આૅલિમ્પિક્સમાં શૂટિંગમાં મેડલ જીતનાર પહેલી ભારતીય મહિલા ખેલાડી બની : શૂટિંગમાં ભારતને ૧૨ વર્ષ પછી મેડલ મળ્યો
મનુ ભાકર
પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતને પહેલો મેડલ જિતાડનાર બાવીસ વર્ષની શૂટર મનુ ભાકરે બ્રૉન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્ચો છે. ૧૦ મીટર ઍર પિસ્ટલ ઇવેન્ટમાં બ્રૉન્ઝ જીતીને મનુ ભાકરે ઑલિમ્પિક્સમાં શૂટિંગમાં ૧૨ વર્ષનો મેડલનો દુકાળ ખતમ કર્યો છે. તે શૂટિંગમાં ઑલિમ્પિક મેડલ જીતનાર પહેલી ભારતીય મહિલા ખેલાડી બની છે.
શૂટિંગમાં ભારત માટે આ પહેલાં રાજ્યવર્ધન સિંહે ઍન્થેન્સ ૨૦૦૪માં સિલ્વર મેડલ, અભિનવ બિન્દ્રાએ બીજિંગ ૨૦૦૮માં ગોલ્ડ, લંડન ૨૦૧૨માં ગગન નારંગે બ્રૉન્ઝ અને વિજય કુમારે સિલ્વર મેડલ જીત્યો હતો. ટોક્યોમાં તેની પ્રથમ ઑલિમ્પિક્સમાં મનુ પિસ્ટલની ખામીને કારણે મેડલ જીતી શકી નહોતી અને રડતી-રડતી શૂટિંગ રેન્જ છોડી દીધી હતી.
ADVERTISEMENT
મેડલ જીત્યા બાદ મનુ ભાકરે કહ્યું કે ‘હું ખુશ છું કે મેં દેશ માટે બ્રૉન્ઝ મેડલ જીત્યો. મેં ભગવદ્ગીતા ઘણી વાંચી છે. ભગવાન કૃષ્ણ કહે છે : કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરો, કર્મના પરિણામ પર નહીં. એ જ મેં ફાઇનલમાં કર્યું. મેં વિચાર્યું કે તમારું કામ કરો અને બધું થવા દો.’
ભૂતપૂર્વ ભારતીય શૂટર અભિનવ બિન્દ્રા અને કોચ જસપાલ રાણા સાથે મનુ ભાકર
દીકરી માટે પિતાએ છોડી દીધી હતી નોકરી : બૉક્સરમાંથી શૂટર બનેલી મનુ છે આૅલરાઉન્ડર
હરિયાણાના ગામ ગોરિયાની વતની મનુ ભાકર શૂટિંગ પહેલાં બૉક્સિંગ અને માર્શલ આર્ટમાં પણ મેડલ જીતી હતી, પરંતુ ઈજાના કારણે તેની કરીઅર ખતમ થઈ ગઈ. આ પછી પિતા રામ કિશને પિસ્ટલ દીકરીના હાથમાં આપી દીધી. અભ્યાસ બાદ તે દરરોજ છથી ૭ કલાક શૂટિંગની પ્રૅક્ટિસ કરતી હતી, તેનામાં નંબર વન શૂટર બનવાનો જુસ્સો હતો. દીકરીનો રમતગમતમાં રસ જોઈ પિતાએ નોકરી છોડી દીધી.
મનુ ભાકરે શૂટિંગ પહેલાં અન્ય ઘણી રમતમાં પણ ભાગ લીધો છે જેમાં કરાટે, થાન્ગ તા, ટાન્તા, સ્કેટિંગ, સ્વિમિંગ અને ટેનિસનો સમાવેશ થાય છે. તેણે કરાટે, થાન્ગ તા અને ટાન્તામાં નૅશનલ મેડલ જીત્યા છે અને સતત ત્રણ વખત ટાન્તામાં નૅશનલ ચૅમ્પિયન રહી છે. તેણે સ્કેટિંગમાં સ્ટેટ મેડલ પણ જીત્યો છે. મનુ સ્કૂલમાં સ્વિમિંગ અને ટેનિસ પણ રમી ચૂકી છે.

