આજે ગોલ્ડ મેડલની મૅચમાં તેની ટક્કર થાઇલૅન્ડની સારુનરાક વિતિદર્સન સામે થશે

ફાઇનલમાં પહોંચી ઉન્નતિ હૂડા
ઉન્નતિ હૂડા અન્ડર-૧૭ બૅડ્મિન્ટન એશિયા જુનિયર ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બની ગઈ છે. થાઇલૅન્ડના નોથાબુરીમાં ચાલતી આ સ્પર્ધામાં ઉન્નતિએ જપાનની મિયોન યોકાચીને ૨૧-૮, ૧-૧૭થી હરાવી હતી. આજે ગોલ્ડ મેડલની મૅચમાં તેની ટક્કર થાઇલૅન્ડની સારુનરાક વિતિદર્સન સામે થશે. ઓડિશા ઓપન ચૅમ્પિયન જીતનાર આ ખેલાડી અત્યાર સુધી એક પણ સેટ હારી નથી.
સિમ્બર સમવાય ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની ક્રિકેટ ટુર્નામેન્ટ
આજે બપોરે ૧૨ વાગ્યાથી કાંદિવલી-વેસ્ટના કે.ઈ.એસ ઇન્ટરનૅશનલ સ્કૂલ ટર્ફ, ઈરાનીવાડી ખાતે સિમ્બર સમવાય ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ મુંબઈ દ્વારા આઇપીએલ ફૉર્મેટમાં બીવાયએસ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ વખત આયોજિત આ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં હાજર રહેવા આયોજકોએ તમામ જ્ઞાતિજનોને વિનંતી કરી છે.
બાબરની સેન્ચુરી છતાં ઇંગ્લૅન્ડ મજબૂત સ્થિતિમાં
રાવલપિંડી ટેસ્ટમાં ત્રીજા દિવસે ઇંગ્લૅન્ડે છેલ્લા સેશનમાં ચાર વિકેટ ઝડપીને જીતની આશાને જીવંત રાખી હતી. રમતનો સમય પૂરો થયો ત્યારે ઇંગ્લૅન્ડના ૬૫૭ રનના જવાબમાં પાકિસ્તાને ૭ વિકેટ ગુમાવીને ૪૯૯ રન કર્યા હતા અને એ હજી ૧૫૮ રન પાછળ છે. પાકિસ્તાન તરફથી ઓપનર ઇમામ-ઉલ-હક (૧૨૧), અબદુલ્લાહ શફીક (૧૧૪) ઉપરાંત કૅપ્ટન બાબર આઝમે (૧૩૬) પણ સદી ફટકારી છે. આ ટેસ્ટમાં અત્યાર સુધી કુલ ૭ સેન્ચુરી નોંધાઈ છે.