જો હ્યુગો એક વર્ષ દરમ્યાન ફરી આવી કોઈ હરકત નહીં કરે તો તેનો દંડ અડધો એટલે કે ૭૨,૦૦૦ યુરો (અંદાજે ૬૩ લાખ રૂપિયા) કરવામાં આવશે.

હ્યુગો ગૅસ્ટન
ખિસ્સામાંથી બૉલ કાઢીને ફેંક્યો એટલે સવા કરોડ રૂપિયા કપાઈ ગયા
એપ્રિલમાં ટેનિસની મૅડ્રિડ ઓપનની એક મૅચ દરમ્યાન મજાકમાં પોતાના ખિસ્સામાંથી બૉલ કાઢીને ફેંકવા બદલ ફ્રાન્સના ખેલાડી હ્યુગો ગૅસ્ટને ૧,૪૪,૦૦૦ યુરો (અંદાજે સવા કરોડ રૂપિયા)ની રકમ દંડ તરીકે ગુમાવી છે. ક્રોએશિયાના બોર્ના કૉરિચ સામેના આ મુકાબલા દરમ્યાન હ્યુગો એક પૉઇન્ટ હારવાની તૈયારીમાં હતો ત્યારે અચાનક તેણે શૉર્ટના ખિસ્સામાંથી બૉલ કાઢીને દૂર ફેંક્યો હતો. તેનો કથિત ઇરાદો એ પૉઇન્ટ ફરીથી રમવા દેવામાં આવે એવી અમ્પાયરને ફરજ પાડવાનો હતો. જો હ્યુગો એક વર્ષ દરમ્યાન ફરી આવી કોઈ હરકત નહીં કરે તો તેનો દંડ અડધો એટલે કે ૭૨,૦૦૦ યુરો (અંદાજે ૬૩ લાખ રૂપિયા) કરવામાં આવશે.
અન્ડર- 20 ફુટબૉલ વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડ જીત્યું, ફ્રાન્સ હાર્યું
આર્જેન્ટિનાના બ્યુનસ આઇરસ શહેરમાં ચાલી રહેલા અન્ડર-20 ફુટબૉલ વર્લ્ડ કપમાં સોમવારે ઇંગ્લૅન્ડે ટ્યુનિશિયાને ૧-૦થી હરાવ્યું હતું, જ્યારે ફ્રાન્સનો સાઉથ કોરિયા સામે ૧-૨થી પરાજય થયો હતો. ઇંગ્લૅન્ડે ૨૦૨૨માં અન્ડર-19 યુરોપિયન ચૅમ્પિયનશિપ ટાઇટલ જીતનાર પોતાની ટીમના મોટા ભાગના ખેલાડીઓને આ સ્પર્ધામાં રમવા મોકલ્યા છે. ઇંગ્લૅન્ડના ગ્રુપમાં ઉરુગ્વેએ ઇરાકને ૪-૦થી કચડી નાખતાં ઉરુગ્વે આ ગ્રુપમાં મોખરે થઈ ગયું છે.
યુવેન્ટ્સ હાર્યું, ખોટા હિસાબ બદલ પેનલ્ટી પણ થઈ
ઇટલીની સેરી-એ નામની ફુટબૉલ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૩૬ ટાઇટલ યુવેન્ટ્સ ક્લબની ટીમ જીતી છે, પરંતુ અત્યારે એમાં એની કફોડી હાલત છે. સોમવારે યુવેન્ટ્સનો એમ્પોલી સામેની મૅચમાં ૧-૪થી પરાજય તો થયો જ હતો, આ ક્લબે ખોટા હિસાબ બતાવ્યા એ બદલ એને ૧૦ પૉઇન્ટની પેનલ્ટી લાગુ કરાતાં એ સાતમા રૅન્ક પર ધકેલાઈ છે એટલે આવતા વર્ષની ચૅમ્પિયન્સ લીગ માટે ક્વૉલિફાય થવાનું એને માટે મુશ્કેલ થઈ ગયું છે. દરમ્યાન ન્યુ કૅસલ ટીમ ૨૦ વર્ષમાં પહેલી વાર ચૅમ્પિયન્સ લીગ માટે ક્વૉલિફાય થઈ છે.

