ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ડબલ સેન્ચુરી ફટકારનાર ત્રીજો કૅપ્ટન બન્યો જો રૂટ

Published: 17th January, 2021 13:52 IST | Gujarati Mid-day Correspondent | Galle

ઇંગ્લૅન્ડે ૪૨૧ રન બનાવીને ૨૮૬ રનની લીડ લીધી, શ્રીલંકા બે વિકેટે ૧૫૬ રન

જો રૂટ (તસવીર સૌજન્ય: જાગરણ)
જો રૂટ (તસવીર સૌજન્ય: જાગરણ)

પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ગઈ કાલે કૅપ્ટન જો રૂટના ડબલ ધમાકાના સહારે ૨૮૬ રનની મસમોટી લીડ લીધી હતી. જોકે શ્રીલંકાઅે પહેલી ઇનિંગ્સની નામોશી ભૂલીને બીજી ઇનિંગ્સમાં જબરું કમબૅક કર્યું હતું અને દિવસના અંતે બે વિકેટે ૧૫૬ રન બનાવી લીધા હતા. તેઓ જોકે હજી એક ઇનિંગ્સની હારને ખાળવા ૧૩૦ રન દૂર છે અને ૮ વિકેટ બાકી છે. બીજી ઇનિંગ્સમાં લંકન ઓપનરો કુસલ પરેરા (૬૨) અને લહિરુ થિરિમાને (અણનમ ૭૬)અે ૧૦૧ રનની ઓપનિંગ પાર્ટનરશિપ સાથે મજબૂત શરૂઆત કરી હતી. પરેરા આઉટ થયા બાદ કુસલ મેન્ડિસ ફક્ત ૧૫ રન જ બનાવી શક્યો હતો.

આ પહેલાં ઇંગ્લૅન્ડ ચાર વિકેટે ૩૨૦થી આગળ રમતાં ૪૨૧ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ૧૬૮ રને અણનમ કૅપ્ટને કરીઅરની ચોથી અને શ્રીલંકા સામે બીજી તથા એશિયામાં તેની પ્રથમ ડબલ સેન્ચુરી ફટકારતાં ૩૨૧ બૉલમાં અેક સિક્સર અને ૧૮ ફોર સાથે ૨૨૮ રન બનાવ્યા હતા. ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં સેન્ચુરી ફટકારનાર રૂટ વિરાટ કોહલી અને કેન વિલિયમસન બાદ ત્રીજો કૅપ્ટન બની ગયો હતો. વિલિયમસને તો ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં બે ડબલ સેન્ચુરી ફટકારી છે.

રૂટના ટેસ્ટમાં ૮૦૦૦ રન

રૂટે ડબલ સેન્ચુરી સાથે ટેસ્ટ ક્રિકેટમાં ૮૦૦૦ રનનો આંડકો પણ પાર કરી લીધો હતો. આવી કમાલ કરનાર તે સાતમો ઇંગ્લિશ ખેલાડી બની ગયો હતો. ઉપરાંત ઇંગ્લૅન્ડ વતી સૌથી ઝડપી ૮૦૦૦ રન કરનાર બીજો ખેલાડી બની ગયો છે. કેવિન પીટરસને ૧૭૬ ઇનિંગ્સમાં ૮૦૦૦ રન પૂરા કર્યા હતા, જ્યારે રૂટ અે માટે ૧૭૮ ઇનિંગ્સ રમ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK