સિંગલ્સમાં બની ચૅમ્પિયન : નૅશનલ ગેમ્સ માટેની ગુજરાત સરકારની વ્યવસ્થાથી ખૂબ જ પ્રભાવિત

ઝીલ દેસાઈ
અમદાવાદમાં ગઈ કાલે ગુજરાતની ટેનિસસ્ટાર ઝીલ દેસાઈએ નૅશનલ ગેમ્સમાં સિંગલ્સનો ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ ફરી રોશન કર્યું હતું. તે ફાઇનલમાં કર્ણાટકની શ્રર્મદા બાલુ સામે ૬-૨, ૩-૨થી આગળ હતી ત્યારે બાલુએ પગની ઘૂંટીની ઈજાને કારણે મૅચમાં વધુ રમવાનું છોડી દેતાં ઝીલને ચૅમ્પિયન જાહેર કરવામાં આવી હતી. બાલુ સિલ્વર મેડલ વિજેતા બની હતી, જ્યારે બંગાળની યુબ્રાની બૅનરજી અને મહારાષ્ટ્રની રુતુજા ભોસલે બ્રૉન્ઝ મેડલ વિજેતા જાહેર કરાઈ હતી.
ખરેખર તો ઝીલ દેસાઈએ ગુજરાતને ટેનિસનો વિમેન્સ સિંગલ્સનો ગોલ્ડ મેડલ રીટેન કરાવી આપ્યો છે. ઝીલ ગોલ્ડ મેડલ જીતવા માટે હોમ-ફેવરિટ હતી. પુરુષોની ટેનિસમાં સિંગલ્સનો ગોલ્ડ મેડલ તામિલનાડુના મનીષ સુરેશકુમારે જીતી લીધો હતો. તેણે ફાઇનલમાં મહારાષ્ટ્રના અર્જુન કઢેને ૨-૬, ૬-૧, ૬-૩થી હરાવ્યો હતો. કર્ણાટકના એસ. ડી. પ્રજ્વલ દેવ અને જી. મનીષને બ્રૉન્ઝ મેડલ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
ગોલ્ડ મેડલ જીતવા બદલ મને બેહદ ખુશી થઈ છે. હોમ-ટર્ફ પર મને જે ભરપૂર સપોર્ટ મળ્યો એને લીધે આ મારો સ્પેશ્યલ ડે બની ગયો. હું અમદાવાદની ગરમીથી ટેવાયેલી છું એટલે મને હરીફો સામે રમવામાં ખાસ કોઈ તકલીફ નહોતી થઈ. ગુજરાતમાં નૅશનલ ગેમ્સના આયોજન વિશે વખાણ કરું એટલાં ઓછાં છે. અહીંની તૈયારીઓ અને વ્યવસ્થાઓ વિદેશોમાં મેં જોયેલી વ્યવસ્થાની બરાબરીમાં જ છે. રાજ્ય સરકારે માત્ર ત્રણ મહિનામાં તમામ ફૅસિલિટીઝ અને અરેન્જમેન્ટ્સ તૈયાર કરી એ જોઈને હું ગૌરવ અનુભવું છું. : ઝીલ દેસાઈ