દિલ્હીમાં રમાતી વિમેન્સ વર્લ્ડ બૉક્સિંગ સ્પર્ધામાં નીતુએ મૉન્ગોલિયાની અને સ્વીટીએ ચીનની ખેલાડીને હરાવી

નીતુ ઘંઘસ અને સ્વીટી બુરા
મૉન્ગોલિયાની ખેલાડી લુત્સઈખાન અલ્તાનસેતસેગને દિલ્હીમાં રમાઈ રહેલી વિમેન્સ વર્લ્ડ બૉક્સિંગની ૪૮ કિલોગ્રામ કૅટેગરીની ફાઇનલમાં હરાવીને ભારતની નીતુ ઘંઘસ વર્લ્ડ ચૅમ્પિયન બની છે. સ્વીટી બુરાએ (૮૧ કિલોગ્રામ) કૅટેગરીમાં બે વખત મેડલ જીતનારી ચીનની વૅન્ગ લિનાને હરાવી હતી.
કૉમનવેલ્થમાં ગોલ્ડ જીતનાર નીતુએ ૫-૦થી મૉન્ગોલિયાની ખેલાડીને હરાવી હતી. એ વખતે બીજિંગ ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર અને નીતુનો આદર્શ બૉક્સર વીરેન્દર સિંહ પણ પ્રેક્ષક તરીકે હાજર હતો. ભીવાનીની ૨૨ વર્ષની બૉક્સરે શરૂઆતથી આક્રમક રમત દાખવીને લુત્સઈખાનને જોરદાર પંચ માર્યા હતા. બન્ને બૉક્સર બહુ નજીકથી રમી હતી. બીજા રાઉન્ડમાં લુત્સઈખાને વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ રાઉન્ડ પણ નીતુ જીતી હતી.
આ જીત સાથે-સાથે નીતુ અને સ્વીટીએ ગોલ્ડ જીતનારી મહિલા ખેલાડીઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે, જેમાં ૬ વખતની ચૅમ્પિયન મૅરી કૉમ, સરિતાદેવી (૨૦૦૬), જેન્ની આરએલ (૨૦૦૬), લેખા કેસી (૨૦૦૬) અને નિખત ઝરીન (૨૦૨૨)નો સમાવેશ છે.