Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નવી પેઢી નવી ટેક્નૉલૉજી સાથે યાર્નબજારમાં આવે એવી આશા

નવી પેઢી નવી ટેક્નૉલૉજી સાથે યાર્નબજારમાં આવે એવી આશા

06 May, 2024 06:55 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમે વર્ષોની મહેનતથી ધંધો જમાવ્યો છે એમાં નવી પેઢી આવવા માગતી નથી, આ મુખ્ય સમસ્યા છે.

યાર્નની તસવીર

મન્ડે સ્પેશ્યલ

યાર્નની તસવીર


આમ તો આ યાર્નબજારમાં યાર્નના વેપારીઓની વર્ષો જૂની પેઢીઓ છે તેમ જ પરંપરાગત રીતે અમારા બાપદાદાઓ અહીં વાયદાઓ કરતા હતા. ધીરુભાઈ અંબાણી પણ અહીં યાર્નનો વેપાર કરીને આગળ આવ્યા હતા. લગભગ ૭૫ વર્ષ પહેલાં ધ બૉમ્બે યાર્ન મર્ચન્ટ્સ અસોસિએશન ઍન્ડ એક્સચેન્જ લિમિટેડની સ્થાપના થઈ હતી. અસોસિએશનનું પોતાનું બિ​લ્ડિંગ છે. વળી પોતાનું ચૅરિટેબલ ટ્રસ્ટ છે જ્યાં હોમિયોપથી, ઍલોપથી અને આયુર્વેદિક દવાઓ નજીવા ભાવે જાહેર જનતાને પણ આપવામાં આવે છે.  

૧૨૦૦ વેપારી સાથે ૩૦૦ બ્રોકરો અમારા સભ્ય છે. પહેલાં અહીં જ વાયદા થતા હતા અને યાર્નનો વેપાર થતો હતો. વેપારી ભિવંડીથી અહીં માલ લેવા આાવતા હતા. ભાવતાલ માટે યાર્ન ખરીદવા ભિવંડીના વેપારીઓ અહીં ઝવેરીબજારના તાંબા-કાઠાના યાર્નબજારમાં આવતા.  



સાઉથથી કૉટન-સિન્થેટિક માલ આવે છે. અહીં વેપાર કરી ભિવંડીથી ડિલિવરી થતી. જોકે કોવિડ પછી પરિસ્થિતિ પલટાઈ ગઈ. કોવિડ વખતે બજારમાં તો કોઈ આવી શકે એમ નહોતું એમ છતાં અમે આખા યાર્નબજારને જાગૃત રાખ્યું, ત્રણ મહિના સુધી દર ત્રણ દિવસે ઝૂમ-મીટિંગો કરી. એ વખતે અમે મોટી-મોટી ઇન્ડસ્ટ્રીઓ જેમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, આલોક ઇન્ડસ્ટ્રી અને અગ્રણી વેપારીઓની ઝૂમ-મીટિંગ બોલાવી. લોકોને ઝૂમ-મીટિંગ એટલે શું એ ખબર નહોતી. એ વખતે યાર્નબજારે યાર્નના વેપારીઓને અપડેટેડ અને અપગ્રેડ કરતું આ પગલું લીધું હતું. એ પછી વર્ક ફ્રૉમ હોમનું કલ્ચર ચાલુ થયું, એ પછીનું વર્ષ અમારું બહુ સારું ગયું. ધીમે-ધીમે ડિમાન્ડ નીકળી એટલે કૉટન, સિ​ન્થેટિક, નાયલૉન, રેયૉન એમ બધી જ ડિમાન્ડ નીકળી અને એમાં બધી કૉમોડિટી ચાલી. એ દોઢ વર્ષ પછી લોકોને વર્ક ફ્રૉમ હોમની આદત પડી ગઈ. એ પછી મંદીનો પિરિયડ ચાલુ થયો. યાર્નમાર્કેટમાં અમે રોજ ૩૦૦થી ૪૦૦ વેપારી મળતા હતા એ બંધ થઈ ગયું. અમે ખૂબ જ કોશિશ કરી, પણ લોકોને આવવા-જવામાં બહુ તકલીફ પડતી હતી એટલે લોકો વર્ક ફ્રોમ હોમથી ટેવાઈ ગયા. મૂળમાં આ અમારો પરંપરાગત ધંધો હતો. બાપા દીકરાને ધંધામાં પળોટે અને તૈયાર કરે. હાલ અમે ઍક્ટિવ વેપારી ૫૦થી ૭૦ વર્ષની ઉંમરના છીએ. યંગસ્ટર્સ આવવા તૈયાર નથી, બહુ ઓછા આવે છે. હવે બજાર ભરાતું નથી એટલે બજારની રૂખ શું છે, કઈ નવી પ્રોડક્ટ આવી રહી છે, કઈ મિલનો માલ ચાલે છે એની માહિતી મળતી નથી. હવે પહેલાં જેવો ધંધો નથી. આજે બધું ઑનલાઇન ટ્રેડિંગ જેવું થઈ ગયું છે એટલે ફક્ત મોટા લોકોના હાથમાં વેપાર રહેશે એવી દહેશત છે. નાના-નાના દલાલભાઈઓને ધંધો મળતો નથી. વર્ક ફ્રૉમ હોમને કારણે કોણ શું ભાવે માલ લાવે છે અને શું ભાવે વેચે છે એની ખબર પડતી નથી. અમે વર્ષોની મહેનતથી ધંધો જમાવ્યો છે એમાં નવી પેઢી આવવા માગતી નથી, આ મુખ્ય સમસ્યા છે.


હવે ભિવંડીના વેપારીઓ ડાયરેક્ટ સાઉથ‌ની મિલો પાસેથી માલ લે છે. ગાડીઓ ભિવંડીમાં ખાલી થાય છે. આમ મુંબઈ યાર્નમાર્કેટનો ધંધો છીનવાઈ ગયો છે. ભિવંડી પણ અનઑર્ગેનાઇઝ્ડ સેક્ટર છે. ત્યાં રિસર્ચ અને ડેવલપમેન્ટ નથી. બાજુવાળો શું માલ બનાવે છે એ તે લોકો કૉપી કરે છે. જેને કારણે આગળ જતાં સ્પર્ધા અને ત્યાર બાદ માર્જિન ઘટાડતા જાય અને સાથે ક્વૉલિટી પણ ઘટતી જાય. ત્યાં ઑટોમેશન નથી, જે વર્ષો જૂની લૂમ ચાલે છે એ જ ચાલતી રહે છે. એથી લોઅર ગ્રેડેશનનું કપડું વેચાતું નથી અને લૉસમાં ધંધો થતો જાય છે. એમાં વળી ચાઇનાનું તૈયાર કપડું ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ હેઠળ વાયા વિયેટનામ, શ્રીલંકાના રૂટથી અહીં ડમ્પ થાય છે. એ એટલું સસ્તું હોય છે કે અહીંના મૅન્યુફૅક્ચરર એની સાથે સ્પર્ધા નથી કરી શકતા એટલે ધીરે-ધીરે આ ધંધો ઘટી રહ્યો છે. હવે નવી પેઢી આવી નવી ટેક્નૉલૉજી સાથે ધંધો ઉપાડે એવી આશાના કિરણ પર બજાર મીટ માંડીને બેઠું છે. 

ડૉ. જયકૃષ્ણ પાઠક : લેખક ધ બૉમ્બે યાર્ન મર્ચન્ટ‍્સ અસોસિએશન ઍન્ડ એક્સચેન્જ લિમિટેડના પ્રેસિડન્ટ છે


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK