૧૨ મહિનાથી પગાર ન મળતાં પાકિસ્તાનના હૉકી કોચનું રાજીનામું અને વધુ સમાચાર

પ્રથમેશ જાવકર
આર્ચરીમાં ભારત જીત્યું બે ગોલ્ડ
ચીનના શાંઘાઈમાં ચાલી રહેલી કમ્પાઉન્ડ આર્ચરીમાં ભારતે ગઈ કાલે બે ગોલ્ડ અને એક બ્રૉન્ઝ સાથે કુલ ત્રણ મેડલ જીત્યા હતા. ભારતના ૧૯ વર્ષના પ્રથમેશ જાવકરે વિશ્વના નંબર વન નેધરલૅન્ડના માઇક શ્લોસરને (Mike Schloesser) પુરુષોની વ્યક્તિગત કમ્પાઉન્ડ સ્પર્ધાની ફાઇનલમાં હરાવીને પહેલો વર્લ્ડ કપ મેડલ જીત્યો હતો. નૉન-ઑલિમ્પિક કમ્પાઉન્ડ સ્પર્ધામાં ઓજસ દેવતળે અને જ્યોતિ સુરેખા વેન્નમની મિક્સ જોડીએ વર્લ્ડ કપના સ્ટેજ-૨માં કોરિયાની જોડીને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જોડીએ એક મહિના પહેલાં અંતાલયમાં આયોજિત સ્પર્ધામાં પણ વર્લ્ડ કપ ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલાઓની કમ્પાઉન્ડ સ્પર્ધામાં અવનીત બ્રાન્ઝ મેડલ જીતી હતી. જર્મનીમાં આયોજિત થનાર વર્લ્ડ આર્ચરી ચૅમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓ હવે સારા પ્રદર્શનની આશા રાખી રહ્યા છે.
મહિલા હૉકી મૅચમાં ભારતને ૩-૨થી હરાવ્યું ઑસ્ટ્રેલિયાએ
ઍડીલેડમાં રમાયેલી બીજી વિમેન્સ હૉકી મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને ૩-૨થી હરાવ્યું હતું. આમ એણે આ સિરીઝમાં ૨-૦થી લીડ મેળવી હતી. સપ્ટેમ્બરમાં આગામી એશિયન ગેમ્સની તૈયારીના ભાગરૂપે ભારતીય ટીમ હાલ ઑસ્ટ્રેલિયાના પ્રવાસે છે. પહેલા ક્વૉર્ટરમાં ભારતનો પ્રભાવ જોવા મળ્યો હતો, છતાં યજમાન પેનલ્ટી કૉર્નર દ્વારા એક ગોલ કરવામાં સફળ રહ્યું હતું. જોકે ભારતે પણ એક ગોલ કરતાં પહેલો ક્વૉર્ટર ૧-૧થી બરાબર રહ્યો હતો. બીજા ક્વૉર્ટરમાં પણ ભારતે એક ગોલ કરતાં ૨-૧થી આગળ હતું. ત્રીજા ક્વૉર્ટરમાં ઑસ્ટ્રેલિયાએ બે ગોલ કરતાં ૩-૨થી આગળ થયું હતું. ચોથા ક્વૉર્ટરમાં ભારત ગોલ કરી શક્યું નહોતું.
૧૨ મહિનાથી પગાર ન મળતાં પાકિસ્તાનના હૉકી કોચનું રાજીનામું
છેલ્લા ૧૨ મહિનાથી પગાર ન મળતાં પાકિસ્તાનની હૉકી ટીમના કોચ સીગફ્રાઇડ ઐકમૅને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. નેધરલૅન્ડ્સના સીગફ્રાઇડ ઐકમૅને સોશ્યલ મીડિયામાં કોચ તરીકે રાજીનામું આપ્યાની ઘોષણા કરી હતી. જોકે ગયા વર્ષે જ તેઓ પગારના વિવાદને કારણે પાકિસ્તાનથી ઘર પરત ફર્યા હતા. જોકે બાકી પગારની રાહ જોવાને કારણે તેણે રાજીનામું આપ્યું નહોતું, પણ સમગ્ર વિવાદનો કોઈ ઉકેલ ન આવતાં તેમણે રાજીનામું આપી દીધું હતું. તેમણે રાજીનામું આપતાં પાકિસ્તાન હૉકી ફેડરેશને અન્ય ડચ કોચ રોલૅન્ટ ઓલ્ટમન્સને પોતાનો નવો કોચ બનાવ્યો હતો, જેઓ રવિવારે રાત્રે નૅશનલ જુનિયર સ્ક્વૉડ સાથે એશિયા જુનિયર કપ માટે મસ્કત જશે. નવા કોચને પગાર આપ્યો કે પછી જૂના કોચના બાકી પગાર વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.