પાકિસ્તાનના અર્શદ નદીમને આમંત્રણ આપવા બદલ ધિક્કાર અને અપમાનનો સામનો કરનાર નીરજ ચોપડાએ ઇમોશનલ પોસ્ટમાં લખ્યું...
નીરજ ચોપડા
ભારતના ઑલિમ્પિક મેડલિસ્ટ જૅવલિન થ્રોઅર નીરજ ચોપડાને એક ઇવેન્ટ માટે પાકિસ્તાનના અર્શદ નદીમને ભારત આવવાનું આમંત્રણ આપવા બદલ ધિક્કાર અને અપમાનનો સામનો કરવો પડી રહ્યો છે. પહલગામ હુમલા પહેલાં નીરજ તરફથી ૨૪ મેના રોજ બૅન્ગલોરમાં આયોજિત નીરજ ચોપડા ક્લાસિકમાં રમવા માટે અર્શદ નદીમને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેને તેણે હાલમાં વ્યસ્ત કાર્યક્રમને કારણે નકાર્યું હતું.
ટ્રોલિંગથી દુખી થઈને નીરજે સોશ્યલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શૅર કરી છે. તેણે લખ્યું છે, ‘નીરજ ચોપડા ક્લાસિકમાં ભાગ લેવા માટે અર્શદ નદીમને મેં આપેલા આમંત્રણ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે અને એમાંથી મોટા ભાગની વાતો ઘૃણાસ્પદ અને અપમાનજનક છે. તેમણે મારા પરિવારને પણ બક્ષ્યો નહીં. હું સામાન્ય રીતે વધારે બોલતો નથી, પણ એનો અર્થ એ નથી કે હું ખોટાં કામો સામે નહીં બોલું. એ પણ જ્યારે મારા દેશ પ્રત્યેના પ્રેમ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હોય અને મારા પરિવારનું સન્માન જોખમમાં હોય. મેં અર્શદને જે આમંત્રણ મોકલ્યું એ એક પ્લેયર તરફથી બીજા પ્લેયરને મોકલવામાં આવ્યું હતું. આનાથી વધુ કે ઓછું કંઈ નહીં. આ ઇવેન્ટનો ઉદ્દેશ ભારતમાંથી શ્રેષ્ઠ પ્લેયર્સને બહાર લાવવાનો અને આપણા દેશમાં વિશ્વકક્ષાની રમતગમતની ઇવેન્ટનું આયોજન કરવાનો છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના બે દિવસ પહેલાં, સોમવારે બધા પ્લેયર્સને આમંત્રણ મોકલવામાં આવ્યાં હતાં. છેલ્લા ૪૮ કલાકમાં જે બન્યું એ પછી અર્શદનો આ ઇવેન્ટમાં રમવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. મારો દેશ અને એનાં હિતો હંમેશાં પહેલાં આવે છે. મારી સંવેદના અને પ્રાર્થના તે લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. સમગ્ર દેશની સાથે હું પણ દુખી અને ગુસ્સે છું.’
ADVERTISEMENT
નીરજની મમ્મીને પણ લોકો બનાવી રહ્યા છે નિશાન
પૅરિસ ઑલિમ્પિક્સમાં જૅવલિન થ્રો ઇવેન્ટમાં પાકિસ્તાનનો નદીમ ગોલ્ડ અને ભારતનો નીરજ સિલ્વર મેડલ જીત્યા હતા. ત્યારે નીરજ ચોપડાની મમ્મી સરોજ દેવીએ નદીમને પણ પોતાનો પુત્ર ગણાવ્યો હતો. આ વિશે નીરજે લખ્યું કે ‘મને સમજાતું નથી કે લોકોના સૂર કેવી રીતે બદલાય છે. એક વર્ષ પહેલાં જ્યારે મારી મમ્મીએ એક નિર્દોષ નિવેદન આપ્યું હતું ત્યારે તેમની બધે પ્રશંસા થઈ હતી. આજે લોકો તેમના જ નિવેદન માટે તેમને નિશાન બનાવી રહ્યા છે. હું આટલાં વર્ષોથી ગર્વથી મારા દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું અને મારી પ્રામાણિકતા પર ઊઠી રહેલા પ્રશ્નોથી મને દુઃખ થાય છે. મને દુઃખ છે કે જે લોકો મને અને મારા પરિવારને કોઈ કારણ વગર નિશાન બનાવી રહ્યા છે તેમને મારે સ્પષ્ટતા આપવી પડી રહી છે. હું વધુ મહેનત કરીશ જેથી દુનિયા ભારતને યાદ રાખે અને એને આદરથી જુએ.’

