તે ડબ્લ્યુટીએ-૧૦૦૦ ટુર્નામેન્ટમાં મૅચ જીતનારી ત્રીજા નંબરની સૌથી યુવાન ખેલાડી છે

મિરા ઍન્ડ્રીવા
૧૫ વર્ષની ઍન્ડ્રીવા આવી રેકૉર્ડ બુકમાં
મહિલા ટેનિસ જગતમાં ૧૯૪મો રૅન્ક ધરાવતી રશિયાની મિરા ઍન્ડ્રીવા બુધવારે મૅડ્રિડ ઓપનમાં પહેલા રાઉન્ડની મૅચ જીતી એ સાથે રેકૉર્ડ-બુકમાં આવી ગઈ હતી. તેણે ૨૦૨૧ની યુએસ ઓપન ફાઇનલિસ્ટ લેલા ફર્નાન્ડેઝને ૬-૩, ૬-૪થી હરાવી હતી. તે ડબ્લ્યુટીએ-૧૦૦૦ ટુર્નામેન્ટમાં મૅચ જીતનારી ત્રીજા નંબરની સૌથી યુવાન ખેલાડી છે. તે ડબ્લ્યુટીએ વર્લ્ડ રૅન્કિંગ્સના ટોચના ૩૦૦ ખેલાડીઓમાં યંગેસ્ટ છે.
અલી સામે લડનાર બૉક્સર કૌર સિંહનું થયું નિધન
૧૯૮૦માં બૉક્સર મુહમ્મદ અલી સાથે ચાર રાઉન્ડના એક્ઝિબિશન મુકાબલામાં ઊતરનાર અને ૧૯૮૨ની દિલ્હીની એશિયન ગેમ્સમાં હેવીવેઇટ બૉક્સિંગનો ગોલ્ડ મેડલ જીતનાર કૌર સિંહનું લાંબી માંદગી બાદ ગઈ કાલે હરિયાણાના કુરુક્ષેત્રમાં અવસાન થયું હતું. તેઓ ૭૪ વર્ષના હતા. કૌર સિંહ ભૂતપૂર્વ લશ્કરી જવાન હતા અને ૧૯૮૨માં તેમને અર્જુન અવૉર્ડ તથા ૧૯૮૩માં પદ્મશ્રી એનાયત કરાયો હતો. તેમણે ઑલિમ્પિક ગેમ્સમાં પણ ભાગ લીધો હતો.
ગુજરાતમાં પહેલી વાર ઇન્ડિયન વિમેન્સ લીગ
અમદાવાદમાં ઑલ ઇન્ડિયા ફુટબૉલ ફેડરેશન દ્વારા આયોજિત ઇન્ડિયન વિમેન્સ લીગ (આઇડબ્લ્યુએલ)નો આરંભ થયો છે. ગુજરાતમાં પહેલી વાર આ ફુટબૉલ સ્પર્ધા યોજાઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં ૧૬ ટીમ ભાગ લઈ રહી છે અને બધી મૅચ શાહીબાગ પોલીસ હેડક્વૉર્ટર સ્ટેડિયમમાં અને કાંકરિયા ટ્રાન્સસ્ટેડિયા ફુટબૉલ મેદાન પર રમાય છે. અમદાવાદમાં દેશ-વિદેશની ૪૦૦ જેટલી મહિલા ખેલાડીઓ આવી છે. વિજેતા ટીમ એશિયન ફુટબૉલ કૉન્ફેડરેશન વિમેન્સ ક્લબ ચૅમ્પિયનશિપમાં રમી શકશે. સિલેક્ટર પ્લેયર્સને ફિફા વર્લ્ડ કપ ક્વૉલિફાયર માટેની ભારતીય વિમેન્સ ટીમમાં સામેલ થવાનો મોકો મળશે.