IPL 2020: ધોનીની બે સ્માર્ટ ચાલે પલટી બાજી

Published: Sep 21, 2020, 09:55 IST | Shishir Hattangadi | Mumbai

ખરી રીતે જોઈએ તો ચેન્નઈની ટીમે પોતાની ક્ષમતા પુરવાર કરી હતી અને સુરેશ રૈનાની કમી જરાય સાલવા નહોતી દીધી. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સ મોટો સ્કોર અને એક મોટી ભાગીદારી કરવામાં નિષ્ફળ રહી હતી.

ધોની
ધોની

શનિવારે અબુ ધાબીમાં રમાયેલી મૅચ ખરેખર સ્પેશ્યલ હતી, કારણ કે બે ચૅમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ આમને-સામને હતી. બન્ને ટીમમાંના પ્લેયરો ઉંમરલાયક હોવાની સાથે ખાસ્સા અનુભવ ધરાવતા હતા. મુંબઈ ઇન્ડિયન્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના એ અનુભવનો સારો એવો ઉપયોગ કર્યો હતો. ખરી રીતે જોઈએ તો ચેન્નઈની ટીમે પોતાની ક્ષમતા પુરવાર કરી હતી અને સુરેશ રૈનાની કમી જરાય સાલવા નહોતી દીધી. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સ મોટો સ્કોર અને એક મોટી ભાગીદારી કરવામાં નિષ્ફળ રહી હતી.
ચેન્નઈની ટીમના સાઉથ આફ્રિકન પેસર લુન્ગી ઍન્ગિડી (૩૮ રનમાં ત્રણ વિકેટ)એ મહત્ત્વના સમયે વિકેટ લીધી હતી, જ્યારે જૂના જોગી લેગ સ્પિનર પીયૂષ ચાવલાએ ૨૧ રન આપીને એક વિકેટ લઈને ઇકૉનૉમિકલી બોલિંગ કરીને તેનો ક્લાસ બતાવ્યો હતો.
ચેન્નઈના બૅટ્સમેનો તરફ આપણને કંઈક ને કંઈક સ્પેશ્યલ જોવા મળતું હોય છે. અંબાતી રાયુડુએ ૪૮ બૉલમાં ૭૧ રન કરીને વિરોધી ટીમના બોલરોને હેરાન કરી દીધા હતા. ફૅફ ડુ પ્લેસિસે અણનમ ૫૮ રન દ્વારા તેની ક્ષમતા સિદ્ધ કરી બતાવી હતી. હા, એ પાર્ટનરશિપે મૅચનું પરિણામ બદલવામાં મોટો ભાગ ભજવ્યો હતો, પણ મારા મતે ધોનીના બે નિર્ણયોએ બાજી પલટવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. એક કૃણાલ પંડ્યાનો સામનો કરવા પોતાની અને કેદાર જાધવ પહેલા સૅમ કરેનને રમવા મોકલ્યો જેણે ૬ બૉલમાં ૧૮ રન બનાવીને જીત આસાન બનાવી દીધી હતી. બીજું ચેન્નઈના બોલરો પર તૂટી પડેલા રહેલા રોહિત શર્મા (૧૦ બૉલમાં ૧૨ રન) અને ક્લિન્ટન ડિકાક (૨૦ બૉલમાં ૩૩ રન)ને નાથવા લેગ-સ્પિનર પીષૂષ ચાવલાને જલદી બોલિંગ આપવી. ધોનીના આ બન્ને નિર્ણયો ચેસ-બોર્ડ પરની ચાલ જેવા અને ખૂબ સ્માર્ટ હતા.
સૌકોઈ આતુર હતા કે ધોની આવીને દર વખતની જેમ ગેમ ફિનિશ કરશે. કદાચ એ તમારા અને મારા કરતાં વધારે હોશિયાર છે અને આઇપીએલમાં સેટલ થવા માટે તે પૂરતો સમય લઈ રહ્યો છે. ક્રિકેટથી તે ઘણા મહિના દૂર રહ્યો છે અને રિટાયરમેન્ટ લઈ લીધું છે એટલે તે તેની રિધમ મેળવી રહ્યો છે અને કદાચ એટલે જ તે પોતાને વહેલો એક્સપોઝ નહીં કરે. કેટલાંક પ્રૅક્ટિસ-સેશન અને કેટલીક મૅચ બાદ આપણને કદાચ ફરી જૂના ધોનીની ઝલક જોવા મળી શકે છે.
અેકંદરે આઇપીએલની ૧૩મી સીઝનની પહેલી મૅચ રોમાંચક હતી અને અલબત્ત રણપ્રદેશમાં આપણને જોવા મળનાર ભવ્ય જલસાની એ શરૂઆત હતી.

- શિશિર હટ્ટંગડી મુંબઈ રણજી ટ્રોફી ટીમનો ભૂતપૂર્વ કપ્તાન અને હાલમાં બરોડા ક્રિકેટ અસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK