મહિલાઓમાં મહારાષ્ટ્ર, બંગાળ નૅશનલ ગેમ્સની સેમી ફાઇનલમાંઃ પુરુષોમાં હરમીતની આગેવાનીમાં ગુજરાતનો જયજયકાર

સુરતમાં નૅશનલ ગેમ્સના શ્રીગણેશ
સાત વર્ષે ફરી યોજાઈ રહેલી નૅશનલ ગેમ્સના આયોજનનો અવસર ગુજરાતને મળ્યો છે અને એની વિધિવત્ શરૂઆત મંગળવાર, ૨૭ સપ્ટેમ્બરે થવાની છે, પરંતુ શેડ્યુલ મુજબ ૩૬માંથી અમુક રમતોની હરીફાઈઓ વહેલી શરૂ કરી દેવામાં આવી છે અને એના ભાગરૂપે ગઈ કાલે સુરતમાં વિમેન્સ ટેબલ ટેનિસ ટીમ ઇવેન્ટ યોજાઈ હતી જેમાં ટૉપ-સીડેડ મહારાષ્ટ્ર તથા પશ્ચિમ બંગાળે જીતીને સેમી ફાઇનલમાં સ્થાન લગભગ પાકું કરી લીધું હતું.
મહારાષ્ટ્રની દિયા ચિતલેએ ગુજરાતની ફ્રેનાઝને ૧૧-૯, ૧૧-૬, ૧૨-૧૦થી હરાવી હતી. સ્વસ્તિકા ઘોષ અને રીથ ટેનિસને પણ જીત મેળવી હતી. બંગાળની ખેલાડીઓએ તામિલનાડુ તથા કર્ણાટક સામે જીત મેળવી હતી.
જોકે પુરુષ વર્ગમાં ગુજરાતે હરિયાણાને હરાવીને વિનિંગ સ્ટાર્ટ કર્યું હતું. કૉમનવેલ્થના ગોલ્ડ મેડલિસ્ટ હરમીત દેસાઈના સુકાનમાં ગુજરાતે હરિયાણાને ૩-૦થી હરાવી દીધું હતું. હરમીતને આ જીતમાં માનવ ઠક્કર અને માનુષ શાહનો સુંદર સાથ મળ્યો હતો. હરમીતે સૌમ્યજિત ઘોષને ૧૧-૯, ૯-૧૧, ૧૧-૩, ૧૧-૯થી હરાવ્યો હતો. માનવે વેસ્લીને ૧૧-૪, ૧૧-૪, ૧૧-૨થી અને માનુષે જુબિનને ૧૨-૧૦, ૧૦-૧૨, ૧૨-૧૦, ૧૧-૮થી પરાજિત કર્યો હતો.પુરુષોમાં પણ મહારાષ્ટ્રની ટીમે ઉત્તર પ્રદેશને હરાવી હતી.