ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી અને ચોથી ટેસ્ટ મૅચ માટે ભારતીય ટીમ અમદાવાદ પહોંચી ચૂકી છે. પ્રથમ સંતાનના જન્મ બાદ વિરાટ કોહલી ફરી પાછો ટીમ સાથે જોડાઈ ગયો છે અને પ્રથમ ટેસ્ટમાં હાર્યા બાદ ટીમે બીજી ટેસ્ટમાં શાનદાર કમબૅક કરીને જીત સાથે સિરીઝ બરોબર કરી લીધી છે. કૅપ્ટન વિરાટે તાજેતરમાં ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ખેલાડી માર્ક નિકોલસ સાથે ખુલ્લા દિલે વાત કરી હતી અને કબૂલ્યું હતું કે ૨૦૧૪માં જ્યારે તે ઇંગ્લૅન્ડની ટૂર પર હતો ત્યારે ડિપ્રેશનનો શિકાર બન્યો હતો અને ઘણા લોકો આસપાસ હોવા છતાં એકલતા અનુભવતો હતો. કહેવાય છે કે દરેક પાસે એક એવી વ્યક્તિ હોવી જોઈએ જેની પાસે ગમે ત્યારે જઈને તે બિન્દાસ દિલની વાત કરી શકે.
બન્યો છે ડિપ્રેશનનો શિકાર
નિકોલસ સાથેની વાતચીતમાં કોહલીને જ્યારે પૂછવામાં આવ્યું કે ‘શું તું ક્યારેય તારી કરીઅરમાં ડિપ્રેશનની પરિસ્થિતિમાંથી પસાર થયો છે?’ એના જવાબમાં કોહલીએ કહ્યું કે ‘હા, મારી સાથે એવું બન્યું છે. એ વખતે ઘણું ખરાબ લાગે છે જ્યારે તમે રન નથી બનાવી શકતા. મને લાગે છે કે દરેક બૅટ્સમૅનને તેની કરીઅરમાં આવી લાગણી ક્યારેક ને ક્યારેક તો થાય જ છે. આ બધા પર તમારું કોઈ નિયંત્રણ રહેતું નથી. આ પ્રકારની પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર આવવું એની તમને ખબર નથી હોતી. એ એવો સમય હતો જ્યારે વસ્તુઓને બદલવા હું કંઈ નહોતો કરી શકતો. મને એવું લાગતું જાણે દુનિયામાં હું એકલો માણસ છું.’
વિરાટ કોહલીએ ૨૦૧૪માં ઇંગ્લૅન્ડ ટૂરમાં રમાયેલી પાંચ ટેસ્ટની ૧૦ ઇનિંગમાં ૧૩.૫૦ની ઍવરેજથી અનુક્રમે ૧, ૮, ૨૫, ૦, ૩૯, ૨૮, ૦, ૭, ૬ અને ૨૦ રન બનાવ્યા હતા. જોકે પછીથી તેણે ઑસ્ટ્રેલિયા ટૂરમાં ૬૯૨ રન બનાવીને જબરદસ્ત કમબૅક કર્યું હતું.
પ્રોફેશનલ સલાહકારની હતી જરૂર
એ ટૂર દરમ્યાનની પોતાની લાગણી અને મનોસ્થિતિ વ્યક્ત કરતાં કોહલીએ કહ્યું કે ‘વ્યક્તિગત રીતે મારા માટે આ નવી વાત છે, કેમ કે એક મોટો સમૂહનો ભાગ હોવા છતાં હું એકલતા અનુભવી રહ્યો હતો. હું એમ નહીં કહું કે મારી સાથે વાત કરવા માટે આસપાસ કોઈ નહોતું, પણ હા, મારી સાથે વાત કરવા કોઈ પ્રોફેશનલ સલાહકાર નહોતો, જેની સાથે હું બધી વાત કરું અને તે મારી વાત સમજી શકે કે હું કેવા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છું. મારા ખ્યાલથી આમાં બદલાવની જરૂર છે.’
માનસિક સ્વાસ્થ્ય મહત્ત્વનું
ડિપ્રેશનના મુદ્દે વિગતવાર વાત કરતાં કોહલીએ માનસિક સ્વાસ્થ્યના મહત્ત્વની પણ વાત કરી હતી. કોહલીએ કહ્યું કે ‘તમારી પાસે એવી વ્યક્તિ હોવી જોઈએ જેની પાસે ગમે ત્યારે જઈને તમે જે અનુભવી રહ્યા છો એ બિન્દાસ કહી શકો. મને ઊંઘ નથી આવી રહી કે મારે આજે સવારે વહેલા ઊઠવાનું મન નથી કે મને પોતાના પર ભરોસો નથી, વગેરે વગેરે. ઘણા લોકો આવું અનુભવે છે અને એમાં મહિના વીતી જાય છે. ઘણી વાર તો આખી સિરીઝ દરમ્યાન તેમને આવી અનુભૂતિ થતી રહે છે. મારા મતે એવામાં પ્રોફેશનલ મદદની ઘણી જરૂર પડે છે.’
૧૯૯૦ની ટીમે આપી આશા
પોતાને આ પ્રકારની પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે કોહલીએ ૧૯૯૦ના દસકાની ભારતીય ટીમને કારણભૂત ગણાવતાં કહ્યું હતું કે ‘૧૯૯૦ના દસકાની ભારતીય ટીમે સ્પોર્ટ્સ સાથે શું કરી શકાય છે એ વિશેની મારી નજર બદલી નાખી હતી. તેમણે મારામાં એક આત્મવિશ્વાસનો સંચાર કર્યો કે જો માણસ કંઈક ધારીને આગળ વધે તો મૅજિકલ ઘટના બની શકે છે. મારામાં એ સમયે સ્પાર્ક થયો હતો અને દેશ માટે રમવાનું મેં સપનું જોયું હતું.’
પિતાનું હતું પ્રબળ પીઠબળ
વિરાટ કોહલીએ ૧૮ વર્ષની ઉંમરે પિતા પ્રેમચંદ કોહલીને ગુમાવ્યા હતા, જેઓ વિરાટને ક્રિકેટ માટે પ્રબળ પીઠબળ પૂરું પાડતા હતા. પિતાને યાદ કરતાં કોહલીએ કહ્યું કે ‘મારા શરૂઆતના દિવસોમાં મારી ક્રિકેટની ગાડી પાટા પર ચડે એ માટે મારા પિતાએ મારા માટે ઘણી મહેનત કરી હતી. એ વખતે પણ મને પ્રબળ આત્મવિશ્વાસ આવતો કે હું આગળ વધી શકું છું અને એક દિવસ મારા દેશ માટે રમી શકું છું.’
મંગેતરના બર્થ-ડે પર મૅક્સવેલની ધાકડ ઇનિંગ
4th March, 2021 10:00 ISTઅફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચેની ટેસ્ટ પણ બે દિવસમાં સમાપ્ત
4th March, 2021 10:00 ISTક્યારેય પિચની ફરિયાદ નથી કરી એ જ છે અમારી સફળતાનું રહસ્ય: વિરાટ કોહલી
4th March, 2021 10:00 ISTમૅરેજની તૈયારી માટે જસપ્રીત બુમરાહ રજા પર
3rd March, 2021 10:23 IST