વર્તમાન વર્લ્ડ ચૅમ્પિયન નિખતે ૫૦ કિલોના વર્ગમાં અલ્જેરિયાની બૌઆલમ રુમાયસાને ૫-૦ થી હરાવી હતી.

નિખત ઝરીન
નિખત ઝરીન પ્રી-ક્વૉર્ટરમાં
નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં ચાલી રહેલી વિમેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં ભારતીય બૉક્સર નિખત ઝરીન અને મનીષા મૌન પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશી છે. વર્તમાન વર્લ્ડ ચૅમ્પિયન નિખતે ૫૦ કિલોના વર્ગમાં અલ્જેરિયાની બૌઆલમ રુમાયસાને ૫-૦ થી હરાવી હતી. વિજય બાદ તેણે કહ્યું હતું કે મેં પહેલા રાઉન્ડથી જ પ્રભુત્વ મેળવવાનું નક્કી કર્યું હતું. તે પણ ફાઇટર હતી એથી મેં તેનાથી અંતર જાળવ્યું હતું.
ફૉર્મ્યુલા-ટૂમાં જેહાન દારૂવાલા ત્રીજા ક્રમાંકે આવ્યો
ભારતનો જેહાન દારૂવાલા શનિવારે સાઉદી અરબના જેદાહમાં આયોજિત સ્પ્રિન્ટ રેસ ઑફ ચૅમ્પિયનશિપના સાઉદી અરેબિયન રાઉન્ડમાં ત્રીજા ક્રમાંક આવ્યો હતો. ૧૬મી વખત ફૉર્મ્યુલા-2માં ૨૪ વર્ષનો એમપી મોટરસ્પોર્ટ્સ ડ્રાઇવર પાંચમા ક્રમાંકે હતો, પરંતુ છેલ્લા ત્રણ રાઉન્ડ દરમ્યાન ત્રીજા ક્રમાંકે આવી ગયો હતો. તેણે આ સીઝનની પહેલી જીત મેળવી હતી. રેસ પૂરી થયા બાદ જેહાને કહ્યું હતું કે ‘મને કોઈ અફસોસ નથી. મેં રેસ જીતવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એવું થયું નથી. ફીચર રેસમાં હું જીતવાનો પ્રયાસ કરીશ.’
દિલ્હીએ લૉન્ચ કરી જર્સી
આઇપીએલ ૨૦૨૦ની રનર્સ-અપ દિલ્હી કૅપિટલ્સે ગઈ કાલે સવેરા રન ફોર ગુડ ઇવેન્ટ દરમ્યાન આગામી સીઝન પહેલાં પોતાની નવી જર્સી લૉન્ચ કરી હતી. દિલ્હીના ખેલાડીઓ ચેતન સાકરિયા, રિપલ પટેલ, અમન ખાન અને પ્રવીણ દુબેએ આ જર્સીનું અનાવરણ કર્યું હતું. ગઈ સીઝનમાં દિલ્હી પ્લેઑફમાં પ્રવેશી શકી નહોતી.