અય્યર જો પ્રેશરમાં રમી શકતો હોય તો મિડલ ઑર્ડરમાં તેનું સ્થાન લગભગ નક્કી : કોહલી

Published: Aug 16, 2019, 08:58 IST | પોર્ટ ઑફ સ્પેન

અય્યરે બીજી અને ત્રીજી એમ સતત બે વન-ડેમાં હાફ સેન્ચુરી ફટકારી હતી જે વિશે તેનાં વખાણ કરતાં કોહલીએ કહ્યું કે ‘તેણે આવીને સિચુએશન પ્રમાણે રમવાનું શરૂ કરી દીધું હતું અને પોતાની એક અલગ જગ્યા બનાવી લીધી.

વિરાટ કોહલી અને શ્રેયસ ઐયર
વિરાટ કોહલી અને શ્રેયસ ઐયર

ટીમ ઇન્ડિયાના યુવા પ્લેયરોની યાદીમાં શ્રેયસ અય્યરનું નામ ઘણું ચર્ચાઈ રહ્યું છે. ખાસ કરીને વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી અને અંતિમ વન-ડેમાં તેનું પ્રદર્શન ફરી એક વાર સિલેક્ટરોને અને ચાહકોને ગમ્યું છે. વિરાટ કોહલીએ પણ આ મૅચમાં અણનમ ૧૧૪ રનની ઇનિંગ રમીને પ્લેયર ઑફ ધ મૅચ અને પ્લેયર ઑફ ધ સિરીઝ એમ બે અવૉર્ડ મેળવ્યા હતા.
શ્રેયસે ત્રીજી વન-ડેમાં પાંચ છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી ૪૧ બૉ‍લમાં ૬૫ રન કર્યા હતા. જોકે તેની ૬૫ રનની આ ઇનિંગનાં વખાણ કરતાં કૅપ્ટન કોહલીએ કહ્યું હતું કે ‘બન્ને મૅચમાં અમે સાથે બૅટિંગ કરી હતી. હું તેની સાથે હતો, પણ તે આ ગેમમાં ઘણો કૉન્ફિડન્ટ દેખાતો હતો અને પોતાને કેવી ગેમ રમવી છે એ પણ તે જાણતો હતો. કોઈ પણ સ્ટેજ પર એવું નહોતું લાગ્યું કે તેને આઉટ થવાની ચિંતા છે.’
અય્યરે બીજી અને ત્રીજી એમ સતત બે વન-ડેમાં હાફ સેન્ચુરી ફટકારી હતી જે વિશે તેનાં વખાણ કરતાં કોહલીએ કહ્યું કે ‘તેણે આવીને સિચુએશન પ્રમાણે રમવાનું શરૂ કરી દીધું હતું અને પોતાની એક અલગ જગ્યા બનાવી લીધી. સારું થયું કે તેના સારા પર્ફોર્મન્સનો લહાવો ટીમને મ‍ળ્યો. જો તે આ જ રીતે રમતો રહેશે તો મિડલ-ઑર્ડરમાં તેની જગ્યા કાયમ માટે નક્કી થઈ શકે એમ છે. ખરું કહું તો અય્યરે મારું બધું પ્રેશર લઈ લીધું અને જીત માટે જે પ્રમાણેની ગેમ જરૂરી હતી એ પ્રમાણે રમ્યો.’
ત્રીજી વન-ડેમાં વેસ્ટ ઇન્ડીઝે ટૉસ જીતીને ધમાકેદાર શરૂઆત કરી હતી, પણ વરસાદને કારણે ૩૫ ઓવરમાં એ ૭ વિકેટે ૨૪૦ રન બનાવી શક્યું હતું જેના જવાબમાં ભારત ૪ વિકેટે ૨૫૬ બનાવીને ડીએલએસ મેથડ મુજબ ૬ વિકેટે જીતી ગયું હતું.

ડ્રેસિંગરૂમમાં જ્યારે બધા નર્વસ હોય ત્યારે મને રમવાનું વધારે ગમે છે : શ્રેયસ અય્યર

વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી૨૦ સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમે ત્રણ મૅચની વન-ડે સિરીઝ ૨-૦થી જીતવામાં સફળતા મેળ‍વી હતી. પહેલી વન-ડે વરસાદને કારણે ધોવાઈ ગયા પછી છેલ્લી બન્ને વન-ડે મૅચમાં વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે ધમાકેદાર ઇનિંગ રમીને ભારતને વિજેતા બનાવ્યું હતું.
ત્રીજી મૅચ પૂરી થયા બાદ જ્યારે શ્રેયસને તેના પર્ફોર્મન્સ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે ‘હું ઘણો ખુશ છું. ડ્રેસિંગરૂમમાં જ્યારે બધા નર્વસ હોય છે ત્યારે મેદાનમાં આવીને રમી જવાનું મને ગમે છે, કારણ કે ગેમ ગમે ત્યારે ચેન્જ થઈ શકે છે અને રિઝલ્ટ કોઈ પણ ટીમના પક્ષમાં જઈ શકે છે.’
વેસ્ટ ઇન્ડીઝે આપેલા લક્ષ્યને પ્રાપ્ત કરવા ભારતે ડીએલએસ મેથડ મુજબ ૩૫ ઓવરમાં ૨૫૫ રન કરવાના હતા અને ભારતે ૩૨.૩ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. કોહલીએ ફરી એક વાર સેન્ચુરી ફટકારીને નૉટઆઉટ ૧૧૪ રન કર્યા હતા, જ્યારે શ્રેયસ ૪૧ બૉલમાં ૬૫ રન કરીને આઉટ થયો હતો. શ્રેયસના પર્ફોર્મન્સને જોતાં કોહલીએ તેનાં વખાણ કર્યાં હતાં.


Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK