માત્ર બે શોરૂમ અને ફક્ત આઠ કર્મચારી ધરાવતી રિસોર્સફુલ ઑટોમોબાઇલ કંપનીના ૧૨ કરોડ રૂપિયાના SME IPO સામે ૪૮૦૦ કરોડ રૂપિયાની બિડ મળી, લિસ્ટિંગના દિવસે રોકાણકારોને કોઈ લાભ નહીં, ફ્લૅટ લિસ્ટિંગ બાદ પાંચ ટકાની ઉપલી સર્કિટ લાગી
રાહુલ સાહની અને તેની પત્ની મેઘા
દિલ્હીમાં બાઇકના માત્ર બે શોરૂમ અને ૮ કર્મચારી ધરાવતી સાહની ઑટોમોબાઇલ કંપનીના ડીલર રાહુલ સાહની ૨૯ ઑગસ્ટે સવારે જાગ્યા ત્યારે તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ બાયો પર ઇવિલ આઇનું ઇમોજી લગાવી દીધું હતું. તેમને આશંકા હતી કે દુનિયાની નજર તેમની કંપનીને લાગશે અને આ ચિંતા પણ સ્વાભાવિક હતી, કારણ કે રિસોર્સફુલ ઑટોમોબાઇલના નામે નોંધાયેલી તેમની કંપનીના માત્ર ૧૨ કરોડ રૂપિયાના ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO)ને અણધારી રીતે આશરે ૪૮૦૦ કરોડ રૂપિયાની બિડ મળી ચૂકી હતી. કંપનીના IPOને જબદરસ્ત સફળતા મળતાં દેશભરનાં અખબારોમાં હેડલાઇન્સ ચમકી હતી એથી તેમને લાગ્યું કે દુનિયાની નજર લાગી જશે.
૧૨ કરોડનો IPO
ADVERTISEMENT
રિસોર્સફુલ ઑટોમોબાઇલ કંપની સ્ટૉક એક્સચેન્જમાં સ્મૉલ મીડિયમ એન્ટરપ્રાઇઝ (SME) સેગમેન્ટમાં ૧૨ કરોડ રૂપિયાનો IPO લાવી હતી અને બાવીસમી ઑગસ્ટે ખૂલેલો આ IPO ૨૬ ઑગસ્ટે બંધ થયો ત્યાં સુધી એ ૪૦૦+ ગણો સબસ્ક્રાઇબ થયો હતો અને એને કુલ ૪૮૦૦ કરોડ રૂપિયાની બિડ મળી હતી.
આઘાત લાગ્યો
IPOને મળેલા જબરદસ્ત રિસ્પૉન્સથી રાહુલ સાહનીને જોરદાર આઘાત લાગ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘હું એકદમ આઘાતમાં છું. મને સતત ફોનકૉલ આવી રહ્યા છે અને ઑફિસમાં મારા ટેબલ પર IPOની સફળતાને ઊજવવા માટે કાજુકતરીનું એક બૉક્સ પણ મૂકવામાં આવ્યું હતું. IPO પહેલાં હું એકદમ નર્વસ હતો, પણ હવે હું વધારે નર્વસ છું.’
નાની માછલી મોટા તળાવમાં આવી
સાહની ઑટોમોબાઇલની આ સફર નાના તળાવની માછલી અચાનક મોટા તળાવમાં આવે એવી બની ગઈ છે જ્યાં એને ખબર નથી પડતી કે હવે શું કરવાનું છે. કંપનીનો સ્ટાફ પણ આ IPOને મળેલા જબરદસ્ત રિસ્પૉન્સથી આશ્ચર્ય સાથે આઘાતમાં પણ છે. દિલ્હીના દ્વારકા વિસ્તારમાં આવેલા કંપનીના મુખ્ય શોરૂમમાં આવતા કસ્ટમરોની સંખ્યામાં કોઈ ફેરફાર થયો નથી, પણ વાઇરલ થયેલા આ ન્યુઝને કારણે મીડિયા તેમના દરવાજે આવીને ઊભું રહી ગયું છે.
હવે કામનું પ્રેશર
કંપનીના ૮ કર્મચારીઓ માટે હવે કામનું પ્રેશર વધી ગયું છે, કારણ કે IPOને મળેલા રિસ્પૉન્સથી તેમનું પેપરવર્ક ખાસ્સું વધી ગયું છે. કંપનીના ચીફ અકાઉન્ટન્ટ સૅમ પટેલે જણાવ્યું કે અમારા પર અચાનક ધનવર્ષા નથી થઈ, જોકે એકાએક પેપરવર્ક પણ વધી ગયું છે.
IPO માટે જસ્ટ ટ્રાય અપ્રોચ
રાહુલ સાહનીએ ૨૦૧૮માં સાહની ઑટોમોબાઇલની સ્થાપના કરી હતી અને તેઓ હાલની રિસોર્સફુલ ઑટોમોબાઇલના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર છે. તેમણે કહ્યું કે ‘ઘણી કંપનીઓ નાણાં એકઠાં કરવા માટે IPO લાવે છે તો આપણે પણ નાણાં એકઠાં કરવા આવું કરીએ એવો વિચાર આવેલો. IPO માટે અમારો અપ્રોચ જસ્ટ ટ્રાય જેવો હતો, કારણ કે અમે અમારી કંપનીમાં પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લાવવા માગતા હતા. અમારા સદ્નસીબે એ બરાબર પાર પડ્યો અને હવે અમને માત્ર દિલ્હીમાં જ નહીં, આખા ભારતમાં લોકો ઓળખતા થઈ ગયા છે.’
બાઇકની ડીલરશિપ
સાહની ઑટોમોબાઇલ ૨૦૨૨માં યામાહા બ્લુ સ્ક્વેર નેટવર્કનો હિસ્સો બની હતી અને આ રીતે નૉર્થ ઇન્ડિયામાં તેઓ એકમાત્ર યામાહાની બાઇક્સ વેચી અને સર્વિસ કરી શકતા હતા. નૉર્થ ઇન્ડિયામાં તેમનો શોરૂમ યામાહાની લેટેસ્ટ ઑફરિંગ્સ આપતો એકમાત્ર શોરૂમ હતો. આને કારણે ડીલરશિપના દ્વારકામાં આવેલા મુખ્યાલયમાં કંપનીના કર્મચારીઓ કરતાં વધારે કર્મચારીઓ યામાહાના જોવા મળતા હતા, જેમાં ક્લીનરથી લઈને સર્વિસમૅનનો સમાવેશ હતો. એ સિવાય બાઇક ખરીદવા માટે લોન આપતી કંપનીઓ જેવી કે બજાજ, તાતા કૅપિટલ અને HDFCના પ્રતિનિધિઓ કસ્ટમરની મદદ કરવા વધારે જોવા મળતા હતા.
મમ્મીને પણ IPOની વાત નહોતી કરી
રાહુલ આ IPOને લઈને એટલો નર્વસ હતો કે તેણે મમ્મીને પણ એની વાત નહોતી કરી. જોકે IPOને મળેલી સફળતાના ન્યુઝ વાઇરલ થયા બાદ તેમને આની જાણ થઈ હતી. વળી તેઓ જે લોકો સાથે સવારે વૉક પર જાય છે એવા તેમના પાડોશીઓના વૉટ્સઍપ-ગ્રુપમાં તેમને આની જાણ થઈ હતી.
મિત્રોને પણ નહોતું કહ્યું
રિસોર્સફુલ ઑટોમોબાઇલના IPO વિશે રાહુલે તેના મિત્રોને પણ વાત કરી નહોતી. તેમણે કહ્યું કે ‘મેં મારા મિત્રોને પણ કંઈ જણાવ્યું નહોતું. અમારા ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝરોએ અમને સૂચન કર્યું એથી અમે આ બાબત પછી જાહેર કરવાના હતા. જોકે અમે અમારી પાસે મોટો હિસ્સો રાખ્યો છે, માત્ર ૩૦ ટકા ઇક્વિટી અમે IPOમાં લોકોને ઑફર કરી છે. બાકીનો હિસ્સો અમારી પાસે જ છે.’
જાહેરાત પણ નહોતી કરી
IPOની વાત ગુપ્ત રાખવાનું કારણ એ હતું કે જો એને સારો રિસ્પૉન્સ ન મળે તો કોઈને જવાબ આપતાં મુશ્કેલી ઊભી ન થાય. આ IPOની જાહેરાત પણ કરવામાં આવી નહોતી. માત્ર દ્વારકાના બસ-સ્ટૅન્ડ પર થોડી જાહેરાત કરી હતી. તેમના મર્ચન્ટ બૅન્કર સ્વસ્તિકા ઇન્વેસ્ટમેન્ટે પણ એ માટે કોઈ પ્રયાસ નહોતો કર્યો. આને કારણે જ આ IPOને મળેલા જબરદસ્ત રિસ્પૉન્સની ચર્ચા થઈ રહી છે અને છપ્પરફાડ બિડ મળતાં લોકો આઘાતમાં સરી પડ્યા છે.
શું કહે છે ચીફ અકાઉન્ટન્ટ?
કંપનીના IPOને મળેલા જબરદસ્ત રિસ્પૉન્સ બાદ કંપનીના ચીફ અકાઉન્ટન્ટ સૅમ પટેલે કહ્યું કે ‘અમને ૪૮૦૦ કરોડ રૂપિયાની બિડ મળી છે, પણ એમાંથી અમે માત્ર ૧૨ કરોડ રૂપિયા જ રાખી શકીશું. બાકીનાં નાણાં પાછાં આપવાં પડશે અને આમ અમારું પેપરવર્ક વધી ગયું છે. અમને ખબર નથી પડતી કે આટલો જબરદસ્ત રિસ્પૉન્સ મળ્યો કેવી રીતે? મીડિયા અને અન્ય લોકોની જેમ અમે પણ આશ્ચર્યમાં છીએ. શૅરહોલ્ડરોના લિસ્ટમાં મુંબઈ, દિલ્હી, ગુરુગ્રામ અને જયપુરના લોકો પણ છે.’
હવે ઑપરેશન્સ વધારીશું
કંપનીના IPOને સફળતા મળ્યા બાદ ભવિષ્યની યોજના વિશે બોલતાં રાહુલ સાહનીએ કહ્યું કે ‘અમારી પાસે હવે ઘણી તકો ઉપલબ્ધ છે. અમે અમારાં ઑપરેશન્સ વધારવા માગીએ છીએ અને દ્વારકા તથા મહાવીર એન્ક્લેવ સિવાય વધુ બે શોરૂમ ખોલવા માગીએ છીએ, જેમાં એક વેસ્ટ દિલ્હીના ઉત્તમ નગરમાં હશે. લોકોના જબરદસ્ત રિસ્પૉન્સને કારણે અમારી રેવન્યુમાં વધારો થશે અને આખા દેશની નજર અમારા પર છે એથી એ પણ વધશે એવું લાગે છે.’
કંપની સામેનાં રિસ્ક ફૅક્ટર્સ
૨૦૨૩ની ૨૯ ડિસેમ્બરે કંપનીએ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)માં દાખલ કરેલા ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP)માં કંપની સામેનાં વિવિધ રિસ્ક ફૅક્ટર્સની વાત પણ કરવામાં આવી છે, જેમાં ૨૩ ઇન્ટર્નલ અને ૨૫ એક્સટર્નલ રિસ્કનો સમાવેશ છે. BSEએ IPOને મંજૂરી આપ્યા બાદ ૨૦૨૪ની ૧૪ ઑગસ્ટે તેમણે પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું હતું. કંપનીનો IPO બાવીસમી ઑગસ્ટે ખૂલ્યો હતો અને ૨૬ ઑગસ્ટે બંધ થયો હતો. રાહુલ સાહનીએ જણાવ્યું કે ‘અમે કોઈ પણ વસ્તુ છુપાવવા નથી માગતા. એટલે અમે તમામ રિસ્ક ડિસ્ક્લોઝર આપ્યાં હતાં. લોકોથી અમે કંઈ પણ છુપાવવા નથી માગતા. જોકે તમામ રિસ્ક જાહેર કર્યા બાદ પણ લોકોએ અમારા IPOને ૪૦૦+ ગણો રિસ્પૉન્સ આપ્યો છે તો હું શું કહું? મારી પાસે આનો કોઈ જવાબ નથી.’
રાત્રે ઊંઘી શક્યો નહીં
IPO ૨૬ ઑગસ્ટે પૂરો થયો એ રાતે રાહુલ સાહની ઊંઘી નહોતા શક્યા. એ પછીની રાતોમાં પણ તેમની ઊંઘ ઊડી ગઈ હતી, કારણ કે તેમને આ સંદર્ભમાં શૅરબજારોનું નિયમન કરનારી સરકારી એજન્સી સિક્યૉરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI - સેબી) તરફથી તેમના SME IPOના મુદ્દે એક પત્ર મળ્યો હતો. આવું થાય તો કોને ઊંઘ આવે એવો સવાલ રાહુલ સાહનીએ પૂછ્યો હતો. હાલમાં તેઓ SMEના નવા વિશ્વની બાબતો વિશે પોતાને જ ટ્રેઇન કરી રહ્યા છે.
લિસ્ટિંગ નબળું રહ્યું
૨૯ ઑગસ્ટે કંપનીના શૅર સ્ટૉક એક્સચેન્જ પર લિસ્ટ થયા હતા. ૧૦ રૂપિયાના શૅરના ૧૧૭ રૂપિયાના ભાવે આવેલો આ શૅર ૧૧૭ રૂપિયાના ભાવે જ ખૂલીને પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૨૩ ઉપર બંધ થયો હતો. પાંચ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો હતો.
એક અસામાન્ય IPO
રિસોર્સફુલ ઑટોમોબાઇલનો IPO એક અસામાન્ય IPO હતો. SME સેગમેન્ટમાં હાલમાં સૌથી વધારે IPO આવી રહ્યા છે. SME IPO સેગમેન્ટમાં IPO લાવવાની શરૂઆત ૨૦૧૨માં થઈ હતી પણ ૨૦૨૪માં સૌથી વધારે IPO આવ્યા છે. કેટલાક IPOને તો ૧૦૦૦ ગણો રિસ્પૉન્સ મળ્યો છે. રિસોર્સફુલ ઑટોમોબાઇલના IPOને ૪૦૦+ ગણો પ્રતિસાદ મળ્યો હતો, જે થોડો નબળો રિસ્પૉન્સ ગણી શકાય. લોકોને વિશ્વાસ છે કે જો શૅરમાર્કેટ આગળ વધે છે તો SME IPO સેગમેન્ટ પણ આગળ વધશે અને લોકોને સારાં નાણાં બનાવવાની તક મળશે.
કંપનીની નાણાકીય પરિસ્થિતિ
રિસોર્સફુલ ઑટોમોબાઇલની ૨૦૨૦-’૨૧ની ૧૧ કરોડ રૂપિયાના રેવન્યુની સરખામણીમાં ૨૦૨૨-’૨૩માં એ વધીને ૧૮.૮ કરોડ રૂપિયા થઈ હતી. ૨૦૨૪ની ૨૯ ફેબ્રુઆરી સુધીના સમયગાળામાં આ રેવન્યુ ૧૬.૫ કરોડ રૂપિયા હતી. ૨૦૨૩-’૨૪માં નફો પણ વધીને ૧.૫ કરોડ રૂપિયા થયો હતો. કંપની પર દેવું પણ વધી રહ્યું છે. ૨૦૨૦-’૨૧માં ૨.૭ કરોડની સરખામણીમાં એ ૨૦૨૩-’૨૪માં વધીને ૯.૯ કરોડ રૂપિયા થયું છે. IPOમાંથી મળનારી થોડી રકમ દેવું ચૂકવવામાં વપરાશે. આમ IPO દ્વારા દેવું વધાર્યા વિના નાણાં ઊભાં કરી શકાય છે.
કંપનીમાં કોણ છે ડિરેક્ટર્સ?
બાઇકચાહક રાહુલ સાહનીએ શરૂ કરેલી કંપની સાહની ઑટોમોબાઇલમાં કંપનીની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તેમની પત્ની મેઘા ચાવલા છે, જ્યારે તેમની મમ્મી બિંદુ સાહની નૉન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.

