Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બૉન્ડ અને ડિબેન્ચર્સ વચ્ચેની પાતળી ભેદરેખાને સમજી લેજો

બૉન્ડ અને ડિબેન્ચર્સ વચ્ચેની પાતળી ભેદરેખાને સમજી લેજો

Published : 02 September, 2019 02:40 PM | IST |

બૉન્ડ અને ડિબેન્ચર્સ વચ્ચેની પાતળી ભેદરેખાને સમજી લેજો

(Pic-wallstreetmojo.com)

(Pic-wallstreetmojo.com)


આજકાલ બૅન્કોમાં ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજદર ઘટી ગયા હોવાથી રોકાણકારોએ બૉન્ડ, ડિબેન્ચર્સ, ડેટ મ્યુચ્યુઅલ ફન્ડ જેવા વિકલ્પોનો વિચાર કરવો જોઈએ. બૉન્ડ અને ડિબેન્ચર્સ વચ્ચે ઘણા લોકોને તફાવત લાગતો નથી, પરંતુ તેમની વચ્ચે ઘણી પાતળી ભેદરેખા છે. તો ચાલો, આજે આપણે એના વિશે વાત કરીએ.

બૉન્ડ એવું નાણાકીય સાધન છે જે દર્શાવે છે કે તેના ઇશ્યુકર્તાએ નાણાં ઊછીનાં લીધાં છે. ડિબેન્ચર્સનો ઇસ્યુ લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ માટે નાણાં પ્રાપ્ત કરવા માટે લવાયો હોય છે. બૉન્ડમાં કૉલેટરલ એટલે કે જમાનત કરીને કોઈક અન્ડરલાઇંગ ઍસેટ હોય છે, જ્યારે ડિબેન્ચર્સમાં જમાનત પેટે ઍસેટ રખાઈ હોઈ શકે અને ન પણ હોઈ શકે. આમ, ડિબેન્ચર્સ સિક્યૉર્ડ અને અનસિક્યૉર્ડ એમ બે સ્વરૂપનાં હોય છે.



ડિબેન્ચર્સની સરખામણીમાં બૉન્ડમાં થોડું ઓછું વળતર મળે છે, કારણ કે એમાં ડિબેન્ચર્સની તુલનાએ ક્રેડિટ રિસ્ક ઓછું હોય છે.
બૉન્ડ એક વર્ષથી વધુ મુદત ધરાવતું ડેટનું નાણાકીય સાધન છે. બૉન્ડ પર જ એના વ્યાજનો દર લખાયેલો હોય છે.
જે વ્યક્તિ, કંપની કે સરકારને નાણાંની આવશ્યકતા હોય એ સામાન્ય જનતાને, બૅન્કોને, નાણાકીય સંસ્થાઓને અથવા અન્યોને બૉન્ડ ઇશ્યુ કરી શકે છે.


ધારો કે કોઈ વ્યક્તિ ૧૦,૦૦૦ રૂપિયાના બૉન્ડની ખરીદી કરે છે. ૧૦ વર્ષની પાકતી મુદત ધરાવતા આ બૉન્ડમાં વળતરનો ૧૦ ટકાનો વાર્ષિક દર રાખવામાં આવ્યો છે. આમ એ વ્યક્તિને દર વર્ષે ૧૦૦૦ રૂપિયાનું વ્યાજ મળશે. આ વ્યાજ બૉન્ડ પરની ઊપજ થઈ, પરંતુ વ્યવહારમાં ઊપજ અને વ્યાજના વળતર વચ્ચે તફાવત હોય છે. બૉન્ડની ખરીદી અને વેચાણના આધારે એનો અર્થ બદલાય છે. જો બૉન્ડનો ખરીદદાર ૧૦ વર્ષની મુદતના બૉન્ડનું ખરીદીના એક વર્ષ બાદ વેચાણ કરવા માગે તો તેણે સેકન્ડરી બજારમાં જવું પડે. જોકે એ વખતની બજારમાં બૉન્ડની માગ અને પુરવઠાની સ્થિતિના આધારે બૉન્ડનો ભાવ નક્કી થાય છે. ધારો કે ૧૦,૦૦૦ રૂપિયામાં બૉન્ડ ખરીદનારને તાત્કાલિક ધોરણે પૈસાની જરૂર છે તો તેઓ એક વર્ષ બાદ ૯૦૦૦ રૂપિયાના ભાવે એ વેચવા તૈયાર થઈ જાય એવું પણ શક્ય છે. એક વર્ષના વ્યાજપેટે તેમને ૧૦૦૦ રૂપિયા મળ્યા છે, પરંતુ તેમણે હવે એ બૉન્ડ ૯૦૦૦ રૂપિયામાં વેચી દીધા છે. આમ તેમને વેચાણના ૯૦૦૦ રૂપિયા અને વ્યાજના ૧૦૦૦ રૂપિયા મળ્યા. તેમને ફક્ત મુદ્દલ પાછી મળી કહેવાય.

હવે આપણે ૯૦૦૦માં જેણે બૉન્ડ ખરીદ્યાં એની વાત કરીએ. તેમને ૯૦૦૦ રૂપિયાના ભાવે બૉન્ડ મળ્યાં પરંતુ તેના પરનો વ્યાજદર તો ૧૦ ટકા જ રહે છે. આમ તેમને ૯૦૦૦ રૂપિયાના રોકાણ પર ૧૦૦૦નું વ્યાજ મળ્યું. આમ તેમની ઊપજ ૧૧.૧ ટકા થઈ. ખરીદાયેલા બૉન્ડ પર એકંદરે જેટલી આવક થઈ એ ખરીદદારની ઊપજ કહેવાય. બૉન્ડના ભાવ અને ઊપજ વચ્ચે વ્યસ્ત સંબંધ હોય છે. અર્થાત્ બૉન્ડના ભાવ વધારે હોય તો ઊપજ ઓછી થાય અને ભાવ ઓછા હોય તો ઊપજ વધારે થાય. ઉક્ત ઉદાહરણમાં ભાવ ૯૦૦૦ રૂપિયા હતો એથી ઊપજ ૧૦ ટકા નહીં, પણ ૧૧.૧ ટકા થઈ.


આ પણ વાંચો: મુશ્કેલીમાં Air India, લેણું નહીં ચુકવે તો રોકવામાં આવશે ઈંધણનું સપ્લાય

બૉન્ડ પરના વ્યાજદરને બજારની ભાષામાં કૂપન-રેટ કહેવાય છે. કૂપન-રેટ બૉન્ડ ઇશ્યુ કરતી વખતે જ નક્કી કરાયેલો હોય છે. જોકે એ બૉન્ડ પર વ્યાજની આવકનો આધાર સેકન્ડરી માર્કેટમાં થતી બૉન્ડની ખરીદી અને વેચાણ પર રહેલો હોય છે. બૉન્ડ અને ડિબેન્ચર્સ વિશેની આ રસપ્રદ વાતો આવતી કડીમાં આગળ વધારીશું.

Whatsapp-channel Whatsapp-channel

02 September, 2019 02:40 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK