આ મંત્રને આત્મસાત્ કરીને શૂટર મનુ ભાકરે ભારતને અપાવ્યો પૅરિસ ઑલિમ્પિક્સમાં પહેલો મેડલ : નરેન્દ્ર મોદીએ ફોન કરીને આપ્યાં અભિનંદન
મનુ ભાકરે ૧૦ મીટરની ઍર પિસ્ટલ ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ જીતીને તિરંગો લહેરાવ્યો હતો. ત્યાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન પર તેની સાથે વાત કરી હતી
પૅરિસ ઑલિમ્પિક્સમાં ૧૦ મીટર ઍર પિસ્ટલ ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ જીતીને આ વખતની ગેમ્સમાં ભારતને પહેલો મેડલ અપાવનાર મનુ ભાકરને અભિનંદન આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘તારી સફળતાના સમાચાર સાંભળ્યા બાદ હું ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છું. તું ૦.૧ માર્કથી સિલ્વર મેડલ ચૂકી ગઈ એ છતાં તેં દેશને ગૌરવ અપાવ્યું. મારા તરફથી અભિનંદન. ટોક્યો ઑલિમ્પિક્સમાં પિસ્ટલે તારી સાથે દગો કર્યો, પરંતુ આ વખતે તેં બધી ખામી પૂરી કરી. મને ખાતરી છે કે તું ભવિષ્યની ઇવેન્ટમાં પણ સારું પ્રદર્શન કરીશ. શરૂઆત એટલી સારી રહી છે કે ભવિષ્ય માટે ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધશે. એનાથી દેશને પણ ફાયદો થશે. તમને બધાને તમારી મહેનતનું ફળ મળવાનું છે.’
મેડલ જીત્યા બાદ મનુ ભાકરે પહેલી પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘પોતાનામાં આત્મવિશ્વાસના કારણે મારું સપનું સાકાર થયું છે. આ ક્ષણ લાવવા માટે મેં ખૂબ મહેનત કરી હતી. ભલે આ બ્રૉન્ઝ મેડલ છે પણ હું ખુશ છું, કારણ કે એ મારા દેશ માટે છે. મેં ભગવદ્ગીતા ઘણી વાર વાંચી છે. ભગવાન કૃષ્ણ કહે છે કે કર્મ પર ફોકસ કર, કર્મના ફળની ચિંતા ન કર. ટોક્યો ગેમ્સ બાદ હું ખૂબ જ નિરાશ થઈ હતી, પણ મેં જોરદાર કમબૅક કર્યું છે. ભૂતકાળમાં જે થયું એ થયું, એને ભૂલી જાઓ.’

