રાજસ્થાનના જયપુરમાં રહેતી અવનિ લેખરા જ્યારે ૧૨ વર્ષની હતી ત્યારે ૨૦૧૨માં તેને એક કાર-અકસ્માત થયો હતો
અવનિ લેખરા
તેણે ગઈ કાલે શૂટિંગની ૧૦ મીટર ઍર રાઇફલમાં ગોલ્ડ મેડલ જીત્યો : બે ગોલ્ડ મેળવનારી પહેલી ભારતીય મહિલા ઍથ્લીટ બની ગઈ : ૧૨ વર્ષની વયે કાર-અકસ્માતે બદલી હતી જિંદગી
ભારતની ૨૨ વર્ષની અવનિ લેખરાએ પૅરિસમાં ચાલી રહેલી પૅરાલિમ્પિક્સમાં શૂટિંગની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. ગઈ કાલે ૧૦ મીટર ઍર રાઇફલ (SH1)માં તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. અવનિએ R2 મહિલા ૧૦ મીટર ઍર રાઇફલ સ્ટૅન્ડિંગ SH1 ફાઇનલમાં ૨૪૯.૭નો સ્કોર કરીને આ સફળતા મેળવી હતી. આ પહેલાં ૨૦૨૦માં ટોક્યોમાં યોજાયેલી પૅરાલિમ્પિક્સમાં પણ તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને લગાતાર બે પૅરાલિમ્પિક્સમાં બે ગોલ્ડ મેડલ મેળવનારી અવનિ લેખરા પહેલી ભારતીય મહિલા ઍથ્લીટ બની ગઈ છે. રાજસ્થાનના જયપુરમાં રહેતી અવનિ લેખરા જ્યારે ૧૨ વર્ષની હતી ત્યારે ૨૦૧૨માં તેને એક કાર-અકસ્માત થયો હતો, જેમાં તેની સ્પાઇનલ-કૉર્ડને ગંભીર ઈજા થઈ હતી જેને કારણે એકાએક તેની જિંદગી બદલાઈ ગઈ હતી અને તે વ્હીલચૅરને આધીન થઈ ગઈ હતી. છતાં તેણે હિંમત હાર્યા વિના જીવનને એક નવી દિશા આપીને પોતાની કમજોરીને જ તાકાત બનાવી છે અને પોતાની અલગ ઓળખ ઊભી કરી છે.

