમાં ૫૪૪૮ રૂપિયાનું એટલે કે બોનસની અસર ઍડ્જસ્ટ કરીએ તો ૧૩૬૨ રૂપિયાનું લાઇફટાઇમ બેસ્ટ લેવલ બન્યું હતું. બાય ધ વે ૧૧ મહિના પૂર્વે અહીં શૅરનો ભાવ બોનસને ઍડ્જસ્ટ કરતાં ફક્ત ૬૪ રૂપિયા હતો. મતલબ ૧૧ મહિનામાં ૧૯૨૨ ટકાનો ઉછાળો. આ કંપની અગાઉ એસઆઇએલ લિમિટેડના નામે ઓળખાતી હતી. ડિસેમ્બર ૧૯૯૫માં ૧૦ના શૅરદીઠ ૩૫ રૂપિયાના ભાવે એનો આઇપીઓ આવ્યો હતો. વર્ષો સુધી આ શૅર કોમામાં હતો, ક્યારેય ૨૦૦ થયો નહોતો. મોટા ભાવે ૧૦૦-૧૫૦ની રેન્જમાં અથડાતો હતો. ૨૦૨૧ની ૧ જાન્યુઆરીએ ભાવ ૧૧૨ હતો જે સતત આગઝરતી તેજી દેખાડી ૧૫ સપ્ટેમ્બરે ૫૪૪૮ રૂપિયા થયો હતો. પંજાબના લુધિયાણાની કંપની સાઉન્ડ છે. ૧૦ના શૅરની બુક-વૅલ્યુ બોનસ પૂર્વે ૧૦૭૪ રૂપિયાની હતી. દરમ્યાન સોની સાથે મર્જરની જાહેરાત પાછળ આગલા દિવસે ૩૧ ટકાથી વધુનો ઉછાળો મારનારો ઝી એન્ટર ગુરુવારે ૩૬૩ નજીક ૨૩ મહિનાની ટૉપ બનાવી છેલ્લે ૫.૪ ટકા ઘટી ૩૧૯ બંધ આવ્યો છે. ઝી મીડિયા પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૩ રૂપિયા, ઝીલર્ન  બે ટકા ઘટી ૧૫.૬૦ રૂપિયા, ડિશ ટીવી ૪ ટકા વધીને ૨૦.૬૦ આસપાસ બંધ હતા. નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ જે આગલા દિવસે ૧૩.૬ ટકાના તોતિંગ ઉછાળામાં બંધ રહ્યો હતો એ ગઈ કાલે ૧.૭ ટકા નરમ જોવા મળ્યો છે. સનટીવી જોકે સાડાચાર ટકા વધી ૫૨૯ બંધ રહ્યો છે. સળંગ ત્રણ દિવસે ૧૦ ટકાની ઉપલી સર્કિટ બાદ એનડીટીવી ગઈ કાલે પણ પાંચ ટકાની નવી સુધારેલી ઉપલી સર્કિટમાં ૧૦૧ની નવી ટોચે બંધ થયો છે.

બજાજ-ટ્રાયોની જેમ લાર્સન-ટ્રાયોમાં પણ ગુરુવારે નવાં શિખર બન્યાં છે. લાર્સન ઇન્ફોટેક ૪ ટકા વધી ૬૦૭૪, લાર્સન ટેક્નૉલૉજીઝ સવાબે ટકા વધી ૪૭૮૪ તથા લાર્સન સાડાત્રણ ટકાના જમ્પમાં ૧૭૭૦ રૂપિયાના બેસ્ટ લેવલે બંધ થયા છે. લાર્સન ફાઇનૅન્સ ૧.૭ ટકા વધીને ૮૮ નજીક રહી હતી. વેલસ્પન ઇન્ડિયા સાત ગણા કામકાજમાં ૧૬૦ના નવા શિખરે જઈ ૧૩ ટકાની તેજીમાં ૧૫૮ નજીક જોવા મળ્યો છે. તાતા મોટર્સનો ડીવીઆર ૧૭૨ની નવી ટોચે જઈ ૭.૪ ટકાના જમ્પમાં ૧૬૫ નજીક તો તાતા મોટર્સ ૩.૭ ટકાઊંચકાઈને ૩૨૧ ઉપર બંધ હતો. હુડકો સાડાસાત ટકા ઊછળી ૪૬ બંધ આવ્યો છે.


ભારતી ઍરટેલ ૨૭મીએ એક્સ-રાઇટ થશે, ઇન્ડસ ટાવર નવી ટોચે

ભારતી ઍરટેલ તરફથી એના ૨૧,૦૦૦ કરોડના મેગા રાઇટ ઇશ્યુ મટે ૨૮ ઑક્ટોબરની રેકૉર્ડ ડેટ જાહેર કરાઈ છે. રાઇટ પાંચમી ઑક્ટોમરે ખૂલશે. કંપની ૧૪ શૅરદીઠ એકના ધોરણે રાઇટ કરી રહી છે. ભાવ શૅરદીઠ ૫૩૫ રૂપિયા નક્કી થયો છે. શૅરધારકોએ રાઇટની અરજી વખતે ૨૫ ટકા નાણાં ભરવાનાં છે. બાકી રહેતી રકમ પછી ૩૬ મહિનાના ગાળામાં કંપની એની જરૂરિયાત પ્રમાણે મગાવશે અને આ રકમ કમસે કમ બે કે એથી વધુ તબક્કામાં ભરવાની રહેશે. અર્થત્ ૫૩૫ રૂપિયાના આ રાઇટમાં પ્રથમ તબક્કે અરજી સાથે શૅરદીઠ ૧૩૩.૭૫ રૂપિયા ભરવાના રહેશે, જેમાંથી સવા રૂપિયો શૅરની ફેસ-વૅલ્યુ પેટે જશે. કંપનીએ આ અગાઉ એપ્રિલ ૨૦૧૯માં પણ ૬૭ શૅરદીઠ ૧૯ શૅરના પ્રમાણમાં શૅરદીઠ ૨૨૦ના ભાવે રાઇટ કર્યો હતો, જેની સાઇઝ ૨૫,૦૦૦ કરોડ રૂપિયા હતી. ભારતીનો શૅર ગઈ કાલે ઉપરમાં ૭૪૦ થઈ અંતે નજીવો ઘટી ૭૨૬ રૂપિયા બંધ થયો છે. ભારતી ઍરટેલમાં સહ-પ્રમોટર તરીકે ૪૧.૭ ટકા હિસ્સો ધરાવે છે. તે ઇન્ડસ ટાવર ગઈ કાલે ઉપરમાં ૨૮૮ની એપ્રિલ ૧૯ પછીની ટૉપ બનાવી અંતે બે ટકા વધીને ૨૭૯ બંધ હતો. વોડાફોન ૧.૮ ટકા વધી અને તેજસનેટ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૪૧૫ રૂપિયા બંધ આવ્યો છે.

બજાજ ફિનસર્વ હજારી ઉછાળામાં નવા શિખરે, બજાજ ફાઇનૅન્સ પણ સાથમાં

બજાજ ટ્રાયો જોરમાં છે. બજાજ ફિન સર્વ ગુરુવારે ૧૭૬૧૩ના આગલા બંધ સામે ઇન્ટ્રા-ડેમાં ૧૮૭૫૫ થઈ છેલ્લે ૫.૨ ટકાની મજબૂતીમાં ૧૮૫૧૯ રૂપિયાના સર્વોચ્ચ શિખરે બંધ થયો છે. વૉલ્યુમ પાંચ ગણું હતું. વર્ષ પૂર્વે ભાવ ૫૪૦૧નો હતો. બજાજ ફિન સર્વમાં સહપ્રમોટર તરીકે ૫૨.૭ ટકા જેવો હિસ્સો ધરાવે છે એ બજાજ ફાઇનૅન્સ ગઇકાલે પાંચ ગણા વૉલ્યુમમાં ૮૦૦૦ની નવી ઑલટાઇમ હાઈ બનાવી ૧.૪ ટકા વધી ૭૮૯૭ બંધ હતો વર્ષ પહેલાં એનો ભાવ ૩૦૦૯ રૂપિયા હતો. આ શૅરની ફેસ-વૅલ્યુ બેની તથા બજાજ ફિન સર્વની પાંચની છે, તો બજાજ હોલ્ડિંગ્સ પણ ૪૯૮૩ની નવી વિક્રમી સપાટી હાંસલ કરીને ૪.૫ ટકા વધી ૪૯૩૩ થયો છે. એની ફેસ-વૅલ્યુ ૧૦ની છે. ૧૧ મહિના પૂર્વે ૨૭ ઑક્ટોબરે આ શૅર ૨૨૧૯ના વર્ષના તળિયે હતો. બીએસઈનો ફાઇ. ઇન્ડેક્સ ગુરુવારે ૧૦૩માંથી ૭૬ શૅરના સુધારામાં ૨.૨ ટકા અપ હતો. રેપ્કો હોમ ૩.૮ ટકા, આવાસ ૫.૭ ટકા, હોમ ફર્સ્ટ ૬.૧ ટકા, કેનફિન હોમ્સ ૪.૩ ટકા, સ્ટાર હાઉસિંગ અઢી ટકા, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ચાર ટકા વધ્યા હતા. પીએનબી હાઉસિંગ તથા એલઆઇસી હાઉસિંગ સવા અને અઢી ટકા અપ હતા. એચડીએફસી ત્રણ ટકાના સુધારામાં ૨૮૧૮ હતો. એપ્ટસ વૅલ્યુમાં સવા ટકાની

નરમાઈ હતી.

બૅન્ક નિફ્ટી ૮૨૭ પા’ઇન્ટ ઊંચકાયો, બૅન્કિંગ ક્ષેત્રના ૩૫માંથી ૨૨ શૅર પ્લસ

ગુરુવારે બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના સુધારા સાથે ૩૭૮૩૧ થઈ ૮૨૭ પૉઇન્ટ કે ૨.૨ ટકા વધી ૩૭૭૭૨ બંધ થયો છે. તો પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૩માંથી ૭ શૅર પ્લસમાં આવી સવા ટકો અપ હતો. સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રના ૩૫માંથી ફક્ત ૯ શૅર ઘટ્યા હતા. સાઉથ ઇન્ડિયન, કૅનેરા બૅન્ક, ડીસીબી બૅન્ક, આરબીએલ બૅન્ક, એયુ બૅન્ક, સીએસબી બૅન્ક, બંધન બૅન્ક દોઢથી ચાર ટકા સુધર્યા હતા. સેન્સેક્સ પૅકમાં ઍક્સિસ બૅન્ક ત્રણ ટકા, ઇન્ડસ ઇન્ડ બૅન્ક ૨.૪ ટકા, સ્ટેટ બૅન્ક અઢી ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક બે ટકા, એચડીએફસી બૅન્ક ૨.૩ ટકા તથા કોટક બૅન્ક ૧.૯ ટકા વધ્યા હતા. આને કારણે સેન્સેક્સને કુલ મળીને ૩૮૨ પૉઇન્ટનો લાભ થયો છે. હેવીવેઇટ્સ રિલાયન્સ નવા વિક્રમી શિખરે ગઈ કાલે ઉપરમાં ૨૪૯૭ થઈ ૨.૪ ટકા વધી ૨૪૮૯ બંધ થયો છે. અગાઉ ઑલટાઇમ હાઈ ૨૪૮૦ નજીકની હતી, જે ૬ સપ્ટેમ્બરે ચાલુ મહિને બની હતી. બાય ધ વે, એનો પાર્ટલી પેઇડ શૅર તો ગઈ કાલે ૧૮૪૯ની નવી ઑલટાઇમ હાઈ બતાવી ત્રણ ટકા વધી ૧૮૪૫ રૂપિયા બંધ થયો છે.

રિયલ્ટીમાં તેજીનું તોફાન આગળ વધ્યું, ઇન્ડેક્સ ૧૧ વર્ષના શિખરે

બીએસઈનો રિયલ્ટી ઇન્ડેક્સ આગલા દિવસનો સાડાઆઠ ટકાની છલાંગ પછી ગઈ કાલે ઉપરમાં ૪૦૪૬ની ૧૧ વર્ષની નવી ઑલટાઇમ હાઈ દેખાડી ૮.૭ ટકાના ઉછાળે ૩૯૩૬ બંધ આવ્યો છે. ગોદરેજ પ્રૉપર્ટીઝ સાડાછ ગણા કામકાજે ૨૨૧૩ રૂપિયા, ઑબેરૉય રિયલ્ટી ૧૨.૬ ટકાની તેજીમાં ૨૧૯૬ રૂપિયા, ડીએલએફ ૪૧૨ નજીક મલ્ટિયર હાઈ બનાવી ૮.૯ ટકાની આગેકૂચમાં ૪૦૨ રૂપિયા, ફિનિક્સ મિલ્સ પણ ૯૫૯ની ઐતિહાસિક ઊંચી ટૉપ હાંસલ કરી સવા ટકો વધી ૯૧૯ રૂપિયા બંધ હતો. સનટેક રિયલ્ટી ૫૦૧ નજીક સવાબે વર્ષની ઊંચી સપાટીએ જઈ ૬ ટકા વધી ૪૯૧ હતો. બ્રિગેડ ૩.૮ ટકા, ઇન્ડિયા બુલ્સ રિયલ્ટી ૬.૨ ટકા, પ્રેસ્ટિજ ૬ ટકા અને શોભા ૮ ટકા અપ હતા. રિયલ્ટી ક્ષેત્રના ૧૧૫ શૅરમાંથી ગઈ કાલે ફક્ત ૩૦ શૅર ડાઉન હતા. પૂર્વાન્કારા દસેક ટકા ઊછળી ૧૨૮ હતો. નૅશનલ સ્ટાન્ડર્ડ જે ચાલુ મહિને ૬ સપ્ટેમ્બરે ૨૫૬૫ બંધ હતો એ ઉપલી સર્કિટની હારમાળામાં ગઈ કાલે પાંચ ટકા વધી ૪૫૯૪ રૂપિયાના બેસ્ટ લેવલે ગયો છે. વર્ષ પૂર્વે ભાવ માત્ર ૪૦૨ હતો. કોલ્તે પાટીલ ૩૬૦નો નવી ટૉપ બનાવી ૪.૫ ટકા વધી ૩૪૬ થયો છે. લોઢાની મૅક્રોટેક ૧૧૫૨ની ઑલટાઇમ હાઈ બાદ ૫.૩ ટકા વધી ૧૧૧૦ બંધ હતી.

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2021 10:51 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK