૫૦,૦૦૦ દર્શકોની હાજરીમાં ૧૮૪ દેશના ૬૦૦૦ ઍથ્લીટ્સ અને અધિકારીઓએ પરેડ કરી, પરેડમાં બ્રાઝિલનું દળ સૌથી મોટું અને મ્યાનમારનું સૌથી નાનું
શૉટપુટ ખેલાડી ભાગ્યશ્રી જાધવ અને જૅવલિન થ્રોઅર સુમિત અંતિલે ભારતીય દળની આગેવાની કરી હતી
ઑલિમ્પિક્સના ૧૭ દિવસ બાદ પૅરિસમાં પૅરાલિમ્પિક્સની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. ઑલિમ્પિક્સની જેમ દિવ્યાંગ ખેલાડીઓની પૅરાલિમ્પિક્સ પરેડ પહેલી વાર સ્ટેડિયમની બહાર યોજાઈ હતી. ૧૮૪ દેશના ૬૦૦૦ ઍથ્લીટ્સ અને અધિકારીઓની પરેડ ચેમ્પ્સ-એલિસિસ ઍવન્યુથી શરૂ થઈ અને પ્લેસ ડે લા કૉન્કૉર્ડ સુધી આગળ વધી હતી. ૫૦,૦૦૦ દર્શકોની હાજરીમાં દિવ્યાંગ સિંગર અને ડાન્સર્સનો પર્ફોર્મન્સ પણ જોવા મળ્યો હતો.

ADVERTISEMENT
પૅરાલિમ્પિક્સની ઓપનિંગ સેરેમનીમાં જબરદસ્ત આતશબાજી જોવા મળી હતી
પરેડ ઑફ નેશન્સમાં સૌથી મોટું દળ બ્રાઝિલ (૨૫૦ જણ)નું હતું, જ્યારે સૌથી નાનું મ્યાનમાર (૩ જણ)નું હતું. ભારત તરફથી જૅવલિન થ્રોઅર સુમિત અંતિલ અને શૉટપુટ ખેલાડી ભાગ્યશ્રી જાધવે ત્રિરંગો હાથમાં લીધો હતો. ઓપનિંગ સેરેમનીમાં હાજર ભારતીય દળના ૧૦૬ જણમાંથી લગભગ ૩૦ ઍથ્લીટ્સ અને બીજા અધિકારીઓને પરેડ કરવાની તક મળી હતી. ૭૦ વર્ષના માર્શલ આર્ટ અભિનેતા જૅકી ચૅન ઓપનિંગ સેરેમની પહેલાં ટૉર્ચ-બેરરની ભૂમિકામાં મહેફિલ લૂંટતા જોવા મળ્યા હતા. ૮ સપ્ટેમ્બર સુધી પૅરાલિમ્પિક્સમાં મેડલ જીતવા માટે દિવ્યાંગ ખેલાડીઓ વચ્ચે જંગ જામશે.


