ઇઝરાયલી અટૅકમાં નબળા ઓપનિંગ બાદ પોણાછસો પૉઇન્ટ ઘટેલો સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ૧૩૯૪ પૉઇન્ટ ઊંચકાયો : બજાર ૫૯૯ પૉઇન્ટ વધીને બંધ રહેવા છતાં માર્કેટ કૅપ માત્ર ૫૬,૦૦૦ કરોડ રૂપિયા વધ્યું : સર્વાંગી સારાં પરિણામ પછી બજાજ ઑટો લથડીને નિફ્ટીમાં ટૉપ લૂઝર બન્યો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઇઝરાયલ તરફથી ઈરાન પર વળતો પ્રહાર કરાયાના અહેવાલમાં શુક્રવારે એશિયા, યુરોપનાં તમામ અગ્રણી શૅરબજાર ખરડાયાં છે. તાઇવાન ચાર ટકા, થાઇલૅન્ડ સવાબે ટકા, જૅપનીઝ નિક્કેઈ પોણાત્રણ ટકા, સાઉથ કોરિયા પોણાબે ટકા, ઇન્ડોનેશિયા તથા હૉન્ગકૉન્ગ એક ટકો લથડ્યા છે. ક્રૂડ પ્રારંભિક રિસ્પૉન્સમાં ચારેક ટકા વધી ગયા બાદ રનિંગમાં અડધા ટકાના ઘટાડે ૮૭ ડૉલરની અંદર ચાલી ગયું હતું. સમગ્ર મામલો છમકલાની સ્થિતિમાં ફેરવાઈ જવાની ગણતરી કામે લાગી છે. એના પરિણામે યુરોપ રનિંગમાં અડધાથી પોણો ટકો નીચે રહ્યું છે. ઘરઆંગણે સેન્સેક્સ ૪૯૦ પૉઇન્ટની નરમાઈમાં ૭૨,૦૦૦ની અંદર ખૂલી નીચામાં ૭૧,૮૧૬ થઈ ક્રમશઃ મજબૂતીમાં ૭૩,૨૧૦ બતાવી છેવટે ૫૯૯ પૉઇન્ટ ઊંચકાઈ ૭૩,૦૮૮ બંધ આવ્યો છે. નિફ્ટી ૧૫૧ પૉઇન્ટ વધી ૨૨,૧૪૭ થયો છે. આ સાથે સળંગ ૪ દિવસની નરમાઈને બ્રેક લાગી છે.



