ચેસ ટુર્નામેન્ટમાં હાથ મિલાવવાનો ઇનકાર કર્યા બાદ થયો હતો વિવાદ
ભારતની મહિલા ચેસ ગ્રૅન્ડમાસ્ટરને ફૂલો અને ચૉકલેટ આપીને ઉઝબેકિસ્તાનના ગ્રૅન્ડમાસ્ટરે માફી માગી.
ઉઝબેકિસ્તાનના ગ્રૅન્ડમાસ્ટર નોદિરબેક યાકુબોએવ નેધરલૅન્ડ્સમાં તાતા સ્ટીલ માસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ દરમ્યાન ધાર્મિક કારણોસર ભારતની ગ્રૅન્ડમાસ્ટર આર. વૈશાલી સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યા બાદ વિવાદમાં ફસાયો હતો. આ વિવાદ બાદ તેણે સોશ્યલ મીડિયા પર ઘટનાનું સાચું કારણ જણાવી માફી માગી હતી, હાલમાં તેણે વૈશાલીને ફૂલો અને ચૉકલેટ આપીને ફરી તેની માફી માગી હતી. તેના ભાઈ પ્રજ્ઞાનંદ અને તેની મમ્મી નાગલક્ષ્મીની સામે તેણે અફસોસ વ્યક્ત કર્યો હતો.
વાઇરલ વિડિયોમાં જોવા મળ્યું કે વૈશાલીએ ફૂલો અને ચૉકલેટ સ્વીકાર્યા બાદ કહ્યું કે ‘હું વસ્તુઓ ખૂબ સારી રીતે સમજું છું. મને કોઈ વાતનું ખરાબ લાગ્યું નથી અને તમારે પણ ખરાબ લગાડવાની જરૂર નથી.’
ADVERTISEMENT
યાકુબોએવે સ્પષ્ટતા કરી હતી કે ભારતીય પ્લેયર્સનું અપમાન કરવાનો તેનો કોઈ ઇરાદો નહોતો. વૈશાલીના ૨૦૨૫ના વિડિયો સાથે દિવ્યા દેશમુખ સાથેનો તેનો ૨૦૨૩નો વિડિયો વાઇરલ થયો હતો, જેમાં ઉઝબેકિસ્તાનના ગ્રૅન્ડમાસ્ટરે હાથ મિલાવ્યા બાદ ભૂલ થઈ ગઈ હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો. ઉઝબેકિસ્તાનના ગ્રૅન્ડમાસ્ટરે મહારાષ્ટ્રના નાગપુરની ગ્રૅન્ડમાસ્ટર દિવ્યા દેશમુખને પણ મળીને તેને ફૂલો અને ચૉકલેટ આપીને આ ઘટના વિશે ખેદ વ્યક્ત કર્યો હતો.

