આઇટીમાં સુધારો આગળ વધ્યો, બૅન્કિંગના ૪૧માંથી ૨૫ શૅર નરમ પણ હેવીવેઇટ્સની હૂંફથી બૅન્ક નિફ્ટી અડધાથી વધુ પ્લસ
માર્કેટ મૂડ
પ્રતીકાત્મક તસવીર
બિટકૉઇન ૮૧,૦૦૦ ડૉલર અને પાકિસ્તાની શૅરબજાર ૮૪,૦૦૦ વટાવી નવી વિક્રમી સપાટીએ : આઇટીમાં સુધારો આગળ વધ્યો, બૅન્કિંગના ૪૧માંથી ૨૫ શૅર નરમ પણ હેવીવેઇટ્સની હૂંફથી બૅન્ક નિફ્ટી અડધાથી વધુ પ્લસ : નબળાં પરિણામ સાથે તાતા મોટર્સમાં બ્રોકરેજ હાઉસ તરફથી ટાર્ગેટ પ્રાઇસ ઘટાડવામાં આવી પણ તાતા મોટર્સ બેઅસર : JSW હોલ્ડિંગ્સ ચારેક દિવસમાં સાડાછ હજારથી વધુ ઊછળ્યો, હોલ્ડિંગ કંપનીઓના શૅર લાઇમલાઇટમાં : સ્વિગીમાં એકનું પ્રીમિયમ, ઍક્મેમાં ડિસ્કાઉન્ટ વધ્યું
ટ્રમ્પના વિજય પછી બિટકૉઇન સહિતની ક્રિપ્ટોકરન્સી જબરા જમ્પ સાથે નીતનવા બેસ્ટ લેવલ બતાવી રહી છે. બિટકૉઇન ૮૧,૮૦૨ ડૉલરના નવા શિખર બાદ રનિંગમાં પોણાત્રણ ટકા વધી ૮૧,૪૬૪ ડૉલર દેખાયો છે. બિટકૉઇન ૯૦ હજાર ડૉલર વટાવી જશે એમ ઓપન ઇન્ટરેસ્ટમાં થઈ રહેલા વધારામાંથી અણસાર મળે છે. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ક્રિપ્ટોકરન્સી સેગમેન્ટનું માર્કેટકૅપ પોણાબે ટકા ઊચકાઈ ૨.૭૭ લાખ કરોડ ડૉલરને વટાવી ગયું છે. એક અન્ય ઘટનાક્રમમાં પાકિસ્તાની શૅરબજાર જબ્બર આખલા દોડમાં ગઈ કાલે ૯૪,૦૨૦ની નવી વિક્રમી સપાટીએ પહોંચી ગયું છે. રનિંગમાં કરાચી માર્કેટ હતું. શુક્રવારની મોડી રાત્રે અમેરિકન ડાઉ ૪૪,૦૦૦ની પાર નવા બેસ્ટ લેવલને સર કરી ૨૬૦ પૉઇન્ટના સુધારામાં ૪૩,૯૮૯ બંધ હતો. સોમવારે ફ્યુચરમાં ડાઉ ૪૪,૧૫૭ની નવી ટૉપ બનાવી ૧૩૫ પૉઇન્ટની આગેકૂચમાં રનિંગમાં ૪૪,૧૨૩ ઉપર જોવાયો છે. નૅસ્ડૅકમાંય ૧૯,૩૧૮ની નવી ટૉપ બની છે. એશિયન બજારોની નવા સપ્તાહની શરૂઆત બહુધા નબળી રહી છે. ચાઇના તથા સિંગાપોર અડધા ટકા આસપાસ પ્લસ હતાં. સામે હૉન્ગકૉન્ગ દોઢ ટકો, સાઉથ કોરિયા સવા ટકો અને થાઇલૅન્ડ અડધો ટકો ઘટ્યાં છે. અન્યત્ર પણ નહીંવત નરમાઈ દેખાઈ છે. યુરોપ મજબૂત વલણ જાળવી રાખતાં રનિંગમાં પોણા ટકાથી સવા ટકા આસપાસ ઉપર ચાલતું હતું. ક્રૂડ, સોના અને ચાંદીમાં અડધા-પોણા ટકાની કમજોરી દેખાઈ છે.
ADVERTISEMENT
સોમવારે સેન્સેક્સ આગલા બંધથી ૧૮૮ પૉઇન્ટના ગૅપ ડાઉન ઓપનિંગમાં ૭૯,૨૯૮ ખૂલ્યા બાદ નીચામાં ૭૯,૦૦૧ બતાવી બાઉન્સબૅકમાં ૮૦,૧૦૨ વટાવી ગયો હતો. જોકે આ મિનારા પછી ત્યાંથી ઘટાડાતરફી ચાલ રહી હતી. શૅર આંક છેવટે દસેક પૉઇન્ટ જેવા પરચૂરણ સુધારામાં ૭૯,૪૯૬ બંધ થયો છે. નિફ્ટી ૭ પૉઇન્ટ ઘટી ૨૪,૧૪૧ હતો. સેન્સેક્સ નિફ્ટીની નામપૂરતી વધઘટ સામે મિડકૅપ ઇન્ડેક્સ પોણો ટકો તો સ્મૉલકૅપ બેન્ચમાર્ક સવા ટકો સાફ થવાના પગલે માર્કેટ બ્રેડ્થ ખરાબ રહી છે. NSEમાં વધેલા ૭૩૮ શૅર સામે ૧૭૮૨ જાતો માઇનસ હતી. બ્રૉડર માર્કેટ ૦.૨ ટકા જેવું સામાન્ય ઢીલું હતું, પરંતુ એની ૫૦૦માંથી ૩૫૫ જાતો રેડ ઝોનમાં બંધ આવી છે. બન્ને બજારના મોટા ભાગના સેક્ટોરલ નેગેટિવ ઝોનમાં ગયા છે. નિફ્ટી આઇટી સવા ટકો, બૅન્ક નિફ્ટી ૦.૬ ટકો, ટેક્નૉલૉજી બેન્ચમાર્ક પોણો ટકો, ફાઇનૅન્સ, પાવર યુટિલિટીઝ નજીવા પ્લસ હતા. હેલ્થકૅર ઇન્ડેક્સ ૧.૩ ટકા, મેટલ એક ટકો, FMCG ૦.૯ ટકા, ઑઇલ-ગૅસ પોણો ટકો, એનર્જી પોણો ટકો, નિફ્ટી મીડિયા સવા ટકા તો ઑટો ઇન્ડેક્સ પોણા ટકા નજીક કટ થયો છે. બજારનું માર્કેટકૅપ ૧.૮૨ લાખ કરોડના ઘટાડામાં ૪૪૨.૫૪ લાખ કરોડ રૂપિયા થયું છે.
બજારની નરમાઈ વચ્ચે ઑક્ટોબર માસમાં ૨૪ લાખથી વધુ નવા SIP અકાઉન્ટ ખુલ્યાં છે. SIP મારફત મ્યુચ્યુઅલ ફન્ડોમાં ૨૫,૦૦૦ કરોડથી વધુનું રોકાણ પ્રવાહિત થયું છે જે એક વિક્રમ છે. મતલબ કે બકરા ખુદ હારતોરા પહેરી, તિલક-ચંદન લગાવી સામેથી હલાલ થવા બજારમાં આવી રહ્યા છે. બજારના નામથી રીટેલ ઇન્વેસ્ટર્સની હાલત રીતસર પાવલોવના કૂતરા જેવી થઈ જાય છે, મોઢામાંથી લાળ પડવા માંડે છે.
નફો ૫૧૦ કરોડ ઘટતાં એશિયન પેઇન્ટ્સનું ૨૧,૭૩૫ કરોડનું માર્કેટકૅપ સાફ થઈ ગયું
પાવર ગ્રીડ કૉર્પોરેશન સવાચાર ટકા ઝળકી ૩૩૦ના બંધમાં બન્ને બજારમાં મોખરે હતો. ટ્રેન્ટ ત્રણેક ટકા નજીક કે ૧૮૨ રૂપિયા વધ્યો છે. ઇન્ફોસિસ, ટેક મહિન્દ્ર તથા ટીસીએસ સવાથી દોઢ ટકો વધતાં બજારને ગઈ કાલે કુલ ૧૨૮ પૉઇન્ટનો ફાયદો થયો છે. HCL દોઢ ટકાથી વધુની મજબૂતીમાં ૧૮૬૭ થતાં એમાં બીજા ૨૭ પૉઇન્ટનો ઉમેરો થયો હતો. વિપ્રો, ICICI બૅન્ક, મારુતિ સુઝુકી, હિન્દાલ્કો પોણા ટકાથી માંડી એક ટકા નજીક પ્લસ હતા. સ્ટેટ બૅન્ક અને ઍક્સિસ બૅન્ક અડધા ટકા જેવા અપ હતા. HDFC પોણા ટકાની આગેકૂચમાં ૧૭૬૭ નજીકના બંધમાં બજારને ૭૯ પૉઇન્ટ ફળ્યો છે.
નબળાં પરિણામ સાથે એશિયન પેઇન્ટ્સે અગાઉના ૧૨૦૫ કરોડ સામે આ વેળા ૬૯૫ કરોડ જેવો નેટ પ્રૉફિટ કરતાં શૅર ૬ ગણા વૉલ્યુમે ૨૫૦૭ની ત્રણ વર્ષની બૉટમ બનાવી ૮.૨ ટકા કે ૨૨૭ રૂપિયા જેવા ધોવાણમાં ૨૫૪૩ નીચે બંધ આપી બન્ને બજારમાં ટૉપ લૂઝર બન્યો છે. બજારને ૮૯ પૉઇન્ટ નડ્યો છે. કંપનીનો ત્રિમાસિક નફો ૫૧૦ કરોડ ઘટ્યો એમાં માર્કેટકૅપ એક જ દિવસમાં ૨૧,૭૩૫ કરોડ રૂપિયા સાફ થઈ ગયું. રિલાયન્સ ૦.૯ ટકાની વધુ નરમાઈમાં લગભગ ૧૧ માસની બૉટમ, ૧૨૬૬ બનાવી ૧૨૭૩ના બંધમાં બજારને ૬૪ પૉઇન્ટ ભારે પડ્યો છે. બ્રિટાનિયા સાડાપાંચ ટકા કે ૩૧૨ના ધબડકામાં ૫૪૩૫ હતો. અપોલો હૉસ્પિટલ્સ સાડાત્રણ ટકા, સિપ્લા અઢી ટકા, ONGC બે ટકાથી વધુ ખરડાયા છે. JSW સ્ટીલ, મહિન્દ્ર, બજાજ ફાઇનૅન્સ, તાતા સ્ટીલ દોઢ-પોણાબે ટકા બગડ્યા હતા.
એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ્સમાં તેજીનો યુ-ટર્ન, શૅર પાંચ ટકાની મંદીની સર્કિટમાં
JSW હોલ્ડિંગ્સ બુલ-રનમાં ૧૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૫૪૨ રૂપિયાના ઉછાળે ૧૬,૯૬૬ના શિખરે રહ્યો છે. ૪ દિવસ પહેલાં ભાવ ૯૮૭૪ હતો. એના સાથમાં રહેલી જિંદલ ગ્રુપની જ નલવા ફાઇનૅન્સ પાંચ ટકાની ઉપલી સર્કિટ આગળ ધપાવતાં ૭૪૦૭ થયો છે. રિલિસ્ટિંગ બાદ તગડા જમ્પ સાથે નવી ઑલટાઇમ હાઈનો સિલસિલો ખટકતાં એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ્સ ૧૦૪ શૅરના કામકાજમાં પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૧૬,૫૨૪ રૂપિયા તૂટી ૩,૧૩,૯૫૦ નજીક બંધ રહ્યો છે. પરિણામ ૧૨મીએ છે. E2E નેટવર્ક્સ પણ પાંચ ટકા ખરડાઈ નીચલી સર્કિટમાં ૪૮૬૫ હતો. બાયોકૉન સાડાઆઠ ટકાની તેજીમાં ૩૪૯ નજીક સરક્યો છે. આઇટીઆઇ વૉલ્યુમ સાથે જમ્પની હૅટ-ટ્રિકમાં ૩૪૫ થઈ પોણાઆઠ ટકા ઊછળી ૩૨૭ વટાવી ગયો હતો.
પિક્સ ટ્રાન્સમિશન પરિણામના જોશમાં ૧૪ ગણા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૩૩૭ રૂપિયા ઊચકાઈ ૨૦૨૦ નજીક નવા બેસ્ટ લેવલે બંધ થયો છે. આગલા દિવસની ૨૮૮૨ રૂપિયાની છલાંગ બાદ જેન ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે ૪૮,૪૧૩ની નવી ટૉપ હાંસલ કરી સવા ટકાની પીછેહઠમાં ૪૭,૩૫૦ બંધ આવ્યો છે. હોલ્ડિંગ કંપનીઓમાં વર્ધમાન હોલ્ડિંગ્સ ૫૭૪૧ની ટૉપ બનાવી સાડાબાર ટકાની મજબૂતીમાં ૫૫૧૫, પિલાણી ઇન્વેસ્ટમેન્ટ સાડાત્રણ ટકા વધી ૬૫૩૦, બજાજ હોલ્ડિંગ્સ સવાબે ટકા સુધરી ૧૦,૭૫૫, કલ્યાણી ઇન્વેસ્ટમેન્ટ પોણાપાંચ ટકાની તેજીમાં ૭૨૭૦, કામા હોલ્ડિંગ્સ દોઢ ટકો વધી ૨૬૧૯, તાતા ઇન્વેસ્ટમેન્ટ દોઢ ટકાના સુધારામાં ૬૮૭૮ બંધ હતા.
તાતા મોટર્સનાં પરિણામ નબળાં આવ્યાં છે. બ્રોકરેજ હાઉસિસ તરફથી પ્રાઇસ ટાર્ગેટમાં ઘટાડાની હારમાળા શરૂ થઈ છે પણ ભાવ ગઈ કાલે નીચામાં ૭૯૧ થઈ છેલ્લે નામપૂરતી પીછેહઠમાં ૮૦૫ નજીક બંધ આવ્યો એની નવાઈ છે.
પરિણામ પાછળ વીમાર્ટમાં ૪૦૦નો કડાકો, ઝિન્કા લૉજિસ્ટિક્સનો ઇશ્યુ ૧૩મીએ
સરકારની શિપિંગ કૉર્પોરેશને ૩૪૩ ટકાના વધારામાં ૨૯૧ કરોડ નેટ પ્રૉફિટ કરતાં ભાવ ઉપરમાં ૨૪૩ બતાવી અંતે સાત ટકાના જમ્પમાં ૨૨૭ થયો છે. સામી હોટેલ્સ ૮૮ કરોડની નેટ લૉસમાંથી સાડાબાર કરોડના નફામાં આવતાં શૅર ઉપરમાં ૨૦૪ બતાવી અંતે એક ટકાની નરમાઈમાં ૧૮૫ રહ્યો છે. યુપીએલની ત્રિમાસિક નેટ લૉસ ૧૮૯ કરોડથી વધીને ૪૪૩ કરોડ થઈ ગઈ છે. શૅર ૭ ગણા કામકાજે સાડાસાત ટકા ખરડાઈ ૫૧૫ બંધ હતો. વીમાર્ટ પાંચ ગણા વૉલ્યુમે પોણાદસ ટકા કે ૪૦૧ના કડાકામાં ૩૭૦૮ હતો. ઍડ્વાન્સ્ડ એન્ઝિક પરિણામ પાછળ સાડાતેર ટકા પટકાઈ ૪૨૦ રહ્યો છે. વારિ એનર્જીસ દસેક ટકા કે ૩૧૧ના ધબડકામાં ૨૮૨૨ હતો. છઠ્ઠી નવેમ્બરે આ શૅરમાં ૩૭૪૧ની સર્વોચ્ચ સપાટી બની હતી.
સ્વિગી તથા ઍક્મે સોલરનું લિસ્ટિંગ બુધવારે છે. ગ્રે માર્કેટમાં સ્વિગીનું પ્રીમિયમ એક રૂપિયે ટકેલું છે. ઍક્મે સોલરમાં ૪થી ૫નું ડિસ્કાઉન્ટ ચાલે છે. સેજિલિટી ઇન્ડિયા આજે, મંગળવારે લિસ્ટેડ થશે. પ્રીમિયમ ૩૦ પૈસા યથાવત છે. નિવા બુપા હેલ્થ ઇન્શ્યૉરન્સનો ૧૦ના શૅરદીઠ ૭૪ના ભાવનો ૨૨૦૦ કરોડનો ઇશ્યુ ગઈ કાલે કુલ ૧.૯ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમના સોદા નથી. બૅન્ગલોરની ઝિન્કા લૉજિસ્ટિક્સ એકના શૅરદીઠ ૨૭૩ની અપર બૅન્ડમાં ૫૬૫ કરોડ જેવી ઑફર ફૉર સેલ સહિત કુલ ૧૧૧૫ કરોડનો ઇશ્યુ બુધવારે કરવાની છે. ગ્રે માર્કેટમાં ૮થી શરૂ થયેલું પ્રીમિયમ વધી હાલમાં ૨૪ રૂપિયે ટકેલું છે.