Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દરેક નાની મોમેન્ટ્સને હું એન્જૉય કરવા માગું છું : કોહલી

દરેક નાની મોમેન્ટ્સને હું એન્જૉય કરવા માગું છું : કોહલી

13 August, 2019 02:21 PM IST | પોર્ટ ઑફ સ્પેન

દરેક નાની મોમેન્ટ્સને હું એન્જૉય કરવા માગું છું : કોહલી

કોહલી

કોહલી


વિરાટ કોહલી પર કૅપ્ટન્સીનો બોજ છતાં તે ક્રિકેટની દરેક નાની મોમેન્ટ્સને એન્જૉય કરવાનું નથી ચૂકતો. આજ કારણ છે કે ગ્રાઉન્ડમાં મ્યુઝિકની ધૂન સંભળાતાં જ તેના પગ થીરકવા માંડે છે. પહેલી વન-ડેમાં વરસાદ આવ્યો ત્યારે તે ક્રિસ ગેઇલ અને ગ્રાઉન્ડ્સમૅન સાથે નાચ્યો હતો.

બીજી વન-ડે પછી યુઝવેન્દ્ર ચહલને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું, ‘હું જ્યારે મ્યુઝિક સાંભળું છું ત્યારે મને નાચવાનું મન થાય છે. મારે ફક્ત મારી જાતને એન્જૉય કરવી છે. કંઈ ફરક નથી પડતો કે હું કૅપ્ટન છું કે નહીં. મારે ટિપિકલ કૅપ્ટન જેવું બિહેવ નથી કરવું. ભગવાને આપણને પોતાના દેશને રિપ્રેઝન્ટ કરવા જેવી વન્ડરફુલ લાઇફ આપી છે ત્યારે મને લાગે છે કે આપણે આ નાની ક્ષણોને એન્જૉય કરવી જોઈએ. બીજી વન-ડેનો દિવસ ચૅલેન્જિંગ રહ્યો હતો, કારણ કે ગરમી સખત હતી. હું જ્યારે ૬૫ના સ્કોરે પહોંચ્યો ત્યારે થાકી ગયો હતો, પણ સિચ્યુએશન એવી હતી કે મહેનત કરવી અનિવાર્ય હતી. શિખર ધવન અને રોહિત શર્મા આઉટ થઈ ગયા હતા એટલે ટૉપ-૩માંથી મારે ક્રીઝ પર ટકવું ઇમ્પોર્ટન્ટ હતું.’



એવિન લુઇસનો કૅચ એક હાથેથી પકડવા વિશે વિરાટે કહ્યું હતું કે ‘મારું માઇન્ડસેટ હંમેશાં ટીમ માટે બેસ્ટ પર્ફોર્મન્સ આપવાનું રહ્યું છે. કૅચ હોય કે પછી રનઆઉટ, હું મારું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરું છું. દરેક પ્લેયરમાં આ ડિસિપ્લિન હોવી જરૂરી છે જેથી તેઓ ફીલ્ડ પર ૧૦૦ ટકા યોગદાન આપી શકે.’


વિરાટને સેન્યુરીની સખત જરૂર હતી : ભુવી

ભારતના પેસર ભુવનેશ્વર કુમારે કૅપ્ટન વિરાટ કોહલીની સેન્ચુરીનાં જબરદસ્ત વખાણ કર્યાં હતાં. વિરાટે છેલ્લી વન-ડે સેન્ચુરી ઑસ્ટ્રેલિયા સામે માર્ચમાં ફટકારી હતી. ત્યાર બાદ વર્લ્ડ કપમાં તેણે સતત પાંચ ફિફ્ટી ફટકારી હતી પણ ટ્રિપલ ડિજિટમાં પહોંચી શક્યો નહોતો. આ વિશે ભુવનેશ્વરે કહ્યું હતું કે ‘તેને સેન્ચુરીની સખત જરૂર હતી. તે ફૉર્મમાં નહોતો એવું નથી, પરંતુ તે ઘણા સમયથી ૭૦ અને ૮૦માં આઉટ થતો હતો. વિરાટ મોટા સ્કોર કરવા માટે જાણીતો છે. પિચ બૅટિંગ કરવા માટે આસાન નહોતી.’
૧૮ મહિના પછી ભારતની વન-ડે ટીમમાં કમબૅક કરનાર શ્રેયસ ઐયર ૬૮ બૉલમાં ૭૧ રન ફટકાર્યા હતા.


કૅપ્ટન કોહલીએ તોડ્યો ૧૬ વર્ષ જૂનો લારાનો રેકૉર્ડ

વિરાટ કોહલીએ ૧૨૦ રનની મૅચ-વિનિંગ ઇનિંગ દરમ્યાન વેસ્ટ ઇન્ડીઝની ધરતી પર સૌથી વધુ રન બનાવવાનો રેકૉર્ડ બનાવ્યો છે. તેણે આ રન દ્વારા બ્રાયન લારાના હાઇએસ્ટ ઇન્ડિવિજ્યુઅલ સ્કોરના રેકૉર્ડને તોડ્યો હતો. લારાએ કૅપ્ટન તરીકે ૨૦૦૩માં શ્રીલંકા સામે બાર્બાડોઝમાં ૧૧૬ રન બનાવ્યા હતા. ત્રીજા સ્થાને માહેલા જયવર્ધને છે જેણે ૨૦૦૫માં જમૈકાના સબિના પાર્કમાં ન્યુ ઝીલૅન્ડ સામે ૧૧૫ રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : વર્લ્ડ કપ 2019ના ફાઈનલ ઑવરથ્રોની થશે સમીક્ષા, MCCનો મોટો નિર્ણય

ગાંગુલીએ કોહલીને કહ્યું... વૉટ અ પ્લેયર

વિરાટ કોહલીની ૪૨મી સેન્ચુરીની મદદથી ભારતે ક્વીન્સ પાર્ક ઓવલમાં રમાયેલી બીજી વન-ડેમાં ડકવર્થ-લુઇસ-સ્ટર્ન મૅથડથી ૫૯ રનથી જીત મેળવી હતી. કોહલીએ ૧૨૦ રનની ઇનિંગ દરમ્યાન ભારતના ભૂતપૂર્વ અગ્રેસિવ કૅપ્ટન સૌરવ ગાંગુલીના ૧૧૩૬૩ વન-ડે રનને પાર કર્યો હતો. કોહલીએ ૧૧૩૬૪મો રન બનાવતાં ગાંગુલીએ ટ્વીટ કર્યું, ‘વિરાટ કોહલી વન-ડે ક્રિકેટનો વધુ એક માસ્ટર ક્લાસ. વૉટ અ પ્લેયર’.

૩૦ વર્ષના કોહલીએ ૨૩૮ વન-ડેમાં ૫૯.૯૧ની ઍવરેજથી ૧૧૪૦૬ રન બનાવ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

13 August, 2019 02:21 PM IST | પોર્ટ ઑફ સ્પેન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK