ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૪મી સીઝન માટેની પૂર્વતૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને આ મહિનામાં પ્લેયરોની હરાજી પણ થવાની છે. એવામાં માસ્ટર બ્લાસ્ટ સચિન તેન્ડુલકરના દીકરા અર્જુન તેન્ડુલકર પર લોકોની નજર રહી શકે છે જે આ વર્ષે પહેલી વાર આઇપીએલની હરાજીમાં ભાગ લેશે. આ હરાજીમાં ભાગ લેવા અર્જુનની બેઝ પ્રાઇસ ૨૦ લાખ રૂપિયા રાખવામાં આવી છે. આઇપીએલની હરાજી માટે રજિસ્ટર્ડ થયેલો અર્જુન સચિન તેન્ડુલકર જેવા દિગ્ગજ પ્લેયરનો દીકરો હોવાથી તેનું નામ ટ્વિટર પર ઘણું ટ્રેન્ડ કરી રહ્યું હતું અને સાથે-સાથે ક્રિકેટજગતમાં નેપોટિઝમની વાત પણ ચર્ચવામાં આવી હતી. સાથે એવી પણ સંભાવના વ્યક્ત આવી રહી હતી કે મુંબઈ ઇન્ડિયન્સ આ વર્ષે અર્જુનને ખરીદી શકે છે, કેમ કે સચિન પણ મુંબઈની ટીમનો એક સમયે કૅપ્ટન રહી ચૂક્યો હતો. વળી કેટલાક યુઝર્સે અર્જુનની રમત પર સવાલ ઊભા કર્યા હતા. આ વર્ષે અર્જુન સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં મુંબઈની ટીમ વતી રમતો જોવા મળ્યો હતો.
સામા પક્ષે પોતાના પરનો પ્રતિબંધ હટી ગયા બાદ ટીમ ઇન્ડિયા માટે રમવાની ઇચ્છા રાખતા એસ. શ્રીસંતની બેઝ-પ્રાઇસ ૭૫ લાખ રૂપિયા રાખવામાં આવી છે. બંગલા દેશના ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસન ઉપરાંત હરભજન સિંહ, ગ્લેન મૅક્સવેલ, કેદાર જાધવ, સ્ટીવ સ્મિથ, મોઇન અલી, સૅમ બિલિંગ્સ, લિયમ પ્લન્કેટ, જેસન રૉય, માર્ક વુડ અને કોલિન ઇન્ગ્રામની બેઝ-પ્રાઇસ બે કરોડ રૂપિયા છે. ચેતેશ્વર પુજારા અને હનુમા વિહારીની બેઝ-પ્રાઇસ અનુક્રમે ૫૦ લાખ અને એક કરોડ રૂપિયા છે.