નિરાશ ફૅન્સે સ્ટેડિયમમાં પીઠ બતાવીને વિરોધ દર્શાવ્યો
બ્રાઝિલના ૩૩ વર્ષના ફુટબૉલર સ્ટાર નેમારે ગઈ કાલે કરીઅરની સૌથી કારમી હારનો સામનો કરવો પડ્યો
પ્રોફેશનલ ફુટબૉલની રમતમાં ૪૦૦ પ્લસ ગોલ કરનાર બ્રાઝિલના ૩૩ વર્ષના ફુટબૉલર સ્ટાર નેમારે ગઈ કાલે કરીઅરની સૌથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. બ્રાઝિલની ટોચની ડોમેસ્ટિક ફુટબૉલ લીગમાં તેની ટીમ સાન્ટોસે ૦-૬થી વાસ્કો-દ-ગામા ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો એને કારણે તે મેદાન પર નાના બાળકની જેમ રડી પડ્યો હતો. આ કારમી હારને કારણે નેમાર અને સાન્ટોસ ટીમના ફૅન્સે પીઠ બતાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો અને કેટલાક ફૅન્સ મેદાન છોડીને જતા રહ્યા હતા.
આ કારમી હાર બાદ એપ્રિલ ૨૦૨૫માં ટીમ સાથે જોડાયેલા કોચ ક્લેબર ઝેવિયરનો કરાર કૅન્સલ કરવામાં આવ્યો હતો. નેમાર બાર્સેલોના અને પૅરિસ સેન્ટ-જર્મન જેવી ટોચની ફુટબૉલ ક્લબ સાથે રમી ચૂક્યો છે. હાલમાં સાઉદી અરેબિયામાં નિષ્ફળતા બાદ નેમાર તેની બાળપણની ક્લબ સાન્તોસમાં પાછો ફર્યો હતો. બ્રાઝિલની સ્થાનિક લીગમાં સૌથી સફળ ટીમમાંની એક એવી સાન્તોસનું પ્રતિનિધિત્વ લાંબા સમયથી મહાન ફુટબૉલ પેલે કરતો હતો.


