
રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું છે, 'અનંતતા તરફની આપણી ગતિને ધનસંપત્તિ નહિ પણ સ્વતંત્રતા અને આનંદ જોઈએ છે.' લાઓ ત્ઝુએ કહ્યું છે, 'પ્રકૃતિ કદી ઉતાવળ નથી કરતી અને છતાં ય બધું પૂર્ણ હોય છે' પ્રકૃતિ આપણને આપણી જાતનો પરિચય કરાવે છે. આપણે પ્રકૃતિના જ અંશ છીએ એટલે નદી, તળાવ, વૃક્ષો , પર્વતનું સાન્નિધ્ય માનવીને શાતા આપે છે.
ડૉ. ઉર્વશી પંડ્યા અને ડૉ. હિતેશ પંડ્યા
શનિવાર ૭મી જૂને, સાંજે ૭.૨૦ વાગ્યે ઝરૂખોની સાહિત્યિક સાંજ, પ્રકૃતિ સાથે જેનો નાળસંબંધ છે એવાં બે પુસ્તકો, 'શ્રાવણનો પાઠ' અને 'નદીષ્ટ' સાથે ભાવકોને પરિચય કરાવશે. ડૉ. હિતેશ પંડ્યાનાં મૂળિયાં સાબરકાંઠાની ધરતી અને લોકજીવન સાથે જોડાયેલાં છે. ત્યાંની પ્રકૃતિ અને સંસ્કૃતિ બેયનો પડઘો એમના નિબંધોમાં પડે છે. એમના નિબંધસંગ્રહ 'શ્રાવણનો પાઠ'( રંગદ્વાર પ્રકાશન)ના નિબંધો અને એની સર્જનપ્રક્રિયા વિશે તેઓ વાત કરશે. બીજું પુસ્તક છે 'નદીષ્ટ'- મરાઠી ભાષાના જાણીતા લેખક મનોજ બોરગાંવકરની નવલકથાનો ડૉ. ઉર્વશી પંડ્યાએ ઉમદા અનુવાદ કર્યો છે. નદી સાથે એક વ્યક્તિ ભાવાત્મક રીતે જોડાય છે એનાં માનસિક સંચલનો આ નવલકથામાં કલાત્મક રીતે આલેખાયાં છે. નદી ફક્ત કથાનાયકમાં જ નહિ પણ ભાવકમાં પણ વહેતી હોય એવી અનુભૂતિ થાય છે. આ પુસ્તક વિશે ડૉ. ઉર્વશી પંડ્યા વાત કરશે( ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રકાશન)
બાદલ પંચાલ
યુવાન વાર્તાકાર બાદલ પંચાલ આ પુસ્તકોના ગદ્યખંડનું વાચિકમ કરશે.
પુસ્તકોનાં મુખપૃષ્ઠ
સંજય પંડ્યાના સંચાલનમાં આ જાહેર કાર્યક્રમ છે અને ભાવકો આ અદભૂત સાંજને માણવા સાઈબાબા મંદિર બીજે માળે, સાઈબાબા નગર , બોરીવલી પશ્ચિમના સરનામે પહોંચી શકે છે.