Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > પ્રારંભિક સુધારા બાદ ૧૦૭૯ પૉઇન્ટ ખરડાઈ શૅરબજાર ઊંચકાયું, પરંતુ પનો ટૂંકો પડ્યો

પ્રારંભિક સુધારા બાદ ૧૦૭૯ પૉઇન્ટ ખરડાઈ શૅરબજાર ઊંચકાયું, પરંતુ પનો ટૂંકો પડ્યો

12 May, 2022 02:53 PM IST | Mumbai
Anil Patel

રૂપિયાની નરમાઈ છતાં આઇટી શૅરોમાં ઘટાડાની ચાલ જારી

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


પરિણામ બાદ રિલાયન્સમાં નરમાઈની હૅટ-ટ્રિક, અદાણી વિલ્મર નીચલી પછી ઉપલી સર્કિટે બંધ : રિઝલ્ટની ઝમકમાં કલ્યાણ જ્વેલર્સ એ-ગ્રુપ ખાતે બેસ્ટ પર્ફોર્મર બન્યો : રૂપિયાની નરમાઈ છતાં આઇટી શૅરોમાં ઘટાડાની ચાલ જારી : પરિણામની પૂર્વસંધ્યાએ લાર્સનમાં સવાબે ટકાથી વધુની ખરાબી : ૬૩મૂન્સમાં સતત મંદીની સર્કિટ છેલ્લે અટકી, નઝારા ટેક્નૉમાં પરિણામ ૧૩મીએ, પણ શૅર પોણાદસ ટકા તૂટી નવા તળિયે : ગણતરીના શૅરોના સથવારે બૅન્ક નિફ્ટી સુધર્યો : માર્કેટ બ્રેડ્થ વધુ બગડી

શૅરબજારે પ્રમાણમાં મોટી ઊથલપાથલ સાથે ઘસાતા રહેવાનો શિરસ્તો આગળ ધપાવ્યો છે. બુધવારે આગલા બંધથી ૮૦ પૉઇન્ટ જેવી ગેપમાં ઉપર ખૂલી સેન્સેક્સ તરત ૫૪,૫૯૮ની દિવસની ટોચે ગયો હતો. જોકે આ ૧૩૩ પૉઇન્ટનો મામૂલી સુધારો અતિ અલ્પજીવી હતો. બજાર ત્યાંથી ૧૦૭૯ ગગડી નીચામાં ૫૩,૫૧૯ થયું હતું. દોઢ વાગે ચોઘડિયું બદલાતા બાઉન્સ બૅકની ક્વાયત
શરૂ થઈ હતી જેમાં ત્રણ વાગે ૫૪,૨૫૬નું લેવલ આવ્યા પછી માર્કેટ હાંફી ગયું અને છેવટે ૨૭૬ પૉઇન્ટના ઘટાડે ૫૪,૦૮૮ બંધ રહ્યા. નિફ્ટી ૭૩ પૉઇન્ટની નરમાઈમાં ૧૬,૧૬૭ બંધ આપતા પૂર્વે ઇન્ટ્રા-ડેમાં ૧૬ની અંદર ૧૫,૯૯૨ના તળિયે ગયો હતો. વિશ્વબજારમાં નાયપેક્સ ક્રૂડ રિસેશનની થિયરીમાં નીચામાં ૯૯ ડૉલર આસપાસ થયા પછી સવાત્રણ ટકા વધી ૧૦૩ ડૉલરે આવી ગયું છે.
બ્રેન્ટ ક્રૂડ પણ ૧૦૫ ડૉલર નજીક મક્કમ હતું. સેન્સેક્સ તથા નિફ્ટી અડધો ટકો જેવા વધુ નરમ પડ્યા છે અને આ સતત ચોથા દિવસની નબળાઈ છે. કોપર સિવાયની ઇન્ડસ્ટ્રીયલ મેટલના વૈશ્વિક ભાવ પ્રેશરમાં રહ્યા છે. ટીન સવાચાર ટકા તૂટ્યું છે. માર્કેટ બ્રેડ્થ વધુ બગડી છે. એનએસઈ ખાતે વધેલા દરેક એક શૅર સામે ચાર શૅર ડાઉન હતા. બીએસઈ ખાતે ૩૫૧૪માંથી ૨૫૮૮ જાતો માઇનસ હતી, જેમાંથી ૪૪૩ શૅર મંદીની સર્કિટમાં બંધ થયા છે, ૫૧ શૅર ઇન્ટ્રા-ડેમાં નવી ઐતિહાસિક ટોચે ગયા તો સામે ૨૭૪ જાતોમાં નવી નીચી બૉટમ બન્યા છે. સ્મૉલ કૅપ ઇન્ડેક્સ સવાબે ટકા કે ૫૮૩ પૉઇન્ટ ખરડાયો છે. તેના ૯૧૮માંથી માંડ ૧૫ ટકા, ૧૬૩ શૅર પ્લસ હતા. બ્રોડર માર્કેટનો બીએસઈ-૫૦૦ ઇન્ડેક્સ આમ તો અડધા ટકા જેવો ડાઉન હતો, પરંતુ તેની ૫૦૧માંથી ૩૬૭ સ્ક્રિપ્સ રેડ ઝોનમાં રહી છે. રિયલ્ટી ઇન્ડેક્સ એક ટકો, બૅન્કેક્સ પોણા ટકાની નજીક તથા ફાઇનૅન્સ બેન્ચમાર્ક ન પૂરતો સુધર્યો છે. બાકીના તમામ સેક્ટોરલ ઘટીને બંધ હતા. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ લગભગ ફ્લૅટ હતો. આઇટી, ટેક્નૉલૉજીઝ, કેપિટલ ગુડ્સ, ઑટો, ટેલિકૉમ, એફએમસીજી જેવા ઇન્ડેક્સ એકથી દોઢ ટકાની આજુબાજુ ઢીલા હતા. આગલા દિવસના પાંચ ટકાના કડાકા બાદ મેટલ ઇન્ડેક્સ ૧૫ પૉઇન્ટ જેવો પરચૂરણ નરમ હતો. 



પોણાત્રણસો જેટલા શૅર નવા ઐતિહાસિક તળિયે 
બીએસઈ ખાતે ગઈ કાલે ૨૭૪ શૅરમાં બુધવારે એક વર્ષ કે તેથી વધુ સમયગાળાની રીતે નવી નીચી બૉટમ બની છે. હાઈ પ્રોફાઇલ ઝૉમેટો અઢી ગણા વૉલ્યુમે ૫૦ની ઑલટાઇમ બૉટમ બતાવી સવાત્રણ ટકા વધી ૫૪ હતો. પેટીએમ ૫૧૮ની વર્સ્ટ સપાટી નોંધાવી પોણાત્રણ ટકા ગગડી ૫૩૧ નજીક હતો. આ ઉપરાંત થ્રી એમ ઇન્ડિયા, આરતી ડ્રગ્સ, આરતી ઇન્ડ., અજન્ટા ફાર્મા, અૅલેમ્બિક, એક્ઝોનોબલ, એસ્ટ્રાઝેનેકા, અતુલ, અરબિંદો ફાર્મા, બજાજ ઇલે., બજાજ કન્ઝ્યુમર, બૅન્ક ઑફ ઇન્ડિયા, આરબીએલ બૅન્ક, બિરલા કોર્પ, બોશ લિમિટેડ, કેમલીન ફાઇન, કેનફીન હૉમ્સ, કૅર રેટિંગ્સ, સિગ્નેટી, સીએસબી બૅન્ક, ડાબર, દિલીપ બિલ્ડકોન, દિશમાન, ડેનનેટવર્ક, ડિકસન ટેક્નૉલૉજીઝ, યુરેકા ફોર્બ્સ, એફડીસી, ગ્લેનમાર્ક, ગ્લેનમાર્ક લાઇફ, ઝાયડસ લાઇફ, ફિનોલેક્સ કેબલ્સ, એચડીએફસી એએમસી, એમસીએક્સ, જીઓજિત, ગ્રેન્યુઅલ્સ, હેરિટેજ ફૂડસ, હિન્દુ. કોપર, હિન્દુ. ઝિન્ક, ઇગરશી, ઇન્ડોસ્ટાર, ઇન્ફીબીમ, ઇન્ટલેક્ટ ડિઝાઇન, ઇરકોન, જયભારત મારુતિ, કલ્પતરુ પાવર, કન્સાઇ નેરોલેક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, મૅપ માય ઇન્ડિયા, સુપ્રિયા લાઇફ, મુથૂટ ફાઇ, નેસ્લે ઇન્ડિયા, નઝારા ટેક્નૉ, ઇન્ફોએજ, નાટકો ફાર્મા, પીએનબી હાઉસિંગ,રાલીસ ઇન્ડિયા, તાતા કૉમ્યુનિકેશન્સ, રામકો-ટ્વિન્સ, આરઇસી, સેઇલ, સનોફી, સાસ્કેન, શેલ્બી, ટીવીઝેડ, સનટીવી,સ્ટ્રાઇડ ફાર્મા, સોલરા અૅક્ટિવ, ટેસ્ટીઆઇટ, અૅગ્રોટેક ફૂડ્સ, સુદર્શન કેમિકલ્સ, થાયરોકૅર ટોરન્ટ ફાર્મા, ટીવીએસ શ્રીચક્ર, વિનસ રેમેડીઝ, વિજ્યા ડાયગ્નોસ્ટિક, વેલસ્પન ઇન્ડિયા, વેસ્ટ લાઇફ ડેવલપર્સ, વિસાકા ઇન્ડ., વિપ્રો, વોકહાર્ટ, ઝીલર્ન ઇત્યાદી જેવા જાણીતા શૅર ગઈ કાલે નવા તળિયે ગયા છે.


રિલાયન્સમાં ઘટાડાની હૅટ-ટ્રિક, અદાણી ગ્રુપ બેતરફી વધ-ઘટમાં
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પરિણામ બાદ સતત ત્રીજા દિવસની નબળાઈમાં ૨૪૨૨ની અંદર જઈ એક ટકો ઘટીને ૨૪૫૦ની અંદર ગયો છે. અદાણી ગ્રુપમાં તોફાની વધ-ઘટ હતી. અદાણી ટ્રાન્સમિશન ૧૭૯ રૂપિયા કે સવાસાત ટકા તૂટી ૨૨૯૬ તો અદાણી ગ્રીન નીચામાં ૨૪૯૦ થઈ ૧૭૭ રૂપિયા કે ૭.૧ ટકાની તેજીમાં ૨૬૬૪ રહ્યો છે. અદાણી વિલ્મર પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૫૫૪ બતાવી ઉપલી સર્કિટમાં ૬૧૨ને વટાવી ગયો હતો.

અદાણી ટોટલ નીચામાં ૨૨૪૧થી વધી ૨૪૫૫ થઈ સાધારણ ઘટાડે ૨૩૩૯, અદાણી પાવર પાંચ ટકાની નીચલી સર્કિટ બાદ સાડાચાર ટકા ગગડી ૨૫૫, અદાણી પોર્ટસ દોઢ ટકો ઘટીને ૭૬૦ નજીક તો અદાણી એન્ટર અડધો ટકો સુધરીને ૨૧૨૦ આસપાસ બંધ હતો. ફ્યુચર ગ્રુપના લગભગ તમામ શૅર નીચલી સર્કિટ સાથે નવા નીચા તળિયે ગયા છે. સેન્સેક્સ ખાતે ૩૦માંથી ૧૦ તો નિફ્ટીના ૫૦માંથી ૨૨ શૅર વધ્યા હતા. ઓએનજીસી ત્રણ ટકાની તેજીમાં ૧૫૯ના બંધમાં નિફ્ટી ખાતે તો અૅક્સિસ બૅન્ક બે ટકાના બાઉન્સ બૅકમાં ૬૭૨ના બંધમાં સેન્સેક્સ ખાતે ટૉપ ગેઇનર હતા. લાર્સનના પરિણામ ગુરુવારે છે. શૅર ગઈ કાલે સવાબે ટકાથી વધુ ખરડાઈને ૧૫૭૧ના બંધમાં સેન્સેક્સ ખાતે ટૉપ લુઝર હતો. નિફ્ટી ખાતે શ્રી સિમેન્ટ સવાત્રણ ટકા કે ૮૦૨ રૂપિયા તૂટી ૨૩,૪૯૯ના બંધમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૪૨૨ પૉઇન્ટ કે ૧.૬ ટકા ડાઉન થયો તેમાં લાર્સન ૩૦૨ પૉઇન્ટ નડ્યો હતો. ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ સાડાઆઠ ટકા તૂટી ૧૬૬૩ના બંધમાં ઑટો ઇન્ડેક્સ ખાતે ટૉપ લુઝર થયો છે. મારુતિ પોણાબે ટકા અને તાતા મોટર્સ એક ટકો ઢીલા હતા. 


રૂપિયાની નબળાઈ છતાં આઇટી શૅરોમાં ખરાબી 
સામાન્ય રીતે ડૉલર સામે રૂપિયો ગગડે ત્યારે નેટ ફૉરેક્સ અર્નિંગ કરનાર શૅરો ડિમાન્ડમાં રહેતા હોય છે. આઇટી સેક્ટર વિદેશી હૂંડિયામણની કમાણીમાં મોખરે છે પરંતુ આ વખતે નબળો રૂપિયો આઇટી શૅરોમાં ઘટાડાની ચાલ બદલવામાં નિષ્ફળ નીવડ્યો છે. ગઈ કાલે આઇટી ઇન્ડેક્સ દોઢ ટકો કે ૪૫૯ પૉઇન્ટ વધુ ડૂલ થયો છે. અત્રે ૬૨માંથી ૫૩ શૅર ડાઉન હતા. રાકેશ ઝુનઝુનવાલાની નઝારા ટેક્નૉલૉજીઝ પોણાદસ ટકા તૂટી ૧૧૫૧ના નવા તળિયે પહોંચી છે. ઇન્ફીબીમ સાડાનવ ટકા, મૅપમાય ઇન્ડિયા સવાનવ ટકા, નીટ લિમિટેડ આઠ ટકા, ડેટામેટિક્સ સવાસાત ટકા, હેપીએસ્ટ માઇન્ડ પોણાસાત ટકા, સેરેબ્રન્ટ સાડાછ ટકા, રામકો સિસ્ટમ્સ પોણા છ ટકા તૂટ્યા છે. ૬૩મૂન્સ સતત ૧૩મા દિવસે પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૧૫૪ થઈ અડધા ટકાના ઘટાડે ૧૬૧ બંધ રહેતા પૂર્વે ઉપરમાં ૧૭૦ થયો છે.

સિન્ગેટી પાંચ ટકા વધી ૩૯૭ હતો. મંગળવારનું પુનરાવર્તન હોય તેમ બૅન્ક નિફ્ટી બારમાંથી ત્રણ શૅરના સુધારામાં અડધો ટકો કે ૨૧૦ પૉઇન્ટ વધ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી બારમાંથી નવ શૅરની નરમાઈમાં અડધો ટકો ડાઉન હતો. સૂર્યોદય સ્મૉલ બૅન્ક સાડા છ ટકાના કડાકામાં ૧૨૮ની અંદર ગયો છે. ઉજ્જીવન બૅન્ક સવાત્રણ ટકા અને ફીનો બૅન્ક સવા બે ટકા નરમ હતા. બૅન્કિંગ સેક્ટરના ૩૬માંથી ૧૧ શૅર ગઈ કાલે સુધર્યા છે. અૅક્સિસ બૅન્ક તેમાં બેસ્ટ હતો.

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૨૮માંથી ૧૦૩ શૅર ઘટવા છતાં છ પૉઇન્ટ જેવો નહીંવત્ વધ્યો છે. ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ પરિણામ પાછળ દસ ગણા કામકાજમાં નીચામાં ૧૦૬ના વર્સ્ટ બૉટમ બાદ ૨૦.૫ ટકાના કડાકામાં ૧૧૧ બંધ હતો. એચડીએફસી એક ટકો વધી ૨૨૨૧ તો બજાજ ટ્વિન્સ બે-સવાબે ટકા ડાઉન હતા. એમસીએક્સના પરિણામ ૧૬ મેના રોજ છે, શૅર ગઈ કાલે ૧૧૬૩ની મલ્ટિયર બૉટમ દેખાડી અડધો ટકો ઘટીને ૧૧૯૫ રહ્યો છે. હેલ્થકૅરમાં દિશમાન કાર્બોજેન ૨૦ ટકાની નીચલી સર્કિટમાં ૧૨૦ની નીચી સપાટીએ પહોંચી ગયો છે જે પરિણામનું પરિણામ છે. ન્યુલૅન્ડ
લૅબ વધુ ૧૩.૫ ટકા તૂટી ૧૦૬૪ હતો. સિપ્લા સાધારણથી નબળો રિઝલ્ટ છતાં સવા ટકો વધીને ૯૩૮ જોવાયો છે. કલ્યાણ જ્વેલર્સ પાંચ ગણા કામકાજમાં ઉપરમાં ૬૭ વટાવી પોણાનવ ટકાના ઉછાળામાં ૬૪ નજીક બંધ આપી એ-ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર હતી, પરિણામ સારા રહેવાની ઝમક અહીં દેખાય છે. 

Whatsapp-channel Whatsapp-channel

12 May, 2022 02:53 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK